અંગ્રેજોની દોસ્તીથી ચીનને પછડાટનો વ્યૂહ
આજથી બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતીની દિશામાં સત્તાવાર
બેઠકોનો દોર શરૂ થશે અને 2022ના અંત સુધીમાં
સફળતા મળે તો આર્થિક મોરચાનાં યુદ્ધમાં મોટી
રાજકીય અને વ્યૂહાત્મક જીત હશે
ભારતનો સૌથી મોટો દુશ્મન દેશ પાકિસ્તાન હોવાનું જગજાહેર
છે, પણ તેનાથી એટલું નથી ગભરાવાનું, અત્યારે ચીન ભારતને પીઠ પાછળ ઘા કરતો દુશ્મન દેશ બની
ગયો છે. પહેલાં લડાઇ જમીન પર, પછી
સમુદ્ર અને આકાશમાં થઇ. હવે લડાઇનો ત્રીજો મોરચો આર્થિક વ્યૂહ છે. ભારતે ચીનને પછડાટ
આપવાની આ મોરચેથી પૂરી તૈયારી કરી છે. આમેય લદ્દાખમાં ઘૂસણખોરી અને સંઘર્ષની ઘટનાઓ પછી ભારતમાં ચીની માલ
બહિષ્કારનું વાતાવરણ ખડું થયું અને ચીનને તેનો ફટકો પણ પડવાથી આવક ઘટી છે. એક બાજુ
ભારતે હવે શક્ય મોટાભાગનાં ઉત્પાદનમાં આત્મનિર્ભરતા
મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, તો
બીજી તરફ ચીનને આર્થિક મોરચે પછડાટ આપવા અંગ્રેજો સાથે ભાઇબંધી કરવાનું નક્કી કર્યું
છે. હા, એ અંગ્રેજો એટલે બ્રિટન, ભલે એમની આગલી પેઢીઓએ ભારત પર બે સદી સુધી રાજ કરીને `સોને કી ચિડિયા' ગણાતાં ભારતમાં લૂંટ ચલાવી હતી અને અત્યાચાર કર્યા,
પણ હવે આ સમયનો તકાજો છે, પરિસ્થિતિ બદલાઇ ચૂકી
છે.
વીતેલા સપ્તાહમાં બ્રિટનના ઉદ્યોગ
અને વાણિજ્યમંત્રી એની મેરી ટ્રેવિલિયને ભારતમાં આવીને ભારતીય સમકક્ષ પીયૂષ ગોયલ સાથે
એફટીએ (મુક્ત વ્યાપાર કરાર) પર સમજૂતી માટે ઔપચારિક વાતચીતનો દોર શરૂ કર્યો અને આજે
એટલે કે, સોમવારથી સત્તાવાર રીતે વાટાઘાટનો
દોર શરૂ થવા જઇ રહ્યો છે. ભારત અને બ્રિટનનું પ્રતિનિધિ મંડળ દર પાંચ અઠવાડિયે મળશે અને 2022ના અંત સુધીમાં એફટીએ એટલે કે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થઇ જવાની આશા છે. યુ.કે. અને ભારત બંને
વર્તમાન વ્યાપારને 2030 સુધીમાં બે ગણો કરી દેવાનું લક્ષ્ય રાખે છે. ભારતમાં મોટી વસતી
અને બજાર છે, તેના પર બ્રિટનના ઉદ્યોગપતિઓની નજર છે, તો ભારતને તેની `મેઇક ઇન ઇન્ડિયા'ની યોજનાને
સફળ બનાવવા વિદેશી ટેકનોલોજી અને ધરતીની જરૂર છે. આ અંગ્રેજોની ધરતી પરથી ચીનને મહાત
આપી શકાય છે.
કેટલી સફળતા મળે છે એ તો સમય જ કહેશે, પરંતુ બંને પક્ષો માટે આ સુવર્ણ
તક ગણવામાં આવી છે. કારણ કે, એફટીએ સમજૂતી થશે એટલે બંને દેશ વચ્ચેના વ્યાપાર કાયદામાં છૂટછાટો અપાશે,
કસ્ટમ ડયુટી ઘટશે, ઉદ્યોગોને એકબીજાના દેશમાં સરળતાથી
ધંધો કરવા ઘણી મુક્તિઓ અપાય તેવી સંભાવના છે. જો આ થયું તો બંને દેશો વચ્ચેનો વ્યાપાર
વધશે, મૂડીરોકાણ વધશે, નવી રોજગારી ઊભી
થશે અને ક્ષેત્રિય સહકારમાં વધારો થશે. ખાસ તો, આ સફળતા એ ભારતની
ચીન પરની રાજકીય તેમજ વ્યૂહાત્મક રીતે મોટી જીત બનશે અને ભારત તેમ કરવા સજ્જ બન્યું
છે.
