Wednesday, 24 November 2021

The trap of digital apps has become widespread. ALERT....

ડિજિટલ લોન એપની જાળ

વ્યાપક બની છે; કેમ બચશો ?


ખાસ કરીને કોરોનાકાળમાં ડિજિટલ વ્યવહારો સાથે આર્થિક  સંકટને લીધે મોબાઇલ એપથી લોનનું પ્રમાણ વધ્યું, પણ તકવાદી કંપનીઓએ ગેરફાયદો ઉઠાવ્યો : ગુરુવારે ખાસ નિમાયેલી કમિટીએ ચોંકાવનારી વાત કરી કે આવી 1100 એપ છે અને એમાં 600 તો નકલી છે : વધતી ફરિયાદ વચ્ચે સાવધાન કેમ રહેશો ?

 

લોન-ઓવરડ્રાફટની જરૂરિયાત છે ?' એવા ફોન છેલ્લા બે-ત્રણ વર્ષમાં સામાન્ય થઇ પડયા છે. એ ગરીબ-મધ્યમ વર્ગ હોય કે તવંગર, બધાને આવે છે. આપણા મોબાઇલ નંબરો-ડેટા વ્યાવસાયિક કંપનીઓ પાસે છે જ, ગૂગલ પાસે છે, એ હવે બહુ જાણીતી વાત બની ચૂકી છે., પણ આમાંથી બચવું કેમ એ મહત્ત્વનું છે. ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોબાઇલ દ્વારા લોન મામલે ફસાયેલા-છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદો પરથી બનેલી વર્કિંગ કમિટીએ એક ચોંકાવી મૂકે તેવો હેવાલ આપ્યો છે કે `81 જેટલા એપ સ્ટોર પર 1100 એવી મોબાઇલ એપ છે, જે નાની-મોટી ડિજિટલ લોન આપે છે, જેમાંથી 600 તો ગેરકાયદે છે. જેમણે કોઇ મંજૂરી નથી લીધી.' જે ડિજિટલ વ્યવહારો વધવાની સાથે પેસી ગયેલું ગંભીર દૂષણ સૂચવે છે. મોબાઇલનાં માધ્યમથી આ લોનજાળ કેટલી વ્યાપક બની છે તેનો આ દાખલો છે. ગૂગલે કેટલીક નકલી એપ હટાવીયે છે, પણ જાળ વ્યાપક છે. આ નોંધ સાથે આરબીઆઇએ કેન્દ્રને ખાસ કાયદો બનાવીને એપ નિયંત્રિત કરવા અનુરોધ કર્યો છે અને એ તો વહેલું-મોડું થશે, પરંતુ આ સમસ્યાથી સાવધાની રાખવાની જરૂર છે.

આ જાળ કોરોનામાં વધુ વિસ્તૃત બની હતી. કારણ કે, એ સમયે સંજોગ એવા હતા કે ડિજિટલ વ્યવહારો વધી ગયા. બીજીબાજુ લોકોની રોજગારી છૂટી ગઇ કે પગારકાપ આવ્યો. આ સંજોગોમાં ડિજિટલ લેવડ-દેવડ કરાવતી એપએ તાત્કાલિક 2થી દસ-બાર હજાર સુધીની નાની રોકડલોન આપતી ડિજિટલ લોન શરૂ કરી દીધી. જે માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી મળે. સંકટ વચ્ચે લાખો લોકોએ તેનો ઉપયોગ કર્યો, પરંતુ આરબીઆઇને જાન્યુઆરી-2020થી માર્ચ-2021 સુધીમાં 2562 ફરિયાદો મળી અને રિઝર્વ બેંકે મામલો ગંભીરતાથી હાથ પર લઇ વર્કિંગ ગ્રુપની રચના કરી દીધી, જેનો ગત અઠવાડિયે આવેલો હેવાલ ગંભીરતા સૂચવી ગયો.

આ નકલી એપ્લિકેશનોમાં ચીની એપનું પ્રમાણ વધુ છે અને એવી ભારતીય કંપનીઓ પણ છે, જેની કોઇ કાયદેસરતા નથી. ખરેખર, આ કંપનીઓ ગેરકાયદે ફાયનાન્સનો ધંધો કરે છે અને તગડું વ્યાજ કે પેનલ્ટી વસૂલી લે છે. તો કેટલી `નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ' એનબીએફસી વતી ગેરકાયદે એજન્ટ જેમ કામ કરે છે. નાણાંની જરૂરિયાતવાળો સામાન્ય નાગરિક આવી જાળમાં ફસાઇ જાય છે અને છેવટે `લેને કે દેને' થઇ જાય છે.

