- તો ઓપેક દેશો જેવો હશે કચ્છનો દબદબો
અત્યારે ભલે અછતની રાડ અને ભારતની ઈંધણની સ્થિતિ નબળી
છે, પણ ભવિષ્યનાં ઈંધણ ગણાતા `ગ્રીન હાઇડ્રોજન' ક્ષેત્રે રિલાયન્સ પછી અદાણીની ગત અઠવાડિયે થયેલી ફ્રાન્સની
ટોટલ એનર્જી સાથેની સમજૂતીની જાહેરાત એ ભારતનો આવનારા દાયકાઓમાં વર્ચસ્વનો સંકેત છે
: અંબાણી કચ્છમાં જમીન માગી ચૂક્યા છે અને અદાણીની મેગા ઇકો સિસ્ટમના પણ સંકેત મળે
છે
અત્યારે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઘટી રહ્યો હોવાની ખબર બહુ ચાલે છે. એક તો ભાવ ઊંચા ને પછી ચીજ મળે નહીં. તેલ ઉત્પાદક દેશોનાં સંગઠન ઓપેકનું તો રાજ ચાલે છે. ગમે ત્યારે ઉત્પાદન ઘટાડે કે વધારે, આપણું કાંઈ ન `ચાલે'. કારણ કે, આપણે એના વિના `ચાલે' તેમ નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનાં લક્ષ્યમાં એક વાત ગ્રીન હાઈડ્રોજનની કરી હતી. 2022ના આરંભે નેશનલ હાઈડ્રોજન મિશન પોલિસી પણ રજૂ કરી હતી. ગત વરસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ઊર્જાનું ઉત્પાદન જ નહીં દેશમાંથી નિકાસ થાય તેવો કોલ આપ્યો હતો. આ નીતિ પછી દેશને ઇંધણ, વીજળી તેમજ રિફાઇનરીઓમાં બળતણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાને લઇને માત્ર સરકાર જ નહીં, ખાનગી ક્ષેત્ર પણ સાહસ કરી રહ્યાં છે. એટલું જ નહીં, એવું સાહસ કરી રહ્યાં છે કે `િવશ્વમાં ભારતનો ડંકો વાગે. આ કાર્બન ફ્રી ફ્યુઅલ માટે ખાસ કરીને રિલાયન્સ અને' અદાણી ગ્રુપ વચ્ચે સારી ટક્કર છે.
થોડા સમય પૂર્વે મુકેશ અંબાણીનાં નેતૃત્વ હેઠળના દેશનાં દિગ્ગજ ગ્રુપ રિલાયન્સે
ગ્રીન ઊર્જા ક્ષેત્રે 75 અબજ ડોલરનાં રોકાણની જાહેરાત કરી હતી, જેમાં ગ્રીન
હાઈડ્રોજન ઉત્પાદન મુખ્ય હોવાની શક્યતા છે. જ્યારે વીતેલા સપ્તાહમાં અદાણી જૂથે ફ્રાન્સની
ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની ટોટલ એનર્જી સાથે રોકાણની સમજૂતી કરી અને વિશ્વનું સૌથી
મોટું ગ્રીન હાઇડ્રોજનનું મથક ઊભું કરવાની જાહેરાત કરી.
મહત્ત્વનું એ છે કે રિલાયન્સે જ્યારે ગ્રીન એનર્જીના એમઓયુ કર્યા ત્યારે
4.50 લાખ એકર જમીનની કચ્છમાં માગણી કરી હતી, એથી એમનો કચ્છમાં જ પ્રોજેક્ટ ઊભો કરવાની
સંભાવના જોવાઇ રહી છે. બીજી બાજુ, અદાણીએ ટોટલ એનર્જી સાથે કરાર
કર્યા, એ ગ્રીન હાઇડ્રોજનનું મથક પણ કચ્છમાં જ ખડું થાય એમ માનવામાં
આવે છે. કંપનીની સત્તાવાર યાદીમાં એનો ઉલ્લેખ નથી અને કંપનીનાં સૂત્રો પણ આ બાબતે સ્પષ્ટતા
નથી કરતાં, પરંતુ `ધ હિન્દુ' અંગ્રેજી
અખબારના અહેવાલમાં આ ગ્રીન હાઈડ્રોજન ઈકો સિસ્ટમ કચ્છમાં ઊભી થશે એવો દાવો કરાયો છે.
જો કે, આ લાંબા સમયની પ્રક્રિયા છે. વર્ષો નીકળી જશે, પણ જો બન્ને દિગ્ગજ કંપની કચ્છ પર
પસંદગી ઢોળશે, તો આ જિલ્લો આવનારા દિવસોમાં એવો બનશે કે જેવું
અત્યારે ઓપેક દેશોનું રાજ છે.
ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવતાં 14મી જૂને અદાણી જૂથે જાહેરાત
કરી કે ફ્રાન્સની ટોટલ એનર્જી કંપની સાથે મળી દુનિયાની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન સિસ્ટમ
ઊભી કરશે. ટોટલ એનર્જીએ અદાણી જૂથની પેટા કંપની
`અદાણી ન્યૂ એનર્જી લિમિટેડ' (એએનઆઇએલ-અનિલ)માં
25 ટકા હિસ્સો ખરીદશે. `અનિલ'
કંપની આગામી 10 વર્ષમાં ગ્રીન હાઇડ્રોજન અને સંબંધિત ઈકો સિસ્ટમમાં
50 અબજ ડોલર (લગભગ 3.9 લાખ કરોડ)થી વધુનું રોકાણ કરશે. પહેલા તબક્કાનાં આયોજનમાં `અનિલ'
વર્ષ 2030 પહેલાં પ્રતિવર્ષ દસ લાખ ટન ગ્રીન હાઇડ્રોજનની ઉત્પાદન ક્ષમતા
વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. ગ્રીન હાઈડ્રોજન
એ સ્વચ્છ ઊર્જા અને પાણીના ઉપયોગથી ઉત્પાદિત થાય છે. તેનાં ઉત્પાદનમાં ઇલેક્ટ્રોલાઈઝરની
જરૂર પડે છે. ઉત્પાદન ક્ષમતા આ સાધનની ઉપલબ્ધતા
પર ઘણી અસર કરે છે. એમ મનાય છે કે આવનારાં વર્ષમાં હાઈડ્રોજનની માંગ સતત વધશે. યુરોપમાં
શરૂઆત થઇ ચૂકી છે અને ફ્રાન્સની કંપનીએ ભારતીય કંપની સાથે ભાગીદારી કરી, તેમાં તેને યુરોપની માંગને પહોંચી વળવામાં સહાયતા પણ એક કારણ હતું.
ક્લાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વકરી રહી છે અને ભારતનાં ઝીરો કાર્બન ઉત્સર્જન
સુધી જવાનાં લક્ષ્યની દિશામાં આ મોટું પગલું છે.
ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગથી સિમેન્ટ -લોખંડ જેવા ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન
ઘટશે. વાહનોમાં ઉપયોગથી પ્રદૂષણ વધતું અટકશે.
વીજળી ઉત્પાદનમાં કોલસાનો ઉપયોગ ઘટશે. રિલાયન્સ
સાથે આઈઓસી, એનટીપીસી, ગેઇલ
આવા પ્રકલ્પમાં આગળ વધી રહ્યા છે, પરંતુ રિલાયન્સની મહાકાય રોકાણની જાહેરાત બાદ અદાણી જૂથનો વૈશ્વિક ટોચની એનર્જી કંપની સાથે કરાર થયો એનાથી માત્ર આ બંને
જૂથ વચ્ચે પ્રતિસ્પર્ધા જ નહીં જામે, બલ્કે ભારત ગ્રીન હાઇડ્રોજનનાં
ઉત્પાદનમાં દુનિયાનું મોટું મથક બનશે.
અદાણી અને ટોટલ એનર્જી વચ્ચેની ભાગીદારીની જાહેરાત વ્યૂહાત્મક રીતે પણ ઘણી
મહત્ત્વની છે. બંને કંપનીઓ પ્રથમ વખત નથી જોડાઇ, અગાઉ એલએનજી, સિટી ગેસ વિતરણ, સોલારામાં પણ ભાગીદારી કરી ચૂક્યા છે.
ભવિષ્યનાં ઈંધણ ગણાતા આ ગ્રીન હાઈડ્રોજનનાં વિશેષ ઉત્પાદનથી ભારત હબ જ નહીં બને પણ
આ ઈંધણની વિદેશોમાં પણ નિકાસ કરશે.
........
કાર્બનમુક્ત ઇંધણ, પણ ઉત્પાદન
ખર્ચ ઘટાડવાનો પડકાર
ખાસ કરીને સ્ટીલ, સિમેન્ટ, કોલ આધારિત વીજ ઉદ્યોગો હોય
કે ખાતર ઉત્પાદન કે વાહનો હોય, પ્રદૂષણ ઊભું કરે છે. સમગ્ર વિશ્વ
ક્લાઇમેટ ચેઇન્જ વચ્ચે પર્યાવરણની ચિંતામાં ત્યારે ગ્રીન હાઇડ્રોજન મહત્ત્વનો વિકલ્પ
છે પણ તેની પડતર ઊંચી છે. ભારતમાં પ્રતિકિલોનો ભાવ 340થી 400 રૂા. છે જે ઉદ્યોગોને
પોસાય જ નહીં. રિલાયન્સ ઇંધણ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે અને ચેરમેન મુકેશ અંબાણીએ આંતરરાષ્ટ્રીય
ક્લાઇમેટ સમિટ-2021માં કિલોનો ભાવ બે ડોલર સુધી લઇ આવવાની તૈયારી બતાવી હતી અને દાયકાના
અંત પહેલાં એક ડોલર લાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી. હવે ટોટલ એનર્જી સાથે કરાર કરતાં
ગૌતમ અદાણીએ તો વિશ્વના સૌથી નીચા ભાવે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
..............
No comments:
Post a Comment