Tuesday, 23 August 2022

Economic overview on completion of 75 year..

આઝાદીની 76મી વર્ષગાંઠની ભારતે ગત અઠવાડિયે ધામધૂમથી ઉજવણી કરી અને સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દરેક ક્ષેત્રનું વીતેલા 75 વર્ષનું સિંહાવલોકન થઈ રહ્યું છે ત્યારે આર્થિક અને વ્યાપારિક ક્ષેત્રે આપણી કેવી સ્થિતિમાંથી બહાર આવ્યા હતા એની ઝલક અહીં રજૂ કરી છે.  આજે દેશને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની વાતો થાય છે પરંતુ સ્વતંત્રતા મળી ત્યારે આપણે કેટલી હદે બીજા દેશો પર નિર્ભર હતા અને આજે કેવી રીતે માત્ર આત્મનિર્ભર જ નહીં પણ પ્રગતિના પથ પર પહોંચ્યા છીએ એ રસપ્રદ છે. દેશ આજે વ્યક્તિ દીઠ આવકથી લઈને આર્થિક તેમજ ટેકનોલોજીના ક્ષેત્રે બહુ આગળ નીકળી ચૂક્યો છે. પરંતુ આ સફર બહુ કઠિન રહી હતી કારણ કે આઝાદીના સમયે દુનિયામાં ભારતની ઓળખ એક ગરીબ દેશના રૂપમાં થતી હતી. આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા દેશમાં એક છે. ભારત દુનિયાના ટોચના પાંચ અર્થતંત્રમાંથી જ નહી, એથીય આગળ વધીને હવે ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થવા ભણી અગ્રેસર છે. 


જીડીપી 2.7 લાખ કરોડમાંથી 150 લાખ કરોડ : ત્રણ વખત શૂન્યથી નીચે


વિકાસ દર દેશના વિકાસના સૌથી મોટું માપદંડ છે જીડીપી.  ( ઘરેલુ વિકાસ દર ) જેનાથી રોજગારથી લઈને દરેક પ્રકારની પ્રગતિ જોડાયેલી છે.  1947માં આઝાદી સમયે ભારતની જીડીપી માત્ર 2.7 લાખ કરોડ રૂપિયા હતી અને એ દુનિયાની જીડીપીના ત્રણ ટકાથી પણ ઓછી હતી. 75 વર્ષમાં ભારતની જીડીપી 55 ઘણી વધીને આજે રૂ. 150 લાખ કરોડ નજીક છે અને દુનિયાભરની જીડીપીમાં ભારતનો હિસ્સો 2024 સુધી 10 ટકા  થવાનું અનુમાન છે. 
આ દરમિયાન માત્ર ત્રણ જ વખત એવું થયું કે શૂન્યથી નીચે વિકાસ દર પહોંચ્યો હોય. પહેલી વખત 1965માં,  બીજી વખત 1979માં અને ત્રીજી વખત 2020 માં કોરોના વાયરસના ફેલાવવા દરમિયાન. વિશ્વ બેંકના અહેવાલ મુજબ સમય વીતવા સાથે ભારતીય અર્થતંત્ર સતત મજબૂત બનતું ગયું . 1992થી અર્થતંત્રમાં તેજી આવી.  1947થી 1980 વચ્ચે વિકાસ દર 9 ટકાથી માઇનસ પાંચ ટકા વચ્ચે રહ્યો.  1980થી 1991 વચ્ચે જીડીપી ધીમો અને ઉતાર ચઢાવ ભર્યો રહ્યો, પરંતુ આર્થિક સુધારા પછી ચારથી આઠ ટકાની વચ્ચે સારો વિકાસ દર જળવાઈ રહ્યો છે. 


