અમેરિકામાં ભયાનક મંદીની ઘણા વખતથી વાતો થાય છે, ચીનમાં આર્થિક સંકટ વકરી ગયું છે, શ્રીલંકા ને પાકિસ્તાનની તો વાત જ તો જવા દો , યુરોપ પણ આર્થિક મંદીના એરણે છે. બીજીબાજુ ભારતનું શેરબજાર અત્યારે સારા જીડીપીના આધારે આગળ વધતું હતું ત્યાં અચાનક વિતેલા સપ્તાહમાં ઉપરા ઉપરી ત્રણ દિવસ બજાર ગગડ્યું અને છેલ્લે શુક્રવારે 1000 આંકથી વધુનો કડાકો થયો. આમ કેમ થયું ? આમ એટલા માટે થયું કે અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે ત્યાંની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વ ઓફ અમેરિકા (ફેડ)એ સતત ત્રીજીવાર વ્યાજ દરમાં વધારો કર્યો અને હજુ પણ વ્યાજ દર વધારશે એવો સંકેત આપ્યો . કારણ કે ત્યાં મોંઘવારીદર હજી અંકુશમાં નથી આવતો. આને પગલે ભારતમાં પણ ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારે તેવો ભય છે. બીજીબાજુ, રૂપિયો હવે ડોલર સામે 81ની સપાટી નજીક પહોંચી ગયો છે અને ભવિષ્યમાં એક ડોલર સામે 100 રૂ જેટલો તળીયે આવી જશે એવો ભયનો માહોલ છે. આ બધા તો સામાન્ય કારણો છે પણ અધૂરામાં પૂરું, બીજું એક મહત્વનું કારણ બન્યું બ્લુમબર્ગનો ઇન્ટરવ્યૂ. બ્લુમબર્ગે હાવર્ડ યુનિવર્સિટીનામાંથી પીએચડી કરેલા અને 'ડોક્ટર ડુમ' ના નામે જાણીતા અર્થશાસ્ત્રી નૂરિલ રૂબિની ઈન્ટરવ્યુ પ્રસિદ્ધ કર્યો. આ ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયો અને દુનિયાભરના બજારો ગગડયા, સાથે ભારતની બજાર પણ ગભરાઈ ઊઠી. અમેરિકામાં ફેડ રિઝર્વને છીંક આવે તો વિશ્વભરના બજારોને એની અસર થાય . બસ આવું જ થયું .
' ડોક્ટર ડૂમ' એ 2007 -08માં ભયાનક મંદીની આગાહી કરી હતી અને તે સાચી પડી હતી. અમેરિકામાં ડો. નુરિલ રૂબિનીની આગાહી પછી તેજીનો ફુગ્ગો ફૂટી ગયો હતો. હાઉસિંગ કટોકટી ઊભી થઈ હતી. લેહમન બ્રધર સહિતની બેંકો પાસેથી લેણા પાછા ન આવતાં ડૂબી ગઈ હતી . એ જ વ્યક્તિએ હવે સામાન્ય નહીં પણ બહુ ગંભીર મંદીની આગાહી કરી છે. એમણે કહ્યું છે કે 2022ના અંતે મંદી શરૂ થશે, જે 2023 સુધી ચાલશે અને આ સ્ટેગફલેશન છે, એટલે કે વિકાસ પણ ઘટશે અને ફુગાવો પણ હશે. સૌથી મહત્વની વાત એમણે એમ કરી કે સરકાર પણ હવે કોઈ સ્ટીમ્યુલેટ પેકેજ- રાહતો આપી શકે એમ નથી. આવું કોઈ ઇન્જેક્શન કામ આવી શકે એમ નથી. કારણકે સરકાર પણ લેણું લઈને બેઠી છે . કોર્પોરેટ્સ પણ પર પણ દેવું ઘણું ઊંચું છે અને આ મંદી આવશે એ બહુ માંડ જશે , બેરોજગારી વધશે, ઉત્પાદન ઘટશે. આ નિવેદન પાછળ એમણે કેટલાક કારણ આપ્યા એ પણ તાર્કિક છે. આ ' ડોક્ટર ડુમ' ની વાતમાં દમ પણ છે.
