જોબ ક્ષેત્રમાં કોરોનાના કારણે 2008 કરતાં વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ હતી :
એક તબક્કે દેશમાં કુલ 1.89 કરોડ નોકરિયાતો ભોગ બન્યા, પણ ઓક્ટોબરમાં અપાયેલી 1 લાખ નવી નોકરીમાં ટેકનોલોજી પ્રાધાન્ય :સપ્ટેમ્બરમાં ઓટો ક્ષેત્ર સુધર્યું
2008-09માં ભારતમાં વૈશ્વિક
મંદીની ભારે અસર હતી. શેરબજાર ગગડયું હતું,
કંપનીઓના નફાને અસર પહોંચી હતી, પરંતુ ચાલુ
વર્ષે કોરોનાકાળ દરમ્યાન લાદવામાં આવેલા લોકડાઉન અને પછીના પ્રતિબંધોની અસરમાં
અર્થતંત્રને ભારે જફા પહોંચી અને અંતે અસર થઈ કર્મચારીઓ પર છટણી કે પગાર કાપ
દ્વારા. સીએમઆઈઈ (સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી)નાં છેલ્લા હેવાલ મુજબ એપ્રિલથી કંપનીઓમાં છટણી શરૂ
થઈ અને એક તબક્કે ભારતમાં કુલ આંક 1.89 કરોડ સુધી પહોંચી ગયો. 2008ની મંદીમાં પણ
નોકરીઓમાં આટલો મોટો કાપ નહોતો આવ્યો. એ વર્ષમાં 55 લાખ લોકો બેરોજગાર બન્યા હતા.
આ વખતે માત્ર પ્રવાસન સેક્ટરમાં જ 50 લાખ જેટલા લોકો નોકરી વિનાના થયા. જો કે,
જૂનથી સુધારો જોવાયો છે. નોકરી ગુમાવનારાઓની ટકાવારી પ્રવાસન, રિયલ એસ્ટેટ,
હોટલ, ઉડ્ડયન, ફિલ્મ
ક્ષેત્રમાં વધુ હતી. તો સુધારામાં આઇટી-ફાર્મા અને ઓટો સેક્ટર અગ્રેસર રહ્યું છે.
ટેકનોલોજી અને ફાર્મા સેક્ટરમાં તો અટકેલા
ઇક્રીમેન્ટ અને બઢતીઓ પાછી મળવાની શરૂઆત?થવા સાથે નવી
ભરતીમાં અગ્રેસર રહ્યા છે. કોરોનાકાળ પછીની ભરતીઓમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે
કે, ડિજિટલાઇઝેશન અને વર્ક ફ્રોમ હોમ વધ્યા હોવાથી ટેકનોલોજી
કૌશલ્યપ્રધાન બની ગયું?છે.
સીએમઆઇઇના એક હેવાલને ચકાસીએ
તો એપ્રિલમાં સૌથી વધુ 1.77 કરોડ નોકરીઓ છૂટી હતી. મે-જૂનમાં આ વલણ જારી રહ્યું, પરંતુ જૂનમાં 39 લાખ
નવી ભરતી હતી. સુધારાના સંકેત મળવા શરૂ થઇ ગયા હતા. સમગ્રતયા અંદાજ મુજબ કુલ
નોકરિયાતોના 21 ટકા છટણીનો ભોગ બન્યા હતા.
વિદેશમાં પણ બેરોજગારીનું
પ્રમાણ વધ્યું, તેની અસરો થઇ. બ્રિટને
વિદેશીકર્મીઓ માટે નોકરીના નિયમો કડક બનાવતાં ભારત સહિતના દેશોમાંથી જતા કર્મચારીઓ ભોગ બની રહ્યા?છે. સંયુકત રાષ્ટ્રના
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)ના છેલ્લા હેવાલ મુજબ, લેટીન અમેરિકામાં કુલ 3.7 કરોડ નોકરીઓ ગઈ છે. 80 ટકા કાર્યબળનો હિસ્સો છે
એવા 9 દેશની સ્થિતિ પરથી આ હેવાલ પ્રગટ થતો રહે છે. ઓક્ટોબરમાં વર્લ્ડે વધુ 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા. આ પહેલાં પણ આ પ્રતિષ્ઠિત
પ્રવાસન મથકે ફ્લોરિડા અને કેલિફોર્નિયમાં 28,000 નોકરીની
છટણી કરી તેમાં ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ હતા.
છટણીની અસર મહિલાઓ પર વધુ થઈ.
ઈપીએફઓના ડેટા મુજબ ઓગસ્ટમાં જે 6,69,914 લોકોને નવી નોકરી મળી એમાં મહિલાઓની સંખ્યા
માત્ર 1,33,872 હતી. જે 20 ટકાથી નીચે
છે. કોરોનાકાળમાં ખર્ચા બચાવવાને પ્રાધાન્ય આપીને કંપનીઓએ ઓછી ભરતી કરી હતી. કારણ
કે, મહિલા સુરક્ષા પાછળ ખર્ચ વધુ રહે છે. બીજી બાજુ, ટોચની સંસ્થાઓમાં કેમ્પસ પ્લેસમેન્ટ 15થી 20 ટકા ઘટયું છે. ફાર્મા,
હેલ્થ અને ટેકનોલોજી ક્ષેત્ર સિવાય કેમ્પસ નોકરીઓમાં મુશ્કેલી વધી
છે.
જો કે, છેલ્લા એક મહિનાથી
દરેક ક્ષેત્રમાં ઓછે વત્તે સ્થિતિ સુધરે છે. જાણીતી સ્ટાફિંગ કંપની એક્સફેનોએ
કરેલી સમીક્ષા મુજબ, ઓક્ટોબરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ સહિત
આઈટી કંપનીઓએ નોકરીઓ આપી. સૌથી વધુ નોકરીઓ ડેવલપર પ્રોગ્રામિંગ, ડેટા ઇન્જિનીયર, કલાઉડ કોમ્પ્યુટિંગ અને સાયબર
સિક્યુરિટીમાં ખૂલી. હોટ ટેક જોબ્સનો હેવાલ પણ એવું જ કહે છે કે, ઓક્ટોબરમાં 1 લાખથી વધુ નવી નોકરીઓ આપવામાં આવી છે. આમ, સુધારાની શરૂઆત થઇ ચૂકી છે અને ઇન્જિન છે `આઇટી
ક્ષેત્ર.' કુલ નોકરીઓમાં એપ્રિલમાં 30 ટકા ઘટાડો હતો જેની
સામે સપ્ટેમ્બરમાં ગત વર્ષની સરખામણીએ 30 ટકા વધુ હાયરિંગ થઇ. માત્ર ગુજરાતની જ
વાત કરવામાં આવે તો આઇટી ક્ષેત્રમાં આગામી 6થી 8 મહિનામાં 35,000 નવી નોકરી ઊભી થવાની આશા છે. કુલ માંગમાં 40 ટકા સાથે આઇટી સૌથી
ટોચમાં છે. જ્યારે નોકરી ડોટ.કોમ કહે છે કે, સુધારાના
ટ્રેન્ડમાં 29 ટકા તો ઓટો ક્ષેત્રનો હિસ્સો છે. આમ જાન્યઆરી બાદ સ્થિતિ સંપૂર્ણ
સુધરવાની આશા છે.