જેની એમેઝોન અને ટેસ્લાની `ગતિ'થી પણ ઝડપી થઇ `પ્રગતિ'
ગૌતમ અદાણી
બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય
લગભગ 70ના દાયકાની આ વાત છે, અમદાવાદની ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયનો એક વિદ્યાર્થી કચ્છના કંડલા બંદરે શાળા પ્રવાસે આવે છે, આ સ્વપ્નશીલ પ્રકૃતિના વિદ્યાર્થીને વિશાળ બંદર જોઈને વિચાર આવે છે, હું પણ આવું કંઇક બાંધીશ,` આજે આ વિદ્યાર્થી એનાથીય મોટું અને એક નહીં, અનેક બંદર બાંધીને દેશના માળખાકીય વિકાસમાં અપ્રતિમ યોગદાન આપે છે.......
બીજું, જેને માધ્યમોમાં અવાર-નવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `ઉદ્યોગપતિ મિત્ર' તરીકે સંબોધવામાં આવે છે, વિપક્ષો પણ જેને વારંવાર નિશાન બનાવે છે. અરે, ક્યારે `કોલેજ ડ્રોપઆઉટ' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. એ સામાન્ય ગુજરાતી વેપારી પરિવારમાંથી આવેલા અને સંજોગોના કારણે ખરેખર જ બી.કોમ.ના બીજા વર્ષનો અભ્યાસ પડતો મૂકીને પોતામાં રહેલી ધંધાકીય સમજ સાથે આગળ જ નહીં રોકેટ ગતિએ આગળ વધી વિતેલા શુક્રવારે વૈશ્વિક સ્તરે જેનું નામ ટોચમાં આવ્યું છે એ ગૌતમ શાંતિલાલ અદાણી.
આ ગુજ્જુ અબજપતિ 2021ના સમયમાં અત્યાર સુધીમાં દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ધનપતિ બન્યા. ગૌતમભાઇની વાતો રોચક છે. ટૂંકી વાત કરીએ તો પોતાની ગળથૂથીમાં રહેલી સૂઝ સાથે લઇ સંજોગોના કારણે અડધેથી ભણવાનું મૂકી બે-ત્રણ વર્ષ મુંબઇ હીરા કારોબારમાં જોડાયા. પરિવારમાંથી મોટાભાઈ દ્વારા ટેક્સટાઇલ વ્યવસાયમાં જોડાવાનું કહેવાતાં અમદાવાદ આવીને પ્રારંભથી જ ધંધાને ઝડપી આગળ વધાર્યો અને થોડા વર્ષ બાદ કચ્છમાં મુંદરા બંદરના સંચાલનનો કરાર ગુજરાત સરકાર પાસેથી મેળવ્યા બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે વૈશ્વિક સ્તરે પહોંચીને ગત અઠવાડિયે એશિયાના સૌથી સમૃદ્ધ ભારતીય મુકેશ?અંબાણી જ નહીં, વિશ્વના સમૃદ્ધ અબજપતિઓ એમેઝોનના જેફ બેજોસ અને અમેરિકી ઇલેકટ્રીક કાર કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કને પણ પછડાટ આપનાર બની ગયા છે, ગુજ્જુy ઉદ્યોગપતિ ગૌતમ અદાણી.
2021ની પહેલી જાન્યુઆરીથી આ લખાય છે ત્યાં સુધી દુનિયામાં એવી કોઇ વ્યકિત નથી કે જેમણે પોતાની સંપત્તિમાં આ ઉદ્યોગપતિ કરતાં વધુ ધન કમાયું હોય. ભલે, અદાણી વિશ્વના ટોચના 10 અમીરોમાં હજુ સ્થાન નથી મેળવી શક્યા. વિશ્વમાં 26મા ક્રમે છે, પણ આ ટોચની યાદીમાં એવા કોઇ સંપત્તિવાન નથી, જેણે પોતાની સંપતિમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી અદાણી કરતાં વધુ કમાણી કરી હોય. બેજોસ અને મસ્કનું નામ તો છેલ્લા બે-ત્રણ મહિનાથી બહુ ગાજે છે અને વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યકિતની યાદીમાં ઉપર-નીચે થાય છે. મસ્કની એક ટ્વિટથી તે અમીરીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયાના સમાચાર હજુ તાજા છે, પણ ગત અઠવાડિયે વળી બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ જાહેર થયો, એમાં 2021ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા ઉદ્યોગપતિઓની યાદીમાં જાહેરમાં ઓછું બોલવા માટે જાણીતા અદાણીએ આ ટૂંકા ગાળામાં જ 16.2 અબજ અમેરિકી ડોલરની સંપત્તિ વૃદ્ધિ સાથે ભલભલા ધનકુબેરોને પણ અચંબિત કરી દીધા.