કેટલીક ગંભીર ફરિયાદો એવી પણ આવી હતી કે નિયત સમયમાં નાણાં ચૂકવી દેવા છતાં પણ `એપ'માં તે બાકી બોલે, સામી તરફ બેંક ખાતામાંથી રકમ કપાઇ ગઇ હોય. ગેરકાયદે કંપની હોય તો ગ્રાહકોને જવાબ આપવા કોઇ સત્તાવાર નંબર ન હોય. બાકી રકમ બોલતી હોવાને લીધે રોજની 100-200ની રકમ પેનલ્ટી લેવાતી હોય ! બીજું, આવી કંપનીઓ ભાડૂતી માણસો પણ રાખે છે, જેનાં ટોર્ચરની પણ ફરિયાદો આરબીઆઇને મળી. કેટલીક ફરિયાદો એવી હતી કે નાની રકમની લોન માટેય ડિફોલ્ટ જાહેર કરીને ફોટા જાહેરમાં મુકાય. બદનામી થઇ અને અનેક આપઘાતના કિસ્સા બન્યા.

આવી ગંભીરતા પછી આરબીઆઇએ તો સરકારને કહી દીધું છે કે એસઆરઓ (સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન) ઊભું કરવામાં આવે. સાથે `ગેરકાયદે ધિરાણ પ્રવૃત્તિ અટકાવ કાયદો' દાખલ કરવામાં આવે, પરંતુ આ બધું તો ધીરે ધીરે, પણ લોકોએ આવી કેટલીક જાગૃતિ રાખવાની જરૂર છે, જેની અહીં નોંધ મૂકી છે.

કોઇ પ્રતિષ્ઠિત બેંકની એપ હોય તો ઠીક, એ સિવાય આવી મોબાઇલ એપનો ઉપયોગ ન કરવો જોઇએ. ડિજિટલ ટ્રાન્જેક્શન માટે જાણીતી એપ દ્વારા પણ `િડજિ લોન', `ક્વીક લોન', `ઇન્સ્ટન્ટ લોન' એવા શબ્દો સાથે એક લોગો હવે દેખાય છે, પરંતુ તેના હિડન-છૂપા ચાર્જ ઘણા હોય છે. તેની સામે સાવધાની જરૂરી છે. જ્યાં સુધી એપ બાબતે આરબીઆઇની માન્યતાની ખાતરી ન થાય ત્યાં સુધી લોગ ઇન ન કરવું. ક્યુઆર કોડનું ચલણ વધ્યું છે. સર્ચને બદલે લોકો સીધા કોડ સ્કેન કરે છે, જેમાં સતર્ક રહેવાની આવશ્યકતા છે. બીજું, એપ ડાઉનલોડ કરતાં પહેલાં લોકોનાં કમેન્ટ-રિવ્યૂ તપાસવા હિતાવહ છે.

બેંકો તો વારંવાર આપણે એસએમએસ, ઇ-મેઈલનાં માધ્યમથી સચેત કરે જ છે કે તેઓ કેવાયસી અપડેટ માટે લિન્ક નથી મોકલતી, પણ ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો અવાર-નવાર પોલીસ ચોપડે નોંધાતી હોય છે. બેંકોના અધિકારીઓને પણ ઓટીપી, સીવીવી કે ચાર આંકડાના પિન નથી આપવાના. એ લોકો માગે નહીં, છતાં છેતરપિંડીનો ભોગ બનનારા ભૂલો કરે છે.

વળી, આવી ડિજિટલ લોન આપનારી એપ એડવાન્સ પ્રોસેસિંગ ફી માગી લે છે અને મંજૂરી આપી દે છે, પરંતુ લીગલ કારણો આગળ ધરીને લોનની રકમ નથી આપતી, આથી, ક્યારેય ખાતરી વિના આગોતરી પ્રોસેસિંગ ફી ના ભરવી. કાયદેસરની વેબસાઇટ સિવાય આઇએફએસસી કોડ કે વ્યક્તિગત જાણકારી આપવાની ભૂલ ન કરવી.

આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ને કોઇ હેકર્સ વિદેશી વેબસાઇટ આવી જાય એટલે જોખમ શરૂ થઇ જાય છે. ઓનલાઇન ગેઇમ રમનારાઓ સાથે મોબાઇલ નંબરો આંચકી લેવાની ઘટના વધુ બને છે. સીધો કોલ આવે, સરકાર તો ચેતવે જ છે, પણ વ્યક્તિગત સાવધાની રાખવી પડશે. ગત અઠવાડિયે જાહેર થયેલો નકલી લોન એપનો આંક એ તેનો પુરાવો છે. 

Friday, 19 November 2021

The mining industry of Kutch is in crisis....

લીઝ મંજૂરીમાં વિલંબ; 
ઇંધણ ભાવવધારાનાં દુષ્ચક્રમાં ખાણઉદ્યોગ 


-જીડીપીમાં મોટો હિસ્સો પણ નવી હરરાજી નીતિથી અવરોધ 
-ઙ ઝડપી લીઝ ન મળવાથી સમગ્ર ખાણઉદ્યોગની કમર તૂટી 
- નવી નીતિ પછી ઝડપી મંજૂરી મળત તો કોલ કટોકટી ન થાત 
-હંસરાજ ધોળુ 

- ખાણકામથી ડિસ્પેચ સુધીમાં ડીઝલને ભાવવધારાનો પડયો માર 
-ઉત્પાદિત માલની પડતરમાં ટનદીઠ રૂા. 250નો બોજ 
- કચ્છનો 80 ટકા માઇનિંગ ઉદ્યોગ ઠપ જેવી સ્થિતિમાં 
-દીપક પંડયા 

 -લીઝ મામલે ઘણી રજૂઆતો પણ, હજી પ્રશ્નનો અંત નહીં 
 -ખાનગી માલિકીની જમીનમાં તાત્કાલિક કેપ્ટિવ લીઝ આપી શકાય 
- પ્રક્રિયામાં વિલંબથી ખુદ સરકાર જ રોયલ્ટીની આવક ગુમાવે છે 
-ઇશ્વર ભાવાણી 


