Tuesday, 19 January 2021

મહામારી વચ્ચે `સામાન્ય' બજેટનું કાઉન્ટડાઉન; હશે `અસામાન્ય'. Amid the epidemic; Countdown of the union 'budget start ..

મહામારી વચ્ચે `સામાન્ય' બજેટનું કાઉન્ટડાઉન; હશે `અસામાન્ય'

કેન્દ્રીય અંદાજપત્ર 2021નું રણશિંગું ફૂંકાઇ ગયું છે. નવી તારીખ મુજબ હવે પહેલી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યે સામાન્ય બજેટ રજૂ થશે, પરંતુ સામાન્ય કહેવાતું આ બજેટ આ વખતે કોરોના મહામારીના વર્ષ પછીનું હોવાથી સામાન્ય નહીં હોય, ખાસ હશે. તેની અપેક્ષા અને જાહેરાતો  નોખી હશે. અત્યારે નિષ્ણાતો  દ્વારા ધારણાઓ પણ અલગ જ પ્રકારની  વ્યક્ત થઇ?રહી છે. એ જ લક્ષ્ય હશે - મહામારીમાં નુકસાન ભોગવેલા ક્ષેત્રને કેમ બેઠા  કરવા ? મોટાપાયે ખર્ચ  ભોગવેલી સરકારે નાણાં ક્યાંથી ઊભા કરવા ? નવા સ્રોત શું હોઇ શકે અને મહામારી પછી કયા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા ખર્ચ કરવો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળના આ ત્રીજા બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે પોતાનું ત્રીજીવાર બજેટ રજૂ કરી રહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામનની જાહેરાતો પર બધાની નજર ટકેલી રહેશે. જો કે, સીતારામને સંકેત આપી જ દીધો છે કે, આ વખતનું બજેટ વિશેષ હશે, એવું બજેટ જેવું તમે 100 વર્ષમાં ક્યારેય નહીં જોયું હોય !  ઘણી બધી રીતે `ખાસ' હશે. લોકોને અપેક્ષાઓ છે કે, આવકવેરામાં વધુ છૂટ મળે, ડિવિડન્ડ - ટેક્સમાં છૂટ મળે પણ સરકાર નાણાનાં સ્રોત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે એમ મનાય છે. માળખાંકીય (ઇન્ફ્રાસ્ટ્રકચર)?અને આરોગ્ય ક્ષેત્રમાં વધુ રોકાણની આવશ્યકતાને જોતાં ફરી એકવાર ટેક્સ ફ્રી બોન્ડને  લાવવામાં આવી શકે છે, વધુ નાણાં એકત્ર કરવા `િવવાદ એ વિશ્વાસ' યોજના નવા સ્વરૂપમાં આવી શકે છે. તેમજ રોજગાર વધારતા અને કોરોના મહામારી પછીની સ્થિતિને જોતાં રોજગાર વધારતી અને આરોગ્ય ક્ષેત્રના  વિકાસ તેમજ વધુ ને વધુ સંશોધન થાય તેવાં પગલાંની જાહેરાત કરવામાં આવી શકે છે.

29મીથી બજેટ સત્ર; બે તબક્કા

1 પહેલી ફેબ્રુઆરીના સોમવારે બજેટ રજૂ થવાથી બરાબર ત્રણ દિવસ પહેલાં એટલે કે, 29મી જાન્યુઆરીના સંસદનું બજેટ સત્ર શરૂ થશે અને તે 8મી એપ્રિલ સુધી ચાલશે, જે બે તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો  તા. 29/1થી 15/2 સુધી યોજાશે, જ્યારે બીજો તબક્કો 8મી માર્ચથી 8મી એપ્રિલ સુધી ચાલશે. તા. 16/2થી તા. 7/3 સુધી વિરામ રહેશે. જો કે, શિયાળુ સત્ર તો મહામારીના કારણે સંપૂર્ણ રદ જ કરાયું હતું.

આઝાદી પછી પહેલીવાર `પેપરલેસ' બજેટ!

કોરોના મહામારી પછીનું આ બજેટ જોગવાઇઓની રીતે `આમ નહીં ખાસ' તો હશે જ, પરંતુ તેની સૌથી મોટી વિશિષ્ટતા એ રહેશે કે, 73 વર્ષમાં પહેલીવાર તેનું છાપકામ કરવામાં નહીં આવે. `સોફ્ટ કોપી'માં જ સાંસદ સહિત તમામ લોકોને  અપાશે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. પ્રિન્ટિંગ દરમ્યાન સંક્રમણ ન થાય તેવો હેતુ છે.