 સતત ઘટી ગરીબી પણ
 કોરોનાએ બગાડ્યો આંક 


આઝાદી પછી ભારતે જીડીપી, રોજગારી, સુખ -સુવિધાના સાધનોનું ઉત્પાદન એમ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે, એમ ગરીબોની સંખ્યા પણ સતત ઘટી છે.  1991ના આર્થિક સુધારા પછી દેશમાં પહેલી વાર અડધી વસ્તી ગરીબી રેખાની બહાર પહોંચી ગઈ. વર્ષ 2011ના આંકડા મુજબ દેશમાં 22.5 ટકા  લોકો હજુય ગરીબ છે.
જોકે, કોરોનાએ આ સ્થિતિને બગાડી હતી. લેબર ફોર્સ 2020-21ના હેવાલ મુજબ 2021ના અંત સુધીમાં ગરીબી રેખા નીચે રહેતા લોકોની સંખ્યા ઘટીને 18 ટકા થી પણ ઓછી થઈ છે. આ પહેલાં અનએસ્કેપના 2017ના અહેવાલ મુજબ 1990થી 2013ની વચ્ચે લગભગ 17 કરોડ લોકો ગરીબી રેખા નીચેથી બહાર આવ્યા હતા.  જોકે કોરોના કાળમાં એકવાર ફરીથી ગરીબોની સંખ્યામાં વધારો નોંધાયો હતો . 


આઝાદી સમયે સોનું તોલે રૂ. 90 : માથાદીઠ આવક 274 રૂપિયા હતી


 દેશ આઝાદ થયો ત્યારે 10 ગ્રામ તોલા  દીઠ સોનાની કિંમત રૂ. 90 હતી. આજે 52,000ની નજીક છે.  એક સમયે સોનાનો ભાવ 56,000 થી પણ વધુ પહોંચી ચૂક્યો હતો. 
આવી જ રીતે દેશવાસીઓની આર્થિક સ્થિતિનું મુખ્ય માપદંડ એવી માથાદીઠ આવક આઝાદી પછીની પહેલી ચકાસણીમાં 1950-51માં વાર્ષિક સરેરાશ પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.274  હતી . જે આજે વધીને વાર્ષિક સરેરાશ 1.5 લાખ રૂપિયા થઈ ચૂકી છે. 


 કેન્દ્રીય બજેટ 1998440 ટકા વધી ગયું 


1947માં સ્વતંત્રતા મળ્યા પછીથી ભારતમાં કુલ 73 વાર્ષિક બજેટ અને 14 વચગાળાના બજેટ રજૂ થયા છે.  જેમાં સૌથી છેલ્લે આવેલા બજેટમાં ખર્ચ રૂપિયા 3944909 કરોડ અંદાજવામાં આવ્યો છે.  કેન્દ્રીય બજેટમાં ઝડપી અને જબ્બર વધારો થયો છે.  આ જબ્બર વધારાથી ભારત હવે દુનિયાનું પાંચમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની નજીક છે. ભારતનું પહેલું કેન્દ્રીય બજેટ એ વચગાળાનું હતું.  જે પ્રથમ નાણામંત્રી રામાસામી  ચેટીકંડાસામી ષણમુખમે રજૂ કર્યું હતું. નાણામંત્રીએ ત્યારે બજેટમાં 197.39 કરોડ રૂપિયાના ખર્ચની રૂપરેખા આપી હતી અને એ વર્ષ માટે આવકનું અનુમાન 171.15 કરોડ રૂપિયા આપ્યું હતું .



રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીએ ચાર રૂપિયાના ભાવથી રૂ. 80ના સ્તરે આવી ગયો 



કોઈપણ દેશના ચલણનું મૂલ્ય એ આર્થિક તાકાતનો મહત્વનો સંકેત છે.  અર્થતંત્રના અન્ય મામલામાં ભારત તાકાતવર બનીને ઉભર્યું છે પરંતુ રૂપિયાની વૈશ્વિક કિંમત ઘટી છે.  રૂપિયાની નબળાઈમાં અનેક પરિબળો કામ કરે છે , તેમાં મુખ્યત્વે વ્યાપાર ખાધ છે. (નિકાસ કરતા આયાત વધુ ) આ ખાધ હવે વધીને 31 અબજ ડોલર સુધી પહોંચી છે. જેમાં મુખ્યત્વે કારણ ભારતને મોટા પ્રમાણમાં કરવી પડતી ક્રૂડની આયાત છે. એએનઆઈના એક અહેવાલ મુજબ 1947 પછી ઘણી એવી ઘટના બની જેમાં રૂપિયાના મૂલ્યને અસર થઈ. 1960ના દાયકામાં ખાદ્ય અને ઔદ્યોગિક ઉત્પાદનમાં મંદીના કારણે આર્થિક તાણ ઊભી થઈ હતી,  પછી ભારત- ચીન અને ભારત- પાકિસ્તાનનું યુદ્ધ આવ્યું , જેણે  ચૂકવણીનીના સંકટને વધું ઘેરું બનાવ્યું . 1991માં ફરીથી આર્થિક સંકટ આવ્યું હતું.  જયારે ભારત વિદેશી દેવું ચૂકવવા અસમર્થ બન્યું. નાદારીના આરે પહોંચ્યું હતું અને દેશમાં આર્થિક સુધારા લાવતાં દેશના વ્યાપારને વિશ્વ બજાર માટે ખોલતા સુધારાનો દોર શરૂ થયો હતો. 



આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભાગીદારી વધી : ભારત અન્ન ભંડારના મામલે થયું આત્મનિર્ભર 


75 વર્ષમાં ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સતત વધારો જ થયો છે. એક સમયે એવો આવ્યો હતો કે ભારતમાં અન્ન ભંડાર ખૂટી પડ્યો હતો. સતત દુકાળના વર્ષોથી 1960નો દાયકો ભારત માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો.  ખાદ્ય ઉત્પાદન ઘટ્યું અને આયાત બિલ વધી ગયું હતું. જોકે આજે ભારત ખાદ્ય અનાજના મામલે  આત્મનિર્ભર બની ચૂક્યું  છે,  એટલું જ નહીં અન્ન નિકાસ કરે છે. 
કોઈપણ દેશ પાસે વિદેશી મુદ્રા ભંડાર કેટલો છે એ તેની અર્થતંત્રની મજબૂતીનું સૂચક છે . ભારતે આ મામલે ઘણી પ્રગતિ કરી છે.  ભારતનો વિદેશી મુદ્રા ભંડાર અત્યારે 46 લાખ કરોડ રૂપિયા છે . 1950- 51માં  આ  અનામત ભંડોળ માત્ર 1029 કરોડ રૂપિયા હતું. 

 -1950 : ભારતમાં કુલ ખાદ્યન્ન ઉત્પાદન 5.49 કરોડ ટન.
-1960 : ભારતમાં ખાદ્ય અનાજની મોટા પ્રમાણમાં આયાત કરવી પડી. 
 -2020-2021 : અનાજ ઉત્પાદન વધીને 30.5 કરોડ ટન પર પહોંચ્યું -છેલ્લા કેટલાક વર્ષોથી ઘઉં , ખાંડ અને અન્ય સામાનની વિક્રમી નિકાસ થઈ રહી છે.

 
વર્ષો 
આયાત અબજ ડોલર
 નિકાસ અબજ ડોલર
1950 51 1.27 1.26 

1975-76  6.08 4.66 
1990 -91 24 18 
2002 50 44 
2021- 22 756 670

ફાર્મા સેક્ટરમાં બુલંદ પ્રગતિ: 
વિશ્વને દવાઓ પૂરી પાડશે ભારત

સ્વતંત્રતા પછી ભારતે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે પરંતુ દવા ઉદ્યોગના ક્ષેત્રનો વિકાસ તો અદભુત છે . એક સમયે તબીબોની અછત અને દવાની અછતનો સામનો કરતું ભારત હવે આત્મનિર્ભર બન્યું , એટલું જ નહીં બીજા દેશોને દવા અને રસીઓની નિકાસ કરે છે.  ભારતે એવી યોજનાઓ ઘડી કાઢી છે કે દવા બનાવવા માટેના કાચા માલ એટલે કે એપીઆઈની હવે બહુ આયાત ન કરવી પડે. 
 ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક અહેવાલ મુજબ 2030 સુધીમાં ફાર્મા ઉદ્યોગની નિકાસમાં વાર્ષિક પાંચ અબજ ડોલરનો વધારો થશે.  2021- 22માં ભારતની ફાર્મા નિકાસ 34.47 અબજ ડોલર હતી , જે 2030 સુધીમાં 70 અબજ ડોલર સુધી પહોંચશે.  હાલમાં ભારતનું ફાર્મા બજાર 47 અબજ ડોલર છે.  જેમાં 22 અબજ ડોલરનો કારોબાર સ્થાનિક સ્તરેથી થાય છે.  બીજીતરફ દવાના કાચા માલની માલના ઉત્પાદન માટે પીએલઆઇ યોજના અમલી બની . હવે 35 એપીઆઇનું ઉત્પાદન દેશમાં જ શરૂ થઈ ચૂક્યું છે.  જે આયાત કરવી પડતી  હતી. ભારત અત્યારે દુનિયામાં ઉપયોગમાં લેવાતી કુલ રસીના 60 ટકા ભાગની નિકાસ કરે છે.

