ભૂંકપના બે દાયકામાં આવ્યું તેનાથી બે ગણું
રોકાણ આગામી
એક દાયકામાં આવે છે
ટેક્સ હોલીડેથી ઔદ્યોગીકીકરણનો યુગ શરૂ થયો પણ હવે સાનુકુળ
ભૌગોલિક સ્થિતિ, બંદરો અને વિશાળ ભૂભાગને પગલે
વિકાસની બીજી ઇનિંગ શરૂ થઇ ચૂકી છે :
ગ્રીન ઉર્જા ઉત્પાદનનાં ભારતનાં ઉંચા લક્ષ્યને
આંબવામાં કચ્છનું મુખ્ય યોગદાન રહેશે :
રિલાયન્સ અને અદાણી ગ્રુપ સહિત 3 લાખ કરોડનું
રોકાણ બારણે ટકોરા મારે છે
એમ કહેવાય છે કે, કચ્છના વર્તમાનકાળનો ઈતિહાસ લખાશે
ત્યારે ભૂકંપ પછીનો સમયગાળો એ ઔદ્યોગિકીકરણનો યુગ ગણાશે. બહુ જાણીતું છે કે, 2001 પહેલાં કચ્છમાં ઉદ્યોગો નહીંવત હતા. કંડલા ઉપરાંત
બીજા ખાનગી ક્ષેત્રના અદાણી બંદરની 1998માં પાયાવિધિ થઈ હતી. બંદરીય ક્ષેત્ર?ઉપરાંત ખનિજ, અબડાસામાં
સિમેન્ટ અને લિગ્નાઈટ એમ લગભગ આઠ સેક્ટરમાં કામકાજ હતું. અંદાજે 2500 કરોડનું રોકાણ
હતું. ધરતીકંપમાં રાહતના ભાગરૂપે અપાયેલી કેન્દ્ર અને રાજ્યની ટેક્સ હોલિડેની જાહેરાત
સાથે ચિત્ર બદલાઈ ગયું અને આજે લગભગ તમામ 18થી વધુ પ્રકારનાં સેક્ટરનો વ્યાપાર અહીં
થાય છે. ઈશાની રાજ્યો જેમ દસ વર્ષની કરમુક્તિ નહોતી પણ પાંચ વર્ષ અને પછી વધારાનાં
વર્ષ સાથેની આ મુક્તિથી કચ્છની કાયાપલટ થઈ. કચ્છ સૌથી ઝડપથી વિકસતો જિલ્લો બન્યો, અને વિશ્વ મંચ પર મુકાયો. પણ આજે ભૂકંપના 21 વર્ષ પૂરાં
કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે પણ ઔદ્યોગિક વિકાસ થાય છે પણ નવો પવન ફૂંકાયેલો
છે. જોકે, તેને ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી, કોઈ ટેક્સ રાહત નથી મળવાની, પણ આ વિકાસનો પથ એ વિશિષ્ટ ભૌગોલિક રચનાને આભારી છે, હવામાનને આભારી છે, વિશાળ જમીનની ઉપલબ્ધિ, ખનિજ અને ખાસ તો રણ અને દરિયાના સંગમથી ઊભી થયેલી વિકાસની
અદ્ભુત સંભાવનાને આભારી છે.
