ઝી-સોની ટીવી વિલય ;મનોરંજન જગતમાં વર્ચસ્વનો જંગ
વ્યાપારમાં હરીફાઈ વધે તો, યા તો સસ્તું કરીને બજાર પર કબજો વધારવો પડે, ને એ માટે મોટી મૂડી જોઈએ. મૂડી ન હોય તો દેવું કરવું પડે અને છતાંય બજાર ન મળે અને નફો ઘટે કે ખોટ થાય તો છેવટે કંપનીઓને વિલીનીકરણનો માર્ગ લેવો પડે. ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં આવી ઘટનાઓ બની. મૂડીદાર ઉદ્યોગે મફત અને સસ્તુ આપી બજાર સર કર્યું અને પછી ભાવ વધારી દીધા. જૂની કંપનીઓને સંયોજનનો વારો આવ્યો. હવે મનોરંજન જગતમાં વર્ચસ્વની આવી લડાઈ બહાર આવી છે.
બુધવારે સમાચાર આવ્યા કે ભારતમાં મનોરંજન જગતના પાયાના ખાનગી જૂથની બજારમાં લિસ્ટેડ થયેલી કંપની 'ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ' અને જાપાનના સોની ગ્રુપની મનોરંજન ક્ષેત્રની ભારતીય કંપની 'સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા લિમિટેડ' વચ્ચે વિલય થવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર સ્તર પર બંને કંપનીઓ ભેળવી દેવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિલય સાથે સોની પિક્ચર્સના અંકુશ સાથેની કંપની ભારતમાં મનોરંજન ક્ષેત્રમાં મોટી એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક કંપની બનવા સાથે એક મજબૂત દાવેદાર બનીને ઉભરાશે. આ કરાર એ ભારતીય મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ જગતનો રકમની દ્રષ્ટિએ સૌથી મોટો સોદો હશે. આમ હવે, તમારી 'ઝી' ચેનલની ટીવી શ્રેણીનું નવું સરનામું આગામી દિવસમાં બદલી જાય તો નવાઈ નહી. જોકે આ હજુ પ્રાથમિક જાહેરાત છે, બંને કંપનીઓના સંયોજનની પ્રક્રિયા લાંબી છે, તેમાં અડચણો પણ છે. બોર્ડની મંજૂરી પછી શેર હોલ્ડરોની મંજૂરી, કેસ હોવાથી કોર્ટની મંજૂરી અને સીસીઆઇ સહીતના નિયંત્રકોની મંજૂરી લેવાની રહેશે. એ પછી અંતિમ રૂપ અપાશે અને નવી સંયોજિત લિસ્ટેડ કંપની બનશે.
પણ, રસપ્રદ વાત એ છે કે ભારતના રૂપર્ટ મર્ડોક ગણાતા સુભાષ ચંદ્રાના ઝી ગ્રુપ કે જેનું હજુ ભારતના મનોરંજન જગતમાં વર્ચસ્વ ખતમ નથી થયું એ અને સોની ટીવી વચ્ચે સંયુક્ત સાહસની વાત કેમ આવી ? કે જે બંને વચ્ચે દર્શકો ખેંચવાની લડાઈ જામી હતી. જેમ વોડાફોન આઇડીયા ટેલિકોમ હરીફ હતા અને બંને એક થઈ ગયા. ટેલિકોમ ક્ષેત્રમાં ગ્રાહકો છે, તો મનોરંજન ક્ષેત્રમાં દર્શકો છે. અહીં ટીઆરપીની લડાઈ છે. બીજું હવે લડાઈ માત્ર ટીવી દર્શકો પૂરતી નથી, ટેકનોલોજી બદલી છે, ટીવીના દર્શકો ઓછા થયા. સ્ટુડિયો, ટીવી શ્રેણીઓનાં