Thursday, 29 July 2021

RBI changed attitudes ; Steps towards digital currency...

ડિજિટલ ચલણ;

આરબીઆઇનું બદલ્યું વલણ

-દિવ્યેશ વૈદ્ય

 

ગુરુવારે ભારતીય રિઝર્વ બેંકે એક મોટા નિર્ણયની જાહેરાત કરી હતી. ડિજિટલ ચલણની. હવે જ્યારે દુનિયામાં વર્ચ્યુઅલ કરન્સીનું ચલણ વધતું જાય છે અને બિટકોઈનની બોલબાલા છે ત્યારે આ પગલું ભારતીય મધ્યસ્થ બેંકના રૂઢિવાદી વલણ કરતાં અલગ પ્રકારનું છે, સારી પહેલ છે. ભારતમાં ડિજિટલ ચલણ આવશે તેનાથી સુરક્ષાના જોખમ સહિત મુશ્કેલી આવી શકે છે, પરંતુ લેવડ-દેવડ સરળ થવા સહિતનાં ફાયદા અનેક છે. 

આરબીઆઈનાં નાયબ ગવર્નરે જણાવ્યું હતું કે, `આરબીઆઈ જાતે પોતાની ડિજિટલ કરન્સીને તબક્કાવાર મૂકવાની યોજના પર કામ કરી રહી છે. કેન્દ્રીય બેંક તેને પાઈલટ પ્રોજેક્ટ આધારે જથ્થાબંધ અને રિટેલ એમ બંન્ને ક્ષેત્રોમાં તબક્કાવાર રજૂ કરવાની પ્રક્રિયામાં છે. આ ડિજિટલ કરન્સી શું છે ? શા માટે ભારતે પણ આ દિશામાં આગળ વધવાની ફરજ પડી ? ડિજિટલ કરન્સીના ફાયદા અને જોખમો શું છે, દુનિયામાં અત્યારે  ડિજિટલ કરન્સીમાં કેટલા દેશો આગળ વધ્યા છે ? તેમજ બહુચર્ચિત બિટકોઈન સહિતની `િક્રપ્ટો કરન્સી' અને `િબટકોઈન' વચ્ચે શું તફાવત છે એ સહિતના મુદ્દાઓની અહીં છણાવટ કરવામાં આવી છે. 

.........

 

શું છે ડિજિટલ કરન્સી ?

ડિજિટલ કરન્સી એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીટી) જેને સત્તાવાર રીતે જે-તે દેશની કેન્દ્રીય બેંક જારી કરે છે, જારી કરનાર દેશમાં આ ચલણની સરકારી માન્યતા હોય છે. આ ચલણ દેશની કેન્દ્રીય બેંકની બેલેન્સ શીટમાં પણ સામેલ હોય છે. આવા ચલણની ખાસિયત એ છે કે તે વર્તમાન નોટો કે સિક્કાનાં ચલણમાંથી ડિજિટલમાં કે ડિજિટલમાંથી વર્તમાન ચલણમાં બદલી કરી શકાય છે. 

ભારતના મામલામાં તેને `િડજિટલ રૂપિયા' કહી શકાય. ડિજિટલ ચલણ બે પ્રકારનાં રહેશે. રિટેલ અને હોલસેલ. રિટેલનો ઉપયોગ સામાન્ય લોકો અને કંપનીઓ કરે છે, જ્યારે હોલસેલ કરન્સીનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ કરશે. આ ચલણ એ રૂપિયાનું ઇલેકટ્રોનિક સ્વરૂપ કહી શકાય. આ ચલણ એવું જ હશે જેમ પેટીએમ, એમેઝોન, ગુગલ પે, ફોન-પેમાં કામ થાય છે, પરંતુ અત્યારે  જે થાય છે એ પેમેન્ટ સિસ્ટમ છે. હવે આ ડિજિટલ ચલણ એ એક બેલેન્સ તરીકે  કામ કરશે, જેને એકબીજા પ્રકારના ચલણમાં બદલી શકાશે.

.........

 

ડિજિટલ ચલણ શા માટે ?

બિટકોઇન જેવી `વર્ચ્યુઅલ' કરન્સીનો અત્યારે મોટાભાગના દેશો સામનો કરી રહ્યા છે. આવી કરન્સીનો ઉપયોગ સટ્ટાબાજી, ગેરકાયદે નાણા હેરફેર અને ત્રાસવાદી ભંડાળ માટે પણ કરવામાં આવે છે. સરકારી તપાસનીશ એજન્સીઓને આવા સમયે ગુનેગારને પકડવામાં બહુ મુશ્કેલી થાય છે. હવે ભારત જેવા દેશોમાં પણ આવા પ્રકારની  ક્રિપ્ટો કરન્સીનું ચલણ ટૂંકા રોકાણ સહિત વિવિધ ઉપયોગ માટે વધ્યું છે. સરકાર તેના પર અંકુશ મૂકવા માગે છે. કેન્દ્ર સરકારે આવી વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ માટે એક ખરડો પણ તૈયાર કર્યો છે. જેને ચોમાસુ સત્રમાં જ પસાર કરવાનું લક્ષ્ય છે. આ સંજોગોમાં ડિજિટલ કરન્સી સારી પહેલ છે.