Tuesday, 9 August 2022

What is it like in Taiwan ? Nancy Pelosi goes back and China fires missiles..!

ચીન અને તાઇવાન વચ્ચે ઝઘડો થાય ને  અમેરિકા 
વચ્ચે પડે એમાં આપણે શું ? ના. આપણે ઘણું બધું .... 

'તાઇ' 'વાન'  એટલે વા(હ)ન ઉદ્યોગોના 'તાઈ' માં ....

તાઈવાનમાં એવું તે શું છે કે નેન્સી પેલોસી ગયા અને મિસાઈલ છુટ્યા.: , ચીને માહોલ તો યુદ્ધનો ઊભો કરી દીધો:  હવે ન કરે નારાયણને યુદ્ધ થાય તો વાહન-ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોનું આવી બને :  કાર, ટુ વ્હીલર, મોબાઇલ, લેપટોપ, ટીવી, હેલ્થ કેર સાધનો અને આધુનિક હથિયારોમાં વપરાતા એડવાન્સ સેમી કન્ડક્ટર-માઇક્રો ચીપ માટે દુનિયા તાઇવાન ભરોસે છે, આ ચીજો મોંઘી થશે ને મળશે પણ મોડી..


 ચીન અમેરિકાએ એકબીજાના ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યાની સાથેનો અણબનાવ તો ચાલુ જ છે , ત્યાં વળી ચીન જેને પોતાનો આંતરિક ભાગ માને છે અને સંપૂર્ણ કબજો ઈચ્છે છે એવા નાનકડા ટાપુ રાષ્ટ્ર પણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના હબ અને અમેરિકાને પણ ચીપ તેમજ  વ્યૂહાત્મક રીતે મહત્વના દેશ એવા તાઈવાનમાં અમેરિકા પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસી શું ગયા કે વીતેલા સપ્તાહમાં  બબાલ મચી ગઈ.  ચીનને એવું પેટમાં દુ:ખયુ કે છ બાજુથી તેની ઘેરાબંધી કરી અને મિસાઈલ છોડી, લશ્કરી કવાયત સાથે યુદ્ધનો માહોલ ઉભો કરી દીધો છે.
એક તો કોરોના પછી મંદી જેવું જ વાતાવરણ હતું. એમાંય રશિયાએ આવી સ્થિતિ છતાં યુક્રેન પર હુમલો કરી દીધો.  દુનિયામાં ઘઉં અને ક્રૂડ તેલ, કુદરતી ગેસનું સંકટ સર્જાયું. નાના મોટા બધા દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. મંદી ગાજે છે.  આટલું ઓછું હતું કે ફરી નવું સંકટ ઉભું કરવામાં આવી રહ્યું છે . યુદ્ધ ન પણ થાય, એક તર્ક મુજબ ચીન પોતાને બારણે ટકોરા મારતી મંદીથી ધ્યાન ભટકાવવા માંગે છે એટલે આવો માહોલ ઊભો કરે છે.  પરંતુ ન કરે નારાયણ ને .. , આ યુદ્ધ થયું તો હવે ઘઉં , તેલની જગ્યાએ જેમાં ચીપ વપરાય છે એવા ઇલેક્ટ્રોનિક સાધનો અને ખાસ કરીને કાર સહિતના વાહન મોંઘા થશે, તેનું ઉત્પાદન અટકશે એ નક્કી છે . કારણકે તાઇવાન એ વિશ્વમાં આ સેમી કંડક્ટરના ઉત્પાદનનો 63   ટકા હિસ્સો ધરાવે છે.  ભારત સાથે અમેરિકા અને પશ્ચિમી દેશો તેના પર આધારિત છે.  યુક્રેન પર રશિયાએ હુમલા શરૂ કર્યા બાદ સપ્લાય ચેન અવરોધોયું  અને બ્લેક સી તરીકે જાણીતા સમુદ્ર કાંઠે જહાજો ઉભા રહી ગયા. એ સાથે વિશ્વમાં ખાદ્ય સંકટ ઊભું થયું. એ અલગ છે કે તેમાં ભારતના ઘઉં વધુ વેચાયા અને કમાણી થઈ.  બીજીબાજુ રશિયાએ પણ સસ્તું  ક્રૂડ આપ્યું. આપણો પ્રશ્ન મહદઅશે ઉકેલાયો પણ હવે ચીન છે. જો ચીન તાઇવાન પર હુમલો કરે તો તાઇવાનથી આ ચીપની નિકાસ અવરોધાશે અને તેનો કોઈ તોડ ભારત માટે નથી દેખાતો. વિશ્વભરમાં પણ વાહનોનું  ઉત્પાદન અવરોધાશે એ નક્કી છે.