કન્ટેન્ટનો કોની પાસે કેટલો જથ્થો છે, ફિલ્મના હકકો કોની પાસે કેટલા છે, ડિજિટલ મંચમાં કોણ કેટલુ આગળ વધ્યું છે, એ બધા ક્ષેત્રે પણ હવે હરીફાઈ છે. ઘરમાં એન્ડ્રોઇડ ટીવી આવ્યા પછી કેબલ નહીં, ડિજિટલ મનોરંજન એટલે કે મોબાઈલ ટીવી- ઓટીટીમાં હરીફાઇ જામી રહી છે. મનોરંજન જગતનું ભવિષ્ય ઓટીટી છે. આ વાત બને ગ્રુપ સમજે છે. ઓટીટી ક્ષેત્રમાં વર્ચસ્વ માટે નવી મૂડીની જરૂર છે. ઓટીટી ક્ષેત્રમાં બંનેની ચેનલો છે જ, ઝી ફાઇવ અને સોની લાઈવ, પણ હજુ ચોથા-પાંચમા ક્રમની આસપાસ રહે છે. ડિજિટલ મંચમાં ડિઝની હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સનું વર્ચસ્વ છે. આ તો દૂરની વાત છે, પરંતુ ભારતીય ટીવી દર્શકોમાં પણ ડિઝની સ્ટાર ઇન્ડિયાનું વર્ચસ્વ છે. અહી પણ હરીફાઈનો સામનો કરવો પડે છે. જો ઝી અને સોની ભળી જાય તો સ્ટારને પણ ટક્કર આપી શકે. કારણ કે ઝી દસ ભાષામાં ૧૦૦થી વધુ ચેનલ ચલાવી ૧૮ ટકા વ્યુઅરશીપ ધરાવે છે. પણ, રમતની ચેનલ નથી. સોની ટીવીનું રમતજગતમાં પણ વર્ચસ્વ છે. તેની સ્પોર્ટસ ચેનલ છે. પણ મનોરંજન ક્ષેત્રની વ્યુઅરશીપ ઓછી છે. અત્યારે ભલે આઇપીએલના હકકો સ્ટાર પાસે હોય, પણ અગાઉ તે અનેક સ્પર્ધામાં બીડ જીતી ચૂકયા છે. ટીવી સીરીયલો કરતાં ભારતમાં ક્રિકેટ પ્રેમને કારણે રમતના દર્શકોના માધ્યમથી દર્શકો વધુ મળે છે, અને તે વ્યૂઅરશીપમાં રોકેટની જેમ વધારો કરે છે. હવે જો બંને ગ્રુપ ભળી જાય તો ટીવી જગતનું એક ' પાવરહાઉસ' બની જશે. અત્યાર સુધી ડિઝનીના સ્ટારને ભારતમાં આવો કોઈ મોટો પડકાર નહોતો.
બંને કંપનીઓ વચ્ચે સંયોજનની પ્રક્રિયા ૯૦ દિવસમાં પૂરું કરવાનું નક્કી થયું છે અને જો બધું સમુંસૂતરું પાર પડયું તો આ નવું સંયોજન બેવડી તાકાત સાથે ભારતમાં દર્શકોની રીતે જોવામાં આવે તો પહેલા ક્રમે આવી જશે. એક અંદાજ મુજબ ૨૭ ટકા દર્શકો આ નવા સોની ગ્રુપના હશે. કારણ કે સ્ટાર ઇન્ડિયા અત્યારે ૨૪ ટકા દર્શકો સાથે પ્રથમ ક્રમે છે. આઇપીએલના હક્કો પણ ૨૦૨૩ સુધીના તેમની સ્પોર્ટસ ચેનલ પાસે છે. વિશ્વના કોર્પોરેટ દીગજજો જાહેરાતોની લહાણી વ્યૂઅરશીપ પરથી કરે છે અને નવા સંયોજિત સોની ગ્રુપને જાહેરાતોની આવકમાં ટંકશાળા પડી જશે એવી ધારણા છે. વ્યાપાર જગતના અનુમાન મુજબ, આવકની દ્રષ્ટિએ મનોરંજન ક્ષેત્રમાં આ ગ્રુપ બીજા ક્રમે પહોંચી જશે. છેલ્લી નાણાકીય સ્થિતિ મુજબ બંને કંપનીઓની કુલ આવક ગણીએ તો રૂ. ૧૩૬૦૦ કરોડ થાય છે, જે વધી શકે છે. મુખ્ય પ્રતિસ્પર્ધી સ્ટાર ઇન્ડિયા માટે આ મોટો પડકાર બનશે.
શું અને શા માટે ડીલ ?