 

લેવડ-દેવડમાં સરળતા સહિતના શું છે ફાયદા ?

છાપકામ ખર્ચ અને ટેક્સચોરી ઘટશે

ડિજિટલ કરન્સીના જોખમો છે, પરંતુ ફાયદા વધુ દેખાય છે. પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે, `ઇ-રૂપિયા'થી રોકડ પરની નિર્ભરતા ઘટશે. સંભવત: ધીરે ધીરે અર્થતંત્રમાં રોકડનું પ્રમાણ ઘટી જશે. દેખીતી રીતે નોટ છાપવાનો ખર્ચ બચશે. રોકડ લેવડ-દેવડમાં સરળતા થશે.

જ્યાં વિદેશી ચલણની લેવડ-દેવડ કરવાની હશે ત્યાં સમય અલગ-અલગ હોવાને કારણે થતી સેટલમેન્ટમાં મુશ્કેલીનો અંત આવશે.

આમ ડિજિટલ કરન્સીનો લોકોને વિકલ્પ આપવો એક સારી પહેલ છે, પરંતુ તેનાથી બેન્કિંગ ઉદ્યોગ માટે  પડકારો પણ ઊભા થશે અને તેના સમાધાન માટેનો માર્ગ પણ રિઝર્વ બેંકે શોધવો પડશે.

હાલના વાસ્તવિક ચલણમાં ચોરી થવાની, ખરાબ થવાની શકયતાઓ રહેલી છે. જાળવણી પણ મુશ્કેલ છે પણ હવે નજીકનાં ભવિષ્યમાં તે ડિજિટલ સ્વરૂપમાં હશે, તેનો જાળવણી ખર્ચ પણ ઘટશે અને ખાસ તો તેનું સ્થાન શોધવું આસાન થઇ જશે એટલે ટેક્સની ચોરી ઓછી થશે. સરકારને પણ વારંવાર નવી-નવી નોટો છાપવામાંથી મુક્તિ મળી શકે છે. કારણ કે ધીરે ધીરે બજારમાં નોટો ઓછો થશે. જો  કે આ બધામાં સમય પણ લાગશે. વળી અસલી-નકલી નોટની ઝંઝટ પણ ખતમ થઇ જશે.

જો કે, જોખમનું પાસું એ છે કે ભારતમાં દરેક જણ ડિજિટલ સમજતું નથી, વળી સાયબર ચોરો સામે ટેકનિકલી સજ્જ થવું પડશે. ડિજિટલ વ્યવહાર એ `નેટ' આધારિત છે અને એ બંધ રહેશે ત્યારે બધું અટકી જશે.

...........

ડિજિટલ કરન્સી અને  ક્રિપ્ટોકરન્સી વચ્ચેનો તફાવત

 

- ડિજિટલ કરન્સીને કેન્દ્રીય બેંક જારી કરે છે, જ્યારે ક્રિપ્ટોકરન્સી માઈનિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

-ડિજિટલ કરન્સીને કેન્દ્રીય બેંક અને જે-તે દેશની સરકારની માન્યતા પ્રાપ્ત હોય છે. ક્રિપ્ટોકરન્સી પાસે માન્યતા નથી હોતી.

- ડિજિટલ કરન્સીની કિંમત સ્થિર હોય છે. જ્યારે ક્રિપ્ટોની કિંમતમાં શેર બજારની જેમ બહુ ઉતાર-ચડાવ થાય છે.

- ડિજિટલને સંબંધિત દેશના ચલણમાં બદલી શકાય છે. જ્યારે ક્રિપ્ટોમાં આવું ન થઇ શકે.

- છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિપ્ટો કરન્સીનું ચલણ વધ્યું છે. અત્યારે દુનિયામાં ચાર હજારથી વધુ ક્રિપ્ટો કરન્સી ચલણમાં છે. જેમાં બિટકોઇન સૌથી લોકપ્રિય છે, જ્યારે ડિજિટલ કરન્સીનાં પાઈલટ પ્રોજેકટ 86 દેશોમાં ચાલે  છે.

........

 

દુનિયામાં ડિજિટલ ચલણની શું છે સ્થિતિ ?

14 દેશે શરૂ કરી દીધો પાઇલટ પ્રોજેક્ટ

દરેક નવા વિચારને આવતાં સમય લાગે છે. ભારતમાં હવે સત્તાવાર ડિજિટલ ચલણ આવશે, પરંતુ દુનિયાએ તેની શરૂઆત વહેલી કરી દીધી છે. વિશ્વના 86 ટકા દેશોની સેન્ટ્રલ બેંક આવા સત્તાવાર ચલણ પર કામ શરૂ કરી ચૂકી છે. જ્યારે 14 ટકા દેશોએ પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરી દીધા છે, જેમાં ચીન આગળ છે અને ભારત પણ પાછળ રહેવા નથી માગતું. 

