Tuesday, 29 June 2021

E vehicle era ; Generous concessions of the government...

ઇલેક્ટ્રિક વાહન યુગના નગારે ઘા

મક્કમ મોદી સરકારે નીતિમાં સુધારા કર્યા અને રૂપાણી સરકારે સબસિડી સાથેની નીતિ આપી પહેલ કરી : સમય લાગશે પણ ઇંધણવેરા ઘટાડાના ટૂંકા ગાળાનાં પગલાંને બદલે નવો વિકલ્પ જ ઊભો કરવાની છે દિશા  : બેટરી ક્ષમતા, બોડી અને રિસેલ વેલ્યૂનો ઉકેલ આવશ્યક

 

એક સમયે ચેતક, વેસ્પા, લુનાની બોલબાલા હતી. પછી સ્કૂટી, ડિલક્સ બાઇકની જોરદાર માંગ રહી. આજે એકટીવા, પ્લેઝર, એક્સેસનું નામ છે. પણ આવનારા વર્ષોમાં કોઇ નવી કંપની અને નવા મોડેલનાં નામોની માંગ હોય તો નવાઇ નહીં. 

 કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ફેમ ટુ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ) નીતિમાં બદલાવ કર્યો એ પછી  દેશભરમાં  ઇલેક્ટ્રિક વાહનોની  કિંમત ઘટવા લાગી છે. બીજી બાજુ, ગુજરાત સરકારે  ગત અઠવાડિયે આ દિશામાં પહેલ કરતાં નવી ઇ-વાહન નીતિની જાહેરાત કરી હતી. હવે એક પછી એક રાજ્ય સરકારો ઇલેક્ટ્રિક વાહનોને  પ્રોત્સાહન આપવા સબસિડી જાહેર કરશે કે વિવિધ ફી માફી આપી શકે છે. આમ, મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોના સેક્ટરને આગળ વધારવા મક્કમ ડગે આગળ વધવા માગે છે એ સ્પષ્ટ છે. કારણ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના વેરાથી લગભગ લિટરના 100 રૂા. નજીક પહોંચેલા ભાવથી વિપક્ષો અને લોકો સ્વયંભૂ આકરી આલોચના કરે છે. છતાં એક્સાઇઝ કે વેટ ઘટાડવાની દિશામાં કોઇ પગલાં નથી લેવાતાં. સરકાર દેખીતી રીતે આવનારા પાંચ-દશ વર્ષમાં વિકલ્પ જ ઊભો કરવા માગે છે એ હવે સ્પષ્ટ દેખાઇ?રહ્યું છે.

અત્યારે ઇલેક્ટ્રિક વાહન નિર્માણમાં કઇ કઇ કંપનીઓ આગળ વધી રહી છે અને છેલ્લા થોડા સમયમાં તેમાં ક્યા મોડલના કેટલા ભાવો ઘટાડવા તેની અહીં ઝલક રજૂ કરી છે. 

એ સાચું છે કે, અત્યારે ઇલેક્ટ્રિક વાહનો સ્કૂટર હોય કે કાર તેના ભાવો સામાન્ય પેટ્રોલ વાહનોની સરખામણીએ 20થી 25 ટકા મોંઘા છે એટલે ભલે પેટ્રોલ વપરાશની સરખામણીએ ઘણી બચતો થતી હોવા છતાં મધ્યમ કે નાના વર્ગને આવાં વાહનો પરવડે તેમ નથી. આમ છતાં સરકારોને એવો વિશ્વાસ છે કે, જેમ ટેલિકોમ ક્ષેત્ર એકદમ ઊંચા ભાવથી હવે અડધાથી ઓછા થઇ ગયા તેમ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પણ ઘટશે. અત્યારે ભલે સંતોષજનક રીતે ભાવ નીચા નથી આવ્યા પણ છેલ્લા એક મહિનામાં ઇ-વાહનોના ભાવ ઘટાડાનું એક મોજું જરૂર આવ્યું છે. બે વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે ઇ-વાહન પરના જીએસટીના દર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યા, જેમ જેમ સમય જશે એમ કંપનીઓના કાચા માલની સરળ ઉપલબ્ધિથી અને હરીફાઇથી ભાવ ચોક્કસ ઘટશે. અત્યારની સ્થિતિનું એક નિરીક્ષણ જો કે આ મુજબ છે.

કેન્દ્ર સરકારે હાલમાં ફેમ-2 સ્કીમના સુધારામાં પહેલાં કરતાં સબસિડીનું પ્રમાણ વધારી નાખ્યું હતું. પહેલાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો પર 10,000 રૂા. સબસિડી મળતી હતી.

પણ હવે ફેમ-2 નીતિ અંતર્ગત 15000 રૂા. પ્રતિ કે.બી.એચ.?(કિલોવોટ અવર) મળે છે, જેનાં કારણે વાહનો ઝડપી સસ્તાં બને છે. 

ઇ-વાહનો સસ્તાં થવાની શરૂઆત

ફેમ નીતિ-2 પછી ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓ દ્વારા ભાવ ઘટાડાની જાહેરાતમાં ટીવીએસ મોટર કંપની, રિવોલ્ટ મોટર્સ અને ઓકિનાવા આગળ?પડતી રહી છે. છેલ્લા થોડા સમયની કંપનીઓની જાહેરાતો મુજબ ટીવીએસ કંપનીએ તેના ઇ-વાહનમાં 11,250 રૂા.નો ઘટાડો કર્યો. એથી તેની કિંમત લગભગ 1,12,000થી ઘટીને 1,00,000 રૂા. આસપાસ થઇ. પેટ્રોલના સ્કૂટરોની કિંમતો પણ હવે વધીને 80,000ની શોરૂમ પ્રાઇસ સુધી પહોંચી ગઇ?છે.

બીજી એક કંપની રિવોલ્ટ મોટર્સે તેની એક ઇ-બાઇકમાં 28,000?રૂા.નો ઘટાડો કર્યો. આ જાહેરાતની સાથે કંપનીના દિલ્હી, મુંબઇ, અમદાવાદ, હૈદરાબાદ જેવા શહેરોમાં બુકિંગમાં ઉછાળો નોંધાયો હતો. હવે તેની 400 પાવરની બાઇક 91,000 આસપાસ મળતી થઇ?ગઇ. આમ, લાંબા ગાળે પેટ્રોલની બચતની સરખામણીએ સસ્તી પડે. એથી નજીકના ભવિષ્યમાં વિદેશોની જેમ હવે ભારતમાં પણ ઇ-વાહન યુગને નકારી ન શકાય. 

