એનટીપીસીનો દેશનો સૌથી મોટો સોલાર 'પાર્ક'
એનર્જી હબ કચ્છમાં વધુ એક 'સ્પાર્ક'
સરકારે ખરાબાની જમીનની રીતે મંજૂરી આપી છે પરંતુ, સરહદી નજીક પક્ષીની વસાહતો છે, અત્યારે પણ પવનચક્કીઓને કારણે પક્ષી જીવ ગુમાવી રહ્યા છે, મોટી ટ્રાન્સમિશન લાઇનો તો છે જ, જેમાં વધારો થશે : આવા પર્યાવરણ સંબધી મુદાનો આગોતરો ઉકેલ જરૂરી
-દિવ્યેશ વૈદ્ય
ઇંધણના ભાવો અને વધતા પ્રદૂષણની સમસ્યા વચ્ચે હરિત ઉર્જા કે કુદરતી ઊર્જા
ઉત્પાદન એ કેન્દ્ર સરકારનું પ્રાથમિક લક્ષ્ય છે અને આવા પવન-સૂર્ય આધારિત ઊર્જા
ઉત્પાદનનું 'ફેવરિટ ડેસ્ટિનેશન'-સૌથી વધુ અનુકૂળ સ્થાન કચ્છ છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ આવીને વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ
એનર્જી પાર્કનું શિલારોપણ કર્યું. આ કડીમાં ગત સપ્તાહે સૌથી મોટો પડાવ આવ્યો એનટીપીસીને મંજૂરીના રૂપમાં. દેશની સૌથી વધુ
વીજળી ઉત્પાદન કરતી જાહેર ક્ષેત્રની કંપની એનટીપીસીને ભારતના સૌથી મોટા ૪૭૫૦ મેગાવોટના
સોલાર પાર્કને કચ્છના રણમાં સ્થાપવા માટે કેન્દ્રના ન્યુ એન્ડ રેન્યુએબલ (એમએનઆરઈ) મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ. દેશ જે રીતે લક્ષ્ય નક્કી કરીને
ઝડપભેર હરિત ઉર્જામાં દેશ આગળ વધી રહ્યો છે એ જોતાં આ ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ છે
અને એમાં કચ્છ એ 'કલગી' બનશે.
વડાપ્રધાન પદે મોદી આવ્યાના ટૂંકા
સમયમાં જ થર્મલને બદલે હવે વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન પર ધ્યાન આપવાનું નક્કી થયું અને આ બધા પ્રોજેક્ટ 'ફાસ્ટટ્રેક મોડ'માં ચાલે છે, તેને તુરત જમીન અને અન્ય મંજૂરીઓ મળે છે અને ખાસ યોજનાઓ દ્વારા માળખાકીય
સુવિધાઓમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
એનટીપીસી ( ધ નેશનલ થર્મલ પાવર
કોર્પોરેશન) એના નામને જોતાં દેખીતી રીતે કોલસા અને ગેસ આધારિત વીજ મથકોના નિર્માણ માટે જાણીતી
છે. તેણે ઓક્ટોબર 2020માં પોતાની
સંપૂર્ણ માલિકીની એનટીપીસી-આરઇ ( રિન્યુએબલ એનર્જી ) સ્થાપી. જેને કેન્દ્રએ મોડ-૮ યોજના હેઠળ મંજૂરી આપી છે. કચ્છ એ તાતા પાવર અને અદાણીના દેશના સૌથી મોટા
કોલસા આધારિત વીજ મથકોને કારણે જાણીતું છે. વધુમાં પવનચક્કી અને લિગ્નાઇટ દ્વારા
વીજ ઉત્પાદન થાય છે ત્યારે આ જિલ્લો ઉર્જા ઉત્પાદનનું હબ તો છે. હવે સોલાર
ઉત્પાદનના પ્રોજેક્ટથી તેને ચાર ચાંદ લાગશે. ભલે, સમય લાગશે પણ ઔદ્યોગિક વિકાસની આ નવી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. વળી, કચ્છમાં એનટીપીસીની સીમા ચિન્હરૂપ 'ગ્રીન હાઇડ્રોજન'નું પણ વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવાની યોજના છે.
