Sunday, 31 January 2021

Will today's budget join these memorable six budgets? આ યાદગાર છ બજેટમાં જોડાઈ જશે આજનું બજેટ ?


મોટા નીતિવિષયક બદલાવ અને સારા-નરસા પ્રતિભાવથી બજેટનાં નામ પણ પડયાં : ડ્રીમ-બ્લેક-રોલબેક! 


આઝાદ ભારતના 26મી નવેમ્બર, 1947ના પ્રથમ નાણામંત્રી આર.કે. સન્મુખમે રજૂ કરેલાં પહેલાં બજેટથી સામાન્ય બજેટની આ પરંપરા રોચક રહી છે. કેટલાક એવાં બજેટ રજૂ થયાં જે અર્થતંત્રમાં આમૂલ બદલાવ, ઐતિહાસિક નીતિવિષયક ફેરફાર કે વિરોધના વંટોળ કે સારા આવકારને કારણે કાયમ માટે યાદ રહી ગયાં. આવાં યાદગાર છ બજેટનો અહીં ઉલ્લેખ છે. દરેક  બજેટનું પોતાનું એક વ્યક્તિત્વ છે, છાપ છે, પોતાની ખાસિયતના કારણે કેટલાક બજેટનાં તો `બ્લેક બજેટ', `ડ્રીમ બજેટ', `રોલબેક બજેટ' જેવાં નામ પણ પડી ગયાં હતાં. 28 જાન્યુઆરી 2020 `બ્લેક બજેટ'થી `ડ્રીમ બજેટ' સુધી આ છ બજેટ લાંબા સમય સુધી યાદ રહેશે આજે સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારામન સામાન્ય બજેટ રજૂ કરશે. શું આ યાદીમાં આજનું પડકારરૂપ બજેટ જોડાશે? 
1. 1950નું બજેટ, જેમાં આયોજનપંચની વાત કરાઈ   
28 ફેબ્રુઆરી 1950ના  તત્કાલીન નાણાપ્રધાન જ્હોન મથાઇએ પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પહેલા ચેરમેન અને વ્યવસાયે અર્થશાસ્ત્રી મથાઇ દેશના પ્રથમ રેલવેમંત્રી પણ રહ્યા હતા.   આ બજેટમાં તેમણે આયોજનપંચની સ્થાપના વિશે વાત કરી હતી. આયોજનપંચને  દેશના વિકાસ માટે યોજના ઘડવાની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે, મોદી  સરકારના કાર્યકાળમાં નીતિ આયોગે આ કામ શરૂ કર્યું છે. 
2. યશવંતરાવ સી. ચવ્હાણનું `બ્લેક બજેટ' 1973  
1973માં ઈન્દિરા ગાંધી સરકારના તત્કાલીન નાણાપ્રધાન યશવંતરાવ સી. ચવ્હાણે આ બજેટ રજૂ કર્યું હતું. જેમાં 550 કરોડની ખોટ બતાવી હતી અને કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત કરી હતી. માનવામાં આવે છે કે આ નિર્ણયથી કોલસાના ઉત્પાદનમાં વિપરીત અસર પડી.સરકાર હેઠળ કોલસાની ખાણો આવી જતાં આ ક્ષેત્રમાં કોઈ સ્પર્ધાત્મક વાતાવરણ ન રહ્યું. તે નિર્ણય બાદથી ભારત કોલસાની આયાત કરી રહ્યું છે.  
3. 1991નું બજેટ, અર્થવ્યવસ્થાની સકલ બદલી 
24 જુલાઈ, 1991ના તત્કાલીન નાણાપ્રધાન મનમોહનાસિંહે ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વ સમક્ષ ખોલી દીધી હતી. આ બજેટથી ભારતના અર્થતંત્રનું ચિત્ર બદલાઈ ગયું. આ સાથે     ઉદારીકરણનો યુગ ખુલ્લો હતો અને લાયસન્સ-પરમિટ રાજનો યુગ પૂરો થયો હતો. મનમોહનાસિંહે આ બજેટ રજૂ કરતી વખતે 18,177 શબ્દોનું ભાષણ આપ્યું હતું, જે અત્યાર સુધીના સૌથી લાંબા બજેટ ભાષણોમાંનું એક છે. આ બજેટ લાંબા સમય સુધી યાદ રહેશે.  
