Friday, 6 August 2021

The aviation sector collapsed in the recession, But, The Indian Buffet's Sky Game... Takeoff of Zoonzoonwala...

સ્વદેશી એરલાઇન્સથી ઝુનઝુનવાલાનું ટેઇક ઓફ....


મંદીમાં ધરાતલ ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતીય બફેટનો આસમાની દાવ ; કેટલો ક્રાંતિકારી ?


છેલ્લા દાયકામાં `બોઇંગ'ને બદલે `એરબસ' સાથેની સસ્તી વિમાની સેવાનું ચલણ વધ્યું છે અને કોરોના પછી હવે મુસાફરોની સંખ્યા વધવા સાથે સ્થિતિ સુધરે છે : ભાવ ઘટાડાની હરીફાઇ વધશે

 -દિવ્યેશ વૈદ્ય

 

કોરોના મહામારીમાં અન્ય ક્ષેત્રો કરતાં એવિયેશન (ઉડ્ડયન) ક્ષેત્ર બહુ પિટાઈ ગયું. જાહેરક્ષેત્રની કંપની એર ઈન્ડિયાનું તો ડિસઈન્વેસ્ટમેન્ટ (વેચાણ) થવાનું છે, ખરીદનાર મળે ત્યારે. ર01પથી અત્યાર સુધીમાં એર ઈન્ડિયાએ તેની 17પ મિલ્કતો 738 કરોડમાં વેચી નાખી છે. એક તબક્કે દેશના બીજા ક્રમની એરલાઈન્સ સુધી ઉપર ચઢી ગયેલી કિંગફિશર 2012માં   બંધ થઈ ગઈ. તો ર019થી જેટ એરવેઝના ઉડ્ડયનો બંધ છે. જોકે હવે છેલ્લા એક મહિનાથી હકારાત્મક સમાચારો મળી રહ્યા છે અને આ સુધરતા ક્ષેત્રમાં ભારતના `વોરેન બફેટ' ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ ગત સપ્તાહે પોતાની કંપની ઉભી કરીને આ સેકટરમાં હાથ નાખવાની જાહેરાત કરતાં ભારતીય બિઝનેસ જગતમાં હલચલ મચી ગઈ છે. કારણકે, ઝુનઝુનવાલા જયારે કોઈ શેર ખરીદે છે તેની પાછળ રોકાણકારો તૂટી પડે છે. 

જોકે હવે એવિયેશન સેકટરની સ્થિતિ સુધરી રહી છે. જેટ એરવેઝના વિમાનો થોડા સમયમાં ઉડ્ડયન કરશે. એર ઈન્ડિયાએ વધારાની આંતરરાષ્ટ્રીય ફલાઈટો પહેલી ઓગસ્ટથી શરૂ કરવાની જાહેરાત કરી છે અને  અમેરિકામાં જવા માંગતા ભારતીયો છાત્રો માટે ફલાઈટને બે ગણી કરી દેવાની જાહેરાત કરી છે. તો, ઈન્ડિયન એરલાઈન્સે પણ દુબઈ સહિતના દેશોનું બુકિંગ જુલાઈમાં શરૂ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મોર્ગન સ્ટેનલીએ આશા વ્યકત કરી છે કે, ભારતમાં કોવિડ-19 પહેલાંની મુસાફરોની સંખ્યાના 80?ટકાના આંકને એવિએશન સેકટર ઓકટોબર સુધીમાં સ્પર્શ કરી જશે. એટલે કે, લગભગ સ્થાનિક મુસાફરોની સંખ્યા ર0રરના નાણાકીય વર્ષમાં 9.ર0 કરોડને સ્પર્શી જશે, જયારે ર0ર7માં આ સંખ્યા 14.4 કરોડને પાર પહોંચી જશે. આ બદલાતા સંજોગોમાં ભારતીય રોકાણકારોમાં પ્રિય સલાહકાર અને વર્તમાન `િબગબુલ' ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ મોટો `આસમાની' દાવ ખેલ્યો છે. તેઓ 40 ટકા પોતાની મૂડી રોકાણ સાથેની, એટલે કે, લગભગ 3.પ0 કરોડ અમેરિકી ડોલર (લગભગ ર60 કરોડ રૂપિયા) સાથેના રોકાણ સાથે નવી `અકાસા એરલાઈન્સ' કંપની ઉભી કરશે. જેમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલી ટોચની હસ્તીઓને રોકાણ કે મેનેજમેન્ટમાં સામેલ કરશે. તેમણે તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ આ સસ્તા દરની વિમાની મુસાફરી સેવા હશે. 