આઝાદી બાદ દર વર્ષે બજેટ દસ્તાવેજ છપાતા હતા, તેને વાંચીને જ નાણામંત્રી  ભાષણ આપતા હતા. પરંતુ ચાલુ વર્ષે નહીં છપાય અને સંસદના બંને ગૃહોએ આ બાબતને મંજૂરી પણ આપી દીધી છે. દર વર્ષે કેન્દ્રીય બજેટના દસ્તાવેજ નાણામંત્રાલયની પ્રેસમાં જ પ્રિન્ટ થાય છે, લગભગ 100થી વધુ કર્મચારી આ પ્રક્રિયામાં જોડાયા છે, જે બજેટ દસ્તાવેજોના પ્રિન્ટ થવા, સીલ થવા અને બજેટના દિવસે ડિલિવરી કરવાના સમય સુધીમાં લગભગ 15 દિવસ પ્રેસમાં કેદ રહે છે. બહાર જવાની કે કોઇ સાથે વાત કરવાની મનાઇ હોય છે. આ પ્રેસ પાસે `મોબાઇલ જામર' લગાડી દેવામાં આવે છે. જો કે, બજેટ કોપી ડિજિટલ સ્વરૂપમાં  બધાને અપાશે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયે આ વખતે કોરોનાના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને સાંસદોને અનુરોધ કર્યો હતો, જે માન્ય રહ્યો હતો. આમ હવે નાણામંત્રી સોફટ કોપી દ્વારા જ બજેટનું વાંચન કરશે.

હલવા સેરેમની પણ રોકાઇ,

બજેટનું પ્રિન્ટિંગ નહીં થાય

આરંભ પ્રસંગે  દર વર્ષે હલવા સેરેમનીનું આયોજન કરાતું. આ આયોજન સંસદમાં બજેટ રજૂ કરવાના એક પખવાડિયા પહેલાં નોર્થ બ્લોક બેઝમેન્ટમાં કરવામાં આવતું હતું. એ પણ દેખીતી રીતે રદ થયું. કારણ કે, પ્રિન્ટિંગ જ નથી કરાતું.આ પરંપરા બહુ મહત્ત્વની છે. કારણ કે, ખુદ નાણામંત્રી પોતાના નજીકના  મંત્રીઓની તથા તેમના મંત્રાલયના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેતા.

આર્થિક સર્વેનું છાપકામ નહીં

જેમ બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ નહીં થાય તેમ એ જ કોરોના મહામારીના કારણે આર્થિક સર્વેક્ષણનું પણ છાપકામ નહીં કરતાં બંનેનાં છાપકામ ઉપરાંત સાંસદોને વિતરણ દરમ્યાન સંક્રમણનું જોખમ આમાં કારણભૂત ગણાવાયું છે.

આ છે બજેટની રસપ્રદ વાતો...!

ભારતીય બંધારણની કલમ 112માં કેન્દ્રીય બજેટનો ઉલ્લેખ છે, એ મુજબ, અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય વર્ણન છે. કેન્દ્રીય બજેટમાં સરકારની સૂચિત આવક અને પ્રસ્તાવિત યોજનાઓ તેમજ થનારા ખર્ચનું વિવરણ હોય છે. બજેટ બન્યા બાદ તેને લાગુ કરવા સંસદના બન્ને ગૃહની મંજૂરી જરૂરી હોય છે. આવા બજેટ સાથે કેટલીક ઐતિહાસિક અને રસપ્રદ વાતો વણાયેલી છે, જે અહીં સંકલિત કરવામાં આવી છે. ઉપરાંત આ વખતે પહેલીવાર બજેટ છપાશે નહીં, તેમાં બદલાવ સહિતના કેટલાક મહત્વના પરિવર્તન અહીં રજૂ કર્યા છે.

0 `બજેટ શબ્દ' : આ શબ્દ વાસ્તવમાં લેટિન શબ્દ બુલ્ગામાંથી લેવામાં આવ્યો છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાની થેલી. એ પછી ફ્રાંસની ભાષામાં બોઉગેટ બન્યો. જેનું અપભ્રંશ થયા બાદ અંગ્રેજીમાં બોગેટ અને પછી તેમાંથી બજેટ શબ્દ બન્યો.

0 પ્રારંભ ક્યારે???: ભારતનું પહેલું બજેટ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને 18મી ફેબ્રુઆરી, 1860ના રજૂ કર્યું તેને બજેટ વ્યવસ્થાના જનક કહેવાય છે. પહેલી એપ્રિલથી 31મી માર્ચના નાણાકીય વર્ષની શરૂઆત 1867માં થઈ એથી પહેલાં 1 મેથી 30મી એપ્રિલ સુધી હતું નાણાકીય વર્ષ.