ટેક્સ હોલિડેને પગલે બે દાયકામાં અત્યાર સુધીમાં કચ્છમાં
દોઢ લાખ કરોડનું રોકાણ થઈ ગયું છે, જેમાં
ઊંચી છલાંગ લાગશે. લગભગ પાંચેક વર્ષ પહેલાં
એવો સમય આવ્યો કે, વૈશ્વિક મંદી, કાચા માલની ઊંચી કિંમત, ઉદ્યોગોને પાણીની સમસ્યા અને કાર્ગો વહન જેવી મુશ્કેલીથી અનેક ઉદ્યોગોએ તાળાં લગાડી
દીધાં, કેટલાક ખોંડગતી હાતલમાં ચાલતા
હતા, ત્યારે લાગ્યું કે ટેક્સ હોલિડેના
પંપથી ભરાયેલો વિકાસનો ફુગ્ગો ફૂટી જશે, પરંતુ આજે એવા કચ્છની કલ્પના થઈ રહી છે કે પાકિસ્તાનને જોડતી સરદહથી લઈને સૂરજબારીના
પ્રવેશદ્વારા સુધી ઝળાંહળાં હોય. વિશ્વને પર્યાવરણ બચાવવાની, કાર્બન ઉત્સર્જનથી ઊભી થતી પ્રદૂષણની ચિંતા છે. તેનાથી બચવા ગ્રીન ઊર્જાનું લક્ષ્ય
હાંસિલ કરવામાં ભારતે અગ્રહરોળમાં ભૂમિકા ભજવવાનું બીડું ઝડપ્યું છે, ભારતીય ખાનગી ક્ષેત્રના ટોચના ઔદ્યોગિક જૂથો રિલાયન્સ, અદાણી અને તાતાએ આ લક્ષ્ય સિદ્ધ કરવા અબજોનું રોકાણ કરવાની
જાહેરાત કરી દીધી છે અને એમાં `મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન'-કુદરતી ઊર્જા?ઉત્પાદન માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા કચ્છ છે. આ સિવાય સિમેન્ટ, રસાયણ, સ્ટીલ સહિત નિકાસ માટે શ્રેષ્ઠ પ્રકારના ઉદ્યોગમાં
હજારો કરોડનાં રોકાણની જાહેરાત થઈ ચૂકી છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં કચ્છમાં વિશાળ એકમો
ઊભા કરવાની જે સમજૂતીઓ, યોજનાની જાહેરાત કે જમીન શોધવાની પ્રક્રિયા
કે પર્યાવરણ મંજૂરીઓ માગવામાં આવી છે,
એ જોતાં આગામી દાયકામાં લગભગ ત્રણ લાખ કરોડનું નવું રોકાણ આવશે. બીજી
રીતે કહીએ તો ભૂકંપ પછીના બે દાયકામાં જેટલું રોકાણ કચ્છમાં આવ્યું છે, તેનાથી બેગણું માત્ર એક દાયકામાં આવી રહ્યું છે. આ અંદાજ એવા સમયે બંધાઈ રહ્યો
છે જ્યારે નર્મદાનાં વધારાનાં એક મિલિયન એકર ફૂટ પાણીની કચ્છને ફાળવણીની વહીવટી મંજૂરી
મળી ચૂકી છે અને ઉદ્યોગોને નડી રહેલા અનેક પ્રશ્નોમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે,
અને દેખીતી રીતે પાઈપલાઈનથી અપાતાં જળમાં લોકો માટે પીવાનાં પાણીને પ્રાથમિકતા
અપાઈ રહી છે. જો લોકપ્રતિનિધિઓ હવે આ જાહેરાતના અમલમાં `પક્ષીય ભાવ'ને બદલે `લોકપક્ષ' ભાવે સજાગ
રહેશે તો નિયત સમયમાં અને યોગ્ય રીતે કામ થશે તેમજ ઉદ્યોગોને પાણીની ઉપલબ્ધિ વધશે.
