Tuesday, 8 September 2020

GDP NEGATIVE, DECREASE UNEXPECTED, NOW INCREASE TOUGH...ALTHOUGH AUGUST P.M.I FIGURE HOPEFUL. .


નેગેટિવ જીડીપી,  ઘટાડો `અનપેક્ષિત',  વધારો `અગ્નિપથ'

આ ચીનથી શરૂ થયેલી કોરોના મહામારીએ લગભગ બધાં ક્ષેત્રને માર આપી. બહુ જૂજ ક્ષેત્ર તેમાંથી બચી શક્યાં, પરંતુ આર્થિક વિકાસનો પાયાનો માપદંડ કહેવાય છે એ જીડીપીનો આંક ધારણા બહારનો હતો. લોકડાઉનનો મુખ્ય સમયગાળો હતો એ એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળા (2020-21)નો જીડીપી આંક વીતેલા સપ્તાહના આરંભે જાહેર થયો ને ભલભલા વિશ્લેષકો, રેટિંગ એજન્સીઓની ગણતરી ખોટી પડી.

મહામારીની અસરોનું આકલન થવાનું શરૂ થયું ત્યારથી જ ખરાબ પરિણામની ધારણા તો બધાને હતી જ, પરંતુ ચીન અને ભારતમાં સૌથી ઓછી અસર થશે એમ મનાતું હતું. તેના સ્થાને ઉલટું ભારત વિશ્વમાં સૌથી નકારાત્મક જીડીપી આંક સાથે બહાર આવ્યું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગત વર્ષના `પોઝિટિવ' 5.2 ટકા સામે `નેગેટિવ' -23.9 ટકા અંદાજવામાં આવ્યો. 1996માં ભારતે વિકાસદરનો આંક ત્રિમાસિક જાહેર કરવાનું શરૂ કર્યું?ત્યારથી આ સૌથી મોટો ધક્કો છે.

આ આંક જાહેર થયા પછી બહાર આવીને નાણા મંત્રાલયનું નિવેદન આવ્યું કે, ટૂંકાગાળાની અસર છે, `વી' શેપ સુધારો આવી જશે પણ અપેક્ષા કરતાં લાગેલો આ ઝટકો `મોટો' છે અને સુધારાનો માર્ગ કઠિન છે. મોદી સરકાર માને કે નહીં, પરંતુ અત્યારે દેશમાં રોજના 80,000 આસપાસ નવા કોરોના દર્દી નોંધાય છે, હા, મૃત્યુદર ઓછો છે, પણ એ હકીકત છે કે રાતોરાત એકીઝાટકે ભારતમાં લાદવામાં આવેલું લોકડાઉન સખત હતું અને ચીન જેવા દેશની સરખામણીએ લાંબુ અને દેશવ્યાપી હતું. એની ધારણાથી વધુ કિંમત દેશ ચૂકવી  રહ્યો છે.

જીડીપી જેનાથી નક્કી થાય એ મહત્ત્વનાં પરિબળોમાં જાહેર વહીવટી સેવાનું પ્રતિનિધિત્વ કરતો સરકારી ખર્ચ?પણ 10.3 ટકા ઘટયો. લાખો લોકો બેકાર થયા અને હજુ કંપનીઓ દ્વારા દેવાળું ફુંકવાના કે, કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાના કે, પગારમાં એકીઝાટકે 20થી 50 ટકાના કાપના સમાચારો અટક્યા નથી. અર્થતંત્રનું આ ચક્કર અટકતાં અંતે સામાન્ય નાગરિકે ઘણું સહન કરવાનું આવ્યું છે. લોકોની ખપત, વપરાશ, ખરીદશક્તિ ઘટી, માંગ ઘટી અને છેવટે ઉત્પાદન અને રોકાણ ઘટયું. સર્વગ્રાહી જીડીપી આંક આ અસરોનું પ્રતિબિંબ છે. હા, સારું ચોમાસું, સારો રવિ-ખરીફ પાક તેમજ લોકડાઉનમાં પણ દેખીતી રીતે સક્રિય રહેલાં કૃષિ ક્ષેત્રએ લાજ રાખી 3.2 ટકાનો વિકાસ નોંધાવ્યો.

