ધારણા હતી અને થયું પણ. ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જ 1947 સુધી આપણા પર રાજ કરનારા અંગ્રેજોના દેશ બ્રિટનને આપણે અર્થતંત્રના વ્યાપની દ્રષ્ટિએ પછડાટ આપી. 'સોને કી ચીડિયા' ગણાતા હિન્દુસ્તાન પર 75 વર્ષ પહેલાંના સમય સુધી શાસન કરનારા દેશ માટે આ મોટી પછડાટ છે. કારણ કે તે અત્યારે ફુગાવો, મંદી જેવી આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો છે. બીજા મહત્વના સહયોગ એ છે કે આ લેખ વાંચવામાં આવતો હશે એ દિવસે સોમવારે યુકેના નવા વડાપ્રધાનની ત્યાંની કન્ઝર્વેટીવ પક્ષ દ્વારા જાહેરાત થવાની છે. એમાં પણ મૂળ ભારતીય અને બ્રિટનના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું નામ આગળ છે. જોકે, છેલ્લી ઘડીના વર્તારા પ્રમાણે પૂર્વ વિદેશ મંત્રી લીઝ ટ્રસના નામ પર અંતિમ ઘડીએ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. પરંતુ મૂળ વાત એ છે કે જે પણ નવા વડાપ્રધાન બનશે તેના માટે જબરદસ્ત આર્થિક પડકારો છે. ભારત અનેક મોરચે સારો દેખાવ કરે છે તો બ્રિટન કોરોના અને રશિયા યુક્રેન યુદ્ધ પછીના આ સમયમાં અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે. અને તેનું અર્થતંત્રના કદ પ્રમાણે વિશ્વના ટોચના પાંચ ક્રમનું સ્થાન પણ છીનવાઈ ગયું છે.
ભારત દસ વર્ષ પહેલાં અર્થતંત્રના કદની રીતે 11માં સ્થાને હતું અને બ્રિટન પાંચમે જ હતું . આજે ભારતે કેનેડા, બ્રાઝિલ, ઇટાલી, ફ્રાન્સ અને છેલ્લે બ્રિટન એમ એક પછી એક ક્રમ આગળ વધીને મોટી સીધ્ધિ હાંસિલ કરી છે. બ્લુમ્બરગના હેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ)એ તેની ગણતરીના આધારે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત જીડીપીના આધારે બ્રિટનથી આગળ નીકળી હવે પાંચમા સ્થાને છે.
કેવી રીતે આ નક્કી થાય છે આ ? આઈએમએફ ત્રિમાસિક ગાળાના અંતે તેના ડેટાબેઝ અને બ્લુમબર્ગ ટર્મિનલ પરના તેના અમેરિકી ડોલર સાથેના વિનિમય દરોના આંકડાના આધારે જે તે દેશનું જીડીપીનું પ્રમાણ અને આર્થિક કદ જાહેર કરે છે. છેલ્લે 2021માં પૂરા થતા અંતિમ ત્રિમાસિક ગાળાના જાહેર કરેલા આંક પ્રમાણે ભારતીય અર્થતંત્રનું કદ વધીને 854.7 અબજ ડોલર થઈ ગયું. તો યુકેનું કદ 816 અબજ ડોલર થયું છે.
બ્રિટન અને ભારતની અત્યારની આર્થિક સ્થિતિમાં પણ ઘણો તફાવત છે. વૈશ્વિક મંદીની ચર્ચા વચ્ચે અન્ય દેશોના બજારો કરતાં વિપરીત ભારતીય બજારમાં રોકાણ પાછું આવી રહ્યું છે. યુકેમાં તો તેની મધ્યસ્થ બેંક બેંક ઓફ ઈંગ્લેન્ડએ સ્પષ્ટ નિવેદન આપી દીધું છે કે 2024 સુધી દેશમાં મંદિનું સંકટ રહી શકે છે. યુકે અત્યારે ઊંચા જીવનધોરણ ખર્ચનો સામનો કરે છે . મોંઘવારીનો દર 40 વર્ષની ઊંચાઈએ છે. યુકેનો જીડીપી દર બીજા ત્રિમાસિક ગાળામાં રોકડના સંદર્ભે માત્ર એક ટકો વધ્યો હતો અને ફુગાવાની સાથે ગણતરીમાં લેવામાં આવે તો 0.1 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકા સામે ભારતીય ચલણ રૂપિયો પણ નબળો તો છે જ પરંતુ બ્રિટનના ચલણ પાઉન્ડની સરખામણીએ ઘણો વધુ તૂટી રહ્યો છે. પાઉન્ડ તો ભારતીય રૂપિયા સામે પણ 8 ટકા નબળો પડી ચૂક્યો છે. ખુદ આઈએમએફએ તેના અહેવાલમાં નોંધ કરી છે કે ડોલર સાથેની સ્થિતિની રીતે ભારત બ્રિટન કરતાં મજબૂત થશે અને એશિયન પાવર હાઉસ તરીકે ઉભરી આવશે.