ઝી ગ્રુપ અને સોની વચ્ચે બે વર્ષ પહેલાં પણ સંયોજનના પ્રયાસ થયા હતા. એ વખતે 'ઝી'એ શરતો ન માની. આ વખતે માની લીધી. સામે સામે કોર્પોરેટ ગવર્નન્સ ના લોકો છે તેની તેની પાછળ સમયે કારણભૂત છે 'ઝી' ની સામે કોર્પોરેટ ગવર્નન્સના આરોપો છે. તેની મુખ્ય રોકાણકાર વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપની ' ઈન્વેસ્કો' એ વર્તમાન સીઈઓ અને એમડી પુનીત ગોયેંકાનું રાજીનામું માગ્યું હતું. 'ઝી' માં ઈન્વેસ્કોનો ૧૮ ટકા હિસ્સો છે અને વિદેશી રોકાણકારોનો કુલ હિસ્સો ૬૭.૭૨ ટકા છે. ગોયેન્કા પર પદ છોડવાના દબાણ વચ્ચે અચાનક આ ડીલની જાહેરાત થઈ ગઈ. જેમાં મહત્ત્વની જોગવાઈ છે કે ગોયેંકા પાંચ વર્ષ સુધી સીઈઓ અને એમડી પદે જળવાઈ રહેશે. જોકે, બાકીના ડાયરેક્ટરની નિમણૂકના અધિકાર સોની પાસે રહેશે. સમજૂતીની જાહેરાત સાથે જ ઈન્વેસ્કોએ અદાલતમાં જવાની તૈયારી કરી લીધી છે, એટલે આ ડીલ સામે અડચણો તો છે જ, અંતિમ રૂપ ક્યારે આવશે તે નક્કી નથી. પરંતુ એટલું નક્કી છે કે મનોરંજન ક્ષેત્રમાં વર્ચસ્વના આ જંગમાં સ્ટાર ઇન્ડિયા સામે કદાવર હરીફ ઊભો થઈ જશે, દર્શકોને નવા પ્રોગ્રામોના રૂપમાં આ હરીફાઈનો લાભ મળશે.
આ ડીલમાં સુભાષ ચંદ્રા પરિવારનો અનેક રીતે હાથ ઉપર રહ્યો છે એમ કહી શકાય. કારણ કે સમજૂતીની શરતો મુજબ સીઈઓનું પદ જળવાઈ રહ્યું, ઉપરાંત વર્તમાનમાં પ્રમોટર પરિવારના ૪ ટકા શેર ઉપરાંત 'નોન કોમ્પીટ પેક્ટ ' -આ ક્ષેત્રમાં નવું સાહસ નહીં કરવાની સંમતિ ના બદલામાં બે ટકા વધુ શેર ફાળવાશે. ગોયેંકા પરિવાર તેનો હિસ્સો ૨૦ ટકા સુધી વધારી શકશે. જોકે, સોનીના શેરહોલ્ડરોની ટકાવારી ૫૨.૯૩ ટકા અને 'ઝી'ના શેરધારકોની હિસ્સેદારી ૪૭.૦૭ ટકા રહેશે. સમગ્રતયા અંકુશ સોની ટીવીની પાસે રહેશે પરંતુ મુશ્કેલીમાં ફસડાતી ઝી કંપનીને એક તારણહાર મળ્યો એમ કહી શકાય. જોકે, સમાચાર જગતને સંબંધ છે ત્યાં સુધી ઝી જૂથની અલગ કંપની છે અને એ સંયોજનમાં નથી એટલે 'મીડિયા' જગતમાં ઝી ન્યૂઝ, ઝી બિઝનેસ વગેરે ચેનલનો દબદબો યથાવત રહેશે. સંયોજન પામેલી નવી કંપની બજારમાં લિસ્ટેડ થઇ જશે. ઝી ને મૂડીની જરૂર હતી, જે મળી જશે તો સોની ટીવીને દસ ભાષાઓમાં મનોરંજન આપતી દેશ-વિદેશની ૧૦૦થી વધુ ચેનલોના ૧૩૦ કરોડથી વધુ દર્શકો મળી જશે.
'ઝી' સાથે સંયોજન પછી
'સોની'નો વ્યાપ કેવો હશે ?
-અલગ-અલગ ભાષાની ૭૫થી વધુ મનોરંજન ચેનલો.
-ઓટીટી વિડીયો સ્ટ્રીમિંગ'; 'ઝીફાઇવ' અને 'સોનીલાઈવ'.
-બે ફિલ્મી સ્ટુડિયો - ઝી અને સોની ફિલ્મ ઇન્ડિયા.
-એકબીજાની ટીવી શ્રેણી, ફિલ્મના હક્કો ભળી જશે.
-૧૯૦ દેશોના ટીવી દર્શકો સુધી વ્યાપ.
-એક ડીઝીટલ કન્ટેન્ટ 'એનએક્સટી'.
No comments:
Post a Comment