હવે માર્ગ `અઘરો' છે, રાજકોષીય અને નાણાકીય પ્રયાસો ચોક્કસ થયા છે, પણ પૂરા સફળ નથી. 20 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજના ભાગરૂપ લોન યોજનાઓ છે, પણ, બેંકો અને બિનબેંકોની નાણાકીય સંસ્થાઓને રોકડની કમી તો કોરોનાકાળ અગાઉથી જ છે. એનપીએ સંકટથી વિશ્વાસ અટકેલો છે. મોરેટોરિયમ(હપ્તા ન ચૂકવવાની છૂટ)ના સમયમાં વ્યાજ ચૂકવણી મામલે સુપ્રીમમાં કેસ પડતર છે. ભારતનો જીડીપી આંક આમેય ઘટતો હતો. માત્ર સમાન રીતે પહેલા ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો 2020 -23.9થી પહેલાં 2019માં +3.2 ટકા, 2015માં +8.2 ટકા હતો. કોરોના સંકટ પછીની સ્થિતિ તો ભારતમાં મંદીની સ્થિતિ પર પડયા પર પાટુ સમાન છે અને પરિણામે સીધો 20.7 ટકા (+3.2 ટકામાંથી -23.9)ના પગથિયાં ઊતરી ગયો.

હવે 2020-21ના વર્ષ દરમ્યાન જ હકારાત્મક પથ પર આવી જશે કે કેમ તેની ચર્ચા છે. ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર છે. વડાપ્રધાનનું સપનું તો 5 લાખ કરોડનું અર્થતંત્ર બનાવવાનું છે, પણ મોટાભાગના સ્વીકારે છે કે, ઘણી મોટી સમસ્યા છે. લાંબો સમય લાગશે.

એસબીઆઇ રિસર્ચે તો તેના છેલ્લા હેવાલમાં કહ્યું કે, બીજા ત્રિમાસિક ગાળા (જુલાઇ-સપ્ટેમ્બર)માં -12થી -15 ટકા, ત્રીજામાં -5થી -10 ટકા અને વર્ષના અંતે   -2થી -5 ટકા જીડીપી રહેવા અનુમાન છે. વર્ષનો 

વાસ્તવિક જીડીપી -10.9 ટકા રહેશે.    હવે ઓગસ્ટના આંકડાથી આશા

છેલ્લે, શુક્રવારે જાહેર થયેલી ઓગસ્ટ મહિનાની માસિક આર્થિક સમીક્ષાએ નવી આશા જગાવી.  નાણા મંત્રાલયે ઝડપથી અર્થતંત્ર પાટા પર આવી જશે તેવી આશા વ્યક્ત કરી. આ તર્કની પાછળ માનવાનું કારણ એ છે કેજૂનની સરખામણીએ સપ્ટેમ્બરના પ્રારંભ એટલે કે અનલોક-4 સુધીમાં બધું પૂર્વવત થઇ ગયું છે.  સોમવારે મેટ્રો સહિતની સેવા ખૂલશે. કૃષિ પછી ઔદ્યોગિક ઉત્પાદનનો આંક પણ વધ્યો છે. લોકડાઉન પછી ઓગસ્ટ એવો પહેલો મહિનો રહ્યો જેમાં પીએમઆઇ (પર્ચેઝિંગ મેનેજમેન્ટ ઇન્ડેક્સ) 52.5 ટકા રહ્યો. જ્યારે આ ભાવાંક અડધાથી (50 ટકા)થી ઉપર જાય ત્યારે ગ્રોથ દર્શાવે છે એમ મનાય છે. આ ભાવાંક  ઓર્ડર, ઇન્વેન્ટરી, ઉત્પાદન, પુરવઠો અને રોજગાર વાતાવરણ એમ પાંચ બાબતોને સાંકળી લઇને અપાય છે એટલે સુધારાની આશાનો ઇન્કાર ન થઇ શકે.