ભારતનું અર્થતંત્ર ઝડપી આગળ વધે છે અને 2050 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી
મોટી આર્થિક સત્તા બની બ્રિટનનેય પાછળ રાખશે એવી ધારણા રખાય છે, ત્યારે બ્રિટન
ખુદ પોતાના ઉદ્યોગો માટે ભારતનું બજાર ખોલવા ઉત્સાહી છે. બીજું, બ્રિટનમાં ભારતીય કંપનીઓ લગભગ 95,000 લોકોને રોજગારી
આપે છે, તેમાં તાતાનું સૌથી મોટું કામકાજ છે. બ્રિટનને રસ છે
કે, ભારતીય સામાન અહીં સસ્તો થાય, તો સામે
પક્ષે ભારતમાંથી નિકાસમાં તેજી આવશે. છેલ્લા આંકડા મુજબ 2020-21ના નાણાકીય વર્ષમાં
ભારતે બ્રિટનમાં 8.15 અબજ ડોલરની નિકાસ કરી, તો બ્રિટનથી ભારતમાં
4.95 અબજ ડોલરની આયાત થઇ. ભારતનો હાથ ઉપર છે અને નિકાસ વધે તો વધુ ફાયદો છે. એક અંદાજ
મુજબ એફટીએ સફળ રહેશે તો 2035 સુધીમાં બંને દેશો વચ્ચેનો વ્યાપાર 28 અબજ પાઉન્ડ સુધી
પહોંચી શકે છે. હાલ ઘડી, બંને પક્ષો તરફથી એવી કોઇ માગણી નથી
કે, જેનાથી સમજૂતીમાં મડાગાંઠ ઊભી થાય અને એવું જ રહે તો આ સમજૂતી
ભારતનાં આર્થિક ક્ષેત્રમાં મોટી છલાંગનું કારણ બનશે એ નક્કી છે.
આજે મિત્રતા વધે છે, પરંતુ અંગ્રેજો ભારતમાંથી 45 ટ્રિલિયન ડોલર લૂંટી ગયા હતા
આજે ભલે ભારત તેની રાજકીય અને આર્થિક પ્રગતિની નવી નીતિ અને સમયની આવશ્યકતા મુજબ બ્રિટનની ધરતી
પર તેનો વ્યાપાર મુક્ત રીતે વધારવા માગે છે અને મૂળ ભારતીય વસતી પણ ત્યાં મોટી સંખ્યામાં વસી ગઇ છે, પરંતુ
200થી વધુ વર્ષની એ ગુલામીનો કાળ હતો,
જ્યારે અંગ્રેજોએ ભારતને લૂંટયું હતું અને ગરીબીની દશામાં ધકેલી દીધું
હતું.
ભારત એક સમયે `સોને કી ચિડિયા' કહેવાતું
હતું અને તેમાં સચ્ચાઇ પણ હતી. કારણ કે, ભારત દુનિયાના લગભગ
25 ટકા જીડીપી પર અંકુશ ધરાવતું હતું.
ભારતના પ્રસિદ્ધ અર્થશાત્રી ઉત્સા પટનાયકે 2018માં કોલંબિયા યુનિવર્સિટીમાં
એક સંશોધનમાં કર્યું હતું. લગભગ બે સદીમાં એટલે કે, 1765થી
1938ની વચ્ચે તેમના વ્યાપાર ડેટાના આધારે પટનાયકે નિષ્કર્ષ કાઢયો હતો કે, બ્રિટને ભારતમાંથી લગભગ 45 ટ્રિલિયન ડોલરની (45 લાખ કરોડ ડોલર) લૂંટ કરી હતી,
જે રકમ બ્રિટન અને ભારતની વર્તમાન સંયુક્ત જીડીપીનો લગભગ 17 ગણો હિસ્સો
છે.
..............
No comments:
Post a Comment