ઉદ્યોગોને ભૂમિનું ઋણ ચૂકવવા પથદર્શક પુસ્તક
કચ્છમાંથી કમાતી કંપનીઓએ કઇ રીતે સંકલન સાધીને, ક્યા ક્ષેત્રમાં શું કામ કર્યું છે એ વણી લેતી ફોકિયાએ વહીવટી તંત્રના સહયોગથી તૈયાર કરેલી સતસવીર બુક ગુજરાતમાં નવતર પહેલ : જો કે, સીએસઆર ભંડોળ ન ખર્ચતી કંપનીઓ આગળ આવે અને નફાના બે ટકા કચ્છમાં જ ખર્ચે એ મહત્ત્વનું
જે ભૂમિનાં સંશાધનોનો ઉપયોગ કરીને કંપની કમાણી કરે છે તેને સામાજિક જવાબદારીના ભાગરૂપે ઋણ ચૂકવે છે અને સરકારે નફાના 2 ટકા આવી સેવાકીય પ્રવૃત્તિ પાછળ ખર્ચવાનો કાયદો તો 2014માં આપ્યો, પરંતુ આવી રીતે સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી) પ્રવૃત્તિ તો ખાનગી કંપનીઓ કરતી આવી છે. કચ્છ સૂકા અને પછાત મુલક તરીકે જાણીતું હતું, પછી તે ઝડપી ઔદ્યોગિક વિકસતા જિલ્લા તરીકે અને અત્યારે કુદરતી ઊર્જા ઉત્પાદનના હબ અને બંદરીય વિકાસના દ્વાર તરીકે જાણીતું છે. ભૂકંપ પછીની આ બદલાયેલી સ્થિતિમાં કચ્છમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી કમાનારી કંપનીઓ કચ્છ માટે શું કરે છે, ક્યા ક્ષેત્રોમાં કામ કરે છે, કઇ?રીતે તે ઉપયોગી બને છે, કચ્છના લોકોને કઇ?સેવાની જરૂર છે અને શું થઇ?રહ્યું છે - આ બધી વિગતોને એક આકર્ષક રીતે - વિશાળ રંગીન તસવીરોની સજાવટ સાથે પુસ્તકનાં રૂપમાં સમાવી લેવામાં આવી છે, જેનું તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયું અને તેના સમાચારો પણ પ્રસિદ્ધ?થયા, પરંતુ આ `પહેલ'ની વિશિષ્ટતા એ છે કે, તે ગુજરાતના કોઇપણ જિલ્લામાં આ રીતે થયેલો પ્રથમ પ્રયાસ છે અને કોઇપણ ઔદ્યોગિક જૂથ માટે માત્ર કચ્છમાં જ કામ કરવા જ નહીં, અન્ય સ્થાને પણ?સેવાકાર્ય કરવા માટે પથદર્શક બની શકે એમ છે.
`ટુવર્ડઝ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ - કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇનિશિએટીવ ઇન કચ્છ' શીર્ષક તળેની આ બુકનું પ્રકાશન કચ્છ કલેક્ટર અને ફોકિયાનું સંયુક્ત છે. સીએસઆર પ્રવૃત્તિ તો દરેક કંપની દ્વારા તેની `િનયત' કે નફા મુજબ કોઇપણ સ્થાને થતી જ હોય છે, પરંતુ જે-તે વિસ્તારની શું જરૂરિયાત છે અને એ જ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિ થાય; એક જ કામ અન્ય કંપનીઓ દ્વારા બેવડાવાના બદલે સહયોગથી થાય એઁ મહત્ત્વનું છે.
કચ્છમાં સાચું ઔદ્યોગિકીકરણ 2004-05થી શરૂ?થયું અને છૂટક સેવાકીય પ્રવૃત્તિ શરૂ?થઇ, પરંતુ 2012માં આવી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન અને સંશોધનનું વિચારબીજ રોપાયું. આ પછી તમામ સીએસઆર વિભાગોની નિયમિત બેઠકોથી શરૂ?થઇને છેવટે શબ્દદેહનું રૂપ મળ્યું. મોટાં ઔદ્યોગિક જૂથો પોતાની સીએસઆર પ્રવૃત્તિને કોફી ટેબલ રૂપનો આકાર આપે છે, પરંતુ તમામ કંપનીઓની એક જિલ્લાની પ્રવૃત્તિનું સંકલન એ નવતર પહેલ રહી અને કચ્છની આગામી સેવાકીય પ્રવૃત્તિઓની એક માર્ગદર્શિકા બને એમ છે.
આ પહેલ વિશે ફોકિઆના એમ.ડી. નિમિષ ફડકે સાથે વાત કરતાં તેમનું કહેવું હતું કે, આમ તો પ્રવૃત્તિનાં સંકલનનો વિચાર તો બહુ જૂનો છે. અદાણી ફાઉન્ડેશનના એ સમયના સી.ઇ.ઓ. સુષ્માબેન ઓઝાએ જિલ્લાની સેવાપ્રવૃત્તિઓમાં સંકલન માટે ત્રણ મહિને બેઠકો યોજવાનું સૂચન કર્યું હતું, જે નિયમિત મળતી. કચ્છમાં પશુપાલન વ્યવસાયના વ્યાપને જોતાં ઘાસચારાનાં ઉત્પાદન સહિતના મુખ્ય પ્રશ્ન પર કામ શરૂ?થયું. અદાણી, એગ્રોસેલ અને તાતા પાવર (સીજીપીએલ-મુંદરા)એ કામ ચાલુ કર્યું. 2012માં એગ્રોસેલના એમ.ડી. દીપેશભાઇ શ્રોફે કચ્છના મુખ્ય પ્રશ્ન પાણી અને ઘાસની સ્થિતિ પર સેટેલાઇટ?આધારિત હેવાલ તૈયાર કરવાનું સૂચન કર્યું અને આર્થિક સહયોગ પણ?આપ્યો, જે કચ્છનાં વોટર મેનેજમેન્ટ પર કામ કરવામાં આધારભૂત બન્યો.