આમ તો, ઇ-બાઇકો અને સ્કૂટરો દાયકા અગાઉથી જ મળતા હતા પણ નિભાવ અને બેટરીની ક્ષમતા અને ખર્ચ મુખ્ય પ્રશ્ન હતો. હવે ટેકનોલોજી બદલી ગઇ?છે એટલે બજાર બદલશે એ નક્કી છે.

દરમ્યાન, ઓકિનાવા પણ આવી જ એક કંપની છે જેણે 7000થી 17000 સુધીનો કિંમતનો ઘટાડો કર્યો છે. કંપનીએ તેની ત્રણેય બાઇકોની કિંમત એક લાખ ઉપર હતી તેને નીચે લાવી દીધી હતી. આ બધી વાતો તો કંપનીના ભાવની થઇ, તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી કાપવામાં આવે તો વધુ 15000નો લાભ થાય.

ઇલેક્ટ્રિક વાહન કંપની કોમાકીએ પણ બજારમાં પ્રવેશ કર્યો છે. અગાઉ જૂજ કંપનીઓ હતી. હવે નવી નવી કંપની સાહસ કરે છે, જેમ ઉત્પાદકો વધશે તેમ હરીફાઇ વધશે અને કિંમત ઘટશે. કોમાકીએ તેમાં સ્કૂટરની કિંમત અલગ અલગ મોડેલમાં 15થી 20 હજાર ઘટાડી છે.

બીજી તરફ લાંબા સમયથી  ઇ-વાહન ઉત્પાદનમાં જોડાયેલી કંપની હીરોએ પણ તેમાં વિવિધ મોડેલમાં ભાવ ઘટાડાની જાહેરાત કરી. ફેમ નીતિ પછી આ લાભ ગ્રાહકોને  અપાયા બાદ હવે સબસિડીની નીતિનો લાભ પણ ગ્રાહકોને રૂા. 15થી 16 હજારનો ભાવ ઘટાડશે.

અત્યારે ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ માત્ર 1 ટકા છે. હવે નવી નીતિથી લગભગ પાંચથી સાત ટકા વધે એમ ઉદ્યોગપતિઓ માને છે. આ માટે મોટી કંપનીઓ અને મોટું રોકાણ જરૂરી છે. ભલે, પરિણામ લાંબા સમયે મળે પણ શરૂઆત થઇ છે એ માનવું પડે.

બીજી બાજુ ખરીદનાર રિસેલ કિંમતનો પહેલાં વિચાર કરે છે. આ વાહનની રિસેલ વેલ્યૂ ઘણી ઓછી આવે છે. કારણ કે, તેની બોડી મોટા ભાગના ઉત્પાદકો  ફાઈબરની બનાવે છે, જે પાંચ-છ વર્ષમાં બગડી જાય છે. જો કે, સબસિડી યોજનાથી સસ્તાં થવાને કારણે માંગ વધશે એ નક્કી છે.

કેન્દ્રની ફેમ નીતિ પછી ગુજરાતની પોલિસી એવું પગલું છે જેનાથી લોકો ચોક્કસ આ ક્ષેત્ર તરફ આકર્ષાશે. પેટ્રોલનો હવે આ વિચારવાલાયક વિકલ્પ બન્યો છે, એમાં ચોક્કસ ના ન થાય.

.............

ગુજરાત સરકારની પહેલ : વધુ સબસિડીની નીતિથી માંગ વધશે

 કેન્દ્ર સરકાર તો તેની રાહતોની મુદ્દત વધારી જ રહી છેપણ ગુજરાત સરકારે અગાઉ રાહત જાહેર કર્યા બાદ હવે સર્વગ્રાહી નીતિ જ જાહેર કરી છે, જેમાં ખરીદનાર લોકોને 20 હજારથી દોઢ લાખ સુધીની માત્ર સબસિડી જ નહીં ઉત્પાદકોને  પ્રોત્સાહન, તેના સંબંધી-ઓટો એન્સીલરી મશીનોના નાના - મધ્યમ ઉત્પાદકોને  સહાય તેમજ માર્ગો પર રિચાર્જિંગ પમ્પ સહિતના મુદ્દાનો વિચાર મૂકવામાં આવ્યો?છે.

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-20 આપી, પછી ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના ફેમ-2 જાહેર કરી તેના આધારે ગુજરાત  પોતાની નીતિ જાહેર કરીને દેશમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતે લક્ષ્ય મૂક્યું છે કે, આગામી 4 વર્ષમાં ટુ-થ્રી-ફોર વ્હીલર સહિત 2 લાખ વાહનોને સબસિડી આપશે અને ઇંધણમાં 30થી 50 ટકા સુધીની ઘટ આવશે. કેટલી સફળતા મળશે એ સમય કહેશે, પરંતુ લોકોને રોજબરોજનાં ભારણ અને પ્રદૂષણ પ્રશ્ને ચોક્કસ લાંબા સમયે  શાંતિ થશે.

......... 

ઇ-વાહન ક્ષેત્રમાં અંબાણી જૂથ ઊતરશે તો થશે હરીફાઇ

 બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ એવો સંકેત આપ્યો કે, ઇલેકિટ્રક વાહન ક્ષેત્રમાં પણ ઝુકાવશે. જો આમ થશે તો જેમ જિઓ ફોન સસ્તા બજારમાં મૂકી હરીફાઇ વધારી તેમ ઇ-વાહન ક્ષેત્રમાં થાય તો નવાઇ નહીં.

અંબાણીએ એક ઘોષણા એવી હતી કે બેટરી સ્ટોરેજ પ્લાન્ટ પર 60,000 કરોડ રોકશે, ભારતમાં ઇલેકિટ્રક વાહન મોટો મુદ્દો છે ત્યારે આ વાત સૂચક છે. આ પહેલાં તેમણે 2035 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન સુધી લઇ જવાનું લક્ષ્ય હોવાની વાત કરી હતી.  કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનામાં ચાર ગીગા ફેકટરી બનાવવાનું સામેલ છે. આ સિવાય 2030 સુધીમાં 100 ગીગા વોટની સૌર ઊર્જા સ્થાપિત કરવા પણ માગે છે. આ બધી વાત રિલાયન્સ ગ્રીન એનર્જી સેગમેન્ટમાં ઊતરવા માગે છે તેનો સંકેત છે. હવે ઇ-વાહનો અને બેટરી માટે કામ કરશે તો ચોક્કસ આ ક્ષેત્રમાં ખળભળાટ થવાનો છે. કંપનીની વ્યૂહરચના જિઓમાં જોઇ જ છે.