 ચીન તાઇવાન વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ 

તાઇવાન એ દક્ષિણ પૂર્વ ચીન કાંઠાથી લગભગ 100 માઈલ દૂર આવેલો ટાપુ છે. આ ટાપુ શૃંખલાના પહેલા રાષ્ટ્રનું અમેરિકા સમર્થક છે , એ એટલે સુધી કે ' યુદ્ધ થશે તો અમે સાથે છીએ'  એવું પણ અમેરીકી નિવેદન આવી ગયું છે . ચીન અને તાઇવાન બંને પોતાને સાચું ચીન માને છે અને એકબીજાને અંકુશમાં રાખવા માંગે છે . એનું કારણ જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે આવેલું આ  દેશનું વ્યૂહાત્મક સ્થાન છે અને બીજું દુનિયાભરનો  ચીપ  માટે તાઇવાન પર આધાર છે. એડવાન્સ ચીપમાં તો 92 ટકા  બજાર પર તાઇવાનનો કબજો છે , એટલે સુધી કે ચીન પણ એડવાન્સ સ્તરની ચીપ માટે તેના ભરોસે છે.  પેલોસીની મુલાકાત પછી ઘણા આયાત નિકાસ પ્રતિબંધો મુકાયા પણ ચીપની આયાત ચી ને બંધ ન કરી.  કારણ કે પોતે મુશ્કેલીમાં મુકાઈ જાય. 
1949માં કોમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોર જીત્યા પછી બંને પોતાને એક દેશ માનવા તો સંમત થયા હતા પરંતુ રાષ્ટ્રનું નેતૃત્વ કોણ કરે તેનો વિવાદ હજી ઉભો જ છે.  આ વિચિત્ર સ્થિતિ છે . ચીન માને છે કે એક દિવસ તાઇવાન તેમનો ભાગ બની જશે,  અંકુશમાં આવી જશે.  આમ થઈ જશે તો દક્ષિણ ચીન સાગરમાં ચીનનું પ્રભુત્વ વધી જાય. પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં દબદબો વધારવા આઝાદ થઈ જાય,  નજીકના ગુઆન અને હવાઈ ટાપુ પર આવેલા અમેરિકી ઠેકાણા પર પણ જોખમ ખડું થઈ જાય.  જોકે , તાઈવાનનું સ્વતંત્ર બંધારણ છે અને ચૂંટાયેલી સરકાર છે.  આ મનસૂબો હાંસિલ કરવો આસાન નથી. રશિયા પણ હજુ ક્યાં  જિત્યું છે? પણ,  યુદ્ધની સ્થિતિમાં સમુદ્રી આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખોરવાઇ જાય અને દુનિયાભરમાં તેનો પ્રભાવ પડે એમ છે. 
 દુનિયાનો સૌથી મોટો 
સેમીકંડકટર નિર્માતા દેશ 