2017માં કચ્છમાં સીએસઆર પ્રવૃત્તિ પર એક સેમિનારનું આયોજન થયું, જેમાં કચ્છમાં પાણી, ખેતી, પશુપાલનને પ્રોત્સાહન આપીને જ લોકોની આજીવિકાને સહાય આપી શકાય તેવો નિષ્કર્ષ નીકળ્યો. પછી અન્ય ક્ષેત્રોમાં પણ કામ થવા લાગ્યાં, ગતિ આવી અને છેવટે 2019માં આ કામોનાં સંકલન કરીને પુસ્તકનો વિચાર આવ્યો, જેથી બાકીની કે નવી કંપનીઓને કચ્છમાં કામ કરવામાં પ્રેરણા મળે. તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહન અને વહીવટી તંત્રનો સહયોગ મળ્યો અને કામ શરૂ?થયું.
આ કામ માત્ર વિગતો મગાવવા પૂરતું ન રહ્યું, બલ્કે ફોકિયા, સરકાર સહિતના વિવિધ ઉદ્યોગોનાં બનેલાં પ્રતિનિધિ મંડળે રૂબરૂ મુલાકાત લઇ સંકલન કર્યું છે. કચ્છમાં જે પ્રવૃત્તિ થઇ તેમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ના 17 લક્ષ્યને ધ્યાને લેવાયાં છે અને બુકમાં પ્રવૃત્તિઓનું સંકલન અને પ્રસિદ્ધિ આ લક્ષ્યો મુજબ જ થઇ છે. પાણી ક્ષેત્રે કચ્છમાં કેટલું નોંધપાત્ર કામ થયું છે એ સંશોધનથી ખબર પડે છે કે, 70 ટકા ગામ `પાણી મુદ્દે સુરક્ષિત' થઇ ચૂકયાં છે.
પુસ્તકનાં પ્રોગ્રામ ડાયરેકટર તરીકે શ્રી ફડકે અને પ્રોજેકટ કો-ઓર્ડિનેટર તરીકે તત્કાલીન અંજાર નાયબ કલેકટર વી.કે. જોશી રહ્યા હતા. જ્યારે લેખનકાર્ય અનિલ મુલચંદાણીએ અને કન્ટેન્ટમાં સહયોગ ફોકિઆનાં રાધિકા ઠક્કર તેમજ જિગર મકવાણાએ આપ્યો હતો. ડ્રોનની અલભ્ય તસવીરો વિનેશ ઠક્કરની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ કચ્છ કલેકટર અને ગુજરાત સીએસઆર ઓથોરિટીનાં સીઇઓ એમ. થેન્નારસન, કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.એ શુભેચ્છા સંદેશ આપ્યા છે અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓએ મંતવ્યો રજૂ કરીને આ પહેલને બિરદાવી છે.
કચ્છમાં વિવિધ ઉદ્યોગો દ્વારા થયેલી ઘાસચારા પ્લોટ, પાણી, જળસંચય, આરોગ્ય, શિક્ષણ, રોજગાર તાલીમ, મહિલા સશક્તિકરણ, કુપોષણ, વોટર ડિસેલિનેશન, શૌચાલય નિર્માણ, સ્વચ્છ ઊર્જા, બાયોગેસ ગામડાંમાં પાણીનાં ટાંકા-રસ્તા- સમાજવાડી જેવો માળખાંકીય વિકાસ, માછીમારોની આજીવિકા, દિવ્યાંગોને નોકરી, ટાઉનશિપ-મંદિર સહિતનું સામાજિક માળખું, જૈવવૈવિધ્ય સંરક્ષણ, કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ સહિતની પ્રવૃત્તિઓ કઇ કંપનીઓ દ્વારા, કયાં સ્થળે થઇ એનો સતસવીર ઉલ્લેખ કરાયો છે.
પુસ્તક પરથી લાગે છે કે કચ્છમાં કામ ઘણું થયું છે, પણ મહત્ત્વનું એ છે કે, સીએસઆર ફંડના 2 ટકા ઉપયોગના કાયદાનું પાલન બધા જ ઉદ્યોગો કરે છે ? જે ન કરતા હોય તેમને સક્રિય થવા માટેનાં સૂચન આ પુસ્તકમાંથી મળશે અને બીજું, નફાના આ બે ટકા સમગ્ર ગ્રુપનાં હોય છે, કચ્છના યુનિટમાંથી થતો નફો કોઇ અલગ નથી તારવવામાં આવતો, ઉદ્યોગોએ જાતે એવી પહેલ કરવી જરૂરી છે કે કચ્છનાં એકમનાં કારણે સમગ્ર ગ્રુપની કમાણી વધતી હોય તો અનેક સમસ્યાથી ગ્રસિત કચ્છનાં લોકો માટે કામ કરવું જોઇએ. કચ્છમાં છેલ્લાં 15 વર્ષમાં ઔદ્યોગિક રોકાણ છ ગણું થઇને દોઢ લાખ કરોડની મૂડી આવી છે તો નફો પણ નાનોસૂનો નહીં હોય. બધા ઉદ્યોગો સારું કામ કરે તો આવી પ્રવૃત્તિઓ બેશક વધે !
Very Good Article
ReplyDelete