0 છાપકામ કયાં?: બજેટ પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું, પરંતુ 1950માં બજેટ લીક થવાની ઘટના બાદ તેને દિલ્હીના મિન્ટો રોડ સ્થિત સિક્યોરિટી પ્રેસમાં છપાવા લાગ્યું હતું. જોકે 1980થી બજેટ નોર્થ બ્લોકથી પ્રિન્ટ થવા લાગ્યું પ્રારંભમાં માત્ર અંગ્રેજીમાં જ છપાતું, પરંતુ 1955-56થી તેના દસ્તાવેજો હિન્દીના પણ છપાય છે. જોકે આ વખતે કોરોના મહામારીમાં પ્રિન્ટિંગ નહીં થાય.

0 પહેલું બજેટ : સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ નાણામંત્રી આર.કે. ષણમુખમ શેટ્ટીએ 26/11/47ના રજૂ કર્યું હતું. જે તા. 15/8/47થી તા. 31/3/48 સુધીના સમય માટે હતું. જ્યારે પ્રજાસત્તાક ભારતનું પહેલું બજેટ તા. 28/2/50ના જોન મથાઈએ રજૂ કર્યું હતું. શેટ્ટીએ 1948-49ના બજેટમાં પહેલીવાર `ઈન્ટ્રીમ' એટલે કે `વચગાળા'નું બજેટ શબ્દ પ્રયોગ જે પાછળથી ટૂંકાગાળાના બજેટ માટે પ્રચલિત બન્યો.

0 સાંજે 5નાં સ્થાને 11 : વર્ષ 2000 સુધી અંગ્રેજી પરંપરા મુજબ બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરાતું હતું. વર્ષ 2001માં વડાપ્રધાન વાજયેપીના નેતૃત્ત્વવાળી એનડીએ સરકારે આ પરંપરા તોડી એ વખતે નાણામંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે રજૂ કર્યું અને હવેથી સવારે જ બજેટ રજૂ થાય છે. 1999 સુધી અંગ્રેજી પ્રથા મુજબ અંતિમ કામકાજના દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ થતું. સાંજની આ પરંપરા 1924માં બેસિલ્લ બ્લેકેટે શરૂ કરી હતી.

0 1લી ફેબ. નક્કી થઈ તારીખ : 2017 પહેલાં બજેટ ફેબ્રુઆરીનાં આખરી કામકાજના દિવસે રજૂ કરવામાં આવતું હતું. 2017થી તેને પહેલી ફેબ્રુઆરી કે, ફેબ્રુઆરીના પહેલા કામકાજના દિવસે રજૂ થવાનો પ્રારંભ થયો. 2016માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ એલાન કર્યું હતું કે, હવેથી બજેટ 1લી ફેબ્રુઆરીના રજૂ થશે. આ ઉપરાંત 92 વર્ષથી અલગ રીતે રજૂ થતા રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું.

0 ચામડાની બેગમાંથી વહીખાતું : સામાન્ય રીતે ચામડાની બ્રીફકેસમાં બજેટના દસ્તાવેજ લાવવામાં આવતા હતા. આ પરંપરાને પહેલા નાણામંત્રી આર.કે. ષણમુખમ શેટ્ટીએ શરૂ કરી હતી. જેનો 2019માં અંત આવ્યો, નાણામંત્રી સીતારામન 2019 અને 2020માં બજેટ લાલરંગની પારંપરિક ખાતાવહીમાં દોરી વીંટીને લાવ્યા હતા.

વડાપ્રધાનો રજૂ કરી ચૂક્યા છે બજેટ: 1958-59માં દેશના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બજેટ રજૂ કર્યું હતું.  કારણ કે નાણા મંત્રાલયની જવાબદારી એમની પાસે જ હતી. એ પછી તેમના પુત્રી ઈન્દિરા ગાંધીએ પણ વડાપ્રધાન પદેથી અને છેલ્લે રાજીવ ગાંધીએ પણ બજેટ રજૂ કર્યું હતું.

0 સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યું?: દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ અત્યાર સુધી સૌથી વધુ 10 વાર બજેટ રજૂ કર્યું છે. તેઓ છ વાર નાણામંત્રી અને ચારવાર નાયબ વડાપ્રધાન રહ્યા છે. તેમાં બે વાર વચગાળાનું બજેટ સામેલ છે. પોતાના જન્મ દિવસે 2 વાર બજેટ રજૂ કરનાર તેઓ દેશના એકમાત્ર નાણામંત્રી છે. શ્રી દેસાઈનો જન્મ 29મી ફેબ્રુઆરીના થયો હતો, જે 4 વર્ષમાં એકવાર આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નાણામંત્રીના રૂપમાં 7 વાર બજેટ રજૂ કર્યું છે.


No comments:

Post a Comment