2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કચ્છને `િસંગાપોર' બનાવવાનું સપનું આપ્યું હતું. દૂરદૃષ્ટા વડાપ્રધાનને કચ્છમાં
સિંગાપોર કેમ દેખાયું હશે ? હવે જિલ્લામાં કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં
અને કોણ કેટલું રોકાણ કરવા જઈ રહ્યું છે તેના પર ભૂકંપની વરસીએ દૃષ્ટિપાત કરશું તો
એ દેખાશે. 21 વર્ષમાં શું થયું એ જાણીતું છે પણ ક્યાં શું થવા જઈ રહ્યું છે તેની કલ્પના
કરીએ તો સેટેલાઈટ તસવીરમાં કચ્છના રણવિસ્તારના પાકિસ્તાનના છેડા સુધીનો ભાગ લાઈટોથી
ઝળાંહળાં દેખાશે; મુંદરાના સેઝ વિસ્તારમાં ખાલી જમીનો પડી છે
ત્યાં મોટો સ્ટીલ પ્લાન્ટ કે એક મોટું કેમિકલ કોમ્પ્લેક્સ ધમધમતું દેખાશે. મુંદરા-માંડવી
તાલુકા વચ્ચે એક મોટી સિમેન્ટ ફેક્ટરી દેખાશે. કચ્છમાં પ્રવેશતાં પવનચક્કીઓ દેખાય છે
પણ સામે છેડે પહોંચશો ત્યાં સુધી આ પવનચક્કી અને સોલાર પેનલો સાથે દેખાશે.
ભારતના બે સૌથી સંપત્તિવાન ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીમાંથી ગૌતમભાઈ
તો 2030 સુધીમાં `અદાણી ગ્રીન એનર્જી લિ.'ને ભારત જ
નહીં વિશ્વની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની બનાવવાની મહત્ત્વાકાંક્ષા સાથે આગળ
વધી રહ્યા છે. પણ બીજા સમૃદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ તેના આ કુદરતી ઊર્જા ઉત્પાદનમાં
ઊંચા લક્ષ્યાંકને પાર પાડવા કચ્છમાં નજર કરી છે. કચ્છમાં તે માટે 4.5 લાખ એકર જમીન
માગી છે, એ ક્યાં મળશે તે સમય જતાં ખબર પડશે પરંતુ કચ્છ એ ગ્રીન
ઊર્જાનું વિશ્વનું સૌથી મોટું મથક બનશે એમાં બે મત નથી. માત્ર રણવિસ્તારમાં વિશ્વનો
સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક જ નહીં, સમગ્ર જિલ્લો વિશ્વના પર્યાવરણને
બચાવવા મોટું યોગદાન આપતો થશે. સૌથી વધુ આ ક્ષેત્રે રોકાણ થવાનું હોવાથી વીજ પરિવહન
માટે ગેટકો, પાવરગ્રિડ, અદાણી ટ્રાન્સમિશન
સહિતની મોટી ટ્રાન્સમિશન કંપનીઓનું કામ ધમધમશે. ગંજાવર વીજ ટાવર અને પરિવહન લાઈનોની
સંખ્યા અનેકગણી થશે.
આગામી દાયકામાં 3 લાખ કરોડનાં રોકાણના અંદાજમાં એક-એક લાખ કરોડ તો રિલાયન્સ
અને અદાણી જૂથના જ થઈ જાય તેવી ધારણા છે. હવે જે ઉદ્યોગગૃહોની કચ્છ માટે તૈયારી ચાલે
છે તેની વિગતો જોઈએ
વિશ્વનું સૌથી મોટું કુદરતી ઊર્જા મથક `રન ઓફ કચ્છ'
2020ના ડિસેમ્બરમાં વડાપ્રધાન જાતે કચ્છ આવ્યા હતા અને વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ
એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પાકિસ્તાનને જોડતી સરહદથી માત્ર છ કિલોમીટર છોડીને
શરૂ થતો આ પાર્ક અત્યારના અંદાજમાં 72,600 હેક્ટર જમીનને આવરી લેશે અને માત્ર
આ પાર્કમાં જ સવાથી દોઢ લાખ કરોડનું રોકાણ થશે. સૂર્ય, પવન અને
બંને સાથે મળીને હાઈબ્રિડ રીતે 30,000 મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે.
આ રોકાણનો આંક વધી પણ શકે છે. આ પાર્કમાં અદાણી ગ્રીન એનર્જી, એનટીપીસી, સર્જન રિયાલિટીઝ લિ. (સુઝલોન), ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું
રોકાણ હશે.