આ જાહેરાત પછી દેશના બિઝનેસ ક્ષેત્રમાં મોટી ચર્ચા છેડાયેલી છે કે, અત્યારે એરલાઈન્સ ઉદ્યોગ મરણતોલ સ્થિતિએ છે તે ત્યારે ઝુનઝુનવાલા જેવા રોકાણકાર આ ક્ષેત્રમાં આ મોટું સાહસ કેમ કરે છે? કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે, હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાતિ આવી રહી છે. એક બાજુ સરકાર નવા-નવા નાના શહેરોને પણ વિમાની સેવા માટે જોડવાની વાત કરે છે, અને એ માટે માળખાકીય સુવિધા આપવાની જાહેરાત કરે છે, એરપોર્ટનું ખાનગીકરણ ચાલુ છે, ત્યારે બદલાવના સમયમાં ઝુનઝુનવાલાની નવી `અલ્ટ્રા કોસ્ટ' એરલાઇનની સ્થાપના ક્રાંતિનો સંકેત છે. બીજું, ભારતમાં બોઇંગ કંપની પુનર્જીવિત થશે. કારણ કે, `અકાસા એર'ની યોજના આગામી 4 વર્ષોમાં  180 સીટ સાથેના 70 વિમાન ખરીદવાની છે. વિમાન બનાવતી વિદેશી કંપનીઓને પણ ભારતમાંથી ફાયદો થવાની આશા જાગી છે.

મંદીના આલમ વચ્ચે આ સ્વદેશી કંપનીના એલાનથી એવી પણ આશા જાગી છે કે, હવાઇ ભાડાંમાં  મોટો ઘટાડો આવશે. જૂની કંપનીઓ ભલે શરૂ થશે પરંતુ તેઓ પહેલાંથી `દેવાં'ના બોજ નીચે કચડાયેલી છે. રોકડની કમી છે. જ્યારે આ નવી કંપની ભાડાં ઘટાડી હરીફાઇને ઉત્તેજન આપશે અને બજાર પર કબજો મેળવવામાં સફળતા મેળવી શકે છે.  હવે વૈશ્વિક અને ભારતીય અર્થતંત્ર પાટે ચડી ગયું છે ત્યારે આ સાહસને  આશ્ચર્ય નથી મનાતું બલ્કે સમય પરનો આસમાની દાવ  મનાય છે. લોકો સસ્તા દરની વિમાની સેવા પસંદ કરવા લાગ્યા છે.

લોકડાઉનથી પહેલા ડિસેમ્બર-2019માં  1.3 કરોડ મુસાફરોએ ઉડાન ભરી હતી. જેમાં 82 ટકાએ સસ્તી વિમાની સેવાનો ઉપયોગ કર્યો હતો. અકાસા એર જે કરવા  જઇ રહી છે એ અગાઉ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો  એરલાઇનોએ  પણ કર્યું હતું. પણ કોવિડ મહામારીના કારણે અન્ય કંપનીઓ સામે તેની સ્થિતિ ખરાબ થઇ ગઇ.

નોંધનીય છે કે, એવિએશન ક્ષેત્રને `ગ્રોઇંગ માર્કેટ' ઉભરતું બજાર કહેવામાં આવે છે. સંભાવના ઘણી છે. મોટી લોન અને બેન્કોના ભારણથી વર્તમાન એરલાઇન્સ બચવા માટે સંઘર્ષ કરી રહી છે. કેટલી ટકશે એ ખબર નથી. મોટા નવા રોકાણની આવશ્યકતા પડશે. આમાં નવું સાહસ કામ કરી પણ જાય. ધંધા-વ્યાપાર વધી ગયા છે અને આર્થિક સ્થિતિ સુધરી છે ત્યારે લોકો સમય બચાવવા  હવે એરલાઇન્સનો ઉપયોગ વધારી રહ્યા છે. આવામાં નવી કંપની વધુ કાર્યદક્ષ બની શકે છે.

બીજીબાજુ, વિમાન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની બોઇંગ માટે પણ આ એક મોટી તક છે, કારણ કે, તેમની પાસે દેશમાં `737 બોઇંગ' પ્રકારના વિમાન માટે સ્પાઇસ જેટ સિવાય કોઇ મોટી એરલાઇન્સ નથી. હવે બોઇંગનું વેચાણ વધી શકે છે. બે વર્ષ પહેલાં બોઇંગને તેના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક એવા જેટ એરવેઝના  પતન બાદ ભારતમાં કોઇ મોટો ખરીદનાર નહોતો મળતો.

