મસ્કની કશ્મકશમાં ટ્રાઇટનનું ટયુનિંગ
અમેરિકાની ટોચની ઇ-વાહન નિર્માતા `ટેસ્લા'નેય ભારતની બજારમાં રસ છે, પણ શરતો મૂકી
અવઢવમાં પડી ત્યાં ન્યૂજર્સી સ્થિત હરીફ મનાતા ગુજ્જુ ઉદ્યોગપતિના ગુજરાત સરકાર સાથે
કરાર : 645 એકરથી વધુ જમીન અને ચાલુ નાણાકીય વર્ષમાં જ ઉત્પાદનની વાતથી પ્લાન્ટ ભુજ
નહીં, કનૈયાબે નજીકની ટ્રકની બંધ પડી ચૂકેલી કંપનીનો હોવાની શક્યતા
અમેરિકા સ્થિત મૂળ ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઇન્ડિયા પ્રા. લિ.એ ગુજરાતમાં તેના વાણિજ્યિક ઇ-વાહનોનું ઉત્પાદન કરવા રૂા. 1200 કરોડના પ્રારંભિક અને આગામી પાંચ વર્ષમાં રૂા. 10,800 કરોડનાં રોકાણ સાથે મેગા પ્લાન્ટ ઊભો કરવા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી, તેના વીતેલા સપ્તાહમાં આવેલા સમાચાર કચ્છ સંદર્ભે મહત્ત્વના છે. કારણ કે, સત્તાવાર યાદીમાં તો સ્થળ ભુજનું બતાવાયું છે. ખરેખર એ ભુજ નહીં, ભુજ નજીકનું છે. પણ, મૂળ મુદ્દો એ છે કે, અગાઉના સમાચાર મુજબ અમેરિકાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા કચ્છમાં આવશે અને મુંદરામાં ઉત્પાદક પ્લાન્ટ નાખશે તેવી અટકળો હતી, ત્યાં અચાનક અમેરિકા સ્થિત આ ગુજ્જુ ઉદ્યોગપતિએ કેમ સમજૂતી કરી લીધી ?
વિશ્વના સૌથી અમીર એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં આવે છે અને એ પણ ગુજરાત
અને કચ્છમાં આવી શકે છે તેવી લાંબા સમયથી ચર્ચા હતી. ટેસ્લાની પ્રતિસ્પર્ધી ગણાતી ટ્રાઇટને
એશિયાનો સૌથી મોટો ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટ કચ્છમાં નાખવાની જાહેરાત કરીને ચોંકાવી
દીધા. વાત એમ છે કે, ભારતમાં હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધે છે. આ બજાર પર બધી
ઇ-વાહન ઉત્પાદક કંપનીઓની નજર છે. ટેસ્લાને પણ આવવું જ છે, પણ
તેનું શરતી વલણ તેમજ થોડાં ભારત પ્રત્યેનાં નિવેદન આડાં આવી ગયાં. ટેસ્લા આયાત દ્વારા
ભારતમાં કાર મૂકવા માગે છે અને એવી શરત મૂકી હતી કે, પાંચ ટકા
ઇમ્પોર્ટ ડયુટી રદ કરે કે કમસેકમ ઘટાડવામાં આવે. સામી બાજુ, ભારતનો
સ્પષ્ટ આગ્રહ છે કે, સ્થાનિકે જ ઉત્પાદનનો પ્લાન્ટ નાખે. આ સિવાય
ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, આયાત થાય તોય ચીનમાં બનેલી
કાર ભારતમાં વેચવાની પરવાનગી નહીં મળે. હજુ ટેસ્લા માટે આ બાબત વિચારવાની હતી ત્યાં
ટ્રાઇટનની સમજૂતી થઇ ગઇ. કચ્છ માટે મહત્ત્વનું એ છે કે, ભારતના
`મેઇક ઇન ઇન્ડિયા'ના દૃઢ આગ્રહ
બાદ મળેલો પ્લાન્ટ કચ્છમાં રહેશે અને ઉદાહરણ બનશે. જો દાવો સાચો ઠરે તો આ કંપનીમાં
દસ હજાર યુવાનને નોકરી પણ મળશે. બીજું, ભવિષ્યમાં બેટરી ઉત્પાદકો,
ઓટો પાર્ટસ ઉત્પાદકો તેમજ પછીના તબક્કામાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન
ઊભા કરવાના વ્યવસાયમાં જોડાનારાઓને બજાર મળશે.
આમ તો ટ્રાઇટન ભારત માટે નવું નામ નથી. 2021ના જૂન મહિનામાં આ જ કંપનીએ તેલંગાણા
સરકાર સાથે ઇલેક્ટ્રિક બસનાં ઉત્પાદનનો પ્લાન્ટ ઊભો કરવા કરાર કર્યા હતા. રૂા.