અદાણી ગ્રીન એનર્જીનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય : કચ્છ રહેશે કેન્દ્રમાં
અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. આ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં
બહુ ઝડપી અને ઊંચું લક્ષ્ય રાખે છે. તે 2030 સુધીમાં 45 ગીગાવોટ વીજળી ઉત્પાદિત કરવા
સાથે વિશ્વની સૌથી મોટી સોલાર અને રિન્યૂએબલ કંપની બનવા માગે છે. એક દાયકામાં 70 અબજ
અમેરિકી ડોલર રોકશે. આ જૂથનું સેઝ અહીં છે અને રણના એનર્જી પાર્કમાં પણ તે વીજ ઉત્પાદન
કરવા સાથે દેખીતી રીતે કચ્છનો હિસ્સો મોટો હશે. તેમની કંપની અદાણી વિન્ડ એનર્જીએ કચ્છમાં
150 મેગાવોટનો વિન્ડ અને સોલાર પ્લાન્ટ શરૂ પણ કરી દીધો છે.
ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં : એનટીપીસી
ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક પણ કચ્છમાં હશે. ગત વર્ષે જુલાઇમાં એનટીપીસીની
સબસિડિયરી એનટીપીસી રિન્યૂઅલ એનર્જી લિ.ને કેન્દ્રનાં કુદરતી ઊર્જા મંત્રાલયે મંજૂરી
આપી દીધી હતી. ખાવડા નજીક રણમાં 4.47 ગીગાવોટનું સૂર્ય ઊર્જા ઉત્પાદન કરતી યોજના 7થી
8 વર્ષમાં આકાર લઇ લેશે એવી ધારણા વ્યક્ત થઇ છે. આ સિવાય સરકારી ક્ષેત્રની દેશની સૌથી
મોટી આ વીજ કંપનીએ ખાવડા નજીક જ એક ગીગાવોટની ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજની બીટ પણ લગાડી
છે.
મુંદરા અને લખપતમાં નવા સિમેન્ટ પ્લાન્ટ આકાર લેશે
મુંદરા તાલુકાના ટુંડાવાંઢ નજીક સેઝ વિસ્તારમાં ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે અદાણી સિમેન્ટેશન
લિ.એ યોજના ઘડી કાઢી છે. 800 એકર જમીન ઓળખી કાઢવામાં આવી છે અને પર્યાવરણ મંજૂરી મગાઇ
છે. તબક્કાવાર વાર્ષિક એક કરોડ ટનનું સિમેન્ટ
ઉત્પાદન કરવા રૂા. 35,000 કરોડનું
રોકાણ કરાશે. આ સિવાય દસમી વાયબ્રન્ટ સમિટમાં દેશના ત્રીજા ક્રમના સૌથી મોટા સિમેન્ટ
ઉત્પાદક જૂથ શ્રી સિમેન્ટે કચ્છમાં એકમ નાખવાના એમઓયુ કર્યા છે. કોલકાતા સ્થિત આ ઉદ્યોગગૃહે
કેપ્ટીવ જેટી સાથે લખપતમાં ઇન્ટિગ્રેટેડ સિમેન્ટની યોજના ઘડી છે. આ પહેલાં વાયબ્રન્ટમાં
જેએસડબલ્યુ સિમેન્ટે રૂા. 1000 કરોડનાં રોકાણ સાથે કચ્છમાં સિમેન્ટ પ્લાન્ટની સમજૂતી
કરી હતી. જો કે, આ બધું પાણી અને પરિવહન ઉપલબ્ધતા પર વધુ મદાર
રાખે છે. જે પ્રશ્ન હવે નર્મદાથી ઉકેલાઇ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં વધુ સિમેન્ટ
ઉદ્યોગોને આવવા માટે લખપત સુધી બ્રોડગ્રેજ રેલવે લાઇન જરૂરી છે. રેલવેને પણ માલ પરિવહનમાં
મોટી આવક મળે એમ છે.