જે પણ નવા વડાપ્રધાન આવશે તેના માટે ઘણા પડકારો છે. છેલ્લે જુલાઈ 2022માં બ્રિટનનો ફુગાવાનો વાર્ષિક દર 10.1 ટકા હતો . જે વિકસિત દેશોના જૂથોમાં સૌથી ઊંચો છે. બ્રિટનને આયાતી ગેસની વધુ જરૂર પડે છે , જે પુરવઠો યુદ્ધ પછી અનિયમિત અને મોંઘો થયો છે. જો ગેસના ભાવ અંકુશમાં નહીં આવે તો મોંઘવારીની આગ વધુ ભભૂકશે. આ સિવાય શ્રમ બજારની મુશ્કેલીઓથી પણ બ્રિટન ઘેરાયેલું છે. મોંઘવારીને અંકુશમાં લેવા વ્યાજ દર વધુ ઊંચા જશે , જે કોર્પોરેટ માટે અનુકૂળ નથી અને બજારને પણ નહીં ગમે. મંદી ને બેરોજગારી વધી શકે છે.
બીજીતરફ ભારત બે વર્ષના કોરોના કાળ સિવાય સતત સારો દેખાવ કરીને આગળ વધે છે. આરબીઆઈના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષે 7 થી 7.5 ટકાના વિકાસ દરનો અંદાજ છે. 2020-21 માં પણ 8.7 ટકાના દરે વિકાસ કર્યો છે. કોરોના કાળ પહેલાના જીડીપીની સરખામણીએ ભારતે 4 ટકા વધુના દરે વિકાસ કર્યો છે . વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ભારત તરફ ટકી રહેલો વિશ્વાસ એ મજબૂત સ્થિતિની નિશાની છે. એમએસસીઆઈ ઇમરજિંગ માર્કેટ ઇન્ડેક્સ મુજબ ભારત એ ચીન પછી બીજા ક્રમે ઉભરતા બજાર તરીકે આકર્ષણ ધરાવે છે.
શનિવારે એસબીઆઇ રિસર્ચે તો એવું અનુમાન પણ કરી દીધું કે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર તો ભલે થયું , પણ વર્ષ 2029 -30 માં ત્રીજા ક્રમમાં પહોંચી જશે . બીજું અત્યારે યુકેથી ભલે થોડું જ આગળ ગયું. પરંતુ ઝડપથી તેનાથી ઘણું આગળ નીકળી જશે અને બંનેનું અંતર વધી જશે.
પણ, આ બધામાં સૌથી મહત્વની વાત એ ભૂલવી ન જોઈએ કે આર્થિક કદ ભલે યુકે કરતાં આપણું વધ્યું, પરંતુ મૂળ વાત છે લોકોની આર્થિક સ્થિતિની. બ્રિટનની વસ્તી લગભગ ૭ કરોડ છે. ભારતની તેનાથી લગભગ 20 ગણી છે. વસ્તી વધુ હોવાથી માથાદીઠ આવક , ગરીબીનું પ્રમાણ, માનવ વિકાસ સૂચકાંક, શિક્ષણ - આરોગ્યની સુવિધાની સરખામણીએ આપણે ઘણા ઘણા બ્રિટનથી પાછળ છીએ. એ સુધારો થાય તો સાચા અર્થનો ફાયદો કરાવશે.
No comments:
Post a Comment