........... 

Tuesday, 22 June 2021

Shining Indian CEOs; Nadela on Top now, Chairman.

વૈશ્વિક કારોબારમાં ભારતીયોની કમાન

બિલ ગેટ્સવાળાં પદ પર સત્યા નડેલાની પસંદગીની

જાહેરાતથી ભારતીયોનું માથું ગર્વથી ઊંચું થયું છે : દુનિયાની 60થી

વધુ દિગ્ગજ કંપનીઓમાં ભારતીય સીઈઓનો ડંકો વાગે છે

 

વિતેલા સપ્તાહમાં ભારતીયોને ગૌરવાન્વિત કરતી બે ઘટનાઓ બની. મૂળ ભારતીય સત્યા નડેલાને વિશ્વની ટોચની આઈટી કંપની માઈક્રોસોફ્ટ, કે જે કંપનીના ચેરમેનપદે બિલ ગેટ્સ રહી ચૂક્યા છે એનું ગુરુવારે ચેરમેનપદ મળ્યું. બીજું `ઈન્ડિયાસ્પોરા'નામના સંગઠને શુક્રવારે તેના સંશોધન હેવાલમાં કહ્યું કે, અમેરિકા, કેનેડા, સિંગાપુર જેવા 11 દેશોમાં જાયન્ટ 60 કંપનીઓ એવી છે, જેના સીઈઓ પદે મૂળ ભારતીય છે. કયાંક ચેરમેન અને સીઈઓ બન્ને પદ એક જ વ્યક્તિ પાસે છે. આવા જ શક્તિશાળી લોકોમાં સત્યા નડેલાનું નામ આવી ગયું છે.

ભારતીયોની તાકાતને દુનિયાએ જાણી છે અને તેમને વિદેશી કંપનીઓ મોટી જવાબદારી કે સંપૂર્ણ સુકાન સોંપી દે છે, એ વાત `ડંકે કી ચોટ પેબોલે છે.

દિગ્ગજ કંપનીઓના `કારોબારની કમાન' આજે ભારતીય મૂળના લોકો પાસે છે. એ વાત દુનિયામાં ભારતીયોનું માથું ગર્વથી ઊંચું કરી દે છે.  

માઈક્રોસોફટે જાહેરાત કરી કે, વર્તમાન ચેરમેન જોન થોમ્સન હવે કંપનીના સ્વતંત્ર ડાયરેકટર રહેશે. જ્યારે વર્તમાન સીઈઓ સત્યા નડેલા ચેરમેન અને સીઈઓ તરીકે રહેશે. જોને માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટસ પાસેથી ચેરમેનપદ સંભાળ્યું હતું. આમ હૈદરાબાદમાં ભણેલો યુવાન આગળ વધતાં આજે માઈક્રોસોફટનો ચેરમેન બન્યો છે. નડેલાએ સીઈઓ પદ સંભાળ્યું ત્યારે તેનો વિકાસ ધીમો પડશે તેવી શંકા ઉઠાવવામાં આવી હતી. પરંતુ નડેલાએ 7 વર્ષમાં સીઈઓ તરીકે શાનદાર કામ કરી લીન્કડ ઈન, નુઅંશ જેવી કંપનીઓનું અધિગ્રહણ અને નફામાં વધારા સહિત સારો દેખાવ કર્યો, જેનું આજે પરિણામ મળ્યું છે. 

જાણીતા વિશ્વસ્તરીય બિન સરકારી સંગઠન `ઈન્ડિયાસ્પોરા'એ શુક્રવારે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં 1 અબજ ડોલરથી વધુની આવકવાળી એવી લગભગ 60 વિદેશી કંપનીઓ એવી છે જેમનું નેતૃત્વ કોઈ મૂળ ભારતીયના હાથમાં છે. જેમાં કેટલાક સીઈઓના પદ ધરાવવા સાથે ચેરમેનનું પદ પણ સંભાળે છે. ગત સપ્તાહે નડેલા આવા બેવડા પદ ધરાવનાર ભારતીયોમાં સામેલ થાય છે. 

અનેક વિદેશી કંપનીઓના ઉચ્ચપદો પર તાજેતરમાં જ ભારતીયો મુકાયા છે. ગત વર્ષે અરવિંદ કૃષ્ણા આઈબીએમના સીઈઓ બન્યા. એ જ રીતે ફેયરફેક્સનું સીઈઓ અને ચેરમેન એમ બંને પદ પ્રેમ વત્સ સંભાળે છે. આ સિવાય એડોબ જૂથમાં નારાયણ અને પાલોઓલ્ટોમાં  નિકેશ અરોરા બંને ઉચ્ચપદ સંભાળી રહ્યા છે. 

વૈશ્વિક સ્તરના ભારતીય મૂળના વ્યવસાયીકોના સંગઠન `ઈન્ડિયાસ્પોરા'ના હેવાલ મુજબ ભારતીય મૂળના 60 સીઈઓ 11 દેશોમાં ઉચ્ચપદે છે અને 36 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે, સાથે વાર્ષિક 100 અબજ ડોલરની કમાણી કરે છે. ભારતીય મૂળના આધિપત્યવાળી આ કંપનીઓની કુલ બજાર મુડી 4000 અબજ ડોલર છે. માત્ર આઈટી ક્ષેત્ર જ નહીં, બેંકિંગ - ફાઈનાન્સ ઈલેકટ્રોનિકસ જેવા ક્ષેત્રમાં પણ ભારતીયોનો પ્રભાવ છે. ભારતીય મૂળના સીઈઓ આજના વૈશ્વિક કારોબારને સફળ રીતે ચલાવવાની સાથે સમાજમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી  નવી દિશા આપે છે. 

............ 