બધો દોષ કોરોનાનો નથી કે નથી લોકડાઉનનો, સંજોગ મજબૂરીના હતા, પરંતુ સરકાર પણ જવાબદારીમાંથી છટકી ન શકે. કોરોનાકાળથી આગળના ત્રણ વર્ષમાં પણ જીડીપીથી મોંઘવારીની સાથે તુલના કરતાં વાસ્તવિક વૃદ્ધિદર તો ઘટતો જ હતો. જોખમી પાસું એ છે કે, અર્થતંત્રની બગડતી હાલતનો  ખુલ્લીને સ્વીકાર કરાતો નથી. જ્યાં સુધી લોકોખપત નહીં વધે ત્યાં સુધી માંગ નહીં વધે. હજુ પ્રવાસન ક્યાં ખુલ્યું છે ? હોટલો મોડી ખૂલી છે. નોકરિયાતના હાથમાં જ નાણાં નહીં હોય તો ટેક્સ શું ભરશે ? આમ હજુ ઘણા સવાલો ઊભા છે. આ ખાડો ભરવાનો છેપણ આશા રાખીએ કે, ચીન જેવું થાય અને `માઇનસ'માંથી `પ્લસ' સુધી જાય.

બધા દેશ `શૂન્ય' નીચે, પણ ભારત તળિયે

અલગ અલગ દેશોએ તાજેતરમાં તેમના નિયમો હેઠળ જાહેર કરેલા ત્રિમાસિક જીડીપીના આંકમાં આ મહામારીની અસરમાંથી કોઇ દેશ ભલે બાકી રહ્યો નથી, પણ ભારતની સ્થિતિ સૌથી ખરાબ બનીને બહાર આવી છે. એકમાત્ર ચીને `પોઝિટિવ' નિશાન સાથે શૂન્યથી ઉપર એપ્રિલથી જૂનના સમયગાળા સાથે 3.2 ટકાનો વિકાસદર નોંધાવ્યો છે. બાકી તમામને ફટકો લાગ્યો છે. ભારત -23.9 ટકા પછી યુકે અને સ્પેન અનુક્રમે -21.7 ટકા અને -22.1 ટકા સાથે સૌથી વધુ ફટકામાં સામેલ છે.

આશ્ચર્યની વાત એટલા માટે છે કે વિશ્લેષકોએ ગાઇ-વગાડીને કહ્યું હતું કે, ચીન અને ભારત શૂન્યથી ઉપર રહેશે. ભલે એક-બે ટકા, પણ ભારત તો વિશ્વમાં અત્યાર સુધી છેલ્લે રહેલાં અમેરિકાથી પાછળ થઇ ગયું. ચીને આગલા ત્રિમાસિક ગાળામાં -6.8 ટકા ઘટાડો નોંધાવ્યો હતો, પણ જૂન અંતમાં આંકમાં +3.2 ટકામાં આવી ગયું, એ ભારત પણ પાછું જલ્દી હકારાત્મક વૃદ્ધિદરમાં પાછું ફરશે તેવી આશા જગાવે છે. જ્યારે સમગ્ર વિશ્વ લોકડાઉન તરફ વળતું હતું ત્યારે ચીને માત્ર વુહાન શહેર સિવાય લોકડાઉન મૂકી દીધું. આ વાતાવરણનો લાભ મળ્યો અને આ દરમ્યાન આયાત-નિકાસમાં વધારો આવી ગયો. જ્યારે ભારતે તબક્કાવાર લોકડાઉન ઉઠાવ્યું છે એટલે જલ્દી વૃદ્ધિ નોંધાવશે એમ કહેવું અઘરું છે.