ભુજ, તા. 17 : કચ્છમાં ખનિજ ભંડાર છે, વિકાસની ઘણી સંભાવના છે, સરકાર `િબઝનેસ ફ્રેન્ડલી' અને `િસંગલ વિન્ડો' પદ્ધતિથી ઉદ્યોગોને પ્રોત્સાહનની વાત કરે છે. અત્યારે વાયબ્રન્ટ ઉત્સવની તૈયારી ચાલે છે, પરંતુ ખનિજ હબ કચ્છમાં ખનિજ ક્ષેત્રમાં ઉત્પાદનની સંભાવનાની સામે માંડ 20થી 25 ટકા જ ઉત્પાદન થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે `વહેલા તે પહેલા'ને બદલે `હરાજી' નીતિ લાગુ કરી ત્યારથી કાયદેસરની લીઝમાં મંજૂરી નથી મળતી, એ ફરિયાદ તો જૂની છે જ, પરંતુ હવે દોઢ વર્ષમાં ઇંધણ ભાવવધારાએ તેમાં પડયા પર પાટુ માર્યું છે. આ બધા વચ્ચે બેફામ ખનિજચોરીને ઉત્તેજન મળે છે. કારણ કે ઓટોમોબાઇલ, વીજળી, ખાતર, સિરામિક, બાંધકામ ક્ષેત્રને કાચો માલ તો જોઇએ જ છીએ. આ કાયદેસરની લીઝ મંજૂરીમાં ઝડપ નહીં થાય તો રાજકીય કે માથાંભારે લોકોની ઓથ વિના, પ્રામાણિક રીતે ખાણ ઉત્પાદન ચલાવવા માગતા લોકોને નાસીપાસ થવું પડશે અને આ ક્ષેત્રનો કચ્છમાં વિકાસ રુંધાઇ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. 
માઇનિંગ ક્ષેત્રના વરિષ્ઠ ઉદ્યોગપતિ હંસરાજભાઇ ધોળુનું કહેવું છે કે, કોલસાની નવી ખાણોને મંજૂર કરવામાં હરાજી (ઓકશન)ની વિલંબની નીતિથી કોલસાની અછત થઇ અને તાજેતરમાં દેશમાં વીજ કટોકટી તો જોવા મળી જ હતી, પણ આ હરાજી અને  ઢીલાશે માત્ર કોલ  નહીં, સમગ્ર માઇનિંગ ક્ષેત્રની કમર ભાંગી નાખી છે. જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી એમ દરેક સ્તરે ફેમી (ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇનિંગ એસોસિયેશન)ના હોદ્દેદારોનાં નાતે ત્રણેક વર્ષથી રજૂઆતો કરી રહ્યા છીએ, પણ સંતોષજનક પરિણામ નથી. માઇન ઉત્પાદનનો ભારતનાં જીડીપીમાં મોટો હિસ્સો છે. 2015થી ઓકશન ફરજિયાત તો થયું, પણ નવી લીઝ પણ મંજૂર નથી થતી. આમ જ ચાલ્યું તો ઉદ્યોગનો વિકાસ રુંધાઇ જશે. 
દેશનાં ટોચના માઇન કોન્ટ્રાકટર હંસરાજભાઇએ કહ્યું કે, ખાનગી જમીનોમાં  માઇનિંગ ઝડપી મંજૂર થાય કારણ કે, જિલ્લાનું મુખ્ય ખનિજ ચાઇનાક્લે ખાનગી ક્ષેત્રમાં છે. ઉદ્યોગ તરફી નીતિની જાહેરાત થાય છે, પરંતુ મંજૂરી માટેની બેંક ગેરન્ટી, પરફોર્મન્સ ગેરંટી જેવી પ્રક્રિયાથી ખર્ચ વધે છે. વધારામાં રોયલ્ટીય વધે છે. પ્રોજેકટ શરૂ થતાં જ લાંબો સમય નીકળી જાયછે, આમાં સાચા ઉદ્યોગપતિઓને ટકવું અઘરું થઇ પડયું છે. બેન્ટોનાઇટ તો એવી ચીજ છે, જેમાં 35 ટકા ભેજ હોય, ખરેખર ઉત્પાદિત માલ ઓછો નીકળે. આ બધી સ્થિતિમાં ઉલટું ખનિજચોરીને ઉત્તેજન મળે છે. કારણ કે, જે સિરામીક, પાવર, સ્ટીલ જેવા ઉદ્યોગોને ખનિજની જરૂરિયાતો તો સતત રહે જ છે. 
