ગોલ્ડ લોનના નવા આંકડા...
આર્થિક નબળા વર્ગની કોરોનાકાળ
પછીય કઠણાઇના સૂચક
છેલ્લાં અઢી વર્ષમાં બેન્કો અને એનબીએફસીમાં સોનું ગીરવે
મૂકીને લોન લેનારાનું પ્રમાણ 112 ટકા વધ્યું અને હવે દેશના 1 લાખ કેસોમાં લિલામીથી
વસૂલીની જાહેરાત અપાઇ : ભારતમાં પરિવારનાં સ્વમાનનાં પ્રતીક જેવાં સોનાને ન છોડાવી
શકનારા વર્ગનો વધતો આંક દર્શાવે છે કે તળિયાંના લોકોની સ્થિતિ હજુ સુધરી નથી
કોરોના મહામારી પછી નિયંત્રણો હળવાં થયાં, આર્થિક ગાડી પાટે ચડી ગઇ હોય તેવા આંકડા બહાર આવ્યા, બીજી અને ત્રીજી લહેરમાં અગાઉ જેવું સંપૂર્ણ લોકડાઉન નહોતું અને હવે તો ત્રીજી લહેર પણ લગભગ થઇ ચૂકી છે, પરંતુ બધું સમુંસૂતરું અને પહેલાં જેવું જ થઇ ચૂક્યું છે એ સાચું નથી. જાન્યુઆરીમાં આર્થિક અસમાનતા પર એક હેવાલ આવ્યો હતો, જેમાં અમીરોની સંખ્યા વધી હતી, પરંતુ ગરીબ અને અમીર વચ્ચેની ખાઇ વધુ પહોળી થઇ હતી એ આપણે જોયું. ગત અઠવાડિયે બીજા આવા જ એક ચોંકાવનારા હેવાલ આવ્યા, જે ભારતના તળિયાંના વર્ગની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપી ગયો. હેવાલ એવો હતો કે છેલ્લાં બે વર્ષમાં ગોલ્ડ લોન (સોનું ગીરવે મૂકીને લેવાતી લોન)નું પ્રમાણ ભારતમાં બે વર્ષમાં વધ્યું છે. એટલું જ નહીં, ડિફોલ્ટ કેસ (આવી લોન પરત નહીં ભરી શકનારા)નું પ્રમાણ પણ વધ્યું છે. વિક્રમી રીતે 1 લાખ આવા ડિફોલ્ટર કેસોમાં તેમણે ગીરવે મૂકેલાં સોનાની લિલામીની જાહેરાત થઇ. ગોલ્ડ લોનની બે મોટી કંપનીએ દોઢ ડઝન શહેરોમાં ગોલ્ડ ઓક્શનની પ9 નોટિસ જારી કરી, જે ઐતિહાસિક હતી.
જાણીતું છે કે, સોનું એ ભારતમાં સંસ્કૃતિ, સુરક્ષા, ગૌરવ, સન્માન, પરિવારની સદ્ધરતા, વારસાઇની અપાતી ભેટનું પ્રતીક છે. મોટેભાગે ભારતીય લોકો સોના પર ત્યારે જ લોન લે
છે, જ્યારે કોઇ વિકલ્પ ન હોય કે કટોકટી
હોય કે આર્થિક તાણ આવે. હવે આરબીઆઇના આંકડા
મુજબ છેલ્લા 21 મહિનામાં ગોલ્ડ લોન લઇને ન
ચૂકવી શકનારાઓનું પ્રમાણ 112 ટકા વધ્યું છે, જ્યારે છેલ્લા 12 મહિનામાં બેન્કો અને એનબીએફસી (નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની)ની
આ પ્રકારની લોનની ઉઘરાણી 45.1 ટકા વધી છે. જે કોરોનાકાળ પછી વધેલી બેરોજગારી, પગારકાપ, નાના ધંધા બંધ થવા, માંદગી જેવી વધેલી સમસ્યાઓ પાછળ
તળિયાંના વર્ગમાં આર્થિક તંગી વધવાનો સંકેત દર્શાવે છે. આમ, અસમાનતા તો વધી છે, પણ સાથે ગરીબ વર્ગની વધેલી મુશ્કેલી અને હજુ બધું સમુસૂતરું પાર નથી
પડયાની સ્થિતિનું સૂચક છે.
કોરોનાકાળ પછી ગોલ્ડ લોન બૂમ
રિઝર્વ બેન્કના આંકડા ચોંકાવનારા છે. કોવિડ પહેલાં જાન્યુઆરી-2020માં
બેન્કોની ગોલ્ડ લોનનું પ્રમાણ રૂા. 29,355 કરોડ હતું, જે બે વર્ષમાં અઢી ગણું વધીને
70,871 કરોડ થયું. દેશની સૌથી મોટી ખાનગી ગોલ્ડ લોન ફાઈનાન્સ કંપનીનો
કુલ લોન પોર્ટફોલિયો 39,096
કરોડથી વધીને 61,696 કરોડ થયો છે અને હવે લિલામીની
જાહેર નોટિસો આપી છે. બીજી તરફ, બેન્કો
દ્વારા અપાતી ગોલ્ડ લોનનું પ્રમાણ પણ વધ્યું છે. પ્રાઇસનું સર્વેક્ષણ સૂચવે છે કે
2016ની સરખામણીએ દેશનાં 60 ટકા આર્થિક રીતે
નીચલા તબક્કામાં લોકોની આવક ઘટી છે, જે
વધવી જોઇએ અને આ લોકો જ સૌથી વધુ ગોલ્ડ લોન લેતા હોય છે.