જો કે, વિશ્વમાં ડિજિટલ ચલણની સૌથી પ્રથમ  પહેલનું શ્રેય બહામાસ દેશને જાય છે. જેણે ઓક્ટોબર-2020માં કરન્સી લોન્ચ કરી હતી. ચીન ઇ-યુઆન દ્વારા પાઈલટ પ્રોજેક્ટ ચલાવે છે.

અમેરિકી થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના ભૂ-અર્થતંત્ર કેન્દ્રએ આ સમયે ડિજિટલ ચલણને લઇને દુનિયાભરમાં થઇ?રહેલા પ્રયાસોનું એક અનુમાન લગાડયું હતું. એમના મત મુજબ અમેરિકા આ મુદ્દે પાછળ રહી ગયું છે. જો કે, સરકારી સ્તરે થયેલા પ્રયાસોમાં ચીન સૌથી આગળ નીકળી ગયું છે. ચીને ચાલુ વર્ષે એપ્રિલમાં પાઈલટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

...........

 

With the establishment of Kandla port, the foundation of industrialization was laid in Kutch, And today Gandhidham is the hub...





Meet Entrepreneurs, Who made Kutch Karmabhoomi (A land of karma), And reached the top today..... A kutchmitra newspapers's birthday special article.





Monday, 19 July 2021

NTPC'S BIGGEST SOLAR 'PARK' IN KUTCH; ONE MORE 'SPARK' IN ENTERGY HUB KUTCH...

એનટીપીસીનો દેશનો સૌથી મોટો સોલાર 'પાર્ક'

એનર્જી હબ કચ્છમાં વધુ એક 'સ્પાર્ક'

 

સરકારે ખરાબાની જમીનની રીતે મંજૂરી આપી છે પરંતુ, સરહદી નજીક પક્ષીની વસાહતો છે,  અત્યારે પણ પવનચક્કીઓને કારણે પક્ષી જીવ ગુમાવી રહ્યા છે, મોટી ટ્રાન્સમિશન લાઇનો તો     છે જ, જેમાં વધારો થશે : આવા પર્યાવરણ સંબધી મુદાનો આગોતરો ઉકેલ જરૂરી

 

-દિવ્યેશ વૈદ્ય 

ઇંધણના ભાવો અને વધતા પ્રદૂષણની સમસ્યા વચ્ચે હરિત ઉર્જા કે કુદરતી ઊર્જા ઉત્પાદન એ કેન્દ્ર સરકારનું પ્રાથમિક લક્ષ્ય છે અને આવા પવન-સૂર્ય આધારિત ઊર્જા ઉત્પાદનનું 'ફેવરિટ ડેસ્ટિનેશન'-સૌથી વધુ અનુકૂળ સ્થાન કચ્છ છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ વીને વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ એનર્જી પાર્કનું શિલારોપણ કર્યું. આ કડીમાં ગત સપ્તાહે સૌથી મોટો પડાવ આવ્યો એનટીપીસીને મંજૂરીના રૂપમાં. દેશની સૌથી વધુ વીજળી ઉત્પાદન કરતી જાહેર ક્ષેત્રની કંપની એનટીપીસીને ભારતના સૌથી મોટા ૪૭૫૦ મેગાવોટના સોલાર પાર્કને કચ્છના રણમાં સ્થાપવા માટે કેન્દ્રના ન્યુ એન્ડ રેન્યુએબલ (આરઈ) મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ. દેશ જે રીતે લક્ષ્ય નક્કી કરીને ઝડપભેર હરિત ઉર્જામાં દેશ આગળ વધી રહ્યો છે એ જોતાં આ ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે અને એમાં કચ્છ એ 'કલગી' બનશે.  

વડાપ્રધાન પદે મોદી આવ્યાના ટૂંકા સમયમાં જ થર્મલને બદલે હવે વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન પર ધ્યાન આપવાનું નક્કી થયું અને આ બધા પ્રોજેક્ટ 'ફાસ્ટટ્રેક મોડ'માં ચાલે છે, તેને તુરત જમીન અને અન્ય મંજૂરીઓ મળે છે અને ખાસ યોજનાઓ દ્વારા માળખાકીય સુવિધાઓમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

એનટીપીસી ( ધ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) એના નામને જોતાં દેખીતી રીતે કોલસા અને ગેસ આધારિત વીજ મથકોના નિર્માણ માટે જાણીતી છે. તેણે ઓક્ટોબર 2020માં પોતાની સંપૂર્ણ માલિકીની એનટીપીસી-આરઇ ( રિન્યુએબલ એનર્જી ) સ્થાપી. જેને કેન્દ્રએ મોડ-૮ યોજના હેઠળ મંજૂરી આપી છે. કચ્છ એ તાતા પાવર અને અદાણીના દેશના સૌથી મોટા કોલસા આધારિત વીજ મથકોને કારણે જાણીતું છે. વધુમાં પવનચક્કી અને લિગ્નાઇટ દ્વારા વીજ ઉત્પાદન થાય છે ત્યારે આ જિલ્લો ઉર્જા ઉત્પાદનનું હબ તો છે. હવે સોલાર ઉત્પાદનના પ્રોજેક્ટથી તેને ચાર ચાંદ લાગશે. ભલે, સમય લાગશે પણ ઔદ્યોગિક વિકાસની આ નવી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. વળી, કચ્છમાં એનટીપીસીની સીમા ચિન્હરૂપ 'ગ્રીન હાઇડ્રોજન'નું પણ વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવાની યોજના છે.