દેશનાં કોલ ક્ષેત્રની વાત કરતાં તેમનું કહેવું છે કે, 228 કોલ બ્લોકનું ઓકશન જાહેર થયું. ભારતમાં કોલ ભંડાર છે, પણ અગાઉની `વહેલા તે પહેલા'ની નીતિ રદ્દ કરી ને હવે મંજૂરીમાં વિલંબ, ડીઝલ મોઘું, બ્લાસ્ટિંગ મટિરિયલ મોંઘું થવાથી વીજ પ્લાન્ટમાં ભારે માંગ છતાં કોલસો આયાત થાય છે. 
માઈનિંગની તમામ પ્રક્રિયા મશીન આધારિત થઈ ગઈ છે, ખાણકામથી માલ મોકલવા-ડિસ્પેચ સુધીમાં ડીઝલની ભૂમિકા છે અને છેલ્લા લગભગ દોઢ વર્ષમાં આવેલા અસહ્ય ભાવવધારાએ કોરોના પછી પડયા પર પાટુ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. ઉત્પાદિત ચીજની પડતર કિંમતમાં લગભગ રૂા. 225થી 250નો વધારો આવ્યો છે. કોરોના પછી ઔદ્યોગિક સંચાલન મંદ હતું, ત્યાં આ ડીઝલના ભાવવધારાએ અર્થતંત્રનાં ચક્રમાં અવરોધ ઊભો કર્યો છે. અત્યારે માંગ જ ઘટી ગઈ છે અને કચ્છની વાત કરવામાં આવે તો કોરોનાકાળ પછી ડીઝલ ભાવવધારો અને લાંબા સમયથી પડતર સરકારી લીઝ મંજૂરીમાં વિલંબથી જિલ્લાના ખાણ ઉદ્યોગના લગભગ 80 ટકા એકમો અત્યારે બંધ છે કે ઉત્પાદન બંધ કરવાની સ્થિતિએ આવી પહોંચ્યા છે. કારણ કે, ખોટ ખાઈને લાંબો સમય ચાલુ રાખવું કોઈને પરવડે એમ નથી એવી સ્પષ્ટ વાત મૂકે છે કચ્છ જિલ્લા મિનરલ્સ એસો.ના પ્રમુખ દીપકભાઈ પંડયા. 
માંડવી સ્થિત ઉદ્યોગ એકમના પ્રોપ્રાઈટર અને વર્ષોથી માઈન્સ સંગઠનના પ્રશ્નો ઊઠાવતા રહેલા શ્રી પંડયાએ ડીઝલના પ્રશ્ન પર વધુમાં એમ કહ્યું કે, કાચો માલ કાઢવાથી લઈને સંપૂર્ણ પ્રક્રિયા સુધીમાં જેસીબી, ફોકલેન્ડ, હોવર, ટ્રેક્ટરનો વપરાશ થાય છે. છેલ્લે તૈયાર માલ પણ ટ્રક દ્વારા પરિવહન થાય છે. ખાણ દૂર હોય અને મોટા ભાગના પ્લાન્ટ શહેર નજીક છે, એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયો છે. કોરોના પાછી ચાલ્યા ગયેલા શ્રમજીવીઓ બધા પરત નથી આવ્યા. લેબર ખર્ચ અને ડીઝલને કારણે મશીનરી-પરિવહન ખર્ચ વધી ગયો. બેન્ટોનાઇટનો દાખલો લેવામાં આવે તો એ લો કોસ્ટ-ઓછી કિંમતનું સસ્તું મિનરલ ગણાય છે, પરંતુ અત્યારે પડતર ઊંચી થઇ ગઇ છે. કન્ટેનરથી માલ મોકલવાનો ખર્ચ કન્ટેનર દીઠ 20,000 રૂા. વધી ગયો છે. ડીઝલ ભાવવધારાએ આખું ઔદ્યોગિક ચક્ર બગાડી નાખ્યું છે. પોષણક્ષમ ભાવ ન મળતાં ત્રણ શિફ્ટમાં ચાલતું કામ માત્ર એક શિફ્ટમાં આવી ગયું છે. નાના પ્લાન્ટ તો બંધ થઇ ગયા છે. 
શ્રી પંડયાએ કહ્યું કે, જૂનો લીઝ મંજૂરીવાળો પ્રશ્ન તો હજુ એમ જ છે. નવી લીઝ મંજૂરી નથી અપાતી. સરકારનાં છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 14 વખત નિયમો બદલ્યા છે. ક્યારેક જિલ્લા સ્તરે તો, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે અલગ અલગ મંજૂરીઓમાં સત્તાની ફેરબદલી થતી રહી છે. બેંક ગેરંટી હોય કે સ્ટેમ્પ ડયૂટી ભરવાની હોય, માઇનિંગ પ્લાન રજૂ કરવાનો હોય કે પર્યાવરણ મંજૂરીની પ્રક્રિયા હોય, તમામ અધૂરાશો પૂર્ણ કરવા છતાં પણ માઇનિંગ એકમો પૂર્ણ લીઝ મંજૂરી નથી મેળવી શકતા. ઓક્શન પદ્ધતિ જટિલ છે અને બ્લોક નક્કી કરવા, ભાવ નક્કી કરવા સહિત લાંબી પ્રક્રિયા છે, પણ સરકારી તંત્ર તરફથી ઝડપ નથી થતી. પર્યાવરણ મંજૂરી માટે જાહેર સુનાવણી આવશ્યક બની છે, પરંતુ 300 અરજીઓ પડતર છે એ સામે માંડ 7થી 8 સુનાવણી થઇ ચૂકી છે. આમ, કોરોનાકાળમાં બંધ ઉત્પાદન વચ્ચે કર્મચારીઓને પગાર આપીને માંડ ટકી રહેલા ખાણકામ ક્ષેત્ર પર નવા આવેલા ઇંધણ ભાવ અને લીઝ મંજૂરીના પ્રશ્નએ અસ્તિત્વનો સવાલ ઊભો કરી દીધો છે. જો કે, સરકારે હવે એજન્સીઓ નીમીને પ્રક્રિયામાં ઝડપનો પ્રયાસ કર્યો છે. એની સફળતા પર હજારોની રોજીરોટીનો અને કચ્છના માઇનિંગ ક્ષેત્રના વિકાસનો આધાર છે. 
`ડીઝલનો તો પ્રશ્ન છે જ, પણ માઈનિંગ સેક્ટરનો મુખ્ય પ્રશ્ન અત્યારે લીઝની મંજૂરીમાં અસહ્ય વિલંબનો છે અને લાંબા સમયથી પડતર છે. સરકારમાં વારંવાર રજૂઆતોનું કોઈ પરિણામ નથી મળતું' એમ કહેવું છે કચ્છ જિલ્લા ચાઈનાક્લે ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવાણીનું. તેમણે કહ્યંy કે, લીઝ માટે ઓક્શન (હરાજી) પદ્ધતિ અમલમાં આવી ત્યારથી મુશ્કેલીઓ શરૂ થઈ છે, જેનો અંત નથી આવ્યો. અમારી માગણી છે કે, કમસેકમ પ હેક્ટરથી ઓછી જમીન હોય અને ખાનગી માલિકીની હોય, તો સરકારે મૂળ માલિકને પ્રાથમિકતા આપી મંજૂરી આપી દેવી જોઈએ. બીજું, જે લોકો મોટી મૂડી રોકીને પ્રોસેસિંગ પ્રોજેક્ટ લગાડી ચૂક્યા છે, તેમને કાચા માલમાં પડતી મુશ્કેલી દૂર કરવા માલિકીની જમીન ઉપલબ્ધ હોય તો તાત્કાલિક આવા પ્લાન્ટ માટે કેપ્ટિવ લીઝ મંજૂરી આપી દેવી જોઈએ. 
શ્રી ભાવાણીએ ઉમેર્યું કે ઓક્શન પદ્ધતિમાં ગોકળગાયની ગતિ છે. પ્રોસેસ કરવા માટે જે ગુણવત્તાયુક્ત કાચો માલ જોઈએ તેની અછત છે. નવી લીઝ ઝડપથી મંજૂર કરવામાં આવે તો નવી પેઢીને રોજી-રોટી મળે અને સરકારને આવક થાય. અત્યારે સરકાર ખુદ રોયલ્ટી, જીએસટીની આવક ગુમાવે છે. કચ્છનો દાખલો લેવામાં આવે તો ચાઈનાક્લેમાં જ 250થી 300 જેટલા એકમ છે અને અડધાથી વધુ બંધ જેવી સ્થિતિમાં પડયા છે. લીઝ માટે પર્યાવરણ સહિતની મંજૂરીમાં ઝડપ કરાય તો કચ્છમાં માઈનિંગ ઉદ્યોગના વિકાસની ઘણી સંભાવાના હોવાની-ભૂતળમાં ભંડારની વાત જાણીતી છે. ડીઝલના ભાવને કારણે મુશ્કેલીની સ્થિતિ આવી જ છે, પરંતુ અત્યારે ભાવ ઓછા થયા અને વધુ ઓછા થવા જોઈએ, પણ અંતે ભાવવધારાથી ખરીદનારા પર ભારી થશે, પરંતુ અત્યારે મુખ્ય પ્રશ્ન ખાણકામ સાવ જ ઠપ થઈ ગયુંનો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે કચ્છમાં ચાઈનાક્લેની એવી એકાદ લીઝ માંડ મંજૂર કરી છે, જેની પર્યાવરણીય મંજૂરી સાથે કરાર પણ થઈ ચૂક્યા હોય. 