ઇન્ડિગો, સ્પાઇસ જેટ, ગો ફર્સ્ટ અને એયર એશિયા જેવા ઓછા ભાડાંવાળા (એલસીસી) ભારતીય બજારમાં ચાલે છે. જેમાંથી મોટાભાગના નાના વિમાનો (એર બસ)નું સંચાલન કરે છે. કંપનીઓ વચ્ચે ભાડાં યુદ્ધને કારણે બોઇંગ વિમાનો ઘટતા જાય છે. જેટ એરવેઝના  પતન પછી ભારતમાં  બોઇંગની  ટકાવારી ઘટીને  18 ટકા થઇ ગઇ છે. એરબસનો  પ્રભાવ વધ્યો?છે. જોકે, હવે જેટ એરવેઝને નાદારીથી બચાવી લેવાયું છે અને આગામી દિવસમાં તે પણ ઉડ્ડયન શરૂ કરશે.

આ બધા વચ્ચે ઝુનઝુનવાલાની એન્ટ્રી કેવી કમાલ કરશે એ જોવાનું છે. રસ્તો અઘરો?છે અપેક્ષા વધુ છે.


`અકાસા એર'માં કોણ કોણ જોડાયા ?

-રાકેશ ઝુનઝુનવાલાનો 40 ટકા હિસ્સો 3.5 કરોડ ડોલરનું રોકાણ.

-ઈન્ડિગોના પૂર્વ ચેરમેન આદિત્ય ઘોષ દસ ટકા ભાગીદારી સાથે જોઈન્ટ ચેરમેન હશે તેઓ મેનેજમેન્ટમાં ભાગ નહીં લે પણ ઝુનઝુનવાલાના નોમિની હશે.

- જેટ એરવેઝના પૂર્વ સીઈઓ વિનય દુબે 15 ટકા ભાગીદારી સાથે `સીઈઓ' હશે. જે નવી એરલાઈનની રચના કરશે.

-`ગો એર'ના પૂર્વ રેવન્યૂ મેનેજર (વીપી) આનંદ શ્રીનિવાસ કંપનીના સીઈઓ હશે.

- જેટ એરવેઝના પૂર્વ વીપી પ્રવીણ ઐયર સીઈઓ બનશે.

-એરબીએનપી અને પાર કેપિટલ મેનેજમેન્ટ મુખ્ય રોકાણકારોમાં સામેલ છે. ઝુનઝુનવાલાને આશા છે કે 15 દિવસમાં કેન્દ્ર સરકાર તરફથી આ નવી કંપનીની મંજૂરી મળી જશે.


દેશના 54મા અમીર; આઈસીયુમાં હતા ત્યારે શેરબજારમાં કર્યું હતું ટ્રેડિંગ

મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ. અને સી.એ. થયેલા 61 વર્ષીય ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. દુનિયામાં શેરબજારમાંથી કમાણી કરનારા અબજપતિઓમાં વોરેન બફેટનું નામ લેવામાં આવે છે. જ્યારે ભારતમાં લોકો ઝુનઝુનવાલાને અનુસરે છે.

36 વર્ષ પહેલાં સેન્સેક્સ 150 પોઈન્ટ પર હતો ત્યારે ઝુનઝુનવાલા શેરબજારમાં ઉતર્યા હતા. આજે 19,910 કરોડ રૂા.ના હિસ્સા સાથે ઝુનઝુનવાલા પાસે 38 કંપનીના શેર છે અને ફોર્બ્સની અમીરોની યાદીમાં 54મા ક્રમે છે. આ સિવાય તેઓ ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ કંપની `હંગામા'ના ચેરમેનની સાથે કેટલીક કંપનીના બોર્ડમાં સામેલ છે. કેટલાક સમય પહેલાં તેમના પર  ઈનસાઈડ ટ્રેડિંગનો આરોપ પણ લાગ્યો હતો. જોકે સેબી સાથે સમાધાન યોજના દ્વારા તેમણે દંડ પણ ચૂકવી દીધો હતો.

ઈન્કમ ટેક્સ અધિકારી પિતા રાધેશ્યામના પુત્ર રાકેશને નાનપણથી ઘરમાં જ શેરબજારનું વાતાવરણ મળ્યું હતું. સી.એ. પૂરું કર્યા બાદ સીધા શેરબજારમાં ઉતર્યા હતા. 2015માં તેઓ જ્યારે બ્રીચકેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા ત્યારે પણ તેમણે બિઝનેસ ન્યૂઝ ચેનલ લગડાવી હતી અને ટેબલ-ખુરશી લગાડીને ટ્રેડિંગ કરવા બેસી ગયા હતા. પાનના શોખીન ઝુનઝુનવાલા 1985માં 5 હજાર રૂા.ના રોકાણ સાથે બજારમાં ઉતર્યા હતા અને એક વર્ષમાં 25 લાખની કમાણી કરી હતી.

............