આમ તો ચીન અને તાઇવાન બંને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર નિર્માણમાં સૌથી મોટા ઉત્પાદક છે.  પરંતુ એડવાન્સ ચીપ અને ઉત્પાદનના પ્રમાણમાં તાઇવાન વધી જાય છે . એ 63 ટકા બજાર હિસ્સો સર કરીને બેઠું  છે . એપલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ તાઈવાનથી માઈક્રોચીપ ખરીદે છે.  ભારત પણ નિર્ભર છે. ' ફેસ્ટિવ સિઝન' બગડી શકે . ભારતને સંબંધે ત્યાં સુધી ઓટોમેટીવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતના વાહન ઉદ્યોગકારો સૌથી વધુ પાર્ટ્સ ચીન-તાઈવાનથી આયાત કરે છે.  ભારતે  વીતેલા નાણાકીય વર્ષના અંતિમ છ મહિનામાં જ લગભગ 19,000 કરોડ રૂપિયાના ઓટો પાર્ટસ આયાત કર્યા હતા. 2020માં રૂપિયા 17,000 કરોડના સેમિકન્ડક્ટરની આયાત કરાઈ હતી,  જે ચાલુ વર્ષમાં  અત્યારે વધીને લગભગ 24000 કરોડ સુધી પહોંચી છે.  આ આયાતમાં વાહન એન્જિનના પાર્ટ્સ,  ડ્રાઈવ ટ્રાન્સમિશન,  માઈક્રોચીપ , સ્ટીયરીંગ,  ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ વિગેરેનો સમાવેશ છે . કાર નિર્માણમાં વપરાતા સેમિકન્ડક્ટરનો પણ ભારત દુનિયાનો અન્ય દેશોની સાથે સૌથી મોટો આયાતકાર દેશ છે. 
 યુદ્ધ થાય તો ટીવી, કોમ્પ્યુટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ ચીજોની સાથે સાથે ઇલેક્ટ્રીક વાહનો ઇ-કારને પણ અસર પહોંચી શકે છે.  ઇલેક્ટ્રીક વાહનમાં વપરાતી લિથિયમ આયર્ન બેટરી ચીનથી આવે છે . એક ઇલેક્ટ્રિક કાર બનાવવામાં 2000 સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થાય છે.  સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે મારુતિ કાર કંપનીનું તો નિવેદન પણ આવી ગયું કે ' અમારે ના છૂટકે ઉત્પાદનમાં કાપ મૂકવો પડી શકે છે,  આગળ હવે તહેવારોની મોસમ છે, ડિલીવરી વેઇટિંગનો સમયગાળો વધી શકે છે.' 
 બાકી,  એમ માનીએ કે બે દેશ ઝઘડે એમાં આપણે ભારતને શું?  તો એવું નથી.  યુદ્ધની સ્થિતિ આવે તો દિવાળીમાં ચીપ વાળી આ ચીજોમાં  'ફેસ્ટિવલ ઓફર' કે  'ડિસ્કાઉન્ટ ' ગુમ થઈ જશે એ નક્કી જ છે.  કાંઈ નહિ તો શેરબજારમાં કડાકા ભડાકા તો જોવા મળશે જ...

Tuesday, 2 August 2022

BSNL announce package. But, if the quality of service improves, customers will return.

Bsnl પેકેજ : 
વ્યાવસાયિક અભિગમ અને 
ગુણવત્તાયુક્ત સેવા મળે તો કામનું


એક બાજુ ફાઈવજી સેવા શરૂ કરવા માટે દેશમાં તૈયારી ચાલે છે. સરકાર બીડ વેચી રહી છે અને મોટી મોટી કંપનીઓ ગળાકાપ  હરીફાઈ વચ્ચે બોલી લગાવે છે . આ પ્રક્રિયા શરૂ થયાના બીજા જ દિવસે અચાનક કેન્દ્ર સરકારે 2008થી ખોટ ખાતા અને 2019ના એક રાહત પેકેજ બાદ પણ હજુ નફાની સ્થિતિમાં નહીં આવી શકેલા સરકારી ટેલિકોમ સાહસ ભારત સંચાર નિગમ લિમિટેડ ( bsnl) માટે વધુ એક મોડું પણ મોટું પેકેજ જાહેર કર્યું હતું. 
ત્રણ વર્ષ પહેલાં સરકારે બીએસએનએલને ઉગારવા માટે રૂ. 70,000 કરોડની યોજના આપી હતી પરંતુ મોટાભાગની રકમ એ વખતે 50 વર્ષની ઉંમરની વયના કર્મચારીઓ માટે જાહેર કરાયેલી વીઆરએસ( સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના)માં વપરાઇ અને ફોરજી સેવાના વિસ્તાર માટે રુ. 24,000 કરોડ ખર્ચવાનું આયોજન કર્યું હતું, એ પણ એ વખતે ટેકનોલોજી અપગ્રેડ કરવા નિગમ એટલું સજ્જ ન હોવાથી બાકી રહી ગયું.  હવે આ વખતે અલગ અલગ રીતે રોકડ, બિનરોકડ,  રોકાણ , બોન્ડ , ઈક્વિટી વગેરે માધ્યમથી આગામી ચાર વર્ષમાં રૂપિયા 1.64 લાખ કરોડને રોકવાની જાહેરાત કરવામાં આવી છે.  રકમ મોટી છે.  પગલું બહુ જ મહત્વનું અને અતિ આવશ્યક છે પરંતુ આનું પરિણામ તો જ આવશે જો અન્ય ટેલિકોમ કંપનીઓ જેવો  કોર્પોરેટ વ્યવસાયિક અભિગમ દેખાશે અને આધુનિક ટેકનોલોજી સાથેની યોગ્ય ગ્રાહક સેવા મળશે.  નહીં તો આ બીએસએનએલમાંથી પાછો ગયેલો ગ્રાહક વાળવો એ પાર્ક પડકારરૂપ કાર્ય બનવાનું છે. 
બીએસએનએલને ડૂબતી બચાવીને નવજીવન આપવાના  આ પ્રયાસમાં સરકારે રૂ. 43,964 કરોડ રોકડા અને બિનરોકડ રુ. 1.20 લાખ કરોડની મદદ કરી છે.  સરકારે નિગમને લાંબા ગાળાની લોન માટે સોવેરજીન ગેરંટી આપી છે.  પેકેજમાં એજીઆરનું રૂ.  33,404 કરોડનું દેવું ઈક્વિટીમાં રૂપાંતરિત કરવા સરકારને રૂપિયા 7500 કરોડના પ્રેફરન્સિયલ શેર જારી કરવા સહિતની જોગવાઈ સમાવિષ્ટ છે. 
 મહત્વનું એ છે કે સરકાર ખાનગીકરણની નીતિમાં આગળ વધે છે,  એર ઇન્ડિયા ખાનગી કંપનીને આપી દીધી,  અન્ય નિગમો અપાઈ રહ્યા છે , ત્યારે બીએસએનએલની જીવનરેખા લંબાવવાનો, ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરવાનો પ્રયાસ થયો છે.  કારણ કે સરકાર સમજે છે કે ખાનગી એકમો વ્યાપકહીત કામ નહીં કરે.  બીએસએનએલનું માળખું સરહદી વિસ્તારો સુધી ગોઠવાયેલું છે.  એવા વિસ્તારોમાં પણ છે જ્યાં ખાનગી કંપનીઓને ગ્રાહકો સંખ્યા ન મળે તો પરવડે નહીં અને જાય નહી. છેવાડા સુધીનું માળખું ધરાવતું આ સરકારી નેટવર્ક રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. બીજું અત્યારે ગળાકાપ હરીફાઈ વચ્ચે પણ ટેલિકોમ સેવા સતત વધુને વધુ મોંઘી બની રહી છે , ત્યારે આ મહત્વકાંક્ષી યોજના આપીને  બજારમાં ભાવમાં સ્થિરતા કરવી આવશ્યક બની હતી . સરકારનો એ પણ ઉદ્દેશ છે કે દરેક પંચાયતોમાં ફોરજી અને બ્રોડબેન્ડ માળખું ગોઠવાયેલું હોય.  આ રીતે નાણા ઠાલવવાથી નેટવર્ક એવી જગ્યાએ પણ પહોંચશે જ્યાં કોઈ કંપની નથી પહોંચવાની.  ઉપરાંત બીએસએનએલનો આધાર સ્થાનિક મશીનરી ઉત્પાદકો પર છે. આ યોજના દ્વારા સ્થાનિક સાધનો કે  મશીનરી ઉત્પાદક કંપનીઓને ફાયદો પહોંચશે . આ સિવાય કુદરતી આપત્તિ સમયે પણ બીએસએનએલ જ કામ આવે છે.  આ નિગમની મહત્વની સામાજિક ભૂમિકા છે. એ જ કારણે આ નિગમની જીવનરેખા લંબાવાઈ રહી છે . 
પેકેજમાં બીએસએનએલ માં  ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડને (બીબીએનેલ )ભેળવી દેવાની જોગવાઈ છે . આનાથી બ્રોડબેન્ડનું તમામ માળખું ઉપયોગમાં આવશે.  બીબીએનએલ દ્વારા સરકાર 2025 સુધીમાં 6.5 લાખ ગામડાઓને જોડવામાં આગળ વધી રહી છે.  ગત માર્ચ  -2022 સુધી 27 ટકા ગામડા જોડી શકાય છે.  આ લીઝલાઇન,  ડાર્ક ફાઇબરની  દેશના ખૂણે ખૂણે સેવા પહોંચશે.  સરકાર આ બધું કોઈ કાળે ખાનગી કંપનીને વહેંચી ન શકે એટલે દેખિતી રીતે આ બીમાર બીએસએનએલને બેઠું કરવાનું બીડું ઝડપ્યું છે. 
એ સ્પષ્ટ છે મોડા પણ મહત્વના આ પેકેજથી કેન્દ્રને આશા છે કે ગુણવત્તા સુધરશે,  ફોરજી સેવા સુધરશે અને અંતે 2026 સુધીમાં તો bsnl નફો કરતું થઈ જશે . પણ નિષ્ણાતો આને મોટો પડકાર માને છે.  સૌથી પહેલા નિગમને આ નાણાકીય મદદ સાથે સ્વતંત્ર નિર્ણય અને સરકારી અમલદારશાહી વલણથી મુક્તિની જરૂર છે . અત્યારે તો સેવા બંધ કરાવનારને રિફંડ મળવામાં પણ  ધક્કા ખાવા પડે છે.  માત્ર પેકેજથી નહીં ચાલે . સેવા સુધરશે તો જ આ વ્યાયામ અને રોકાણ કામ લાગશે. 