Monday, 15 November 2021

PROUD OF KUTCH. Story of primary school boy...., Who saw a fighter plane in school days and decided that ' One day I would fly it for sure'

Two new plan. Have a banking complaint ? Complain directly to RBI..

બે નવી યોજના...., બેંકિંગ ફરિયાદ છે ? 

સીધી RBIને ફરિયાદ કરો..

એટીએમમાંથી નાણાં ઉપાડવા સમયે રકમ ખાતાંમાથી કપાઈ જવી, પણ નાણાં ન મળવા અને પછી તે મેળવવા માટે બેંકના ધક્કાઓ ખાવા, કોઈ વ્યવહારની સૂચના વિના ખોટી રીતે બેન્ક ખાતામાથી બેલેન્સ કપાઈ જવી, વાજબી કિસ્સાઓમાં પણ બઁક સેવા ન મળવી, ભ્રષ્ટાચાર કે લોન માટે ધકાઓ ખવડાવા જેવી ફરિયાદ ગ્રાહકોને હોય છે, પહેલા કોઈ બેંકમાં ફરિયાદ કરો તો કહેવાતું કે, બીજી બેંકમાં જાવ, એમ કહીને દોડાવી દે કે એટીએમ અમારું નહોતું, બીજી બેંકનું હતું, એટીએમ જે બેંકનું હોય એ એમ કહી દે કે ખાતું ક્યાં અમારી બેન્કમાં છે આમ, ફરિયાદો સમયે ગ્રાહકોને કડવા અનુભાવો થવા એ જાણીતી વાત છે. હવે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બેન્કો હોય કે નોન બેંકીગ ફાયનાન્શિલ કંપનીઓ  (એનબીએફસી) કે પછી ડીજીટલ વ્યવહારોમાં છેતરપિંડી જેવા કિસ્સા હોય, તમામ પ્રકારની ફરિયાદો એક જ સ્થાને કરી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એકીકૃત લોકપાલ યોજનાની વિડીયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલી શરૂઆત કરી હતી. જેનો હેતુ બેંકો અથવા બેંકિંગ સેવાઓની ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં વધુ સુધારો કરવાનો છે. આનાથી બેંકો, એનબીએફસી, પેમેન્ટ સર્વિસ સંચાલકો જેવી કેન્દ્રીય બેંકના નિયમન હેઠળની સંસ્થાઓ સામેની ગ્રાહકોની ફરિયાદોનું વધુ સારું નિરાકરણ શક્ય બને તેવી આશા ઊભી થઈ છે.

આ યોજનાની જાહેરાત પછી દાવો એવો કરવામાં આવ્યો છે કે, તેનો હેતુ ફરિયાદના ઉકેલની પધ્ધતિમાં સુધારો કરવાનો છે. આનાથી ગ્રાહકની ફરિયાદોનું વધુ સારું નિરાકરણ આવશે. સમગ્ર નાણાકીય ક્ષેત્ર માટે લોકપાલ પ્રણાલી આવી જશે, પણ આ દાવો કેટલો સાચો ઠરશે એ તો સમય જ કહેશે, પરંતુ તેની જોગવાઈઑ પર અહી પ્રકાશ પડાવમાં આવ્યો છે.

સંકલિત લોકપાલ યોજના કેમ કામ કરશે

સંકલિત લોકપાલ યોજના ૧૨ નવેમ્બરથી લાગુ થઈ છે. જે 'એક રાષ્ટ્ર-એક લોકપાલ'ની કેન્દ્રીય થીમ પર આધારિત છે. યોજનામાં એક પોર્ટલ, એક ઈ-મેલ અને એક સરનામુંની જોગવાઈ કરવામાં આવી છે. જ્યાં ગ્રાહકો બેંકો, એનબીએફસી વગેરે સામેની ફરિયાદો નોંધાવી શકશે. ગ્રાહકો ફરિયાદો, દસ્તાવેજો સબમિટ કરી શકશે, ફરિયાદો-દસ્તાવેજોની સ્થિતિ તપાસી શકે છે અને એક જ જગ્યાએ સૂચનો આપી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ગ્રાહક પાસે ફરિયાદો સંબધી તમામ પ્રક્રિયા માટે એક જ સ્થાન હશે. આમ, આરબીઆઇ  દ્વારા અંકુશીત દેશભરની કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થાના કેન્દ્રિય લોકપાલને ફરિયાદ કરી શકશે.

ક્યારે થઈ શકશે ફરિયાદ ?

જો ગ્રાહકે અગાઉ બેંકો, એનબીએફસી વગેરે જેવી આરબીઆઈ હેઠળની સંસ્થાઓને અગાઉ લેખિતમાં ફરિયાદ કરી હોય અને તેની ફરિયાદ આંશિક અથવા સંપૂર્ણ રીતે નકારી દેવામાં આવી હોય અથવા સંતોષકારક જવાબ ન મળે અથવા 30 દિવસની સમય મર્યાદામાં કોઈ જવાબ ન મળ્યો હોય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છેનિયંત્રિત સંસ્થા તરફથી જવાબ મળ્યાના ૧ વર્ષની અંદર ગ્રાહક આ 'ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ' તરીકે ઓળખાતી યોજનાની હેઠળ ફરિયાદ કરી શકે છે, અને નિયમનકારી સંસ્થા તરફથી જવાબ ન મળવાના કિસ્સામાં, ફરિયાદ કર્યાની તારીખથી એક વર્ષ અને 30 દિવસની અંદર લોકપાલને ફરિયાદ કરી શકાય છે.