પ્રારંભે, જોકે સિક્કાની બીજીબાજુ પણ દેખાય છે. ભલે કેન્દ્રએનટીપીસી સહિત અલગ-અલગ ૬ કંપનીઓના મોટા પ્રોજેક્ટ માટે પાકિસ્તાનને જોડતા સરહદી રણની ૬૦  હજાર એકર જમીન અધિકૃત કરી નાખી છે. પણ, પર્યાવરણનો મુદ્દો ઊભો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ જમીનને વેસ્ટ લેન્ડ-ખરાબાની જમીન ગણાવી મંજૂરી આપી છે પરંતુ, કચ્છના સરહદી વિસ્તારોમાં પક્ષીના અભયારણ્ય છે. પક્ષી વસાહતો છે. વિદેશી પક્ષીઓનું મથક છે. નજીકમાં 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ' નું અભ્યારણ્ય છે. અત્યારે પણ કચ્છમાં પવનચક્કીઓને કારણે રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના પક્ષી જીવ ગુમાવી રહ્યા છે. વીજમથકોને કારણે મોટી મોટી ટ્રાન્સમિશન લાઇન સ્થપાયેલી તો છે જ, જેમાં  વધારો થશે. પર્યાવરણવિદો વાંધો ઉઠાવી શકે છે, જેનો આગોતરો ઉકેલ પણ જરૂરી છે.

 

 

અત્યારે એનટીપીસી શું છે ક્ષમતા ?

 

કેન્દ્ર સરકારની માલિકીની કંપની એનટીપીસીના અત્યારે દેશમાં ૭૦ ઉત્પાદન મથક છે. જેમાં તે ૬૬ ગિગા વોટ વીજળી ઉત્પાદન કરે છે અને વધારાના ૧૮ ગિગાવોટના પ્રોજેક્ટ ચાલુમાં છે. કંપની કુદરતી ઊર્જા દ્વારા આગામી એક દાયકામાં ૬૦ ગીગાવોટ વીજ ઉત્પાદન કરવા ધારે છે, તેમાં કરછનો હિસ્સો સૌથી મોટો છે.

એનટીપીસી અત્યારે જે ૬૬ ગીગાવોટ વીજ ઉત્પાદન કરે છે તેમાં થર્મલ ( ગેસ – કોલસો ) આધારિત ઉત્પાદનનો હિસ્સો ૬૧  છે, જ્યારે હાઇડ્રો પ્રોજેકટ દ્વારા ૩.૭ ગીગાવોટ ઉત્પાદન કરે છે. જ્યારે સોલાર દ્વારા અત્યારે માત્ર એક ગિગાવોટ એટલે કે ૧૦૦ મેગાવોટ ઉત્પાદન થાય છે. કચ્છનો પ્રોજેક્ટ તો ૪૭૫૦ મેગાવોટનો છે. જે કંપનીની સોલાર ઉત્પાદનની ક્ષમતા ૪.૫ ઘણી કરશે.

ઓક્ટોબર-20માં કંપનીએ સંપૂર્ણ પોતાની માલિકીની સ્વચ્છ ઊર્જા આધારિત વીજ ઉત્પાદક કંપની બનાવી. કંપનીના ચેરમેન અને એમડી ગુરુદેવ સિંઘએ  તાજેતરમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે,  કંપની દર વર્ષે કુદરતી ઉર્જાથી વીજ ઉત્પાદનની ક્ષમતા સાતથી આઠ મેગાવોટ વધારવા માગે છે.  વધુ ભંડોળ મેળવવા કંપની પબ્લિક ઓફરમાં જવા ઈચ્છે છે. આ સાથે કંપની ' ગ્રીન હાઇડ્રોજન'  અને ' ગ્રીન મિથેનોલ'  ક્ષેત્રે રોકાણ કરવા માંગે છે. 

 

 ક્યાં કોની સાથે છે સોલાર પાર્ક ?

 

દેશના પાંચ સૌથી મોટા સોલાર પાર્ક      ક્ષમતા (ગીગા વોટ )             પ્રોજેક્ટ ડેવલોપર


રેવા- મધ્ય પ્રદેશ           ૦.૭૫               મહિન્દ્રા રિન્યુએબલ, એસીએમ, સ્પિંગ

ભાડિયા-રાજસ્થાન                 ૨.૨૫              એસબી,  હીરો ફ્યુચર, એનટીપીસી, રીન્યુ પાવર 

પાવાગડા-કર્ણાટક                  ૨.૦૫             ટાટા પાવર,અદાણી ગ્રીન, એઝૂરૂ, એસબીજી, રીન્યુ                          પાવર,  રતન ઇન્ડિયા

કુરનુલ- આંધ્રપ્રદેશ          ૧.૦               ગ્રીનકો, એસબીજી, એઝૂરૂ, અદાણી ગ્રીન

કામુઠી - તામિલનાડુ   ૦.૬૫            અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ


ભારતની વીજક્ષમતામાં વૈકલ્પિક ઉર્જાનો હિસ્સો વધીને ૩૭ ટકા


વર્ષ ૨૦૧૦માં ભારતમાં કુલ ઉર્જા ઉત્પાદનમાં સોલારનો હિસ્સો ૨૦ મેગાવોટનો હતો, જે હવે વધી રહ્યો છે. ગત બુધવારે રજૂ થયેલા બ્રિટનની કાર્બન ટ્રેકર સંસ્થાએ 'કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ, એન્ડ વોટર' સાથે મળીને એક અભ્યાસ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે જીવાશ્મિ એટલે કે કોલસા આધારિત ભારતના વીજ ઉત્પાદનની માંગ ૨૦૧૮માં વધી હતી.  જે ૨૦૧૯ અને ૨૦૨૦માં ઘટી ગઈ.

અહેવાલ મુજબ સૂર્ય, પવન અને બાયોમાસ આધારિત ઊર્જા ઉત્પાદન વધીને મે-૨૦૨૧માં હવે ૯૬  ગીગાવોટ થઇ ગયું છે. જે ૨૦૧૦માં ૨૦ ગિગાવોટ હતું.  જેમાં હાઈડ્રોપાવરનો ઉમેરો કરવામાં આવે તો ૧૪૨ ગીગાવોટ કે દેશની ઉર્જા ક્ષમતાનો ૩૭ ટકા હિસ્સો ધરાવે છે. આમ, થર્મલ પરનું ભારણ ઘટી રહ્યું છે.

 

એનટીપીસીની શું છે હાઈડ્રોજન બસ, સોલર ટ્રી-બસ સહિતની યોજનાઓ

નેશનલ થર્મલ પાવર કંપની લીમીટેડ ૨૦૨૦ સુધીમાં તેની પુનઃ પ્રાપ્ય-કુદરતી ઊર્જા દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારીને ૬૦ ગિગાવોટ સુધી લઇ જવા માંગે છે. દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન કરનાર એનટીપીસીએ દેશની સૌથી મોટી ફ્લોટિંગ સોલાર (પાણીમાં તરતી સોલાર પેનલોથી ઉત્પાદન)નો ૧૦ મેગાવોટનો પ્રોજેક્ટ પણ આંધ્રપ્રદેશના સીમાદ્રી થર્મલ પાવર પ્લાન્ટમાં શરૂ કર્યો છે. જ્યારે તેલંગાણાના રામાગુંડમાં આવો જ ૧૦૦ મેગાવોટનો પ્રોજેક્ટ પૂર્ણતાની અણીએ છે. વધુમાં, કંપનીએ એફસીઇબી (હાઈડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ) બસો ચલાવવા માટે પણ ઉત્તર ભારતના રાજ્યો સાથે યોજના ઘડી છે. જ્યારે લેહમાં એનટીપીસીનું પહેલું સોલાર વૃક્ષ અને સોલાર કોર પોર્ટ માટે પણ એમઓયુ કરાયા છે.

 

કચ્છમાં મંજૂર મોડ-આઠ અને સોલાર યોજના શું છે ?

 

દેશભરમાં સૂર્ય ઉર્જા પ્રોજેક્ટના વિકાસ-અમલીકરણ અર્થે વર્તમાન નિયમોમાં કેન્દ્રના નવીનીકરણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા સુધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ નવી પદ્ધતિ એ મોડ -૮ છે.  જે નિયમ આધારે કચ્છનો સૂર્ય ઉર્જા પાર્ક મંજૂર થયો છે.  આ યોજના હેઠળ મંત્રાલય ખાનગી સાહસિકોને કેન્દ્રીય નાણાકીય સહાયતા વધારી છે.

૨૦૧૪-૧૫માં યોજના આવી હતી અને ૨૦૨૦ સુધી સોલાર પાર્ક દ્વારા ૨૦ ગિગાવોટની ક્ષમતા હાંસિલ કરવાનું લક્ષ્ય હતું. ચાલુ વર્ષના આરંભે લક્ષ્ય અને મુદત બંને વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવ્યા હતા. દેશમાં સોલાર પાર્ક ઉભો કરવા માટે 'સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા'એ ઇન્ડિયા એ નોડલ એજન્સી છે. કચ્છમાં તો અલ્ટ્રા મેગા સોલર પાર્ક છે, પરંતુ તમામ સોલાર પાર્કને આ યોજના હેઠળ યોગ્ય જમીન, મંજૂરીઓ, પાણી, સંદેશાવ્યવહાર નેટવર્ક, ટ્રાન્સમિશનની પદ્ધતિ અને રસ્તા જોડાણ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાથી સત્તાવાર પ્રક્રિયા સરળ બને છે અને ગ્રીડ જોડાણનો સમય ઘટે છે.