4. પી. ચિદમ્બરમનું `ડ્રીમ બજેટ' -1997  
1997માં નાણાપ્રધાન પી. ચિદમ્બરમે 28 ફેબ્રુઆરી 1997ના રજૂ કરેલા બજેટને `ડ્રીમ બજેટ' તરીકે ઓળખાય છે. જેમાં દેશની આર્થિક સુધારણા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ હતી. ચિદમ્બરમે ટેક્સની જોગવાઈને બજેટમાં ત્રણ અલગ સ્લેબમાં વહેંચી હતી. આ સાથે કાળાં નાણાં વિશે માહિતી આપવા માટે તેમણે સ્વૈચ્છિક આવક જાહેરાત યોજનાની શરૂઆત કરી હતી. કોર્પોરેટ ટેકસ પર સરચાર્જ પણ ઘટાડયો હતો. આ બજેટ પછી ટેક્સ વસૂલાતમાં મોટો વધારો થયો હતો.   
5. મિલેનિયમ બજેટ 2000  
વર્ષ 2000માં તત્કાલીન નાણાપ્રધાન યશવંત સિંહાએ 29 ફેબ્રુઆરી, 2000ના રજૂ કરેલું બજેટ `િમલેનિયમ બજેટ' તરીકે જાણીતું છે. આમાં સોફ્ટવેર નિકાસથી થતી આવક કરમુક્ત કરાઈ હતી. સાથે તેમાં સર્વ શિક્ષા અભિયાન શરૂ કરાયું હતું.  1991માં સત્તા પરિવર્તન બાદ ભાજપ સરકાર સત્તામાં આવી હતી. સિંહાએ આ બજેટમાં કોમ્પ્યુટર, સીડી રોમ જેવી 21 ચીજો પર કસ્ટમ ડયુટી ઘટાડી હતી. જે આઇટી કંપનીઓ માટે મોટી રાહતરૂપ હતી. 
6. `રોલબેક બજેટ'   
નાણાકીય વર્ષ 2002-03 માટે તત્કાલીન નાણાપ્રધાન યશવંત સિંહાએ રજૂ કરેલું બજેટ `રોલબેક બજેટ' કહેવાય છે. આમાં, જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મળતી ચીજોના ભાવમાં વધારો   કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નાની બચત    યોજનાઓ પરના વ્યાજદર અને ખાતર પર સબસિડી ઘટાડવામાં આવી હતી. આ પછી વિપક્ષે સરકાર ઉપર દબાણ લાવ્યું હતું, આ પછી બજેટના ઘણા પ્રસ્તાવોને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ કારણોસર તેને રોલબેક બજેટ કહેવામાં આવે છે.  
બજેટને કેવો પ્રતિભાવ આપે છે શેરબજાર? : છેલ્લા દાયકાનો વર્તારો 
શેરબજાર મોટાભાગે બજેટના દિવસે પડે છે. છેલ્લા 10 વર્ષોનો ટ્રેન્ડ આ જ કહી રહ્યો છે. પ્રણવ મુખર્જીથી માંડીને નિર્મલા સીતારામન સુધી, નાણાપ્રધાન જે પણ રહ્યા બજેટના દિવસે શેરબજારની પ્રતિક્રિયા ઠંડી બની હતી. છેલ્લા 10 વર્ષમાં માત્ર ત્રણ વખત બજેટના દિવસે સેન્સેક્સમાં વધારો જોવા મળ્યો છે અને બજારમાં સાત વખત બજારે નિરાશા દેખાડી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમનના સમયમાં બજારમાં બંને વખત ઘટાડો થયો છે. વચગાળાના બજેટ સમયે 5 જુલાઈ, 2019ના સેન્સેક્સ 395 પોઇન્ટ તૂટી ગયો હતો, જ્યારે 1 ફેબ્રુઆરી 2020ના સેન્સેક્સ સામાન્ય બજેટના દિવસે 900 પોઇન્ટ તૂટ્યો હતો. તે જ રીતે 2010થી 2012 પ્રણવ મુખરજીના સમયે બજેટના દિવસે સેન્સેક્સ ઘટ્યો છે. પી. ચિદમ્બરમે 28 ફેબ્રુઆરી 2013ના બજેટ રજૂ કર્યું હતું અને સેન્સેક્સ 291 પોઇન્ટ લપસી ગયો હતો. અરુણ જેટલીએ 2014થી 2018 સુધીના કુલ 5 બજેટ્સ રજૂ કર્યાં હતાં અને આ સમય દરમિયાન બે વખત બજારમાં તેજી જોવા મળી હતી.  જ્યારે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો હતો. ગયા વર્ષે સામાન્ય બજેટ 2020-21થી રોકાણકારો એટલા નિરાશ થયા હતા કે બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ 988 પોઇન્ટ ઘટીને 40,000ની નીચે અને એનએસઈ નિફ્ટી 276.85 ઘટીને 11,685.25ની સપાટીએ બંધ થયો હતો. આ વખતે એટલે કે 1 ફેબ્રુઆરી, 2021ના માર્કેટ ગગડશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જો કે, મોટાભાગના નિષ્ણાતો બજારમાં ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે. 
