દવામાં પણ મોંઘવારી
સસ્તી કરવા સરકારનો વ્યાયામ
વાસ્તવિકતા બને તો કામનું
ઙ કેન્દ્ર સરકાર દ્વારા દવાની કિંમતો ઘટાડવા નફાના માર્જિનને નિયંત્રિત કરવાનો પ્રયાસ
ઙ બ્રાન્ડેડ દવાઓમાં વધુ ડિસ્કાઉન્ટ-કમિશનની લાલચ દર્દીઓને મોંઘી દવા માટે
મજબૂર કરે છે
તમે તબીબ પાસે જાવ, કન્સલ્ટેશન ફી 100થી 500 રૂા. થાય અને દવા, ક્રીમ વિગેરે 500થી 1000 રૂા. વચ્ચે થાય. તો આ તો સામાન્ય બીમારીની વાત છે. મોટી બીમારીની વાત તો જવા જ દ્યો. હજારોમાં દવાનાં બિલ આવે છે. કમિશનખોરીયે હવે તો જાણીતી વાત બની ગઈ છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કે દવાના હોલસેલર - રિટેલર મિત્રો છાનેછપને કબૂલેય છે. એમ કહેવાય છે કે દવાના ધંધામાં માર્જિન (નફાનો ગાળો) સૌથી સારો જ નહીં, નિરંકુશ છે. કોઈ દવામાં માત્ર દસ ટકા તો કયાંક 500 ટકાનો નફો છે. એની પાછળ બ્રાન્ડેડ દવા કંપની દ્વારા અપાતી લાલચ જવાબદાર છે, પણ ગત અઠવાડિયામાં એવા પ્રયાસ થયા છે કે દવા સસ્તી બનવાની આશા બંધાઈ છે. આમ તો, સરકાર લાંબા સમયથી પ્રયાસો કરે છે, પરંતુ તાજેતરની બેઠકમાં બધાં સંબંધિત સંગઠન હાજર રહ્યાં અને હકારાત્મક વાત કરી છે. વ્યાયામ ઘણો થયો છે, પરંતુ એ વાસ્તવિકતામાં પરિણમે તેવી આશા છે.
ફાર્મા સેક્ટરના અલગ અલગ પક્ષકારો સાથે મળીને દવાઓની કિંમત ઘટાડવાની કોઈ યોગ્ય
યોજના ઘડી કાઢવાનો સરકારનો ઉદ્દેશ છે અને આ સંદર્ભે ગત અઠવાડિયે બેઠક મળી હતી. કેન્દ્ર
સરકાર દવાઓની કિંમત ઘટાડવા ટ્રેડ માર્જિન રેશનલાઈઝેશન (ટીએમઆર-નફાનો ગાળો તર્કસંગત)ની
પદ્ધતિ ઘડવા માગે છે. અનુસૂચિત-નિશ્ચિત યાદીવાળી દવાઓ પર ભાવનિયંત્રણ ધરાવતી અને બાકીની
દવાઓનાં ભાવ પર નજર રાખતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા
બોલાવવામાં આવેલી આ બેઠકમાં ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, ઈન્ડિયન
ફાર્માસ્યુટિકલ્સ એલાયન્સ, દેશના 9.4 લાખ કેમિસ્ટનું પ્રતિનિધિત્વ
કરતાં સંગઠન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (એઆઈઓસીડી) ઓફ ઈન્ડિયા
ડ્રગ એક્શન નેટવર્ક, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ ફાર્માસ્યુટિકલ
પ્રોડયુસર્સ ઓફ ઈન્ડિયા જોડાયા હતા, જેમાં એઆઈઓસીડીએએ નેશનલ પ્રાઈસિંગ
ઓથોરિટીને એવું સૂચન કર્યું કે, હોલસેલ વ્યાપારી માટે પ્રાઈસ
ટુ રિટેલર (પીટીઆર)માં દસ ટકા અને છૂટક વેપારીઓ માટે દવાની એમઆરપીમાં 20 ટકા ટ્રેડ
માર્જિન રાખવામાં આવે. કેન્સરની 42 દવા અત્યારે પ્રાઈસિંગ ઓથોરિટીનાં નિયંત્રણમાં છે
અને તેમાં વધુમાં વધુ 30 ટકા માર્જિનનું નિયંત્રણ છે. આવી જ રીતે યાદીમાં સમાવિષ્ટ
અને ન સમાવાયેલી દવાઓ પર પણ નફાનો ગાળો નિયંત્રિત શા માટે ન થાય? દરેક દવા લેનારી વ્યક્તિ આવશ્યક ધારા હેઠળ જ ગણાવી જોઈએ. એમાં પાછું કેન્દ્ર
સરકાર પાંચથી 25 ટકા સુધીમાં જીએસટીના નાણાં વસૂલે છે.
