Tuesday, 15 March 2022

Now the monetization of government land and properties. A big step towards economic reform...

હવે સરકારી જમીન-મિલકતોનું મુદ્રીકરણ

આર્થિક સુધારાની દિશામાં મોટું કદમ


રેલવે, પોર્ટ, ટેલિકોમ, વીજળી, ગેસ સહિતનાં ક્ષેત્રોનાં સરકારી સાહસો પાસે હજારો હેક્ટર જમીન બિનઉપયોગી પડી છે; ઇમારતો નધણિયાતી સ્થિતિમાં છે : સરકારે તેને વેચાણ કે ભાડે આપીને વિકાસ અને રોજગારીનાં ઇરાદા સાથે નિગમ સ્થાપવાની જાહેરાત કરી : જો કે, દબાણો હટાવવા સહિતના પડકારો છે

 

કેન્દ્ર સરકાર હેઠળ સંખ્યાબંધ જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ કાર્યરત છે, પણ તેમાં ઘણી નિક્રિય થઇ ચૂકી છે કે હવે બંધ થવાને આરે છે તો કેટલીકનું સરકાર ખાનગીકરણ કરી નાખવાના મૂડમાં લાંબા સમયથી છે. એ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ)ની પ્રક્રિયા તો ચાલુ જ છે, પણ  કામગીરી તેનાં લક્ષ્યથી ઘણી ધીમી છે. આ પ્રક્રિયાના એક ભાગરૂપ સરકારે ગત બુધવારે બહુ અગત્યનો નિર્ણય લીધો હતો. એ છે પૂર્ણ સરકારી માલિકીનું એક નિગમ સ્થાપવાને જેનું નામ છે નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (એનએલએમસી) અને કામ રહેશે સરકારી માલિકીનાં સાહસોની બિનઉપયોગી જમીનો અને ઇમારતો ઈકવીટી દ્વારા વેચી કાઢવાનું.

આમ તો મોદી સરકાર 2014માં આવી એથી પહેલાં પણ આવી બિનઉપયોગી મિલકતોનું મોનેટાઇઝેશન (મુદ્રીકરણ) કરવાનો વિચાર વહેતો થયો હતો, પણ ધીમી ગતિ હતી. છેલ્લે 2020-21નાં બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ મુદે્ નક્કર કાર્યવાહી માટે ખાસ એસપીવી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ) રચવાની દરખાસ્ત મૂકી હતી, તેને સ્વીકારી લઇને આ રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિગમ રેલવે, બીએસએનએલ, બીપીસીએલ, સહિતના કેન્દ્ર સરકારના ઉદ્યમો તેમજ એજન્સીઓ પાસે પડેલી જમીનો, નોન-કોર સંપત્તિઓને તારવી લેશે અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ ખાનગી કંપનીઓ કે સંસ્થાઓને વેચાતી કે ભાડેપટ્ટે આપશે કે, જેથી તેનો યોગ્ય ઉપયોગ થાય અને સરકારને પણ તેની આવક થાય. 31મી જાન્યુઆરીનાં જાહેર આર્થિક સર્વેક્ષણમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે, સરકાર આવું નિગમ રચવા જઇ રહી છે. એ સર્વે મુજબ તમામ સીપીએસઇ (કેન્દ્રીય જાહેર સાહસ) દ્વારા સરકારને આવી દેશમાં કુલ 3400 એકર જમીન છે. કેન્દ્ર ઇચ્છે છે કે, આ જમીનમાં કોઇ નવું રોકાણ આવે અને ઉદ્યમ સ્થપાય તો આર્થિક ઉપાર્જનની સાથો સાથ યુવાનોને રોજગારીની નવી તકો મળે છે. આવી જમીનો ક્યાંક દબાણ હેઠળ છે, તો અબજોની મિલકતો ખંડેર જેવી નધણિયાતી હાલતમાં  પડેલી છે. સરકાર માટે ચોક્કસ પડકારરૂપ કામ છે, પરંતુ આર્થિક સુધારાની દિશામાં આ મોટું પગલું સાબિત થશે. જેનાથી વધારાની-બિનઉપજાઉ જમીનોનું મૂલ્ય તો ઊભું થશે જ, સાથે સાથે આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટની જટિલ પ્રક્રિયામાં સરળતા થશે. ઉપરાંત જે એકમો કે સેવા સરકાર બંધ જ કરવા માગે છે, તેની પ્રક્રિયા પણ સરળ થઇ જશે. પ્રાથમિક તબક્કે એવી પ્રતિક્રિયા આવી હતી કે, આ તો સરકારી મિલકત વેચીને ખજાનો ભરવાની નીતિ છે, પરંતુ અબજો રૂપિયાની જમીન-ભવનોનો ગેરઉપયોગ થતો અટકશે એ મોટી વાત છે.

