There is no crisis of oxygen in kutch.Every day 8 thosaund oxygen cylinder refilled in kutch.
ઓક્સિજનમાંગ ચાર ગણી વધી; ઉત્પાદન વધ્યું; પણ, વિતરણમાં ખામી
કોરોનાના 15થી 20 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે : પહેલાં દેશની ખપત પ્રમાણે કંપનીઓ 15 ટકા મેડિકલ ઓક્સિજન બનાવતી બાકી ઔદ્યોગિક;
હવે 409 હોસ્પિટલો તો જાતે કરે છે ઉત્પાદન : ભારત પાસે ક્ષમતા પૂરતી છતાં સમસ્યા
ભારતમાં પહેલો કોવિડ-19નો પોઝિટિવ કેસ 30મી જાન્યુઆરીમાં આવ્યો, પરંતુ આ ફેફસાંની બીમારીમાં કેસો વધશે તો દેશમાં ઓક્સિજનની કેટલી ખપત વધશે તેની ગંભીરતા ત્યારે નહોતી. આજે કોવિડના સમય પહેલાં હોસ્પિટલમાં વપરાતા મેડિકલ ઓક્સિજનમાં ભારતના કુલ વપરાશ કરતાં ચારગણી જરૂરિયાત વધી ગઇ છે. દેશમાં ઉત્પાદન ક્ષમતાની કમી નથી. ગત સપ્તાહે જ ઉત્તરપ્રદેશમાં 200 ટનની દૈનિક ઉત્પાદન ક્ષમતાના એર સેપરેશન ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. જે ઉત્પાદન થાય છે તેમાં મેડિકલની જરૂરિયાતનો હિસ્સો માત્ર 15 ટકા હતો. બાકી, સ્ટીલ અને ઓટોમોબાઇલ ઉદ્યોગોમાં બ્લાસ્ટ ફર્નેસ અને વેલ્ડિંગના કામોના ઔદ્યોગિક ગેસનો ઉપયોગ થતો, પછી લોકડાઉન આવ્યું અને તમામ ઉત્પાદનો પર અસર પડી. સરકાર ખરેખરી એપ્રિલમાં જાગૃત થઇ અને ગેસ કંપનીઓ સાથે બેઠક થઇ. જમ્મુ-કાશ્મીર, આંદામાન- નિકોબારમાં એકપણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની કંપની નથી એ બધું બહાર આવ્યું. પછી રાજ્યો વચ્ચે વિતરણ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો. કેટલાક રાજ્યોએ ઓક્સિજન લઇ જતા ટેન્કરોને `એમ્બ્યુલન્સ'ની જેમ કોઇ અવરોધ વિના જવા દેવા સૂચના આપી. ઔદ્યોગિકને બદલે મેડિકલ ઓક્સિજનું જ મહત્તમ ઉત્પાદન કરવા કંપનીઓને આદેશ અપાયા. મહારાષ્ટ્ર સરકારે પુરવઠો માત્ર પોતાના રાજ્યમાં રહે એટલે મધ્યપ્રદેશ જતા ટેન્કરોને અટકાવ્યા એટલે હોબાળો થયો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ આદેશ જારી કરવો પડયો કે, પોતાના રાજ્યાં ઉત્પાદિત ઓક્સિજનને બીજા રાજ્યમાં જતું અટકાવી શકાય નહીં. આમ, વિવિધ આદેશોથી છેલ્લા ઉપલબ્ધ આંક મુજબ સ્થિતિ એવી છે કે, માંગ વધવાની સાથે ઉત્પાદન વધી ગયું છે. દેશમાં સરપ્લસ ઓક્સિજન છે. 409 સરકારી હોસ્પિટલોએ પોતાના પ્લાન્ટ શરૂ કરી દીધા છે. પરંતુ ઓક્સિજનની કમીના લીધે મૃત્યુ થવાના સમાચાર વાંચવા મળે છે, એ ઇન્વેન્ટરી પ્રબંધન કે વિતરણ વ્યવસ્થામાં ઘણી ખામી સૂચવે છે.
દૈનિક 2800 ટન ઓક્સિજનનો વપરાશ
કોરોના મહામારી સામે લડવા ઓક્સિજન સંજીવની છે. કોવિડ સમય પહેલાં દેશમાં દૈનિક 750 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. હવે કોરોનાગ્રસ્ત અને એ સિવાયના પણ દર્દી મળીને કુલ 2800 મેટ્રિક ટન આ મેડિકલ ઓક્સિજનનો વપરાશ છે. ગત મહિને સપ્ટેમ્બરના જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં કુલ 6900 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા છે. સામે 2800 ટન ઓક્સિજન કોરોના સહિતના દર્દીઓની સારવારમાં વપરાય છે. બાકી 2200 ટન ઉદ્યોગોમાં વપરાશ થાય છે. દૈનિક 1900 ટન વધુ ઉત્પાદન કે સંચય થતો હોવાનો સરકારી આંકમાં દાવો છે. આનાથી એ ચોખ્ખું સાબિત થાય છે કે ઓક્સિજનમાં નહીં, વિતરણ પ્રબંધનમાં મુશ્કેલી છે. ઉત્પાદન ક્ષમતા તો ત્રણ ગણી છે. ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ હજુ વધુ ઘટાડી શકાય.
કંપનીઓની સંખ્યા જોવામાં આવે તો દેશમાં પાંચ મોટી અને 600 નાની કંપનીઓ ઓક્સિજન બનાવે છે. 409 હોસ્પિટલ જાતે ઓક્સિજનનું નિર્માણ કરે છે. ઓક્સિજન સિલિન્ડરનો પુરવઠો પૂરો પાડવા માટે 1050 ટેન્કર ઉપલબ્ધ છે.
આ વ્યવસ્થાથી દેશમાં નિયત કરવામાં આવેલી 3500થી વધુ કોવિડ-19 હોસ્પિટલોના ઓક્સિજન લાગેલા 1,35,000 બેડ માટે પુરવઠો પૂરો પાડે છે. જ્યારે મે મહિનાના આંકડા મુજબ સરકાર હસ્તક 4.38 લાખ ઓક્સિજન માટેના સિલિન્ડરો હતા. ગત મહિને જ મહામારીને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે 5 લાખ સિલિન્ડરો બનાવવાનો કંપનીઓને ઓર્ડર આપ્યો છે, પણ સમસ્યાનું કારણ સંકલનનો અભાવ સ્પષ્ટ છે, નિર્વિરોધ સપ્લાય ચેઇન નથી.
ઓક્સિજનની મહત્તમ કિંમત વધી
ઓક્સિજનની સતત ખપત વધતાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના અંતમાં દિશાનિર્દેશ જારી કરવા પડયા હતા કે દર્દીમાં સેચ્યુરેશન લેવલ 94/95 હોય તો ઉપયોગ ન વધારવો. રાજ્ય સરકારો નજર રાખે ! આ સ્થિતિ કટોકટી સૂચવે છે. કંપનીઓ દ્વારા નફાખોરી ન થાય એ માટે અંતે ભાવબાંધણું જાહેર કરાયું. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટીએ જાહેર કર્યું કે હવે દૈનિક ત્રણેક હજાર ટન ઓક્સિજન વપરાશ છે ત્યારે પ્રવાહી મેડિકલ ઓક્સિજનની મહત્તમ કિંમત પ્રતિ હજાર લિટરે રૂા. 15.22 અને સિલિન્ડર ભરનારા માટે પ્રતિ હજારે રૂા. 25.71 ઉપરાંત જીએસટીનો ભાવ રહેશે. આ દર વધારાથી ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દી પર અસર પડશે.