અત્યારે પેટ્રોલ-ડીઝલ, તેલ, અને અન્ય ચીજોના વધેલા ભાવ દેખાય
છે અને તેની ચર્ચા બહુ થાય છે, પરંતુ રોજબરોજ વપરાતી જીવનાવશ્યક
બીપી અને ડાયાબિટીસ જેવી દવાઓના ભાવમાં પણ કેટલો વધારો થયો છે એ જોવાની જરૂર છે.
27 ટકા સુધીની કિંમત વધી છે અને ચીન અને સિંગાપુરથી કાચો માલ ન મળતો હોવાનું કારણ દવા
ઉત્પાદકોએ આગળ ધર્યું છે.
જેનેરિક દવાઓ ભલે સસ્તી હોય, પણ નફા માર્જિન તો એનાં પણ અનિયંત્રિત
છે. ખુદ ઓર્ગેનાઈઝેશને આ બેઠકમાં કહ્યંy હતું કે, જેનેરિક
દવાઓ માટે સ્પષ્ટ વ્યાખ્યા થવી જોઈએ, જેમાં જથ્થાબંધ વિક્રેતા
માટે એનઆરપીના 15 ટકા અને છૂટક દુકાનદાર માટે 35 ટકા નક્કી થાય. જો નફાનો ગાળો નિશ્ચિત હોય તો કંપનીઓ દ્વારા વધુ નફો-કમિશન આપવાની લાલચ
આપીને કોઈનેય દવા વેચવા મજબૂર ન કરે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કંપનીનાં વેચાણનાં લક્ષ્ય પૂરાં કરવા માટે બધા લાલચમાં આવીને દર્દીઓને મોંઘી
દવા માટે મજબૂર કરે છે. એ માંદગી સમયે હંમેશાં દર્દીનાં સગાં એવી સ્થિતિમાં હોય છે
કે, આવી બાબતોમાં સમજતા હોવા છતાં કોઈ દલીલ કરી શકતા નથી.
ખુદ એઆઈઓસીડીના મહામંત્રી રાજીવ સિંઘલે કહ્યું હતું કે, `તર્કસંગત વ્યાપાર ગાળામાં સ્ટોક્સ્ટિનું માર્જિન પણ આવે છે, પરંતુ ડ્રગ્સ
પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડરમાં સત્તાવાર સ્ટોકિસ્ટની વ્યાખ્યા નબળી કરવામાં આવી છે,
જે ફરીથી નક્કી થવી જોઈએ.' અત્યારે ખાસ કરીને બ્રાન્ડેડ
દવાઓમાં વધુ ડિસ્કાઉન્ટ-કમિશનની લાલચે અનૈતિક હરીફાઈ થઈ ગઈ છે, જે આ ક્ષેત્રમાં તો ન ચાલે. આનો ઉપાય સરકાર દવા ભાવના નિયંત્રણમાં કરે એ જ
એક માર્ગ છે. સરકાર અત્યારે જ જાગૃત બની એવું નથી. લાંબા સમયથી પ્રયાસ ચાલુ છે. અગાઉ
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસિટયુકલ્સે નીતિ આયોગને સૂચિત યાદી વિનાની દવાઓના પણ મહત્તમ
43 ટકા માર્જિન રાખવાનું સૂચન કર્યું હતું, પણ તે હજુ કેન્સરની
દવાઓ પર જ લાગુ પડી શક્યું છે. ભલે, 2થી 5 રૂપિયાની કિંમતની એક
ગોળી પર ટ્રેડમાર્જિન નિશ્ચિત ન કરાય, પણ અતિ મોંઘી દવાઓના તો
નિરંકુશ ભાવો અટકવા જ જોઈએ.
બીજું,
ધન્વંતરિ સ્ટોર, જન ઔષધિ કેન્દ્ર વિગેરેની સરકાર
જાહેરાતો અને પ્રચાર-પ્રસાર કરે છે, પરંતુ સરકારી તબીબો દ્વારા
બ્રાન્ડેડ દવાઓ લખવાની ફરિયાદ તો આવે જ છે. સરકારનો સ્પષ્ટ આદેશ છે કે, ખાસ કિસ્સા સિવાય કે જવલ્લે જ સરકારી
કેન્દ્ર સિવાય બહારથી ખરીદવી પડતી બ્રાન્ડેડ દવા લખવી, પણ સરકારી
હોસ્પિટલની આસપાસ ખાનગી દુકાનોમાં તો દર્દીઓને જવું જ પડે છે.
સમગ્રતયા સરકારની કોશિશ સારી છે. બધા હિતધારકોને સાથે રાખીને દવા સસ્તી કરવી.
દવા સસ્તી થશે તો સારવાર સસ્તી થશે. સામાન્ય માનવીને કંઈક રાહત થશે, પરંતુ આ
પ્રયાસ સફળ થવો જોઈએ.