પાંચ લાખ કરોડથી વધુનું નુકસાન ભોગવતું સેક્ટર છેલ્લા તબક્કામાં થયું ખુલ્લું : દુનિયામાં જુલાઇથી અને ભારતમાં ઓક્ટોબરથી આવી ગતિ, પણ હજુ હવાઇ-રેલવે
વ્યવહારનો પ્રશ્ન :દિવાળીની રજાનો ડોઝ ફળ્યો નહીં, હવે ડિસ્કાઉન્ટ ઓફર વચ્ચે ડિસેમ્બર અંતની રજાઓના બીજા ડોઝ પર મદાર
કોરોના મહામારીના પ્રભાવમાં શિક્ષણ ક્ષેત્ર હજુ નથી ખૂલ્યું; સિવાય કે કેટલીક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં લેવાયેલી પરીક્ષા અને મહત્ત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પણ આવી રીતે સૌથી મોડું ખૂલ્યું હોય એવું ક્ષેત્ર છે પ્રવાસન. માર્ચના અંતે લોકડાઉન પછી જુલાઇ મધ્યથી અનેક દેશોએ આ સેક્ટરમાંના પ્રતિબંધો ધીરે ધીરે હટાવવા શરૂ કર્યા. ભારતમાં ઓક્ટોબર મહિનાથી પ્રવાસને આંશિક ગતિ પકડી. દિવાળીની રજાઓ પર ઘણો મદાર હતો, પણ હજુ લોકોમાં બીમારીનો ભય છે અને ખાસ ઉડ્ડયનો સિવાય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ પર તો 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ અને સ્થાનિક એરલાઇન્સ 80 ટકા ખોલવાની ગત અઠવાડિયે જ જાહેરાત થઇ. રેલવેની મર્યાદિત ટ્રેનો ચાલે છે ત્યારે આ રજાઓનો ડોઝ ન ફળ્યો, પરંતુ હવે ક્રિસમસની રજાઓ અને `વેલકમ-2021'ની ઉજવણીઓના બીજા ડોઝ પર આ ઠપ થયેલા પ્રવાસન ક્ષેત્રને બીમારીમાંથી ઊભા થવાની ઉમ્મીદ છે. જાન્યુઆરીમાં હરિદ્વારમાં મહાકુંભ યોજાશે, પણ પહેલી દૃષ્ટિ ડિસેમ્બર છે. દર વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં લાખો પ્રવાસીઓ આવે છે અને લાખો સ્થાનિક પ્રવાસીઓ મુંબઇ, ગોવા, રાજસ્થાન જેવા સ્થાનોએ ઉજવણીઓ કરે છે. છેલ્લે ફુલ થઇ જાય છે, પણ આ વખતે 31મીના અનેક રાજ્યોમાં નાઇટ કફર્યુ, કલમ 144 જેવા પ્રતિબંધો હજુ લાગુ છે ત્યારે 2019ના અંત જેવી ઉજવણી તો નહીં થાય, પણ દુનિયા જ્યારે વેક્સિનની રાહ જોઇ રહી છે ત્યારે પ્રવાસનને પણ આ ડોઝ પર ઘણી આશા છે.
ભારતીય પ્રવાસન ઉદ્યોગ સંઘની સલાહકાર
કંપની `હોટલિયરે'
સપ્ટેમ્બરના અંતમાં હેવાલ આપ્યા હતા કે, કોરોના
સંકટથી ભારતમાં પ્રવાસનને અંદાજે પાંચ લાખ કરોડનું નુકસાન પહોંચ્યું છે. આ સિવાય તેના
પરોક્ષ ધંધાઓને પડતી અસર અલગ. 2019ની સરખામણીમાં આ ક્ષેત્ર 80થી 90 ટકા તળિયે ગયું
હતું, જે ધીરે ધીરે ઊભું થાય છે. જે નોકરીઓ ગઇ તેમાં પ્રવાસન
ક્ષેત્રની નોકરીઓનો હિસ્સો સૌથી વધુ હતો. જેમની નોકરી બચી તેને પણ સરેરાશ 30થી 70 ટકાનો
કાપ આવ્યો.
બહુ જ ખરાબ રીતે પ્રભાવિત આ ક્ષેત્રની
નજર તહેવારોની રજાઓ પર ટકેલી હતી,
પરંતુ તે ફળી નહોતી. કારણ કે કોરાનાનો બીજો દોર શરૂ થયો અને કફર્યુ, 144મી કલમો લાગુ કરવાના તેમજ રાજ્યમાં
પ્રવેશ પર કોરોના ટેસ્ટ ફરજિયાત જેવી જાહેરાતો થઇ.
વિશાળ પર્યટન બજાર છે ભારત :જીડીપીમાં છે 6.8 ટકાનો હિસ્સો
ભારતમાં પ્રવાસન ઠપ થવાની અસર વ્યાપક
છે. કારણ કે તેમાં લગભગ 8.75 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે જે કુલ રોજગારના લગભગ
12.75 ટકા છે. ભારતની જીટીપીમાં ટૂરિઝમ ક્ષેત્રનો હિસ્સો 6.8 ટકા છે. વૈવિધ્યસભર રોજગારી
આપે છે, જેમાં
હોટલના કર્મચારીઓ, ડ્રાઇવરો, વાહન ભાડે
રાખનારાઓ, નાના વેપારીઓ, ટ્રાવેલ એજન્ટો
એમ અનેક લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ કમાય છે. વર્લ્ડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કાઉન્સીલ
(ડબલ્યુટીટીસી)ના હેવાલ મુજબ ભારતમાં 10 ટકા લોકો બાંગલાદેશથી, 9 ટકા અમેરિકાથી, 6 ટકા બ્રિટનથી, 2 ટકા કેનેડાથી, 2 ટકા ઓસ્ટ્રેલિયાથી અને 69 ટકા લોકો
અન્ય દેશોમાંથી પ્રવાસે આવે છે.
દેશમાં કાશ્મીર એ દેશ-વિદેશના પ્રવાસીઓ
માટે સૌથી આકર્ષક સ્થાન છે. પછી રાજસ્થાન,
આગ્રા, દાર્જિલિંગ, ઉત્તરાખંડ,
હિમાચલ પ્રદેશના તેમજ દક્ષિણના કેટલાક સ્થળો પ્રવાસનના મુખ્ય કેન્દ્રો
છે. તાજેતરમાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટા મથક તરીકે ઉભરી આવ્યું,
જેણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં વધુ પ્રવાસીઓ ખેંચ્યા. ફર્સ્ટ ડેસ્ટીનેશન
ગણાતા ગોવામાં તો સમગ્ર વર્ષ પ્રવાસીઓ આવતા રહે છે.
જો કે, કોરોનાની લહેર આવતાં હોટલોમાં બુક થયેલા રૂમો કેન્સલ થયા હતા. આ પ્રવાસન મથકોના ગાઇડો, ફોટોગ્રાફરો બેકારી ભોગવે છે. તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે એકાંતરે કામ કરવાની છૂટ અપાઇ છે. આમ, પ્રવાસન ક્ષેત્ર ઉભરી આવશે એ નક્કી છે, પણ અન્ય કરતા સમય લાગશે.
No comments:
Post a Comment