કચ્છમાં એનટીપીસી બંને પદ્ધતિનો ઉપયોગ કરશે

હાલમાં એનટીપીસી બે પદ્ધતિહરિત ઉર્જા પાર્ક સ્થાપે છે. એકમાં તે જાતે પ્રોજેક્ટ ઊભો કરે છે અથવા તો તે ખાનગી કંપનીઓને મંજૂરી આપે છે.  કચ્છના કેસમાં એનટીપીસી બંને પદ્ધતિનો ઉપયોગ કરશે. પાર્ક જાતે ઉભો કરશે અને ખાનગી સાહસિકોને ઉત્પાદન એકમ ઉભુ કરવા ક્ષમતા અનુસાર મંજૂરીઓ આપશે.


 ભારતમાં સૂર્ય ઊર્જા ઉત્પાદન ઝડપે આગળ વધી રહ્યું છે

વૈકલ્પિક ઉર્જાને પ્રોત્સાહનના ભાગરૂપે ભારતમાં સૂર્ય ઊર્જા ઉત્પાદનમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. ૩૧મી માર્ચ-૨૦૨૧ના દેશમાં સૂર્ય વીજ ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા ૪૦.૦૯ ગિગાવોટ હતી. સરકારે પ્રાથમિક તબક્કે ૨૦૨૨  સુધીમાં ૨૦ ગીગાવોટનુ લક્ષ્ય રાખ્યું હતું, દેશે સમયથી ચાર વર્ષ પહેલાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું એટલે  ૨૦૧૫માં લક્ષ્ય વધારીને કેન્દ્રએ ૨૦૨૦ સુધીમાં કુલ ૧૦૦ ગિગાવોટનું લક્ષ્ય આપી દીધું. સાથે સાથે ૧૦૦ અબજ અમેરિકન ડોલરના રોકાણનું લક્ષ્ય મૂકયું . ઘરની અગાસી પર રહેતા રૂફટોપ સૂર્ય ઉર્જા ઉત્પાદનનો પણ આ લક્ષ્યમાં સમાવેશ છે.  ભારત ઓફગ્રીડ ઉત્પાદન પણ વધારી રહ્યું છે. ૧૦૦ ગિગાવોટના લક્ષ્યમાં ૪૦ ગિગાવોટ રૂફટોપની ક્ષમતા સમાવિષ્ટ છે.

 

ગ્રીન હાઈડ્રોજન શું છે?  કચ્છમાં પણ છે ઉત્પાદનની યોજના

પ્રકૃતિમાં હાઈડ્રોજન શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી.  શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે સૂર્ય ઉર્જાની જરૂર પડે છે.  બહુ જાણીતી પદ્ધતિ એ છે કે હાઇડ્રોજનને પાણીથી અલગ કરવામાં આવે. બીજી પદ્ધતિ એ છે કે જૈવિક ઈંધણોમાથી ઉચ્ચ તાપ દ્વારા રસાયણ પ્રક્રિયાથી હાઈડ્રોજન અલગ કરવામાં આવે.  પરંતુ, આ પદ્ધતિ એ સખત  પ્રદુષણ ઊભું કરે છે.

સ્વચ્છ ઉર્જા પદ્ધતિથી હાઈડ્રોજન મેળવવું હોય તો પાણીમાંથી સખત વીજ કરંટ પસાર કરવામાં આવે છે.  જેનાથી પરમાણુ બે ભાગમાં વહેચાઈ જાય છે. આ પધ્ધતિ ઇલેક્ટ્રોલીસીસ તરીકે જાણીતી છે. જ્યારે કુદરતી ઊર્જા દ્વારા વીજળી ઉત્પાદન થાય ત્યારે ગેસ ઉત્સર્જન થયા વિના હાઈડ્રોજન ઉત્પન્ન થાય છે, એથી 'ગ્રીન હાઈડ્રોજન' કહેવાય છે. કચ્છમાં એનટીપીસી આવી ગ્રીન હાઈડ્રોજન ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે અને તાજેતરની જાહેરાતમાં પણ તેના વ્યાપારિક ધોરણે ઉત્પાદનનો  નિર્ધાર કર્યો હતો. 

Tuesday, 6 July 2021

MSME STATUS TO RETAIL SECTOR; BUT IMPLEMENTATION DEPENDS ON BANK'S REACTION...