 2019 ના પેકેજનો ફાયદો શું 
વીઆરએસથી કર્મચારી ઘટ્યા

 બીએસએનએલને ઉગારવાનો 2019માં પણ પ્રયાસ થયો હતો.  રૂપિયા 70,000 કરોડની મદદ સાથે બીએસએનએલ અને એમટીએનએનએલ નું એકીકરણ થયું.  એ વખતે 40 ટકા રકમ તો નિગમના 50 વર્ષથી ઉપરની વયના કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનામાં ગઈ.  1.65 લાખ કર્મચારીઓ માંથી ઘટીને માર્ચ 2021ના આંકડા મુજબ 64,536 કાયમી કર્મચારી રહ્યા છે.  જે ઘટતા આવકનો 75% હિસ્સો બચાવી શકાયો.  જે કર્મચારી પાછળ વપરાતો હતો . ખરેખર એ વખતે ફોરજી સેવા વ્યાપ વધારવાનો હતો પણ એ લક્ષ્ય ધાર્યું પાર ન પડ્યું. 



દેવું અને ખોટ વચ્ચે 
ગ્રાહકો પણ ઘટે છે 


નિગમની પરિસ્થિતિ એવી આવીને ઊભી થઈ છે હતી કે સરકારને ફરી પેકેજ લાવવું જ પડે. રુ.  33,000 કરોડનું બેંકનું દેવું છે . ખોટ ઘટે છે પરંતુ નફો નથી.  ટ્રાઈના ગ્રાહકની સંખ્યાના આંકડા પણ બીએસએનએલ ના અસ્તિત્વ સામે સવાલ ઉભો કરે તેવા છે.  ટ્રાઈના ડેટા મુજબ ચાલુ વર્ષે મેં 2022માં પાંચ 5.36 વાયરલેસ ક્ષેત્રે ગ્રાહકો ઘટ્યા.   સામી  તરફ જીઓના 31 લાખ વધ્યા.  જ્યારે વાયરલાઇનમાં બીએસએનએલ નો હવે માત્ર 28.7 ટકા જ હિસ્સો છે.  જે 2019માં 46.6 ટકા હતો . 
બ્રોડબેન્ડ મોરચે પણ રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના 41.4 કરોડ ગ્રાહકો અને ભારતી એરટેલના 21.7 કરોડ ગ્રાહકો છે, સામે બીએસએનએલ ના માત્ર 2.5 કરોડ ગ્રાહકો જ બચ્યા છે.