આપણે માનીએ છીએ કે જીવનમાં હવા, પાણી, ખોરાક જ મહત્ત્વનો છે, પણ આજના જીવનમાં " ચીપ" વિના ચાલે એમ નથી. હાથમાં મોબાઈલ હોય, રસ્તામાં ગાડી હોય, કિચનમાં માઇક્રોવેવ ઓવન હોય, ઘરમાં ફ્રીજ હોય, ટીવી જ્યાં પણ હો, તમારું જીવન આ ' ચીપ' સાથે જોડાઈ ગયું છે . આ ચીપના ઉત્પાદનમાં ત્રણ દેશો ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયાની વિશ્વમાં દાદાગીરી છે. દુનિયાના ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, મોબાઈલ, લેપટોપ, વાહનો , કાર, ટુ વ્હીલર નિર્માતા આ બધા ત્રણ દેશો પર ચીપ માટે નિર્ભર છે. વિશ્વભરના કુલ ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો આ ત્રણ દેશોનો છે. કોરોનામાં સપ્લાય ચેઇન- પુરવઠો બંધ થઈ ત્યારે વિશ્વભરમાં આ ઉત્પાદનોનું કામ ઠપ થઈ ગયું હતું. આ સમયે જ આત્મ નિર્ભરતાનો વડાપ્રધાને કોલ આપ્યો હતો અને એ સાથે આ વિચાર બીજના મંડાણ થયા હતા . એ ચીપ એટલે કે ' સેમીકંડકટર'ના પણ ભારતમાં નિર્માણના પ્રયાસો શરૂ થયા હતા. ભારતમાં આ પ્લાન્ટ શરૂ કરવાની રેસમાં કર્ણાટક, મહારાષ્ટ્ર , તેલંગાણા અને ગુજરાત હતું . અંતે ગયા અઠવાડિયે ગુજરાતમાં આ પ્લાન્ટ આવ્યો. પ્લાન્ટના ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુ થયા. આ સમજૂતીના સમાચાર સાથે અમદાવાદની આસપાસ પ્લાન્ટ સ્થપાવાની જ વાત આવી હતી. પરંતુ હવે આંતરિક ગતિવિધિ એવી છે કે આઠ સ્થળો વિચારાધીન છે અને એમાં કચ્છનો દાવો મજબૂત છે . આમેય કચ્છ એનર્જી પાર્ક , સિમેન્ટ, મરીન કેમિકલ અને પોર્ટની ગતિવિધિથી ઓદ્યોગિક ક્ષેત્ર કચ્છ આગળ વધે જ છે અને હવે જો આ પ્લાન્ટ પણ કચ્છમાં આવવાની જાહેરાત થાય તો કચ્છ એ વિશ્વનું ' બીજું સિલિકોન વેલી ' બની જશે.
ગત અઠવાડિયે તેલ, ગેસ અને ધાતુ સમૂહની વૈશ્વિક સ્તરીય કંપની અને ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ ચેરમેન એવા વેદાંતા જૂથ અને વિશ્વમાં સેમીકંડકટર નિર્માતા ક્ષેત્રે જે ટોચ ઉપર છે એવી તાઇવાનની કંપની ફોકસકોન વચ્ચે રૂપિયા 1.54 લાખ કરોડનું તબક્કાવાર રોકાણ કરવાના એમઓયુ થયા. આ ક્ષેત્રનું ભારતમાં આ સૌથી મોટું મૂડી રોકાણ છે. કેટલા બધા રાજ્યો આ સમજૂતી માટે પ્રયત્નશીલ હતા, એ એવા વિવાદથી દેખાય છે કે આ એમઓયુની જાહેરાત થઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાલ મચી. ત્યાં હમણાં જ ભાજપ સમર્થિત સરકાર આવી છે અને આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાત બાજુ વળી ગયો. આ કાગારોળ મચી એ જ બતાવે છે કે આ પ્રોજેક્ટનું કેટલું મહત્વ છે. હવે ગુજરાત આવી ગયો છે અને કચ્છ પણ આવી શકે છે.
ઔદ્યોગિક અને સરકારી અધિકારી સ્તરના સૂત્રોના કહેવા મુજબ કંપની મોટા શહેર નજીક સ્થપાય તો વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સારી માળખાકીય સુવિધા અને સારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ મળે અને એ બધું અમદાવાદમાંની નજીક મળે , અને એ કારણે અમદાવાદની નજીક જ પ્રોજેક્ટ આવે એવી પહેલી ગણતરી મૂકવામાં આવી હતી, પરંતુ અત્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારના આઈએસ અધિકારીઓની' કન્સોરટિયમ ટીમ' બનેલી છે અને એ લોકોએ ૮ સ્થળ પર વિચારણા શરૂ કરી છે. આ પ્લાન્ટ માટે 1000 એકર જમીન જરૂરી છે. જે ગુજરાત સરકારે લગભગ 75 ટકાના રાહત સાથે આપવાની તૈયારી બતાવી દિધી છે. અગાઉ વિનામૂલ્યે જમીન આપવાની વાત હતી .મહારાષ્ટ્ર સરકાર પાસે પણ વેદાન્તાએ વિનામૂલ્ય કે સસ્તી જમીન અને રાહત ભાવે વીજળી, પાણીની જમીનની વાત કરી હતી. જે ત્યાંની મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારે વિચારણામાં રાખી ને જવાબ ન આપ્યો. ત્યાં સરકાર બદલાઈ અને ગુજરાત સાથે જાહેર થઈ ગયા. ગુજરાતના સંભવિત સ્થળોમાં અમદાવાદ નજીકના બે વિકલ્પ તપાસવામાં આવે તો ધોલેરા સર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) અને માંડલ બહુચરાજી છે . પણ, આ પ્લાન્ટની નજીક પોર્ટ પણ હોવું જરૂરી છે. ત્રીજો વિકલ્પ દહેજ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનો છે. જેમાં હજીરા પોર્ટ નજીક પડે અને જીઆઇડીસીના સંચાલનમાં જરૂરી જમીન પણ મળી રહે એમ છે. આ સિવાય સૌરાષ્ટ્ર વિસ્તાર પર નજર કરવામાં આવે તો જામનગર છે અને છેલ્લે વિકલ્પ કચ્છ છે.
હવે આ જે પ્રકારનો ઉદ્યોગ છે એના વિશે વેદાંતાના ચેરમેને ટીવી માધ્યમો સાથે જે વાત કરી હતી. એ પ્રમાણે વીજળી, પાણી, બંદર , મોટું શહેર નજીક હોય અથવા તો રાષ્ટ્રીય માર્ગ નજીક હોય ઉપરાંત 1000 એકર જમીનને પ્લાન્ટ લોકેશનમાં પસંદગી માટે આવશ્યક ગણાવી હતી. કચ્છ એવું સ્થળ છે કે જેમાં માત્ર પાણીનો મુદ્દો કદાચ ઊભો થઈ શકે , જોકે હવે નર્મદામાંથી પણ વ્યવસ્થા થઈ શકે. પરંતુ વીજળી, વિશાળ જમીન, બંદર અને રેલવે , એરપોર્ટ સુવિધા બધું જ ઉપલબ્ધ છે, એટલે કચ્છનો દાવો મજબૂત બની જાય છે.
ઔદ્યોગિક સૂત્રોના વધુમાં દાવા મુજબ, અદાણી બંદર નજીક જે સેઝ આવેલું છે , એમાં પણ 1000 એકર જમીન ઉપલબ્ધ થઈ શકે એમ છે. બીજું , પહેલા સેઝના કાયદા એવા હતા કે સ્થાનિકે નિકાસ કરવામાં મુશ્કેલી પડે . હવે સેઝના કાયદા બદલી ગયા છે. આંતરરાષ્ટ્રીય નિકાસની સાથે સ્થાનિકે પણ માલ વેચી શકાય છે. અદાણી બંદર પર પણ પરિવહન વ્યવહાર વધી શકે છે. આ પરિબળોને જોઈએ તો કદાચ અદાણી જૂથની રાજકીય વગ પણ આમાં કામ કરી જાય અને પ્રોજેક્ટ કચ્છને મળી જાય તો નવાઈ નહીં . આ બધું અંતે તો રાજકીય ઈચ્છાશક્તિ ઉપર નિર્ભર છે. કારણ કે લાંબા સમયથી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો સાથે સાથે વેદાંતાની વાતચીત ચાલતી હતી અને છેલ્લે ગુજરાતે બાજી મારી લીધી. સૂત્રો મજબૂતપણે માને છે કે નવી દિલ્હીની ' સરકાર' ધારે તો કચ્છ પ્રેમ બતાવી શકે અને આ પ્રોજેક્ટ આવી જાય.
જોકે, કચ્છ માટે એક નકારાત્મક પરિબળ છે કે કચ્છમાં ધૂળ બહુ ઉડે છે . ચીપ બહુ નાજુક વસ્તુ છે અને મોબાઈલ ટીવીમાં જે ગ્લાસ વપરાય છે એના માટે પણ એકદમ સ્વચ્છતા જોઈએ . બીજું આ ઉદ્યોગ માટે અવાજ પ્રદૂષણ અને નજીકમાં કોઈ ઉદ્યોગ ન હોય એવી જગ્યા જોઈએ. આ મુદ્દા સિવાય પાણીના નિકાલનો પણ સવાલ ઊભો થઈ શકે છે.
આ અમેરિકામાં રાષ્ટ્રપતિપદે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે પણ આ ફોક્સકોન કંપનીનો પ્રોજેક્ટ ઉભો કર્યો હતો પણ, અમેરિકાના નાગરિકોએ પર્યાવરણના પ્રશ્નો ઊભા કર્યા, કારણ કે પાણી નિકાલનો મોટો પ્રશ્ન ઉદભવે એમ છે. આ બધા પ્રશ્નો પણ ઊભા થઈ શકે પણ અંતે મહત્વનું એ છે કે આ પ્રોજેક્ટથી આવનારા દાયકામાં એકાદ લાખ યુવાનોને પરોક્ષ કે પ્રત્યક્ષ રોજગારી મળશે એ નક્કી છે અને કચ્છ માટે આ એક નવો અધ્યાય શરૂ થાય એમ છે. વિશ્વમાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ અમેરિકામાં પણ હજી યોગ્ય રીતે કામ ચાલુ નથી કરી શકાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બને અને એ પ્લાન્ટ કે જેના પર દેશ જ નહીં, વિશ્વભરની નજર છે, એ કચ્છમાં શરૂ થાય તો કચ્છનું ખરેખર નસીબ ઝળહળી ઊઠે એમ છે.
સરકારી અધિકારીઓને જણાવ્યા મુજબ ચૂંટણી હવે થોડા દિવસોમાં આવવાની છે અને જેમ ઝડપભેર ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા, એમ આચારસંહિતા જાહેર થાય એ પહેલાં વડાપ્રધાન આ પ્રોજેક્ટ માટે જાતે આવીને તેમના હસ્તે જ આ ભૂમિપૂજન કરશે. આ માટેની ગતિવિધિ જારી છે. ઓક્ટોબરમાં ફરી વડાપ્રધાન ગુજરાત આવવાના જ છે. જો પ્લાન્ટનું સ્થળ કચ્છ હોય તો વડાપ્રધાન કચ્છ આવશે અને જાતે વિશ્વના નવા ' સિલિકોન વેલી' નો ' શિલાન્યાસ ' કરશે.
ઉપરાંત , જે એમઓયુ થયા છે એમાં ત્રણ પ્લાન્ટ છે . એક સેમીકંડકટર ફેબ્રિકેશન, બીજો ડિસ્પ્લે ફેબ્રિકેશન અને ત્રીજો સેમિકન્ડક્ટર એસેમ્બલી. એવું પણ બને કે કોઈપણ એક કચ્છમાં આવે અને બાકીના બહાર રહે પણ આ બધું સમય આવે ત્યારે થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે . અત્યારે તો સ્થાન નક્કી કરવા માટે અધિકારીઓ અને કંપની જહેમત ઉઠાવી રહી છે.
No comments:
Post a Comment