પ્રારંભે, જોકે સિક્કાની બીજીબાજુ પણ દેખાય છે. ભલે કેન્દ્રએ એનટીપીસી સહિત અલગ-અલગ ૬ કંપનીઓના
મોટા પ્રોજેક્ટ માટે પાકિસ્તાનને જોડતા સરહદી રણની ૬૦ હજાર એકર જમીન અધિકૃત કરી નાખી છે. પણ, પર્યાવરણનો મુદ્દો ઊભો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ જમીનને વેસ્ટ
લેન્ડ-ખરાબાની જમીન ગણાવી મંજૂરી આપી છે પરંતુ, કચ્છના સરહદી વિસ્તારોમાં પક્ષીના અભયારણ્ય છે. પક્ષી વસાહતો છે. વિદેશી
પક્ષીઓનું મથક છે. નજીકમાં 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ' નું અભ્યારણ્ય છે. અત્યારે પણ કચ્છમાં પવનચક્કીઓને કારણે રાષ્ટ્રીય
પક્ષી મોર સહિતના પક્ષી જીવ ગુમાવી રહ્યા છે. વીજમથકોને કારણે મોટી મોટી ટ્રાન્સમિશન લાઇન સ્થપાયેલી તો છે
જ, જેમાં વધારો થશે. પર્યાવરણવિદો વાંધો ઉઠાવી શકે છે, જેનો આગોતરો ઉકેલ પણ જરૂરી છે.
અત્યારે એનટીપીસી શું છે ક્ષમતા ?
કેન્દ્ર સરકારની માલિકીની કંપની
એનટીપીસીના અત્યારે દેશમાં ૭૦ ઉત્પાદન મથક છે. જેમાં તે ૬૬ ગિગા વોટ
વીજળી ઉત્પાદન કરે છે અને વધારાના ૧૮ ગિગાવોટના પ્રોજેક્ટ ચાલુમાં છે. કંપની કુદરતી
ઊર્જા દ્વારા આગામી એક દાયકામાં ૬૦ ગીગાવોટ વીજ ઉત્પાદન કરવા ધારે છે, તેમાં કરછનો હિસ્સો સૌથી મોટો છે.
એનટીપીસી અત્યારે જે ૬૬ ગીગાવોટ વીજ ઉત્પાદન કરે છે
તેમાં થર્મલ ( ગેસ – કોલસો ) આધારિત ઉત્પાદનનો હિસ્સો ૬૧ છે, જ્યારે હાઇડ્રો પ્રોજેકટ દ્વારા ૩.૭ ગીગાવોટ ઉત્પાદન કરે છે. જ્યારે સોલાર
દ્વારા અત્યારે માત્ર એક ગિગાવોટ એટલે કે ૧૦૦ મેગાવોટ ઉત્પાદન થાય છે. કચ્છનો પ્રોજેક્ટ તો ૪૭૫૦ મેગાવોટનો છે. જે કંપનીની સોલાર ઉત્પાદનની ક્ષમતા ૪.૫ ઘણી
કરશે.
ઓક્ટોબર-20માં કંપનીએ સંપૂર્ણ પોતાની માલિકીની સ્વચ્છ ઊર્જા આધારિત વીજ ઉત્પાદક કંપની બનાવી. કંપનીના ચેરમેન અને એમડી ગુરુદેવ સિંઘએ તાજેતરમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કંપની દર વર્ષે કુદરતી ઉર્જાથી વીજ ઉત્પાદનની ક્ષમતા સાતથી આઠ મેગાવોટ વધારવા માગે છે. વધુ ભંડોળ મેળવવા કંપની પબ્લિક ઓફરમાં જવા ઈચ્છે છે. આ સાથે કંપની ' ગ્રીન હાઇડ્રોજન' અને ' ગ્રીન મિથેનોલ' ક્ષેત્રે રોકાણ કરવા માંગે છે.
ક્યાં કોની સાથે છે સોલાર પાર્ક ?
દેશના પાંચ સૌથી મોટા સોલાર પાર્ક ક્ષમતા (ગીગા વોટ ) પ્રોજેક્ટ ડેવલોપર
રેવા- મધ્ય પ્રદેશ ૦.૭૫ મહિન્દ્રા
રિન્યુએબલ, એસીએમઇ, સ્પિંગ
ભાડિયા-રાજસ્થાન ૨.૨૫ એસબી, હીરો ફ્યુચર, એનટીપીસી, રીન્યુ પાવર
પાવાગડા-કર્ણાટક ૨.૦૫ ટાટા પાવર,અદાણી ગ્રીન, એઝૂરૂ, એસબીજી, રીન્યુ પાવર, રતન ઇન્ડિયા
કુરનુલ- આંધ્રપ્રદેશ ૧.૦ ગ્રીનકો, એસબીજી, એઝૂરૂ, અદાણી ગ્રીન
કામુઠી - તામિલનાડુ ૦.૬૫ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ
ભારતની વીજક્ષમતામાં વૈકલ્પિક ઉર્જાનો હિસ્સો વધીને ૩૭ ટકા
વર્ષ ૨૦૧૦માં ભારતમાં કુલ ઉર્જા
ઉત્પાદનમાં સોલારનો હિસ્સો ૨૦ મેગાવોટનો હતો, જે હવે વધી રહ્યો છે. ગત બુધવારે રજૂ થયેલા બ્રિટનની કાર્બન ટ્રેકર
સંસ્થાએ 'કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ, એન્ડ વોટર' સાથે મળીને એક અભ્યાસ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે જીવાશ્મિ એટલે કે કોલસા આધારિત ભારતના વીજ
ઉત્પાદનની માંગ ૨૦૧૮માં વધી હતી. જે ૨૦૧૯
અને ૨૦૨૦માં ઘટી ગઈ.
અહેવાલ મુજબ સૂર્ય, પવન અને બાયોમાસ આધારિત ઊર્જા ઉત્પાદન વધીને મે-૨૦૨૧માં હવે ૯૬ ગીગાવોટ થઇ ગયું છે. જે ૨૦૧૦માં ૨૦ ગિગાવોટ હતું. જેમાં હાઈડ્રોપાવરનો ઉમેરો કરવામાં આવે તો ૧૪૨ ગીગાવોટ કે દેશની ઉર્જા ક્ષમતાનો ૩૭ ટકા હિસ્સો ધરાવે છે. આમ, થર્મલ પરનું ભારણ ઘટી રહ્યું છે.
એનટીપીસીની શું છે હાઈડ્રોજન બસ, સોલર ટ્રી-બસ સહિતની યોજનાઓ
નેશનલ થર્મલ પાવર કંપની લીમીટેડ ૨૦૨૦ સુધીમાં તેની પુનઃ પ્રાપ્ય-કુદરતી ઊર્જા દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારીને ૬૦ ગિગાવોટ સુધી લઇ જવા માંગે છે. દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન કરનાર એનટીપીસીએ દેશની સૌથી મોટી ફ્લોટિંગ સોલાર (પાણીમાં તરતી સોલાર પેનલોથી ઉત્પાદન)નો ૧૦ મેગાવોટનો પ્રોજેક્ટ પણ આંધ્રપ્રદેશના સીમાદ્રી થર્મલ પાવર પ્લાન્ટમાં શરૂ કર્યો છે. જ્યારે તેલંગાણાના રામાગુંડમાં આવો જ ૧૦૦ મેગાવોટનો પ્રોજેક્ટ પૂર્ણતાની અણીએ છે. વધુમાં, કંપનીએ એફસીઇબી (હાઈડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ) બસો ચલાવવા માટે પણ ઉત્તર ભારતના રાજ્યો સાથે યોજના ઘડી છે. જ્યારે લેહમાં એનટીપીસીનું પહેલું સોલાર વૃક્ષ અને સોલાર કોર પોર્ટ માટે પણ એમઓયુ કરાયા છે.
કચ્છમાં મંજૂર મોડ-આઠ અને સોલાર યોજના શું છે ?
દેશભરમાં સૂર્ય ઉર્જા પ્રોજેક્ટના વિકાસ-અમલીકરણ અર્થે વર્તમાન નિયમોમાં કેન્દ્રના નવીનીકરણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા સુધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ નવી પદ્ધતિ એ મોડ -૮ છે. જે નિયમ આધારે કચ્છનો સૂર્ય ઉર્જા પાર્ક મંજૂર થયો છે. આ યોજના હેઠળ મંત્રાલય ખાનગી સાહસિકોને કેન્દ્રીય નાણાકીય સહાયતા વધારી છે.
૨૦૧૪-૧૫માં યોજના આવી હતી અને ૨૦૨૦ સુધી
સોલાર પાર્ક દ્વારા ૨૦ ગિગાવોટની ક્ષમતા હાંસિલ કરવાનું લક્ષ્ય હતું. ચાલુ વર્ષના આરંભે લક્ષ્ય અને મુદત બંને વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવ્યા
હતા. દેશમાં સોલાર પાર્ક ઉભો કરવા માટે 'સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા'એ ઇન્ડિયા એ નોડલ એજન્સી છે. કચ્છમાં તો અલ્ટ્રા મેગા સોલર પાર્ક છે, પરંતુ તમામ સોલાર પાર્કને આ યોજના હેઠળ યોગ્ય જમીન, મંજૂરીઓ, પાણી, સંદેશાવ્યવહાર નેટવર્ક, ટ્રાન્સમિશનની પદ્ધતિ અને રસ્તા જોડાણ પૂરું પાડવામાં આવે છે. આ
યોજનાથી સત્તાવાર પ્રક્રિયા સરળ બને છે અને ગ્રીડ જોડાણનો સમય ઘટે છે.