છૂટક-જથ્થાબંધ વેપારને એમએસએમઇનો દરજ્જો ;


નિર્ણય સીમાચિહ્નરૂપ,
પણ બેંકો પર મદાર

 

દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા 115 લાખ કરોડના
વાર્ષિક કારોબારવાળાં  ક્ષેત્રને મહામારીમાં માર પછી લોનની નવી આશા


* દિવ્યેશ વૈદ્ય 

કે ન્દ્ર સરકારે કોરોના મહામારી પછીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા છુટક અને જથ્થાબંધ વ્યાપાર ક્ષેત્રના વેપારીઓને એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ કક્ષા) સાહસોના દાયરામાં લાવીને ઐતિહાસિક પગલું લીધું છે, હવે છૂટક અને જથ્થાબંધ વ્યાપારને પણ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પ્રાથમિકતા આપશે. છૂટક વેપારીઓ તરફથી આ જાહેરાતને આવકાર મળી રહ્યો છે, તો એમએસએમઈ ક્ષેત્રના સંગઠનો કહે છે કે, કોરોનાકાળમાં મુશ્કેલીથી ઊઠવા માટેનું લોન ગેરંટી યોજનાનું ભંડોળ નિશ્ચિત છે, જેની નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી છે. બીજી બાજુ બેંકો હંમેશાં નાની અને સુરક્ષિત લોનને વધુ પ્રાધાન્ય આપે છે, તેથી તેમનો ભાગ પડી જશે અને મોટા ભાગની લોન હવે છૂટક વેપારીઓ લઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે, આ નિર્ણયનો બેંકો કઈ રીતે અમલ કરે છે. કારણ કે નાણામંત્રીની તાજેતરની જાહેરાત મુજબ સપ્ટેમ્બર અંત સુધીમાં દોઢ લાખ કરોડનું ભંડોળ ગેરંટી મુકત લોન યોજના માટે ફાળવાયું છે. 

શુક્રવારે કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ જે જાહેરાત કરી તેનો અર્થ એ થયો કે એમએસએમઈ સ્તરના ઉદ્યોગોની જેમ જ લોન માટેની પ્રાથમિકતાની યાદીમાં છૂટક વેપારીઓ પણ આવી જશે, જેમ 2017 પહેલાં હતું. આ જાહેરાતથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓને ફાયદો એ થયો કે રિઝર્વ બેંકના નિયમો મુજબ બેંકો લોનમાં જે પ્રાથમિકતા આપે છે, તે શ્રેણીમાં સમાવિષ્ટ થઈ જશે. 

બેંકો અત્યારે કૃષિ, એમએસએમઈ તથા અન્ય કેટલાક ક્ષેત્રોને સસ્તા વ્યાજદર સાથે લોન આપતી હતી અને તેમાં આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ પ્રાથમિકતા હતી. બેંકોએ નિયમ અનુસાર આ માટે ચોક્કસ હિસ્સો આ ક્ષેત્ર માટે રાખવાનો હતો.

ગત અઠવાડિયે નાણામંત્રી નિર્મલા સીતારામને ગેરંટી મુક્ત લોન સાથે જોડાયેલી યોજનામાં 1.પ લાખ કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ આપવાની જાહેરાત કરી હતી, જેમાં 30મી સપ્ટેમ્બર સુધી ઋણ લઈ શકાશે, હવે આ ભંડોળનો લાભ વેપારીઓ પણ નોંધણી કરાવીને લઈ શકશે. માત્ર તેણે એમએસએમઈનો દરજ્જો મેળવવો પડશે. આ સાથે વ્યાપારીઓ હવે સરકારી પોર્ટલ `જેમ' પર ઉત્પાદનોનું વેચાણ પણ કરી શકશે. 

વેપારીઓને શું-શું ફાયદો ?

નવા નિર્ણયથી દેશના લગભગ 250 કરોડનું ટર્નઓવર સુધીના અઢી કરોડ નાના-મોટા વેપારીઓને ફાયદો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નાના-મધ્યમ સ્તરનાં ઉદ્યોગો દેશનાં વિકાસનું ચાલકબળ સમજી સરકાર વિકસિત કરવા માગે છે તેમ હવે વેપારીઓના  ક્ષેત્રનેય પ્રાથમિકતા મળશે. માત્ર લોન નહીં, સરકારની યોજનાઓમાં પણ પ્રાથમિકતા મળશે. જો કે તેની હજુ વધુ સ્પષ્ટતા બહાર નથી આવી.

ગુજરાત રાજ્યને સંબંધ છે ત્યાં સુધી લગભગ 8.5 લાખ વેપારીઓ ફાયદો ઉપાડી શકશે. એમએસએમઇ ક્ષેત્રને મળતા લાભને આધારે જોવામાં આવે તો હવે છૂટક અને જથ્થાબંધ ક્ષેત્રના વેપારીઓને સસ્તા દરે ધિરાણ મળશે અને આ ધિરાણ પર સબસિડી પણ મળવાપાત્ર બનશે. સરકારની ટેન્ડર ખરીદીમાં કેટલોક હિસ્સો એમએસએમઇ ક્ષેત્ર માટે અનામત છે. હવે આ હિસ્સામાંથી વેપારીઓને પણ લાભ મળશે.