કોરોનાનું વર્ષ હતું અને મોટા-મોટા ધંધા ઉદ્યોગ મંદીમાં ધકેલાઇ ગયા હતા ત્યારે આ સમયમાં પણ અદાણીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. આ બધું થયું છે તેની મુખ્ય છ કંપનીના શેરોમાં રોકાણકારોએ મૂકેલા વિશ્વાસ થકી. રોકાણકારોએ આ અદાણી જૂથના શેરોમાં ભારે ઉછાળો લાવી દીધો. અદાણી પ્રમોટરોના તેમની કંપનીમાં મોટેભાગે 75 ટકા કે તેથી વધુના પ્રમોટર્સ હોલ્ડિંગ છે અને તેમના શેરમાં તેજી આવતાંની સાથે તેમના નેટવર્થમાં જબ્બર ઉછાળો આવે છે. અહીં તેમનો કારોબાર, તેમની કંપનીઓના ભાવમાં આવેલો ફેરફાર અને કઇ મૂલ્યવૃદ્ધિએ તેમને પ્રથમ ક્રમે પહોંચાડયા તેનું વિશ્લેષણ છે.
ગૌતમ અદાણીએ ટેક્સટાઇલ-હીરા કારોબારથી વ્યાપારની શરૂઆત કરી એ પછી અદાણી એક્સપોર્ટની સ્થાપના કરી જે આજે અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે વિશ્વસ્તરે કામ કરે છે. એ પછી પોર્ટ, પાવર, ગેસ અને કુદરતી ઊર્જા ક્ષેત્રમાં કારોબાર ફેલાવ્યો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષમાં હવે એરપોર્ટ, ડેટા સેન્ટર અને સૂર્ય-પવન ઊર્જામાં ઝડપી ડગ માંડયા. જેનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો કે છૂટક ઇન્વેસ્ટર હોય, બધા લાંબાગાળાના રોકાણ સાથે ભરોસો મૂકી રહ્યા છે. જેથી આ જૂથના એક સિવાયની તમામ પાંચ કંપનીઓએ છેલ્લા માત્ર અઢી મહિનાથી પણ ઓછા સમયમાં 50 ટકા કે તેથી વધુ વળતર આપ્યું છે. માત્ર એક કંપની અદાણી ગ્રીન એનર્જીએ 50 ટકાથી ઓછું એટલે કે બાર ટકાનું વળતર આપ્યું છે પણ તેણે ગત વર્ષે એટલે કે, 2020માં તો 500 ટકાથી પણ વધુની કમાણી કરાવી હતી. 2020માં તો કોરોનાના કારણે અર્થતંત્ર મંદીની ગર્તામાં ધકેલાઇ ગયું હતું, પણ આ જૂથના શેરોએ તો રોકાણકારોને બાર હજારના લાખ કરી દીધા. એક વર્ષમાં 200થી 700 ટકાની કમાણી કરી દીધી હતી.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ ગુજ્જુ ઉદ્યોગપતિનો તેમની સાથેનો ઘરોબો જાણીતો છે. નીતિ વિષયક બાબતોમાં આ ઉદ્યોગપતિના જૂથને લાભ મળે તો પણ શું ? ધંધાકીય કૌશલ્ય વિના આવી સિદ્ધિ ન મળે. સાત ભાઇ-બહેનમાંના એક એવા ગૌતમભાઇ વારસાગત અબજોપતિ નથી. જાતે આગળ વધેલા અબજપતિ છે. જે એક સમયે સ્કૂટર ચલાવતા હતા અને આજે ચાર હેલિકોપ્ટર ધરાવે છે. દેશના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત મુંદરા પોર્ટનું સંચાલન આ ગ્રુપ પાસે છે. સરકારે એરપોર્ટનું ખાનગીકરણ શરૂ કર્યું એ પછીની બિડિંગમાં પણ આ જ જૂથ આગળ રહ્યું હતું. આ લેખ સાથે અલગ-અલગ કોષ્ટકમાં કંપનીની મૂલ્યવૃદ્ધિ દર્શાવી છે જેને લીધે બિલિયોનર ઇન્ડેક્સમાં આ ગ્રુપ સ્થાન પામ્યું હતું.
ગુજ્જુ ઉદ્યોગપતિની પાંચ રોચક વાતો
- ધંધાકીય સૂઝ : ગૌતમ અદાણી સાચા અર્થમાં આત્મનિર્ભર અબજપતિ છે. માત્ર 20 વર્ષની ઉંમરે જિંદગીના પહેલા દસ લાખ રૂા. માત્ર 3 વર્ષના સમયમાં મુંબઇમાં ડાયમંડ બ્રોકર તરીકે કામ કરીને કમાઇ લીધા હતા. વારસામાં ટેક્સટાઇલ બિઝનેસ હતો, પણ નવા ધંધામાં ટૂંકાગાળામાં કૌશલ્ય લીધું.
