જીડીપી 2.7 લાખ કરોડમાંથી 150 લાખ કરોડ : ત્રણ વખત શૂન્યથી નીચે
વિકાસ દર દેશના વિકાસના સૌથી મોટું માપદંડ છે જીડીપી. ( ઘરેલુ વિકાસ દર ) જેનાથી રોજગારથી લઈને દરેક પ્રકારની પ્રગતિ જોડાયેલી છે. 1947માં આઝાદી સમયે ભારતની જીડીપી માત્ર 2.7 લાખ કરોડ રૂપિયા હતી અને એ દુનિયાની જીડીપીના ત્રણ ટકાથી પણ ઓછી હતી. 75 વર્ષમાં ભારતની જીડીપી 55 ઘણી વધીને આજે રૂ. 150 લાખ કરોડ નજીક છે અને દુનિયાભરની જીડીપીમાં ભારતનો હિસ્સો 2024 સુધી 10 ટકા થવાનું અનુમાન છે.
આ દરમિયાન માત્ર ત્રણ જ વખત એવું થયું કે શૂન્યથી નીચે વિકાસ દર પહોંચ્યો હોય. પહેલી વખત 1965માં, બીજી વખત 1979માં અને ત્રીજી વખત 2020 માં કોરોના વાયરસના ફેલાવવા દરમિયાન. વિશ્વ બેંકના અહેવાલ મુજબ સમય વીતવા સાથે ભારતીય અર્થતંત્ર સતત મજબૂત બનતું ગયું . 1992થી અર્થતંત્રમાં તેજી આવી. 1947થી 1980 વચ્ચે વિકાસ દર 9 ટકાથી માઇનસ પાંચ ટકા વચ્ચે રહ્યો. 1980થી 1991 વચ્ચે જીડીપી ધીમો અને ઉતાર ચઢાવ ભર્યો રહ્યો, પરંતુ આર્થિક સુધારા પછી ચારથી આઠ ટકાની વચ્ચે સારો વિકાસ દર જળવાઈ રહ્યો છે.
સતત ઘટી ગરીબી પણ
કોરોનાએ બગાડ્યો આંક
આઝાદી પછી ભારતે જીડીપી, રોજગારી, સુખ -સુવિધાના સાધનોનું ઉત્પાદન એમ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે, એમ ગરીબોની સંખ્યા પણ સતત ઘટી છે. 1991ના આર્થિક સુધારા પછી દેશમાં પહેલી વાર અડધી વસ્તી ગરીબી રેખાની બહાર પહોંચી ગઈ. વર્ષ 2011ના આંકડા મુજબ દેશમાં 22.5 ટકા લોકો હજુય ગરીબ છે.
જોકે, કોરોનાએ આ સ્થિતિને બગાડી હતી. લેબર ફોર્સ 2020-21ના હેવાલ મુજબ 2021ના અંત સુધીમાં ગરીબી રેખા નીચે રહેતા લોકોની સંખ્યા ઘટીને 18 ટકા થી પણ ઓછી થઈ છે. આ પહેલાં અનએસ્કેપના 2017ના અહેવાલ મુજબ 1990થી 2013ની વચ્ચે લગભગ 17 કરોડ લોકો ગરીબી રેખા નીચેથી બહાર આવ્યા હતા. જોકે કોરોના કાળમાં એકવાર ફરીથી ગરીબોની સંખ્યામાં વધારો નોંધાયો હતો .
આઝાદી સમયે સોનું તોલે રૂ. 90 : માથાદીઠ આવક 274 રૂપિયા હતી
દેશ આઝાદ થયો ત્યારે 10 ગ્રામ તોલા દીઠ સોનાની કિંમત રૂ. 90 હતી. આજે 52,000ની નજીક છે. એક સમયે સોનાનો ભાવ 56,000 થી પણ વધુ પહોંચી ચૂક્યો હતો.
આવી જ રીતે દેશવાસીઓની આર્થિક સ્થિતિનું મુખ્ય માપદંડ એવી માથાદીઠ આવક આઝાદી પછીની પહેલી ચકાસણીમાં 1950-51માં વાર્ષિક સરેરાશ પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.274 હતી . જે આજે વધીને વાર્ષિક સરેરાશ 1.5 લાખ રૂપિયા થઈ ચૂકી છે.
કેન્દ્રીય બજેટ 1998440 ટકા વધી ગયું
1947માં સ્વતંત્રતા મળ્યા પછીથી ભારતમાં કુલ 73 વાર્ષિક બજેટ અને 14 વચગાળાના બજેટ રજૂ થયા છે. જેમાં સૌથી છેલ્લે આવેલા બજેટમાં ખર્ચ રૂપિયા 3944909 કરોડ અંદાજવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટમાં ઝડપી અને જબ્બર વધારો થયો છે. આ જબ્બર વધારાથી ભારત હવે દુનિયાનું પાંચમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની નજીક છે. ભારતનું પહેલું કેન્દ્રીય બજેટ એ વચગાળાનું હતું. જે પ્રથમ નાણામંત્રી રામાસામી ચેટીકંડાસામી ષણમુખમે રજૂ કર્યું હતું. નાણામંત્રીએ ત્યારે બજેટમાં 197.39 કરોડ રૂપિયાના ખર્ચની રૂપરેખા આપી હતી અને એ વર્ષ માટે આવકનું અનુમાન 171.15 કરોડ રૂપિયા આપ્યું હતું .
રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીએ ચાર રૂપિયાના ભાવથી રૂ. 80ના સ્તરે આવી ગયો
કોઈપણ દેશના ચલણનું મૂલ્ય એ આર્થિક તાકાતનો મહત્વનો સંકેત છે. અર્થતંત્રના અન્ય મામલામાં ભારત તાકાતવર બનીને ઉભર્યું છે પરંતુ રૂપિયાની વૈશ્વિક કિંમત ઘટી છે. રૂપિયાની નબળાઈમાં અનેક પરિબળો કામ કરે છે , તેમાં મુખ્યત્વે વ્યાપાર ખાધ છે. (નિકાસ કરતા આયાત વધુ ) આ ખાધ હવે વધીને 31 અબજ ડોલર સુધી પહોંચી છે. જેમાં મુખ્યત્વે કારણ ભારતને મોટા પ્રમાણમાં કરવી પડતી ક્રૂડની આયાત છે. એએનઆઈના એક અહેવાલ મુજબ 1947 પછી ઘણી એવી ઘટના બની જેમાં રૂપિયાના મૂલ્યને અસર થઈ. 1960ના દાયકામાં ખાદ્ય અને ઔદ્યોગિક ઉત્પાદનમાં મંદીના કારણે આર્થિક તાણ ઊભી થઈ હતી, પછી ભારત- ચીન અને ભારત- પાકિસ્તાનનું યુદ્ધ આવ્યું , જેણે ચૂકવણીનીના સંકટને વધું ઘેરું બનાવ્યું . 1991માં ફરીથી આર્થિક સંકટ આવ્યું હતું. જયારે ભારત વિદેશી દેવું ચૂકવવા અસમર્થ બન્યું. નાદારીના આરે પહોંચ્યું હતું અને દેશમાં આર્થિક સુધારા લાવતાં દેશના વ્યાપારને વિશ્વ બજાર માટે ખોલતા સુધારાનો દોર શરૂ થયો હતો.
આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભાગીદારી વધી : ભારત અન્ન ભંડારના મામલે થયું આત્મનિર્ભર
75 વર્ષમાં ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સતત વધારો જ થયો છે. એક સમયે એવો આવ્યો હતો કે ભારતમાં અન્ન ભંડાર ખૂટી પડ્યો હતો. સતત દુકાળના વર્ષોથી 1960નો દાયકો ભારત માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. ખાદ્ય ઉત્પાદન ઘટ્યું અને આયાત બિલ વધી ગયું હતું. જોકે આજે ભારત ખાદ્ય અનાજના મામલે આત્મનિર્ભર બની ચૂક્યું છે, એટલું જ નહીં અન્ન નિકાસ કરે છે.
કોઈપણ દેશ પાસે વિદેશી મુદ્રા ભંડાર કેટલો છે એ તેની અર્થતંત્રની મજબૂતીનું સૂચક છે . ભારતે આ મામલે ઘણી પ્રગતિ કરી છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર અત્યારે 46 લાખ કરોડ રૂપિયા છે . 1950- 51માં આ અનામત ભંડોળ માત્ર 1029 કરોડ રૂપિયા હતું.
-1950 : ભારતમાં કુલ ખાદ્યન્ન ઉત્પાદન 5.49 કરોડ ટન.
-1960 : ભારતમાં ખાદ્ય અનાજની મોટા પ્રમાણમાં આયાત કરવી પડી.
-2020-2021 : અનાજ ઉત્પાદન વધીને 30.5 કરોડ ટન પર પહોંચ્યું -છેલ્લા કેટલાક વર્ષોથી ઘઉં , ખાંડ અને અન્ય સામાનની વિક્રમી નિકાસ થઈ રહી છે.
વર્ષો
આયાત અબજ ડોલર
નિકાસ અબજ ડોલર
1950 51 1.27 1.26
1975-76 6.08 4.66
1990 -91 24 18
2002 50 44
2021- 22 756 670
ફાર્મા સેક્ટરમાં બુલંદ પ્રગતિ:
વિશ્વને દવાઓ પૂરી પાડશે ભારત
સ્વતંત્રતા પછી ભારતે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે પરંતુ દવા ઉદ્યોગના ક્ષેત્રનો વિકાસ તો અદભુત છે . એક સમયે તબીબોની અછત અને દવાની અછતનો સામનો કરતું ભારત હવે આત્મનિર્ભર બન્યું , એટલું જ નહીં બીજા દેશોને દવા અને રસીઓની નિકાસ કરે છે. ભારતે એવી યોજનાઓ ઘડી કાઢી છે કે દવા બનાવવા માટેના કાચા માલ એટલે કે એપીઆઈની હવે બહુ આયાત ન કરવી પડે.
ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એક અહેવાલ મુજબ 2030 સુધીમાં ફાર્મા ઉદ્યોગની નિકાસમાં વાર્ષિક પાંચ અબજ ડોલરનો વધારો થશે. 2021- 22માં ભારતની ફાર્મા નિકાસ 34.47 અબજ ડોલર હતી , જે 2030 સુધીમાં 70 અબજ ડોલર સુધી પહોંચશે. હાલમાં ભારતનું ફાર્મા બજાર 47 અબજ ડોલર છે. જેમાં 22 અબજ ડોલરનો કારોબાર સ્થાનિક સ્તરેથી થાય છે. બીજીતરફ દવાના કાચા માલની માલના ઉત્પાદન માટે પીએલઆઇ યોજના અમલી બની . હવે 35 એપીઆઇનું ઉત્પાદન દેશમાં જ શરૂ થઈ ચૂક્યું છે. જે આયાત કરવી પડતી હતી. ભારત અત્યારે દુનિયામાં ઉપયોગમાં લેવાતી કુલ રસીના 60 ટકા ભાગની નિકાસ કરે છે.
No comments:
Post a Comment