સતત ત્રીજું બજેટ રજૂ કરનારા ભારતના પ્રથમ મહિલા નાણાપ્રધાન સીતારામને  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમાયા પછી પાછું વળીને નથી જોયું...  
નાણાપ્રધાન નિર્મલા સીતારામન આજે સતત ત્રીજું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.  
સીતારામનનો જન્મ 18મી ઓગસ્ટ, 1959ના તમિલનાડુના મદુરાઇમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણ સીતારામન અને માતાનું નામ સાવિત્રીદેવી છે. તેમણે તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી કોલેજમાંથી બી.એ. આ પછી 1980માં જેએનયુથી ઇકોનોમિક્સમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યાર પછી, અહીંથી એમ.ફિલ.ની ડિગ્રી પણ મેળવી. તેમનાં લગ્ન ડો. પ્રભાકર સાથે થયાં હતાં. બંનેની મુલાકાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થઈ હતી. અહીં બંને એક સાથે ભણતા હતા. એક તરફ નિર્મલા સીતારામનનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ હતો, તો બીજી તરફ ડો. પરકલા પ્રભાકરનો પરિવાર કોંગ્રેસ બાજુ ઝુકાવ ધરાવતો હતો. સીતારામનને શરૂઆતની કારકિર્દીમાં પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સમાં સિનિયર મેનેજર તરીકે સેવા આપી હતી. આ પછી, તેમને લંડનમાં બીબીસી વર્લ્ડ સર્વિસમાં પણ કામ કરવાની તક મળી. તેઓ હૈદરાબાદની પ્રણવ સ્કૂલના સ્થાપક છે અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહી ચૂકયા છે. 1991માં સીતારામન અને તેના પતિ ભારત પાછા આવ્યા અને હૈદરાબાદમાં રહેવા લાગ્યા. 2010માં તેઓ નીતિન ગડકરી દ્વારા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમાયા હતા. આ પછી પાછળ વળીને જોયું નથી. ભાજપે 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા પછી, 26 મે, 2014ના તેમને સ્વતંત્ર હવાલા સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયનું કેન્દ્રનું `રાજ્યકક્ષાનું પ્રધાનપદ' આપવામાં આવ્યું. રાજકીય કારકિર્દીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને સંરક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં 2017માં સંરક્ષણ પ્રધાનપદ મળ્યું. આ રીતે સીતારામન ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી બીજા મહિલા સંરક્ષણમંત્રી અને પ્રથમ પૂર્ણ સમયનાં મહિલા સંરક્ષણપ્રધાન બન્યા. જીવનનો બીજો મહત્ત્વપૂર્ણ તબક્કો 2019માં આવ્યો, જ્યારે વડાપ્રધાન મોદીએ તેમને નાણાપ્રધાન બનાવ્યાં.  
મેટેભાગે સેન્સેક્સ નિરાશાથી બંધ 
તારીખ-વર્ષ                      નાણામંત્રી તેજી / પતન  
26 ફેબ્રુઆરી 2010 પ્રણવ મુખર્જી - 175  
28 ફેબ્રુઆરી 2011          પ્રણવ મુખર્જી    123  
16 માર્ચ 2012                પ્રણવ મુખર્જી            -220  
28 ફેબ્રુઆરી 2013          પી.ચિદમ્બરમ            -291  
10 જુલાઈ 2014             અરુણ જેટલી              -72  
28 ફેબ્રુઆરી 2015          અરુણ જેટલી            141  
29 ફેબ્રુઆરી 2016          અરુણ જેટલી                -52  
01 ફેબ્રુઆરી 2017          અરુણ જેટલી           476  
01 ફેબ્રુઆરી 2018          અરુણ જેટલી              -59  
05 જુલાઈ 2019             નિર્મલા સીતારમન       -395  
01 ફેબ્રુઆરી 2020          નિર્મલા સીતારમન       -900  

1 comment: