વાત એવા સાહસિકોની જેમણે આપત્તિને અવસરમાં પલટી
વ્યક્તિમાં કામ કરવાની ધગશ હોય, હિંમત હોય, સાહસ વૃત્તિ, વિશ્વાસ હોય તો કોરોના મહામારીના લીધે
આવેલા સંકટ શું, ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે,
બલ્કે, જે સ્થિતિ હોય તેનાથી પણ સારી
સ્થિતિમાં આવી આપત્તિને અવસરમાં પલટાવી શકાય છે. આજે એવા વ્યાપારની વાત કરી છે જે
યોજનાબદ્ધ કે લાંબાગાળાની તપાસ - અભ્યાસ પછી નહીં પરંતુ સંજોગોએ મજબૂર કરી દીધા પછી એવી સ્થિતિને તકમાં કેમ
પલટાવવી તેની હિંમત રાખી એટલું જ નહીં જે સ્થિતિ હતી તેના કરતાં વધુ
આર્થિક સમૃદ્ધિ કમાઇ?લીધી હોય. કોરોના ભારતમાં દેખાયા પછી લોકડાઉન
આવ્યું ને અનેક સેકટરો એવા અસર પામ્યા કે કર્મચારીઓ-કામદારોને નોકરીમાંથી છૂટા
કરાયા. આ સમયગાળામાં નાના-મોટા કર્મચારીઓ જ નહીં ઘણા એવા કલાકારોના સમાચારો પણ
અખબાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતા થયા કે નોકરી ગુમાવતાં કે કામ ન મળતાં
નાનો-મોટો શાકભાજી-કરિયાણા કે ફાસ્ટફૂડની લારીઓ કાઢી વેપાર શરૂ કર્યો હોય. જો કે,
હવે અનલોક થયા બાદ ઘણા નવી નોકરીએ પાછા લાગી ગયા છે કે નાનો-મોટો
વ્યાપાર શરૂ કરી દીધો છે, પરંતુ અહીં આજે એવા કેટલાક
કિસ્સાની વાત કરવી છે, જેના કિસ્સા દેશભરમાં જાણીતા બન્યા છે અને આ યુવાનોએ કોરોનામાં નોકરી ગુમાવ્યા બાદ નવું વિચાર્યું,
હટકે સાહસ કર્યું ને આજે માત્ર તેનું ગુજરાન નથી ચલાવતા બલ્કે,
બીજાનેય રોજગારી આપી શક્યા છે અને જે કમાતા હતા તેનાથી અનેકગણું વધુ
કમાય છે. જાણે કોરોનાએ- લોકડાઉન તેમના માટે પ્રગતિના દ્વાર ખોલ્યા હોય.
ઢાબા માટે નાણાં નહોતા, સ્કૂટરને બનાવ્યો ઢાબો
કોરોનાએ દેશભરમાં હજારોને બેકાર બનાવ્યા છે. કેટલાક રોચક કિસ્સા
પણ સામે આવતા રહ્યા છે. દિલ્હીના બલબીરસિંહની એક તસવીર માધ્યમોમાં બહુ વાયરલ થઇ હતી.
બલબીર ગુડગાંવની હોટલમાં
ડ્રાઇવર હતો. હોટલ બંધ રહેતાં નોકરી ગઇ.
લોકડાઉન હળવું બનતાં જ તેણે સ્કૂટર પર શરૂઆતમાં રોજનું 20 માણસોનું ભોજન
લઇને ફરતે ફરતે વેચવાનું શરૂ કર્યું. ભાવ રાખ્યા 30થી 50 રૂા.
સામાન્ય માણસ એટલે લોજ કે
રેસ્ટોરન્ટ ખોલવાનું પોસાય નહીં. ધંધો એટલો વધી ગયો કે, આજે રોજની 100 થાળીના કઢી, ભાત
ને રાજમા બપોરે 4 વાગ્યા સુધીમાં વેચાઇ જાય છે.એટલું જ નહીં તેણે તેના બેરોજગાર બની ગયેલા મિત્રને પણ વ્યવસાયમાં જોડી
લીધો. બલબીર કહે છે હવે ક્યારેય નોકરી નહીં કરું.
વતન જઇ પોલીહાઉસ દ્વારા કરી
લાખોની કમાણી
13 વર્ષ નોકરી કર્યા પછી હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના કુઠાર ગામના રહેવાસી રવીન્દ્ર શર્માને કોરોનાએ વતનની વાટ પકડાવી, પણ ત્યાં જઇને તેમણે એક ન માત્ર દાખલારૂપ કામ કર્યું બલ્કે, લાખો રૂપિયાની કમાણી કરી અને અનેક માટે રોજગારીનું પણ સર્જન કર્યું. લોકડાઉનથી મળેલી પછડાટથી તેમણે હિંમત ન હારી બલ્કે સદ્ઉપયોગ કર્યો. પોલીહાઉસ (વાતાવરણથી નિયંત્રિત કરવામાં આવતી ખેતી) દ્વારા નિર્માણ પામતા શાકભાજીની પંજાબમાં ઘણી માંગ હોવાનું જાણી સાહસ કર્યું. સરકારી બાગાયતી વિભાગની સબસિડીની પણ મદદ લીધી, તેની તાલીમ લીધી અને 2000 વર્ગમીટરના 5000 કાકડીના રોપાનો ઉછેર કર્યો. પ્રારંભમાં ભાવ ન મળ્યા પરંતુ મહેનતથી નવી બજાર શોધી અને આજે લાખોની કમાણી થાય છે. સાહસિક યુવાનો માટે પ્રેરણાત્મક વાત છે કે, સરકારે તેમને વિવિધ યોજના હેઠળ 85 ટકા સબસિડી આપી. 45 દિવસમાં ઉત્પાદન ચાલુ થઇ ગયું અને લાખોની કમાણી થઇ છે.
શાળાના ચિત્રકારે નોકરી ગુમાવી;હવે મહિને 80,000ની કમાણી
કિસ્સો છે, મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક સ્કૂલના ચિત્ર શિક્ષક મહેશ કાપસેનો. લોકડાઉન દરમ્યાન તેમની અન્ય કર્મચારીઓ સાથે નોકરી છૂટી ગઇ. ખાલી સમયને એમણે તકમાં પલટાવ્યો. પોતાના પાસે ચિત્રની આવડત હતી. ચિત્ર બનાવીને ટિકટોકમાં મૂકવાનું શરૂ કર્યું. બહુ સારો પ્રતિભાવ મળ્યો.
કાપસેના ચિત્રો સોશિયલ મીડિયામાં બહુ ચર્ચાયા. એટલે સુધી કે, અભિનેતા રિતેશ દેશમુખે તેની પ્રશંસા કરી. એ પછી તો બોલીવૂડમાંથી પણ તેમને કામ મળ્યું. એક ચિત્રના તે 2000 રૂા. લે છે અને દસ મિનિટમાં બનાવી નાખે છે. હવે રોજના તેને આવા 3થી 4 ઓર્ડર મળી જાય છે. કાપસેનું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નામ થઇ ગયું છે. ક્રિકેટ ડેવિડ વોર્નર, કેવિન પીટરસને પણ તેમનો વીડિયો શેર કર્યો છે. મહિનાના તેને 40 જેટલા ઓર્ડર મળે છે. નોકરી કરતો હતો ત્યારે તેને મહિને દસ હજાર રૂા. પગાર મળતો. અત્યારે મહિને 80,000ની કમાણી કરી લે છે.
No comments:
Post a Comment