2100 કરોડનાં રોકાણ સાથે ઝહિરાબાદના મેન્યુફેક્ચરિંગ ઝોન વિસ્તારમાં ઉત્પાદન કરવાની
યોજના હતી. કંપનીએ પોતાની આઠ સીટર એસયુવી ઇ-કારનાં મોડેલનું પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ એ
વાત ત્યાંથી આગળ વધી નહોતી. ટ્રાઇટન કંપનીને સ્થાનિક ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનાં
બજારને સર કરવામાં પણ રસ છે અને એ કચ્છમાં બે વિશાળ બંદર સુવિધાને ધ્યાનમાં રાખતાં
વધુ આસાન બને. જેથી સંભવત: તેલંગાણા માટે કરેલો વિચાર પડતો મૂકીને ગુજરાતમાં જ એ યોજના
ખસેડી હોય એમ માની શકાય. જો કે સત્તાવાર યાદીમાં કોઇ ઉલ્લેખ નથી. ઉપરાંત ગુજરાત રાજ્ય
પાસે પોતાની સ્વતંત્ર ઇલેક્ટ્રિક વાહન નીતિ છે, જેનો પણ કંપનીને
લાભ મળી શકે.
બીજું,
સત્તાવાર યાદીમાં માત્ર કચ્છના ભુજમાં પ્લાન્ટ ઊભો કરાશે એમ દર્શાવાયું
છે. શું ભુજમાં, યાદીમાં ઉલ્લેખ મુજબ 645 એકર જમીન ઉપલબ્ધ છે
? જો હોય તો સરકારે ખાસ કિસ્સામાં બધી જમીનની મંજૂરી આપી દીધી કે કેમ
એ સવાલ છે. ઉપરાંત, સત્તાવાર ખબરમાં કહેવાયું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં રૂા. 1200 કરોડનાં રોકાણ સાથે પ્લાન્ટ શરૂ થશે. પિક-અપ
ટ્રકોનું ઉત્પાદન કરતો પ્લાન્ટ આટલો ઝડપી ઊભો થઇ જાય ?
કચ્છનાં કંપની જગતનાં વર્તુળોમાં આવા જ સવાલો ચર્ચામાં છે અને તેઓ ચોક્કસપણે
માને છે કે,
હાલે સત્તાવાર સમર્થન નથી, પણ ટ્રાઇટનનો પ્લાન્ટ
ભુજ નહીં, પણ દુધઇ રોડ પર આવેલાં કનૈયાબે ગામ પાસેની એશિયા મોટર
વર્ક્સવાળી જગ્યા છે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ ટ્રકોનું ઉત્પાદન થતું હતું. ભલે ઇલેક્ટ્રિક
નહીં ડીઝલ, પણ દેખીતી રીતે અહીં ચેસીસ સબ એસેમ્બલિંગ,
રોબોટિક પેઇન્ટ રોપ, ચેસીસ કેબિન, મટિરિયલ ટેસ્ટિંગ લેબ હોય જ, જે રીતે સમાચારમાં ઉલ્લેખ
છે. આ સુવિધા કે સમગ્ર પ્લાન્ટ કામ આવી શકે અને ઝડપથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઇ શકે.
ટ્રાઇટનનો ઉદ્દેશ પણ ઇવી સેમી ટ્રકનો 98 ટકા હિસ્સો ફેક્ટરીમાં જ બનાવવાનો છે. ભવિષ્યમાં
2000 એકરમાં વાર્ષિક 50,000 ટ્રક બનાવીને ઇવી ઇકો સિસ્ટમ ઊભી
કરવી છે. તો જ `મેઇક ઇન ઇન્ડિયા'માં ફળીભૂત
થાય અને સરકાર એમ જ ઇચ્છે છે.
જાણીતું છે કે, એએમડબલ્યુ કંપનીના ટ્રક અને પછી પાર્ટસનું ઉત્પાદન તબક્કાવાર
બંધ થઈ ગયું હતું અને નાણાં નહીં ચૂકવવા બદલ બેંકોની નોટિસ લાગી હતી. સૂત્રોનું માનવામાં
આવે તો કેટલીક હરાજી પ્રક્રિયા થઇ ચૂકી છે.
હાલની યાદીમાં સરકારે ટ્રાઇટનને વિવિધ મંજૂરીઓમાં સહાયની તૈયારી પણ દર્શાવી
છે. જો કે,
સમગ્રતયા ઇવી ઉદ્યોગ ખેંચવામાં સરકાર સફળ રહી છે અને બધું સમુસૂતરું
ચાલ્યું તો કચ્છના વિકાસને મદદ મળશે. પાછળ ભારતમાં જો ટેસ્લાનો પ્લાન્ટ આવશે તો બરાબરની
ટક્કર પણ થશે.
અમેરિકાના ન્યૂજર્સીમાં હેડક્વાર્ટર ધરાવતી મૂળ કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિકલ
વ્હીકલ એલસીસીએ હવે ભારતમાં ટ્રાઇટન ઇન્ડિયાથી રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ગુજ્જુ
માલિક હિમાંશુ પટેલે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, `તેમના માટે અને ભારત બંને માટે ઇવી ઉત્પાદન ક્ષેત્રમાં આ સીમાચિહ્નરૂપ પગલું
છે.' આશા રાખીએ કે, લક્ષ્ય મુજબ આ નવું રોકાણ માત્ર એશિયાની
જ સૌથી મોટી ઇવી વાહન ફેક્ટરી જ ન બને, બલ્કે વિશ્વની અગ્રણી
કંપની બને.
..........
No comments:
Post a Comment