કચ્છમાં એનટીપીસી બંને પદ્ધતિનો ઉપયોગ કરશે
હાલમાં એનટીપીસી બે પદ્ધતિએ હરિત ઉર્જા પાર્ક સ્થાપે છે. એકમાં તે જાતે
પ્રોજેક્ટ ઊભો કરે છે અથવા તો તે ખાનગી કંપનીઓને મંજૂરી આપે છે. કચ્છના કેસમાં એનટીપીસી બંને પદ્ધતિનો ઉપયોગ
કરશે. પાર્ક જાતે ઉભો કરશે અને ખાનગી સાહસિકોને ઉત્પાદન એકમ ઉભુ કરવા ક્ષમતા અનુસાર
મંજૂરીઓ આપશે.
ભારતમાં સૂર્ય ઊર્જા ઉત્પાદન ઝડપે આગળ વધી રહ્યું છે
વૈકલ્પિક ઉર્જાને પ્રોત્સાહનના ભાગરૂપે ભારતમાં સૂર્ય ઊર્જા ઉત્પાદનમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. ૩૧મી માર્ચ-૨૦૨૧ના દેશમાં સૂર્ય વીજ ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા ૪૦.૦૯ ગિગાવોટ હતી. સરકારે પ્રાથમિક તબક્કે ૨૦૨૨ સુધીમાં ૨૦ ગીગાવોટનુ લક્ષ્ય રાખ્યું હતું, દેશે સમયથી ચાર વર્ષ પહેલાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું એટલે ૨૦૧૫માં લક્ષ્ય વધારીને કેન્દ્રએ ૨૦૨૦ સુધીમાં કુલ ૧૦૦ ગિગાવોટનું લક્ષ્ય આપી દીધું. સાથે સાથે ૧૦૦ અબજ અમેરિકન ડોલરના રોકાણનું લક્ષ્ય મૂકયું . ઘરની અગાસી પર રહેતા રૂફટોપ સૂર્ય ઉર્જા ઉત્પાદનનો પણ આ લક્ષ્યમાં સમાવેશ છે. ભારત ઓફગ્રીડ ઉત્પાદન પણ વધારી રહ્યું છે. ૧૦૦ ગિગાવોટના લક્ષ્યમાં ૪૦ ગિગાવોટ રૂફટોપની ક્ષમતા સમાવિષ્ટ છે.
ગ્રીન હાઈડ્રોજન શું છે? કચ્છમાં પણ છે ઉત્પાદનની યોજના
પ્રકૃતિમાં હાઈડ્રોજન શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે સૂર્ય ઉર્જાની જરૂર પડે છે. બહુ જાણીતી પદ્ધતિ એ છે કે હાઇડ્રોજનને પાણીથી અલગ કરવામાં આવે. બીજી પદ્ધતિ એ છે કે જૈવિક ઈંધણોમાથી ઉચ્ચ તાપ દ્વારા રસાયણ પ્રક્રિયાથી હાઈડ્રોજન અલગ કરવામાં આવે. પરંતુ, આ પદ્ધતિ એ સખત પ્રદુષણ ઊભું કરે છે.
સ્વચ્છ ઉર્જા પદ્ધતિથી હાઈડ્રોજન
મેળવવું હોય તો પાણીમાંથી સખત વીજ કરંટ પસાર કરવામાં આવે છે. જેનાથી પરમાણુ બે ભાગમાં વહેચાઈ જાય છે. આ પધ્ધતિ ઇલેક્ટ્રોલીસીસ તરીકે જાણીતી છે. જ્યારે કુદરતી ઊર્જા દ્વારા વીજળી ઉત્પાદન થાય
ત્યારે ગેસ ઉત્સર્જન થયા વિના હાઈડ્રોજન ઉત્પન્ન થાય છે, એથી 'ગ્રીન હાઈડ્રોજન' કહેવાય છે. કચ્છમાં એનટીપીસી આવી
ગ્રીન હાઈડ્રોજન ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે અને તાજેતરની જાહેરાતમાં પણ તેના વ્યાપારિક ધોરણે ઉત્પાદનનો નિર્ધાર
કર્યો હતો.
No comments:
Post a Comment