રિલાયન્સ ગ્રુપ કચ્છમાં કરશે મહાકાય રોકાણ
રિલાયન્સ (મુકેશ અંબાણી ગ્રુપ) આગામી દસથી પંદર વર્ષમાં ગુજરાતમાં ગ્રીન એનર્જી
ક્ષેત્રે 5.95 લાખ કરોડ રોકવાનું છે. હાલમાં જ તેના એમઓયુ થયા. ત્રણ જિલ્લાનો ઉલ્લેખ
છે પણ સ્વાભાવિક રીતે વિશાળ જમીનની જરૂરિયાતોને જોતાં કચ્છનો હિસ્સો મોટો હશે. 100
ગીગાવોટનું ઊર્જા ઉત્પાદન કચ્છમાં કરવાની યોજના છે અને સરકાર પાસે જમીન પણ માગેલી છે.
આગામી દાયકામાં રિલાયન્સ ગ્રુપનું જ કમસે કમ 1 લાખ કરોડનું કચ્છમાં રોકાણ આવશે.
પોસ્કો-અદાણીનું કચ્છમાં સ્ટીલ ઉત્પાદન
વિશ્વની અગ્રણી અને દક્ષિણ કોરિયાઈ કંપની પોસ્કો અને અદાણી જૂથ વચ્ચે તાજેતરમાં
જ મુંદરામાં સ્ટીલ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કરાર થયા હતા. તાજેતરના વાયબ્રન્ટમાં ફરી
કચ્છ છવાયું હતું અને મુંદરામાં રૂા. 37,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં
આવી હતી, આ સિવાય પોસ્કો સાથે કંપનીએ કુદરતી ઊર્જા, હાઈડ્રોજન અને લોજિસ્ટિક ક્ષેત્ર માટે પણ સમજૂતી કરી હતી.
800 કરોડના ખર્ચે વેલસ્પનનું વિસ્તરણ
અંજારમાં કાપડ ઉત્પાદન અને સો-પાઈપ સહિતના ક્ષેત્રે અગ્રેસર વેલસ્પન જૂથ તેની
ટુવાલ સહિતની ચીજોની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે. આ માટે તે 800 કરોડના નવા રોકાણની
જાહેરાત કરી ચૂક્યું છે. આગામી બે વર્ષમાં હાલની 85,400 એમટીપીએની ક્ષમતા વધારીને
વાર્ષિક 1,02,000 એમટીઅીપીએ કરવા જઈ રહ્યું
છે.
મુંદરામાં કેમિકલ કોમ્પ્લેક્ષની શક્યતા
રસાયણ ક્ષેત્રની જાયન્ટ કંપની અબુધાબી નેશનલ ઓઈલ કંપની અને જર્મનીની બીએએસએફ
તેમજ બેરેલીસ કંપની સાથે અદાણી જૂથે મુંદરામાં કેમિકલ કોમ્પ્લેક્ષ ઊભું કરવા `િફઝિબિલિટી રિપોર્ટ' માટે હસ્તાક્ષર કર્યા હતા. આ કંપનીઓનાં સંયોજન દ્વારા અહીં
પ્રોપેલિનનું ઉત્પાદન થઈ શકે કે કેમ તે શક્યતા જોવાશે. જો શક્ય બનશે તો ચાર અબજ ડોલરનું
રોકાણ આવશે.
ઓએનજીસી : તેલ-ગેસનું વાણિજ્યિક ઉત્પાદન :
ગુજરાતમાં ઓએનજીસીએ તેનાં સંશોધનમાં સાત ડીએસએફ (ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ) તારવી
લીધા છે, છેલ્લે પીડીપી યુનિવર્સિટીના સેમિનારમાં ચર્ચા થઈ એ મુજબ કચ્છમાં 2024 સુધીમાં
કંપની તેલ-ગેસનું વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરી દે તેવી શક્યતા છે. આ સિવાય કચ્છમાં ઓફશોર
ગેસ ભંડાર હોવાનું પણ ઓએનજીસીએ કહ્યું છે, આથી કચ્છમાં નવા સેક્ટરની
શરૂઆત થશે.