- વાટાઘાટ કુશળતા : ઉડ્ડુપીના થર્મલ પાવર પ્લાન્ટની માત્ર 6000 કરોડ રૂપિયામાં ડીલ કરી અને આ પાછળ માત્ર 100 કલાકની જ નેગોશિયન પ્રક્રિયા ચાલી.
- બંદર-વીજ ક્ષેત્રે ટોચે : 1995ના ગાળામાં મુંદરા પોર્ટના સંચાલનનો કરાર ગુજરાત સરકાર પાસે મેળવ્યો. જે પછી બંદર ખાનગી થયું અને દેશનું ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું અને આધુનિક બંદર બન્યું. કચ્છમાં 4620 મેગાવોટના દેશના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા થર્મલ વીજ પ્રોજેક્ટની સ્થાપનાથી શરૂ કરી, આજે અદાણી જૂથ વીજ ક્ષેત્રનું અગ્રણી ઉત્પાદક એકમ બન્યું.
- `પ્રયાસ' મંત્ર : એકવાર પત્રકારો સાથેની વાતચીતમાં અદાણીએ કહ્યું હતું કે, તેઓ એક મંત્ર સાથે કામ કરે છે, જે તેમને સફળતા તરફ લઇ જાય છે. જીવન દરમ્યાન `પરિણામો' પ્રત્યે ઝનૂની થવાને બદલે `પ્રયાસ' પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
- રેલવે-પોર્ટ લીકેજ નીતિ : ભારતની દેશના બંદરોને રેલવે સાથે જોડી દેતી નીતિના મૂળમાં આ ઉદ્યોગપતિનું વિચારબીજ છે. તત્કાલીન રેલવેમંત્રી નીતિશકુમાર સમક્ષ આ બંને ક્ષેત્રને જોડવાનું રાષ્ટ્રીય મહત્ત્વ મૂક્યું હતું, પછી યોજના આવી હતી.
અદાણી જૂથે રોકાણકારોને કરાવી ધૂમ કમાણી
અદાણી જૂથની એક વર્ષ પહેલાંનો યર ટુ ડેટ વર્તમાન માત્ર અઢી મહિનાનું કંપનીઓ ભાવ તા. 1/1/21નો ભાવ 2021નું રિટર્ન
તા. 16/3/20 ભાવ ટકાવારી
અદાણી ગ્રીન એનર્જી 117 1065 1158 9
અદાણી એન્ટરપ્રાઈઝ 134 491 892 82
અદાણી ટોટલ ગેસ 363 363 744 104
(તા. 13/1)
અદાણી પોર્ટ એન્ડ સેઝ 261 503 723 44
અદાણી ટ્રાન્સમિશન 171 434 774 79
અદાણી પાવર 28 50 75 50
માલિકના શેરોની ટકાવારી અને બજાર મૂડીમાં વૃદ્ધિ
અદાણી જૂથની કેટલા ટકા પ્રમોટ 2021માં માર્કેટ
કંપનીઓ શેર હોલ્ડીંગ કેપમાં વધારો
અદાણી ગ્રીન એનર્જી 74.9 1.8 લાખ કરોડ
અદાણી એન્ટરપ્રાઈઝ 74.9 1
લાખ કરોડ
અદાણી ટોટલ ગેસ 74.8 80 હજાર કરોડ
અદાણી પોર્ટ એન્ડ એસ.ઈ.ઝેડ 63.75 1.5 લાખ કરોડ
અદાણી ટ્રાન્સમિશન 74.9 85
હજાર કરોડ
અદાણી પાવર 74.9 29
હજાર કરોડ
વિશ્વમાં 26મો ક્રમ ; પણ વૃદ્ધિમાં પ્રથમ
વિશ્વમાં સૌથી ઉદ્યોગપતિ કુલ ચોખ્ખી સંપતિ 2021ના આરંભથી
સમૃદ્ધોમાં ક્રમ (અબજ?ડોલરમાં) સંપત્તિ વધ-ઘટ
1 જેફ બેઝોસ 181 -8.78 (ઘટાડો) અબજ ડોલર
2 એલન મસ્ક 179 8.39 અબજ ડોલર
3 બીલ ગેટસ 139 7.46 અબજ ડોલર
4 બર્નાડ આનૌલ્ટ 125 10.7 અબજ ડોલર
5 માર્ક ઝુકરબર્ગ 102 1.65 અબજ ડોલર
6 વોરન બફેટ 99.4 11.7 અબજ ડોલર
7 લેરી પેજ 94.7 12.2 અબજ ડોલર
8 સર્જી બ્રિન 91.6 11.8
અબજ ડોલર
9 સ્ટીવ બોલોર 85.2 85.2 અબજ ડોલર
10 મુકેશ અંબાણી 83.1 8.1 અબજ ડોલર
26 ગૌતમ અદાણી 49.7 16.2 અબજ ડોલર
No comments:
Post a Comment