જો કે, આ કામ ઘણું અઘરું થવાનું છે અને લાંબો સમય માગી લેશે એવું આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો માને છે. કારણ કે, હજારો એકર જમીન વિવાદોમાં ઢસડવામાં આવી ચૂકી છે. જ્યારે વાસ્તવિક કાર્યવાહી શરૂ થશે ત્યારે અદાલતોમાં કેસો થઇ શકે છે. દબાણકારો વર્ષોથી કબજો જમાવી બેઠા છે.  પહેલાં તો એ માટે પણ  ખાસ કાનૂની  યંત્રણા ગોઠવવી પડશે. દેખીતી રીતે ટાઇટલ ક્લીયર થયા બાદ જ તેની વેચાણ પ્રક્રિયા શરૂ થશે. બીજું, ઘણી જમીનો  શહેરથી દૂર કે ગામડાંમાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલી છે. હવે કોઇ ખાનગી સાહસ શરૂ કરવા માગતું હોય તો તેમને બાંધકામ નિર્માણ સહિત જમીન  મળે, પણ અંતરિયાળ વિસ્તારમાં ખરીદી માટે આકર્ષણ ઓછું થાય. આમ, પડકારો છે, પરંતુ સરકારનું આર્થિક સુધારાની દિશામાં ચોક્કસ એક મોટું કદમ છે જ.

 .............. 

કેવી રીતે કામ કરશે નિગમ ?
છ લાખ કરોડ મેળવવાનો અંદાજ

આ એનએલએમસીની સ્થાપના માટે કેન્દ્ર સરકારે 5000 કરોડ રૂપિયાની પ્રારંભિક અધિકૃત શેરમૂડી અને  1500 કરોડ રૂપિયાની પેઈડઅપ મૂડી  ફાળવી દીધી હતી. અત્યાર સુધી જાહેર સાહસોમાંથી મુખ્યત્વે બી.એસ.એન.એલ., એમ.ટી.એન.એલ., બી. એન્ડ આર., ભારત પેટ્રોલિયમ કોર્પો લિ., બી.ઇ.એમ.એલ.એ પોતાની પાસે મુદ્રીકરણ (વેચી શકાય) માટે 3400 એકર જમીન અને અન્ય નોન-કોર મિલકતો હોવાનું જાહેર કર્યું છે. આર્થિક સર્વેમાં તેનો ઉલ્લેખ પણ છે.

હવે આવી મિલકતોના મૂલ્યનો ઉપયોગ કરીને તેની ઇક્વિટી પર વળતર મેળવવાની કલ્પના કરવામાં આવી છે, જેમ કે સરકારે તેમાં રોકાણ કર્યું હોય. આ નવું એકમ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોની માલિકોની જમીન માટે એક મિલકત વ્યવસ્થાપકના રૂપમાં ભૂમિકારૂપ કામ કરશે. ભૂમિ મુદ્રીકરણની સુવિધા માટે એક સી.ઇ.ઓ. અને ટેકનિકલ ટીમ હશે. નિગમને પોતાની લીઝ પર મળેલી મિલકતના મૂલ્યના આધારે ઇક્વિટી બજારમાંથી મૂડી મેળવવાની મંજૂરી મળી જશે.

સર્વેમાં ઉલ્લેખ હતો કે, 2021થી 2024 સુધીમાં કેન્દ્ર સરકારની મુખ્ય સંપત્તિના માધ્યમથી છ લાખ કરોડ રૂપિયાના કુલ મુદ્રીકરણની ક્ષમતા છે. માર્ગ, રેલવે, વીજળી, તેલ, ગેસ પાઇપલાઇન અને ટેલીકોમ સહિત ટોચના પાંચ ક્ષેત્રમાં કુલ મૂલ્યનો લગભગ 83 ટકા હિસ્સો છે. આ સામે પ્રત્યક્ષ વેચાણનો વિકલ્પ પણ રહેશે. જો કે, 3400 એકર તો પ્રાથમિક તારણ છે, હજુ ઘણી મિલકતોનું મૂલ્યાંકન બાકી છે, એથી અબજોનો આંક આવશે.

............

સંરક્ષણ, બંદર, રેલવે પાસે સૌથી વધુ જમીન : 
કચ્છની ભૂમિ પણ મુદ્રીકરણમાં આવી શકે છે

સરકાર પાસે અત્યારે લાખો એકર જમીન અને મિલકતો બિનઉપયોગી પડી છે, જે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો કેન્દ્રીય નિગમો અને સ્થાનિક સંસ્થાઓ પાસે છે. અલગ એજન્સીઓ હેઠળ મળતા અંદાજ મુજબ લગભગ પાંચ લાખ હેક્ટર જમીન વધારાની પડી છે.
પહેલું નામ સંરક્ષણ વિભાગનું આવે છે. તેની પાસે 17.99 લાખ એકર જમીન છે, જેમાંથી 1.61 લાખ એકર 62 અધિકૃત કેન્ટોનમેન્ટમાં આવે છે અને 16.38 લાખ કેન્ટોનમેન્ટની બહાર છે. બીજા ક્રમની સૌથી મોટી જમીન માલિક રેલવે છે. તેની પાસે 11.80 લાખ એકર જમીન છે, જેમાંથી 1.25 લાખ એકર ખાલી છે.
ભારતનાં 12 મોટાં બંદર પણ આ યાદીમાં છે. દેખીતી રીતે તેમાં કચ્છનું કંડલા પોર્ટ પણ સમાવિષ્ટ છે. ઉપલબ્ધ આંકડા મુજબ આ 12 બંદર પાસે 1.10 લાખ હેક્ટર જમીન છે, જેમાં મોટાભાગની લીઝ પર છે. સરકાર કાર્યવાહીમાં આગળ વધે તો કચ્છની રેલવે, કંડલા બંદર, સંરક્ષણ મથક સહિતની જમીનો પણ મોનેટાઇઝેશનની યાદીમાં આવી શકે છે.

...........

No comments:

Post a Comment