સત્યા નડેલા, ચેરમેન-સી.ઈ.ઓ. માઈક્રોસોફ્ટ
7 વર્ષના શ્રેષ્ઠ દેખાવનું મળ્યું ઇનામ

ટેકનોલોજીની દુનિયામાં ભારતીયોનો વિશ્વમાં ડંકો વગાડનારાઓમાં નડેલા ટોચના ક્રમે છે. નડેલાએ એક વાર અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, માઈક્રોસોફ્ટ જેવી કંપનીનું નેતૃત્વ કરવું એ તેમના સપનાની પણ બહારની વાત હતી. જો કે, ગત અઠવાડિયે સીઈઓની સાથે ચેરમેન પણ જાહેર થયા છે.

નડેલા મૂળ હૈદરાબાદના છે. 1967માં જન્મ. પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદમાં લીધું. 1992માં માઈક્રોસોફ્ટ કંપનીમાં જોડાયા બાદ નડેલા થોડા સમયમાં જ કંપનીમાં જાણીતું નામ બની ગયા હતા. 1988માં મનિપાલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઈજનેરની ડિગ્રી લીધા બાદ તેમણે અમેરિકા જઈ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી અને 1996માં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું. નડેલા છેલ્લા સાત વર્ષથી સીઈઓ છે. તેમના નેતૃત્વમાં માઈક્રોસોફ્ટ નવી ઊંચાઈએ પહોંચી છે અને હવે તેમને એનું ઈનામ મળ્યું છે.

 

 

અરવિંદ કૃષ્ણા, ચેરમેન અને સીઈઓ-આઈબીએમ

દુનિયાની ટોચની આઈટી કંપનીઓમાં સામેલ આઈબીએમએ ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણાને ગત વર્ષે કંપનીના સીઈઓ બનાવાયા હતા અને ડિસેમ્બરમાં જ તેમને ચેરમેનની વધારાની જવાબદારી પણ સોંપી દેવામાં આવી હતી.

અરવિંદ કૃષ્ણાએ દેહરાદૂન અને કાનપુરમાંથી અભ્યાસ કર્યો છે. આઈઆઈટી કાનપુરમાંથી તેમણે ઈજનેરી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. એ પછી યુનિવર્સિટી ઓફ ઈલનોઈઝમાંથી પીએચડી પણ કર્યું હતું. તેઓ 1990માં આઈબીએમ સાથે જોડાયા હતા.

......... 

શાંતનુ નારાયણ ચેરમેન અને સીઇઓ, એડોબ

મૂળ હૈદરાબાદના તેલંગાણાના વતની શાંતનું નારાયણ એડોબ કંપનીમાં  જોડાયા બાદ માત્ર 9 વર્ષના ગાળામાં 2007માં કંપનીના સીઇઓ બન્યા હતા. એ પછી ચેરમેન પદની  જવાબદારી પણ સોંપાઇ હતી. 2019માં તેમને  બેરના મેગેઝીને દુનિયાના શ્રેષ્ઠ સીઇઓનું બિરુદ પણ આપ્યું હતું. શાંતનુ નારાયણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રોનિક્સ ઇન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો, ઉપરાંત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એમબીએની ડિગ્રી લીધી હતી. જ્યારે બોટલિંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટી ઓહીયોમાંથી કોમ્પ્યુટર સાયન્સમાંથી માસ્ટર્સ કર્યું છે.  

 

અજય બાંગા, માસ્ટર કાર્ડ-સીઇઓ અને ચેરમેન

મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની અજય બાંગાએ  2010માં આ ક્રેડિટ કાર્ડ કંપની માસ્ટર કાર્ડના સીઇઓનું પદ સંભાળ્યું હતું. તેમણે પોતાની કારકિર્દી નેસ્લે ગ્રુપથી 1981માં શરૂ કરી હતી. બાદમાં પેપ્સિકોમાં કામ કર્યું હતું.

હાલમાં બાંગા માસ્ટર કાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. 1959માં પુણેમાં જન્મેલા બાંગાએ દિલ્હી યુનિવર્સિટી અને આઇઆઇએમ અમદાવાદમાંથી અભ્યાસ કર્યો હતો. 2009માં માસ્ટર કાર્ડમાં જોડાયા હતા. 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

............. 

સુંદર પિચાઈ, ગૂગલ સીઈઓ

અમેરિકી દિગ્ગજ કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું નામ સૌ કોઈ જાણે છે. તે મૂળ તામિલનાડુના ચેન્નઈના વતની છે. 1972માં ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈનું મૂળ નામ સુંદરરાજન છે. એમણે ગૂગલમાં સર્ચ એન્જિન, જાહેરાતો, એપ્લિકેશન, યુટયુબ અને એન્ડ્રોઈડ સિસ્ટમ જેવા મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળી સફળતાપૂર્વક આગળ વધાર્યા છે. પિચાઈ ગૂગલ ઉપરાંત તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના પણ સીઈઓ છે.

પિચાઈએ આઈઆઈટી ખડગપુરમાંથી બી.ટેક.નો અભ્યાસ કર્યો હતો. જેમાં સિલ્વર મેડલ લીધું. ત્યાંથી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ.નો અભ્યાસ કર્યો બાદમાં પેન્સિલવેનિયા યુનિ.ની વાર્ટન સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું. 2004માં ગૂગલમાં ગૂગલથી પહેલાં પિચાઈએ એપ્લાઈડ મટીરિયલ્સમાં ઈજનેર તરીકે કામ કર્યું હતું. એ પછી મેકકિન્સમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નોકરી પણ કરી હતી.

.............


પુનિત રંજન, ડેલોઇટ ટચ તોમાત્સુ-ગ્લોબલ સીઇઓ

હરિયાણાના એક નાનકડા વિસ્તારમાંથી આગળ વધનાર પુનિત રંજન ડેલોઇટ ગ્લોબલમાં સીઇઓ સુધી પહોંચ્યા છે.

ભારતમાંથી સ્નાતક થયા બાદ તેમણે કેટલાક વર્ષ દિલ્હીમાં નોકરી કરી હતી. બાદમાં રોટરી ફાઉન્ડેશનમાંથી સ્કોલરશિપ મળ્યા બાદ અમેરિકા ગયા હતા. જ્યાં તેમણે ઓરેગોનની વિલ્મેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ?મેનેજમેન્ટની ડિગ્રી લીધા બાદ ટચ રોઝ કંપનીમાં જોડાયા હતા. જે કંપની બાદમાં 1989માં ડેલાઇટ ગ્રુપમાં ભળી ગઇ હતી. 