અત્યારની ત્રણ યોજનાઓ સંકલીત કરાઇ

સંકલિત લોકપાલ યોજના એ ખરેખર આરબીઆઈની ત્રણ વર્તમાન ત્રણ લોકપાલ યોજનાઓને સાંકળીને બનાવવામાં આવી છે. જેમાં બેંકિંગ લોકપાલ યોજના,૨૦૦૬, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ માટેની લોકપાલ યોજના ૨૦૧૮ અને ડિજિટલ વ્યવહારો માટે લોકપાલ યોજના ૨૦૧૯નો સમાવેશ છેસંકલિત લોકપાલ યોજના,

જો આરબીઆઈ નિયમન કરાયેલ એકમો જેમ કે બેંકો, એનબીએફસી વગેરે ગ્રાહકની ફરિયાદને સંતોષકારક રીતે સમાધાન ના કરે કે ૩૦ દિવસના સમયગાળામાં ગ્રાહકોને જવાબ ન આપે તો ગ્રાહકોની ફરિયાદોનું આ યોજના હેઠળ નિશુલ્ક નિવારણ કરવામાં આવશે. આ સંકલિત લોકપાલ યોજના તળે  રૂ. ૫૦ કરોડ અને તેથી વધુની થાપણો ધરાવતી પ્રાથમિક સહકારી બેંકો પણ દાયરામાં આવરી લેવામાં આવી છે

 

યોજનાની મુખ્ય વિશેષતા શું છે ?

 -ફરિયાદીને એ ઓળખાવવાની જરૂર રહેશે નહીં કે તેણે કઈ યોજના હેઠળ ફરિયાદ નોંધાવી જોઈએ.

-ફરિયાદો હવે 'સૂચિબદ્ધ આધારો' હેઠળ આવરી લેવામાં આવી નથી, એથી ઉડાડી નહી શકાય.

-આ યોજનાથી દરેક લોકપાલ કાર્યાલયના અધિકારક્ષેત્રની નાબૂદી.

-કોઈપણ ભાષામાં કાગળ પરની કે ઈમેલ ફરિયાદોની પ્રાપ્તિ અને વહેલાસર પ્રક્રિયા માટે ભારતીય રિઝર્વ બેંક, ચંદીગઢ ખાતે કેન્દ્રિય કેન્દ્રની સ્થાપના થઈ છે.

-ફરિયાદોના સંદર્ભમાંજાણકારી આપવાની જવાબદારી જાહેર ક્ષેત્રની બેંકમાં જનરલ મેનેજર અથવા તેના સમકક્ષના હોદ્દા પરના મુખ્ય નોડલ ઓફિસરની રહેશે.

-સંસ્થાને એવા કેસમાં અપીલ કરવાનો કોઈ અધિકાર નથી કે જેમાં લોકપાલે સંતોષકારક અને સમયસર માહિતી/દસ્તાવેજો પૂરા ન કરવા બદલ તેમની વિરુદ્ધ ચુકાદો જારી થયો હોય.

-આરબીઆઈના ગ્રાહક અને સુરક્ષા વિભાગના નિયામક આ યોજના હેઠળ અપીલ અધિકારી રહેશે.

 

ફરિયાદ કેમ દાખલ થશે ?

- https://cms.rbi.org.in પર ઓનલાઈન ફરિયાદ થઈ શકશે.

- ફરિયાદો ઈ-મેલ દ્વારા અને કાગળ દ્વારા પણ  આરબીઆઈ દ્વારા સૂચિત કેન્દ્રમાં નોંધાવી શકશે.

- -મેલ crpc@rbi.org.in પર મોકલી શકાશે.

- ફરિયાદ ભૌતિક સ્વરૂપમાં હોય, તો તેના પર ફરિયાદી કે તેના અધિકૃત પ્રતિનિધિની સહી રહેશે.

- પત્ર વ્યવહારથી નિયત માળખામાં ફરિયાદ ફોર્મ 'આરબીઆઈ, ૪થા માળે, સેક્ટર ૧૭, ચંદીગઢ -  ૧૬૦૦૧૭'  કેન્દ્ર પર મોકલી શકાશે