સામાન્ય રીતે વેપારીઓને બેંકોમાંથી લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ હવે તેઓ કૃષિ ક્ષેત્રની જેમ પ્રાધાન્યતાની શ્રેણીમાં આવી ગયા, વ્યાજ પણ ઘટશે. વળી, કોઇ વ્યાપારી સરકારી તંત્રને કંઇ?વેચે અને સમય પર ચૂકવણી ન થાય તો અત્યાર સુધી સરકાર સામે લડવાનું કોઇ સબળ હથિયાર નહોતું, હવે એમએસએમઇ મુજબ તંત્રએ સમયમર્યાદામાં ચૂકવણી કરવી પડશે અને મોડું થાય તો વ્યાજ પણ આપવું પડશે.

સમગ્રતયા જોવામાં આવે તો રિટેલ ક્ષેત્ર એ દેશમાં સૌથી વધુ રોજગાર આજીવિકા સર્જન કરતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રને ધિરાણમાં પ્રાથમિકતાથી રોજગારી વધશે. ઉદ્યોગ સંગઠનોએ પણ પ્રતિભાવમાં સ્વીકાર્યું કે, ખાસ તો કોરોના મહામારીથી નાણા સંકટમાં ફસાયેલા વેપારીઓને તેમના વ્યાપારની ગાડી પાટે ચડાવવામાં મદદ મળશે.

આજે દેશમાં વ્યાપારિક સમુદાયના લગભગ 40 કરોડ લોકો સીધી કે આડકતરી રીતે રિટેલ ક્ષેત્રમાંથી રોજગાર મેળવે છે. છૂટક અને જથ્થાબંધ વેપારીઓનો દેશમાં કુલ્લ અંદાજે 115 લાખ કરોડનો વાર્ષિક કારોબાર છે. હવે આ ક્ષેત્ર બેંકોમાંથી આવશ્યક નાણા મેળવી શકશે, એવી અપેક્ષા રાખી શકાય. જો કે અમલીકરણ બેંકો પર નિર્ભર છે.

....... 

પહેલાં શું નિયમ  હતો ? હવે નવાં પગલાંથી થઇ શકશે રજિસ્ટ્રેશન

કેન્દ્ર સરકારે એમએસએમઇ ક્ષેત્રના દાયરામાં છૂટક વ્યાપાર ક્ષેત્રને  સમાવ્યું તેનાથી 250 કરોડ રૂપિયા સુધીના કારોબારવાળા વિક્રેતાઓને  તત્કાલ લાભ મળશે. વેપારીઓને ધંધાના સંચાલન માટે મૂડી મળશે. એટલે કે, કોરોના મહામારી પછી અર્થતંત્રને ઊંચકવા એમએસએમઇ ક્ષેત્ર માટે જે પગલાંઓ જાહેર થયાં તેનો લાભ હવે વેપારીઓ અને જથ્થાબંધ વ્યાપારીઓને પણ મળશે.

પહેલાં, 2006થી છૂટક-જથ્થાબંધ વ્યાપારીઓને એમએસએમઇનું   એક રૂપ ગણવામાં આવતું હતું. પણ, 2017માં તેને એમ ગણીને હટાવી નાખવામાં આવ્યું હતું કે, તેઓ (વેપારીઓ) નિર્માણ-ઉત્પાદન ગતિવિધિ સાથે સંકળાયેલા નથી, ન તો સેવા સેક્ટર સાથે જોડાયેલા. આથી તેઓ એમએસએમઇ રજિસ્ટ્રેશન કરી શકતા નહોતા. હવે સુધારેલી માર્ગદર્શિકા મુજબ, વ્યાપારીઓ `ઉદ્યમ' નામની નોંધણી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રીતે એમએસએમઇ મંત્રાલયના આ પોર્ટલ દ્વારા એમએસએમઇ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ લઇ શકશે.


વેપારીઓની ચાર વર્ષ જૂની
માગણી સંતોષવામાં આવી

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા છેલ્લા ચાર વર્ષથી છૂટક વેપારીઓ અને જથ્થાબંધ ક્ષેત્રને?ફરી એમએસએમઇના દાયરામાં લાવવાની માગણી કરવામાં 

આવી હતી. 

મહામારીમાં ઓનલાઇન વેચાણ વધતાં વેપારીઓને બહુ સહન કરવાનું આવ્યું હતું. 2017 પહેલાં જેમ લઘુ-સૂક્ષ્મ કક્ષાના ઉદ્યોગોને લોન યોજના અને સબસિડીના લાભો મળતા હતા તેવા જ લાભ રિટેલ ક્ષેત્રને  મળતા હતા, પરંતુ ત્યારે એક ગેઝેટ સૂચના જાહેર કરીને વેપારી ક્ષેત્રને એમએસએમઇમાંથી બહાર કરાયા હતા.  જો કે, ચાર વર્ષે ફરી સરકારે માગણી સ્વીકારી હતી.

..............