ઓછું વ્યાજ અને ધંધા માટે જ યોગ્ય
અનેક પ્રકારની લોનમાં ગોલ્ડ લોનની મંજૂરી અને તરત રકમ
મળવી એ જમા પાસું છે, પરંતુ બધી જગ્યાએ તે સાચો વિકલ્પ
નથી. બેન્કો ઓછું વ્યાજ લે છે, પરંતુ
નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ તો 12થી 18 ટકા જેવું તગડું વ્યાજ લઇ લે છે. સોનાનાં
ભાવમાં પણ વધ-ઘટ રહેતી હોય છે અને કંપનીઓ સોનાની વર્તમાન કિંમતના 70થી 80 ટકા રકમ લોન
પેટે આપે છે, એથી જ્યારે લોન લેનારા ચૂકવવામાં
નિષ્ફળ જાય છે તેને મોટું નુકસાન ભોગવવું પડે છે. જો તેણે જરૂરિયાત સામે સોનું વેચી
જ નાખ્યું હોત તો તે ફાયદામાં રહે એવું બને છે.
જો કે, બને
એવું છે કે ભારતમાં સોનું એ માત્ર કોઇ ચીજ નથી, એક લાગણીનું જોડાણ છે. પતિ માટે તો સ્વમાનનું પ્રતીક છે, ગીરવે મૂકવું પડે તો તેનું સ્વમાન ગિરવે મૂકે છે. આથી મોટાભાગે વેચવાનું પસંદ નથી
કરાતું. ભલે પછી કયારેક વ્યાજની રકમ એટલી બધી ચૂકવી દે છે કે જેટલી સોનાની કિંમત પણ
વધી ન હોય. ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓની સંખ્યા પણ વધી છે. નાનાં શહેરોમાં પણ તેની શાખા
જોવા મળે છે. ફાયદો એ છે કે વાહન, ઘર, વેપાર કે બીમારી - રકમનો કયાં ઉપયોગ કરવો એ લોન લેનારાની
મરજી પર છે. એ વિકલ્પ પર્સનલ લોન સિવાય બીજી કોઇ લોનમાં નથી અને પર્સનલ લોનમાં નિશ્ચિત
આવક અને લાંબી પ્રક્રિયા છે. આવી લોનનો નાના વ્યવસાયિકો રોજગાર માટે વધુ ઉપયોગ કરે
છે અને ખરેખર ધંધામાં કાર્યશીલ મૂડી તરીકે જ અને ઓછા વ્યાજદરમાં મળે તો જ આવી લોન ફાયદામાં
રહે. બાકી, સારા-માઠા પ્રસંગે તે નુકસાનીભરી
જ સાબિત થાય છે. છતાં, લોકોને આવી લોન વધુને વધુ લેવી
પડી રહી છે એ સંકેત છે કે નાનો વર્ગ હજુ મુશ્કેલીમાં જ છે.
,...........
બીજી લોન કરતાં ગોલ્ડ લોન કઈ રીતે અલગ ?
ગોલ્ડ લોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લેનારા માટે જેટલી સરળ છે, થોડા સમયમાં
જ મળી જાય છે તેમ આપનારા માટે પણ સુરક્ષિત છે. કારણ કે, નિશ્ચિત
અવધિમાં લોન ન ભરાય તો નોટિસ આપીને સીધી હરરાજીથી વસૂલી કરી લેવાય છે.
જમા પાસાં છે પણ હીતાવહ નથી. બીજી બધી લોનમાં સિબિલ સ્કોર (ધિરાણનો ઈતિહાસ)નું
મહત્ત્વ છે,
આમાં નથી. આઈડી પ્રૂફ, સરનામાંનો આધાર અને સોનું
આપી દેવું કાફી છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને ફેર ચૂકવણીમાં પણ
ઘણા વિકલ્પ છે. દર મહિને નિશ્ચિત રકમ કે અનુકૂળતાએ અને યોગ્ય લાગે તે રકમ કે થોડી થોડી
રકમ ભરી શકાય છે. એક સાથે બધી રકમ ભરીને સોનું છોડાવી શકાય છે.
લોનનું પ્રમાણ એલટીવી (લોન ટુ વેલ્યુ) એટલે કે બજાર કિંમતના 70થી 80 ટકા રાખવામાં
આવે છે. એલટીવી જેટલી વધુ હોય એટલું વ્યાજ વધી જાય છે. જેમને ખબર નથી હોતી એ જરૂરિયાતથી
વધુ રકમની લોન લઈને વધુ વ્યાજ ભરતા હોય છે. વ્યાજની રીતે બેન્કોમાં લોન સસ્તી છે. પણ, નોન બેન્કિંગ
કરતાં ઓછી રકમની લોન મંજૂર થતી હોય છે. મહત્ત્વનું એ છે કે પર્સનલ લોન કરતાં સસ્તી
છે, પરંતુ ન ભરી શકાય તો મોટી ખોટનો સોદો બને છે. કારણ કે,
સામી બાજુ બેન્ક કે કંપની લોન
ન ભરવાના કિસ્સામાં સીધી લિલામીની પ્રક્રિયા શરૂ કરી દે છે.
No comments:
Post a Comment