1958માં ઈરાનમાં જન્મેલા અર્થશાસ્ત્રી ડોક્ટર નૂરિલ રૂબિની એ 'રોબીન મેક્રો એસોસીએટ્સ'ના ચેરમેન છે અને સાથે સાથે ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના પ્રાધ્યાપક છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં પીએચડી કરેલું છે. ઉપરાંત તે ફેડરલ રિઝર્વના એડવાઈઝર પણ છે, પણ સૌથી મહત્વની વાત છે કે તેમની 2008માં વૈશ્વિક મંદીની આગાહી સાચી પડી હતી . જે સાચી પડતાં તેઓ વિશ્વમાં ' ડોક્ટર ડુમ' ના નામે જાણીતા બન્યા હતા. હવે ફરીથી તેમણે આવી મંદીની ન માત્ર આગાહી કરી બલ્કે , અમેરિકી શેરબજારનો ઇન્ડેક્સ 'એસ એન્ડ પી 500' 30 ટકાથી 40 ટકા સુધી ઘટી શકે છે એવી વાત કરી. જેના પડઘા દુનિયાભરમાં પડ્યા. એમણે કહ્યું કે, દુનિયા કોરોના સામે ઝઝુમી, રાહત પેકેજ અપાયા, એના પછી રશિયા યુકેન યુદ્ધ આવ્યું. એ યુદ્ધ પૂરું થયાની વાતો ભલે ચાલતી હોય પણ હજુ ગમે ત્યારે પાછું સળગી શકે છે. આ સમયમાં સરકાર અર્થતંત્ર માટે હવે કોઈ વધુ રાહત આપી શકે એમ નથી. બીજીબાજુ , અમેરિકાની મધ્યસ્થ બેંક હોય કે ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હોય, 40 વર્ષની ઊંચાઈએ પહોંચેલો મોંઘવારીનો દર નીચો લાવવા માટે એમની પાસે વ્યાજ દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી, એટલે મંદી આવશે જ. આ તર્કમાં દમ છે .
ડોક્ટર રૂબિનીએ તો એટલે સુધી કહી દીધું કે નવેમ્બરથી મંદી ચાલુ થશે અને તે 2023ના અંત સુધી રહેશે . જે લોકો લાંબા સમયથી સામાન્ય મંદીની આગાહી કરે છે એ લોકોએ વિચારવું જોઈએ કે વ્યાજ દર જેમ વધશે એમ કંપનીઓ દબાણમાં આવશે. અનેક કંપનીઓ બચી નહીં શકે. બીજીબાજુ , સરકારી તંત્ર અને નિગમો મોટું ઋણ લઈને બેઠા છે. એ લોકો પાસે પણ વ્યાજ દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નહિ હોય, કારણ કે ફેડરલ બેંકે બે ટકા સુધી ફુગાવાનો દર નીચે લઈ આવવાનું લક્ષ્ય રાખ્યું છે. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે વ્યાજ દર સતત ઊંચા રહે. ફેડરલ બેંક નવેમ્બર ડિસેમ્બરમાં અડધો ટકો વધારશે અને પછીના એક બે મહિનામાં વ્યાજ દર વધારીને સવા ચાર ટકા સુધી લઈ જશે. જેને પગલે પગલે વિશ્વની અન્ય આરબીઆઈ સહિતની મધ્યસ્થ બેંકો પણ વ્યાજ દર વધારો કરશે. રોજગાર સર્જન કરતી કંપનીઓ , સંસ્થાઓ , કોર્પોરેટ બેંકો આ વિષચક્રમાં બરબાદ પણ થઈ શકે છે.
અત્યારે તો વિશ્વભરના રોકાણકરો ચિંતિત બની ગયા છે. દુનિયાભરની સાથે ભારતની બજારમાં પણ કડાકો છે. વિદેશી રોકાણકારો પોતાના નાણા પાછા લઈ જઈ રહયા હોય છે. પણ, બે નિવેદન નોંધપાત્ર છે. જાણીતા ભારતીય ઉદ્યોગપતિ ઉદય કોટકે તો કહ્યું કે આ સમય ભારત માટે ઉજળો છે. કારણ કે દુનિયાભરમાં મંદી છવાશે તો વૈશ્વિક રોકાણકરોને ભારત જ શ્રેષ્ઠ લાગશે અને ભારતમાં તેજી આવશે. ભારતના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે પણ કહયુ કે, ભારત 7 ટકાના દરે વિકાસ સાધશે, પરંતુ આ તર્ક કેટલો સાચો છે તો સમય કહેશે. કારણ કે ભારત વિશ્વથી અછુતું નથી. અમેરિકામાં કાંઈ પણ થાય તો ભારતમાં અસર થાય જ છે. આ મંદીને જોઈને ખરીદી કરવી કે નહીં. નિષ્ણાતોની સલાહ મહત્વની હોય છે. કારણ કે દરેકની આર્થિક સ્થિતિ અલગ અલગ હોય છે. નાના રોકાણકારો કેટલું જોખમ લઈ શકે છે, એના પર નવા રોકાણનો આધાર રહેશે.
મંદીના ભણકારા તો ઘણા સમયથી છે ત્યાં ડોલર સામે રૂપિયો તળિયે આવી ગયો, વ્યાજ દર હજુ ઊંચા જવાનો ભય છે, રશિયા-યુક્રેન યુદ્ધ શાંત થયું નથી, ત્યાં 2008ની વૈશ્વિક મંદીની સાચી આગાહી કરનારા અમેરિકી અર્થશાસ્ત્રી નુરીલ રૂબિનીએ ફરી લાંબી અને ગંભીર મંદીની સંભાવના વ્યક્ત કરતાં વિશ્વના બજારો હચમચી ગયા : ભારત વૈશ્વિક વલણથી બિલકુલ અલગ તો થઈ ન શકે પણ અન્ય દેશો કરતાં સારી સ્થિતિ ભારતને ફાયદો જરૂર કરાવી શકશે.