.........


પ્રેમ વત્સચેરમેન અને સીઇઓ-ફેરફેક્સ

મૂળ હૈદરાબાદમાં 1950માં જન્મેલા પ્રેમ વત્સ કેનેડાના ટોરેન્ટો મહાનગરની કંપની ફેયરફેકસ ફાયનાન્સિયલ સર્વિસીઝના ચેરમેન અને સીઇઓ છે. વત્સ આઇઆઇટી મદ્રાસમાંથી અભ્યાસ પૂર્ણ કરીને કેનેડામાં પોતાના ભાઇ પાસે ચાલ્યા ગયા હતા. જ્યાં યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટેરિયોમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. 1985માં તેમણે ફાયનાન્સિયલ સર્વિસીઝ પેઢી ફેયરફેકસ ફાયનાન્સિયલ હોલ્ડીંગની શરૂઆત કરી હતી. અને ત્યારથી તેમના ચેરમેન અને સીઇઓ છે.

.........


નિકેશ અરોરા, પાલો ઓલ્ટો નેટવર્કસ-સીઇઓ

ઉત્તરપ્રદેશમાં જન્મેલા નિકેશ અરોરા 2018માં  સાઇબર સિક્યોરિટી કંપની પાલો ઓલ્ટો નેટવર્કસના સીઇઓ બન્યા છે. પ્રારંભમાં સંઘર્ષ કરીને આગળ વધનારા નિકેશે એક મુલાકાતમાં કહ્યું હતું કે, પહેલાં તેમને અનેક કંપનીઓએ નોકરી આપવાનો પણ ઇન્કાર કર્યો હતો. પાલો કંપની પહેલાં તેઓ સોફટ બેન્ક ઇન્ટરનેટ એન્ડ મીડિયાના સીઇઓ પણ રહી ચૂક્યા છે. અરોરાએ  આઇઆઇટી વારાણસીમાંથી ઇલેકટ્રીકલ ઇજનેરની ડિગ્રી લઇને અમેરિકામાં નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે અને બોસ્ટન કોલેજમાંથી ફાઇનાન્સમાં માસ્ટર્સની ડિગ્રી પણ લીધી હતી. 

 

Monday, 14 June 2021

Ethanol: petrol price is pain of public and government, but many more challenges ahead.

ઈથેનોલ :પેટ્રોલની પીડામાંથી મુક્તિની

યુક્તિ :  પણ, પડકાર અને પ્રશ્નો


સરકારનું તો 100 ટકા ઈથેનોલનું લક્ષ્ય  પણ, 10 અને 
20 ટકા સુધી પહોંચવાનો માર્ગ પણ અઘરો

 

પેટ્રોલ-ડીઝલના ભાવ દિનપ્રતિદિન વધે છે, 85 ટકા આયાત કરવું પડે છે, સમસ્યા મોટી છે, પણ બાજી વિદેશી તેલ ઉત્પાદકોનાં હાથમાં છે. કાચા તેલના ભાવ ઘટે તો ઓપેક દેશોની બેઠક મળે અને ઉત્પાદન ઘટાડી ભાવ વધારે. કેન્દ્ર સરકાર સીએનજી, ઇલેકટ્રીક વાહનો સહિતનાં મોરચે આગળ વધે છે. એક વિકલ્પ ઇથેનોલ પણ છે. પેટ્રોલમાં ભેળવીને ઘરેલુ મોરચેથી રાહત મળી શકે. 2003થી ચર્ચાતો મુદ્દો છે, હવે સરકાર વધુ ગંભીર બની છે અને  તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિને બહુ ચર્ચા થઇ.

સરકારનું લક્ષ્ય તો બહુ ઊચું છે, ધીરે ધીરે ઇ-100 (સંપૂર્ણ ઇથેનોલ-જૈવિક ઇંધણથી ચાલતું વાહન) પરંતુ તે દૂર છે. આનાથી પ્રદૂષણ ઘટે, પણ પ્રશ્નો અને પડકારો છે. જો કે, સરકાર અત્યારે ઇ-10 અને ઇ-20નાં લક્ષ્યમાં કેવી રીતે દેશ આગળ વધશે અને અત્યારની સ્થિતિ શું છે તેની અહીં ચર્ચા કરી છે.

ઇથેનોલ ક્ષેત્રને વિકસાવવા સરકાર ગંભીર બનીને આગળ વધી રહી છે. ઇથેનોલનાં ઉત્પાદન અને ખરીદીનાં માળખાને સુદ્રઢ કરવા નિર્ણયો લેવાઇ રહ્યા છે. અત્યાર સુધી ઇથેનોલનાં મોટા ભાગના એકમો માત્ર એવા 4-5 રાજ્યોમાં હતા, જ્યાં ખાંડનું ઉત્પાદન થાય છે, હવે તેને વધારાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથેનોલ ઉત્પાદન વધારવા માટે ગંભીર છે. સમગ્ર દેશમાં તેનાં વિતરણ માટે ઇ-10 પ્રોજેકટનો તાજેતરમાં આરંભ કર્યો ત્યારે કહ્યું હતું કે, સરકારે રાષ્ટ્રીય જૈવ ઇંધણ (બાયોફયુઅલ) નીતિ અંતર્ગત પેટ્રોલમાં 20 ટકા ઇથેલોન મિશ્રિત કરવા માટેનું  લક્ષ્ય 2030ને બદલે હવે 2025 કરી નાખ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પોતાના વકતવ્યમાં મોદીએ આ મુદ્દે ખાસ ભાર આપીને આ સેકટરનાં વિકાસનો વિસ્તૃત રોડમેપ આપ્યો હતો.

સરકાર ઇથેનોલ ઉત્પાદન અને વિતરણનું મોટું નેટવર્ક સ્થાપવા જઇ રહી છે. એ માટે સડેલા અનાજ અને ખેતીમાંથી નીકળેલા કચરા આધારિત એકમોની સ્થાપના કરવામાં  આવશે.

હવે એવી આશા રાખવામાં આવે છે કે, આ સ્વદેશી ઇંધણ પેટ્રોલમાં વધુ પ્રમાણમાં મિશ્રિત કરવાથી તેની કિંમત ઘટશે, એટલું જ નહીં સરકારની આયાત ઘટશે અને પ્રદૂષણમાં પણ ફાયદો થશે.

સરકાર જો હવે ત્વરિત તેનાં જાહેર કરેલાં પગલાંઓ મુજબ આગળ વધશે તો, નવેમ્બર-2021 સુધી લગભગ 9 ટકા સુધીનાં પેટ્રોલમાં મિશ્રણનાં લક્ષ્યને પહોંચી વળશે એવું નિષ્ણાતો માને છે. અત્યાર સુધીનું ભારતમાં પેટ્રોલની સાથે સૌથી સારું ઇથેનોલ મિશ્રણ 2 ટકા હતું. જો કે, ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતનાં દસેક રાજ્યોમાં 5થી 10 ટકા ઇથેનોલનું પેટ્રોલની સાથે મિશ્રણ કરવામાં આવે છે, જે 2022 સુધીમાં તો દસ ટકાનાં લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે.

સમસ્યા અને પડકાર : ખાસ પ્રકારનાં એન્જિનને સમય લાગશે

ઇથેનોલને એક વૈકલ્પિક ઊર્જા ઇંધણનાં રૂપમાં માનવામાં આવે છે, કારણ કે તેનું ઉત્પાદન છોડવા સાથે જોડાયેલું છે. જે સૂર્યશક્તિનો?ઉપયોગ કરે છે. જો કે તેમાં કેટલીક સમસ્યા પણ સામે આવી રહી?છે. એકવાર તેને પેટ્રોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે, પછી અલગ નથી કરી શકાતું. બીજું, મોટું નુકસાન એ?છે કે, ઇથેનોલ વાતાવરણનાં ભેજને શોષી લે છે, તે વાહનનાં એન્જિનની સામે પ્રશ્ન ઊભા 

કરે છે.

સરકારે લક્ષ્ય ભલે ઊચું રાખ્યું છે, પણ અત્યારનાં 8.5 ટકાથી વધુ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવું હશે તો તેનાં ખાસ પ્રકારનાં ઇન્જિનનું ઉત્પાદન કરવું  પડશે. પ્રથમ તબક્કામાં આવા ઇ-10 અને ઇ-20 ઇન્જિનવાળા વાહનો અનુક્રમે 2023થી 2025 સુધીમાં ઉત્પાદન થઇ શકશે. સરકારે ભલે છૂટ આપી પણ સમય લાગશે.

બીજું, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરની નિષ્ણાત સમિતિનું કહેવું છે કે, એન્જિનમાં જો ફેરફાર કરવામાં આવે છે તો મિશ્રિત ઇંધણથી કાર્યક્ષમતા ઘટે છે, ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો ઇ-20નો ઉપયોગ કરે છે, તો 6થી 7 ટકાનું ઇંધણ વપરાશમાં નુકસાન થાય છે. ઇ-20 એટલે કે 20 ટકા ઇથેનોલવાળું પેટ્રોલ વાપરવું હોય તો નવું એન્જિન માળખું જોઇશે. જેમાં પ્લાસ્ટિક અને રબરનાં પાર્ટસ ખાસ પ્રકારનાં જોઇએ. ભારતમાં તો ઇ-10 એન્જિનવાળા વાહનો એપ્રિલ-2023માં આવશે. એ ખાસ વાહનો જ આશા મુજબ કાર્યક્ષમ રહેશે. કેન્દ્રીય મંત્રાલયે માર્ચ-2021માં જાહેરનામું બહાર પાડીને આવા ખાસ વાહનો પર ઇ-10 કે ઇ-20  લખવાનું ફરજિયાત કર્યું છે.

...........

 

ઇથેનોલ શું છે અને સરકારની નીતિ

ઇથેનોલ જૈવિક યૌગિક ઇથાઇલ આલ્કોહોલ છે, જે બાયોમાસથી ઉત્પાદિત થાય છે. જે આલ્કોહોલિક પીણામાં પણ ઉપયોગ કરવામાં આવતી સામગ્રી છે. જેની ઓક્ટેઇન સંખ્યા ગેસોલીનથી પણ વધુ છે, જેનો અર્થ છે કે એ પેટ્રોલની પારદર્શકતા (ઓક્ટેઇન નંબર)ને વધારે છે. ઇથેનોલમાં ઓક્સિજન હોય છે, જે ઇંધણના પૂર્ણ દહનમાં મદદ કરે છે. ઉપરાંત કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય છે. ઇથેનોલને પેટ્રોલમાં ભેળવીને ગાડીઓમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલમાં ભેળવવાથી 35 ટકા સુધી કાર્બન મોનોક્સાઇડ ઓછું કરી શકાય છે.

પેટ્રોલમાં વિદેશ પર નિર્ભરતા છે અને તેનો ભાર ઓછો કરવા દેશમાં ઇથેનોલને પ્રોત્સાહન જરૂરી છે. વર્ષ 2003માં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ?(ઇબીપી) કાર્યક્રમ શરૂ?તો થયો, સાચી ગંભીરતા મોદી સરકારના કાર્યકાળ બાદ આવી હતી. 2014 સુધીમાં પેટ્રોલમાં ટકાવારીની રીતે જોવામાં આવે તો માત્ર 1.5 ટકા ઇથેનોલ ભેળવવામાં આવ્યું હતું, જે વધીને અત્યારે 8.5 ટકા થઇ?ગયું છે.

ઇથેનોલનું ઉત્પાદન આમ તો શેરડીથી થાય છે, પરંતુ હવે સરકાર ચોખાથી પણ?તેને તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મૂળ ઇથેનોલ એ ચીની ઉદ્યોગનું ઉપ-ઉત્પાદન વધુ છે.

છેલ્લા ત્રણેક વર્ષમાં જે રીતે ક્રૂડતેલના ભાવોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉતાર-ચડાવ અને પરાધીનતા આવી છે, એ પછી સરકારે સીએનજીના વપરાશમાં વધારો અને ઇલેક્ટ્રીલ વાહન ઉત્પાદનને પ્રોત્સાહન સાથે ઇથેનોલ મિશ્રણ વધારવાની નીતિ પણ ઘડી કાઢી છે. 2018માં જૈવ ઇંધણ નીતિની જાહેરાત કરીને અનેક નિર્ણયો લીધા હતા.

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (બ્લેન્ડિંગ)ના લક્ષ્યની પ્રાપ્તિ માટે બી-હૈવી મોલાસ (શીરા), શેરડીનો રસ, સુગર સિરપ અને ચીનથી ઇથેનોલ ઉત્પાદનની મંજૂરી અપાઇ?છે. ચીની મિલોને વધુ ઇથેનોલ બનાવવા પ્રોત્સાહન અપાયું. આ સિવાય ભારત સરકારે એફસીઆઇ?(ભારતીય ખાદ્ય નિગમ)ની પાસે ઉપલબ્ધ તૂટેલા ઘઉં, વધારાની મકાઇ અને ચોખા જેવા ખરાબ થઇ ચૂકેલા અનાજથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે જેનો ઉપયોગ કરવાની મંજૂરી પણ?આપી દેવાઇ?છે. સરકારે એવી પણ જાહેરાત કરી દીધી કે એફસીઆઇ પાસેના ઉપલબ્ધ ચોખાને આવનારા વરસોમાં ઉત્પાદન માટે આપી દેવાશે.

.............

સરકારની સસ્તી લોન અને 50,000 કરોડ રૂા.ની યોજના

ગત બુધવારે પાંચ નવા  ઇથેનોલ પ્રોજેક્ટને સસ્તી લોન માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી 1000 કરોડનું વધુ રોકાણ આવશે અને લગભગ 5 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે.

કેન્દ્રે ઇથેનોલમાં 100 ટકા એટલે કે, મિશ્રણ વિનાના માત્ર ઇથેનોલના ઇંધણ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે તેલ કંપનીઓ સીધું ઇ-100 વેચી શકશે. જો કે, આ ઇંધણનો ઉપયોગ માત્ર એવા જ વાહનો કરી શકશે, જે `ઇ-100'ની વ્યવસ્થા માટે બનાવાયા હોય. વિદેશની નિર્ભરતા  ઘટાડવા સરકારે 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના?ઘડી છે. ભારતને  20 ટકા મિશ્રણવાળા ઇંધણ માટે દરવર્ષે 10 અબજ લિટર ઇથેનોલની જરૂર પડશે.

.........

આયાત બિલ અને  ખેડૂતો : શું ફાયદો ?

ભારત પોતાના કુલ પેટ્રોલિયમ વપરાશની લગભગ 85 ટકા આયાત કરે છે. નીતિ આયોગના એક ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2020-21  ભારતે 185 મિલિયન ટન પેટ્રોલિયમનો કાચો જથ્થો આયાત કર્યો હતો. જે માટે 55 અબજ ડોલરની ચૂકવણી કરવી પડી. 20 ટકા ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમથી ભારત વાર્ષિક 4 અબજ ડોલર એટલે કે 30,000 કરોડ રૂપિયાની બચત કરી શકે છે. જે આયાત પર નિર્ભરતા ઓછી કરીને `આત્મનિર્ભર ભારત' લક્ષ્યની પ્રાપ્તિમાં મદદ કરશે, આ રીતે જોવામાં આવે તો ઈથેનોલ કાર્યક્રમ બહુઉદ્દેશીય લાભવાળો છે. સરકાર તેના દ્વારા એક સાથે અનેક તીર સાધવાનું લક્ષ્ય લઈને ચાલે છે.

આ ઉપરાંત નોંધપાત્ર રીતે સરકારે ખેડૂતોને લાભ પહોંચે અને ઈથેનોલનું પણ ઉત્પાદન વધે તેવાં પગલાં લીધા છે. વધારાના અનાજ ઉત્પાદનની સ્થિતિમાં કિસાનોને લાભ થઈ જ રહ્યો છે. ખાસ કરીને શેરડીની માંગ વધતાં ખેડૂતોની આવક વધી છે. વર્ષ 2013-14માં દેશમાં લગભગ 38 કરોડ લિટર ઈથેનોલની ખરીદી થઈ હતી, જે વધીને 320 કરોડ લિટર થઈ ગઈ છે. 

Monday, 7 June 2021

Edible oil price double in one year, The Government earns from high import duty...

 
કહાં રાજા તેલૈયા,
કહાં ગંગુ પ્રજા !

પેટ્રોલની કિંમત વધવા સાથે સરકાર સામે પસ્તાળ પડે છે : પણ, મધ્યમ જ નહીં દીન-આમ પ્રજા માટેય આવશ્યક એવા ખાદ્યતેલોના ભાવ એકાદ વર્ષમાં જ બેવડાઇ ગયા; ને પ્રજા બેવડ વળી ગઇ છે : ખપત સામે પુરવઠો ઓછો રહેતાં આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભરતા વચ્ચે સરકાર ઊંચા સેસથી આવક રળે છે

 

પેટ્રોલની કિંમતમાં 20-30 પૈસાનો વધારો આવે એટલે નોંધ લેવાય, ભારતના કેટલાક વિસ્તારોમાં લિટરે 100 રૂા.ની કિંમત પહોંચી ત્યારે મીડિયામાં તેની ભારે ચર્ચા થઇ. પેટ્રોલ ભાવ બહુ વગોવાયેલા, સરકાર પર પસ્તાળ પડી છે, પણ માત્ર મધ્યમ અને ઉચ્ચ વર્ગને જ નહીં, આર્થિક નબળા `આમ' નાગરિકને પણ જેના વિના નથી ચાલતું એ ખાદ્યતેલના ભાવો અત્યારે ક્યાં છે ? નબળા વર્ગને તો જવા દો, ફરસાણની દુકાને 250 ગ્રામ પણ નહીં ? 200 ગ્રામનું પેકિંગ બે વર્ષમાં ક્યાં ગયું ? બે ગણા ભાવ થયા છે. સરકારી વેબસાઇટો હોય કે કૃષિ ક્ષેત્રના સૂચકાંક હોય, દેશમાં છ પ્રકારના ખાદ્યતેલના ભાવમાં 20થી 56 ટકાનો વધારો તો માત્ર છેલ્લા એક જ વર્ષમાં થયો હોવાનું સત્તાવાર નોંધ છે.

નબળા-મધ્યમ વર્ગના લોકોનાં ભોજનનો સ્વાદ બગાડનાર આ `તેલનો ખેલ' ઓછો નથી. એક જાણીતી કહેવત છે `કહાં રાજા ભોજ, કહાં ગંગુ તેલી'. પણ સ્થિતિ એવી થઇ છે કે તેલિયા રાજા બન્યા છે અને પ્રજા `ગંગુ' થઇ ગઇ છે. એક તો કોરોના મહામારી પછી  નોકરીઓ છૂટી જવી, નવી તકો ન મળવી, પગાર કાપ અને ઉપરથી આ તેલ જેવી જીવનાવશ્યક સહિતની ચીજોમાં મોંઘવારીથી પ્રજા બેવડ વળી ગઇ છે.

જેમ પેટ્રોલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટવા છતાં સ્થાનિક ન ઘટયા તેમાં એક્સાઇઝ અને રાજ્યના વેરાનો બોજ કામ કરી ગયો અને સરકાર કમાણી કરે છે એમ `તેલ'માં પણ કંઇ ઓછી ડયૂટી નથી. ભારત દુનિયામાં વનસ્પતિ તેલનું સૌથી મોટું આયાતકાર છે. કુલ ખપતના લગભગ 70 ટકા તેલ આયાત કરવું પડે છે. એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટ સેસ અને સામાજિક સુરક્ષા સેસ મળીને ખાદ્યતેલની આયાત પર 35.75 ટકા સેસ છે અને બધું મળીને કુલ અસરકારક વેરો લગભગ 50 ટકા સુધી જાય છે. કેન્દ્ર સરકારે ખાદ્યતેલોમાં ભાવ વધારાની રાડ પછી શુક્રવારે એવા સંકેત આપ્યા કે આયાત કરને ઘટાડવામાં આવશે, જેનાથી તેલની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા છે. 

ગુજરાતમાં તો સીંગતેલનો વધુ વપરાશ છે. જ્યારે વિદેશમાંથી આયાત કરવા પડતા તેલોમાં મુખ્ય હિસ્સો પામ, સોયા અને સનફ્લાવરનો હિસ્સો છે. જો કે, સીંગતેલ પણ ભાવના ભડકામાંથી બાકાત નથી. અત્યારે સીંગતેલનાં ડબાનો ભાવ 2400થી 2500 રૂા. પહોંચ્યો છે. કર ઘટાડાથી મલેશિયાથી આયાત થનારા પામતેલ, સોયા અને સનફ્લાવરની આયાત વધશે અને ઘરેલુ તેલ એવા સરસવ, સોયાબીન અને સીંગતેલના ભાવ પણ સાથે સાથે ઘટશે તેવી સરકારની ધારણા છે. જો કે, તેમાં મતમતાંતર છે. તેલના ધંધાર્થીઓ એસોસિયેશને એવો મત દર્શાવ્યો કે ડયુટી ઘટાડવાથી માંગ વધતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારી નખાશે અને ગ્રાહકોને તો કોઇ ફાયદો નહીં થાય. બીજીબાજુ સરકારને કર ઘટાડાથી નુકસાની ભોગવવી પડશે. સરકાર હવે કઇ દિશામાં આગળ વધશે તેના પર મીટ છે, ત્યારે દેશમાં ભાવોની સ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો? કેટલી દેશમાં જરૂરિયાત વધી છે ? ઉત્પાદન અને આયાતની શું સ્થિતિ છે ? આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધવાનાં કારણો શું છે તે સહિતનું વિશ્લેષણ અહીં છે.

 

કેટલા વધ્યા ભાવ? શા માટે?

તમામ ખાદ્યતેલોની કિંમત જૂનના પ્રારંભે વિક્રમી ઊંચાઈએ પહોંચી ચૂકી છે. એક વર્ષમાં ડબલ! છેલ્લાં એક વર્ષમાં 30થી 60 ટકાની ભાવવૃદ્ધિ નોંધાઈ છે. કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયની વેબસાઈટના આંકડા મુજબ, તેલમાં લિટરે રૂા. 170થી રૂા. 200ની કિંમત પહોંચી છે. કિંમતના આ વધારાની ટકાવારી વાર્ષિક રીતે જોઈએ તો 11 વર્ષમાં સૌથી ઉચ્ચતમ સ્તરે છે. સૌથી મોટો ભાવવધારો સરસવ-પામ અને સોયા તેલમાં છે, જેની પાછળ આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો કારણભૂત છે.

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન પ્રાઈઝ ઈન્ડેક્સ (2014-16) પ્રમાણે, ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ સૂચકાંક ગત વર્ષે એપ્રિલમાં 81 ટકા હતો, જે વધીને ચાલુ વર્ષે એપ્રિલમાં 162 ટકા થયો છે. આની પાછળ માંગ કારણભૂત છે. માથાંદીઠ આવક વધતાં દેશમાં માંગ વધે છે. સામે તેટલા પ્રમાણમાં ઉત્પાદન નથી વધતું એટલે આયાત વધે છે અને આંતરરાષ્ટ્રીય ભાવો પર નિર્ભર રહેવું પડે છે. ઉત્પાદનમાં આત્મનિર્ભર થઈએ તો જ સ્થિતિ સુધરે, સરકારનું લક્ષ્ય પણ છે, પરંતુ તેમાં વર્ષો નીકળી જાય.

 

ફૂડ બાસ્કેટથી ફ્યુઅલ બાસ્કેટ અને ચીન :

ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો

દેશની જરૂરિયાત કરતાં ઉત્પાદન ઓછું પડતાં આયાત કરવી પડે છે અને સીધી આંતરરાષ્ટ્રીય પરિબળોની અસર થાય છે. આમાં પણ ચીન એક કારણ છે, કોરોના પછી ખાનપાન બદલાતાં અને ચીનમાં ખાદ્યતેલની માંગ વધી છે એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટો ખરીદદાર બન્યું છે. આ સિવાય આંતરાષ્ટ્રીય ભાવ સુચકાંક વધવાનું કારણ એ છે કે, પર્યાવરણના મુદાને લઈને હવે તેલનો વપરાશ ઈંધણ તરીકે વધે છે. વેજિટેબલ તેલમાંથી જ `બાયો ફ્યુઅલ' બને છે. મલેશિયામાં શ્રમ કાયદા વિવાદ, પામ અને સોયા તેલનું ઉત્પાદન થાય છે તેવા વિસ્તારોમાં સમુદ્રી તોફાન આવ્યું હતું. એના કારણોએ પણ ભાવ વધાર્યા છે.