ટ્રાન્સમિશન કંપનીઓનું આગમન અને બેટરી સ્ટોરેજ
કચ્છમાં રિન્યૂઅલ ઊર્જા ઉત્પાદન શરૂ થશે ત્યારે તેને આનુષંગિક વિક્રમી માત્રામાં
વીજળી પરિવહન લાઈનોનું પણ કામ વધશે. બે થર્મલ પ્લાન્ટ સહિત કચ્છ અત્યારે તેની જરૂરિયાતથી
વધુ વીજ ઉત્પાદન કરે છે અને ટ્રાન્સમિશન નેટવર્ક બિછાવાઈ રહ્યું છે, પરંતુ હવે
રણથી શરૂઆત થશે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન-ગેટકો, પાવરગ્રિડ અને અદાણીની અલાયદી ટ્રાન્સમિશન કંપની મોટા ભાગે કામ કરશે,
જે પડકારરૂપ હશે.
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઊર્જાવહન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. તેનો
રિન્યૂઅલ ક્ષેત્રનો હિસ્સો હાલનો 3 ટકાથી વધારીને 2023 સુધીમાં 30 ટકા સુધી લઈ જવાની
છે. સીમા વિસ્તારના એનર્જી પાર્કમાં 30 ગીગાવોટનું વીજળી ઉત્પાદન થવાનું લક્ષ્ય છે.
એને ધ્યાનમાં રાખીને સરકારે ખાવડા નજીક 14 ગીગાવોટની બેટરી સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવાની
યોજના ઘડી છે,
જ્યારે એનટીપીસી પોતાની અલગ એક ગીગાવોટની બેટરી સ્ટોરેજ ક્ષમતા ઊભી કરશે
મુંદરા એલ્યુમિનિયમની સ્થાપના
અદાણી જૂથ લગભગ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યું છે, એમાં એલ્યુમિનિય
સેક્ટર પણ બાકી નથી અને એ મુંદરામાં જ પ્લાન્ટ નાખવા માગે છે, મુંદરા એલ્યુમિનિયમ
લિ.ની રચના બાદ તે એલ્યુમિનિયમ રિફાઈનરી અને એલ્યુમિનિયમ સ્મેલેટર (પિગાળવું)નો પ્લાન્ટ
ઊભો કરશે.
પવનચક્કી કંપનીઓની ઓર્ડર બુક તો વધે જ છે
કચ્છમાં સુઝલોન એનર્જી લિ. તો ભૂકંપ પહેલાંથી કાર્યરત છે અને પછીથી વેસ્ટાસ, જીઈ રિન્યૂએબલ
એનર્જી, રિન્યુ વિન્ડ, આઈનોક્સ જેવી કંપનીઓ
પવનચક્કી ક્ષેઁત્રે કામ કરે છે. આ ક્ષેત્રમાં
સતત નવા ઓર્ડર મળતા જ રહેવાના, કારણ કે પવનચક્કીઓની સંખ્યા હજુ વધી શકે છે.
આધુનિક મિલ્ક પ્રોસેસિંગ એકમ
સરહદ ડેરી, અંજારમાં પૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટ
શરૂ થવાનો છે, ડિસેમ્બર-2020માં તેની પાયાવિધિ થઈ હતી. દૈનિક
2 લાખ લિટરની ક્ષમતાના આ યુનિટ માટે 121 કરોડનું રોકાણ થાય છે.
જીએસસીએલનું સોડાએશ ઉત્પાદન
ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કચ્છમાં વાર્ષિક 0.5 મેટ્રિક ટનનો સોડાએશ ઉત્પાદન
પ્લાન્ટ નાખશે. ગુજરાત સરકાર સાથે કરાર થઈ ચૂક્યા છે. જેમાં 3000 કરોડનું રોકાણ થશે.
800 એકર જમીનની જરૂર પડશે. કચ્છમાં એ માટે 70 ટકા જેટલી જમીન સંપાદિત થઈ ચૂકી હોવાની
જાહેરાત થઈ છે.
..............