ફી સાથે રિ`ન્યૂ' કે ફી વિના બાય `ન્યૂ'
બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે નવી વાહન નીતિ-વ્હીકલ ક્રેપ પોલિસીની જાહેરાત કરી. જેમાં જૂની ગાડીઓને પુન: રજીસ્ટ્રેશન અને ફિટનેસ ટેસ્ટ પછી ચલાવવાની છૂટ અપાઈ, પણ નીતિ એવી છે કે જૂની ગાડી ફિટ હશે તોય મોંઘી પડશે. જે સરકારનો સીધો ઈરાદો દેખાડે છે કે 15 કે તેનાથી વધુ વર્ષ જુના વાહનો યા તો ભંગારમાં નાખી દેવામાં આવે કે ઊંચી ફેરનેંધણી ફી ભરીને ચલાવવામાં આવે ! સરકારનો હેતુ સારો છે, જેની લાંબા સમયથી ચિંતા થાય છે એ પ્રદૂષણનાં સ્તરમાં ઘટાડો થાય અને માર્ગ સુરક્ષા પણ વધે, કારણ કે નવા વાહનો વધુ સારી સુરક્ષા સુવિધાઓ ધરાવે છે. આ માટે નવા વાહન ખરીદવા માટે ગ્રાહકોને ઘણા આકર્ષણ પણ મૂકવામાં આવ્યાં છે, પરંતુ ગ્રાહકની સાથે સરકારને પણ મસમોટી આવક ઊભી થશે. બીજીતરફ, જોકે વ્યાપારની દૃષ્ટિએ ભારતનું ઓટોમોબાઈલ ક્ષેત્ર દસ લાખ કરોડ એટલે કે લગભગ બે ગણું થઇ જવાનો વિશ્વાસ દર્શાવાયો છે. જ્યારે આ નીતિથી આગામી વર્ષોમાં આ ક્ષેત્રમાં કુલ 3.70 કરોડ યુવાનોને રોજગારી મળવાનો અને નવા ઉભા થનારા માત્ર ફિટનેસ સેન્ટરોમાં જ 35000 લોકોને રોજગારી મળવાની આશા છે. ગત બજેટમાં નાણામંત્રીએ આવી નીતિ લાવવાની જાહેરાત કરી જ દીધી હતી અને હવે જાહેર થયેલી આ નીતિ આગામી પહેલી ઓક્ટોબરથી લાગુ થઇ જશે. આ મુદે્ સામાન્ય લોકો 30 દિવસ સુધી સૂચનો પણ મોકલી શકશે. માર્ગ પરિવહન મંત્રીએ તેમના વક્તવ્યમાં દર્શાવેલા જુના વાહનોના આંકડા મુજબ, તો આગામી 5 વર્ષોમાં લગભગ સવા બે કરોડ વાહનો રસ્તા પરથી હટી જશે અને ભંગાર બની જશે, જ્યારે પ્રદૂષણનાં સ્તરનું આકલન કરતી સંસ્થાઓના દાવા મુજબ 70 ટકા સુધી પ્રદૂષણ ઘટી જશે. ક્રેપથી પ્લાસ્ટિક, સ્ટીલ અને તાંબુ મળશે, જેનો બીજીવાર ઉપયોગ કરવાથી વાહનોનો ખર્ચ પણ ઘટશે. આ નીતિની મહત્ત્વની જોગવાઈઓ શું છે ? વાહન ધારકને શું ફાયદો થશે અને સરકારને શું લાભ છે તે સહિતની અહીં છણાવટ કરવામાં આવી છે.
શું છે મહત્ત્વની દરખાસ્તો ?
આ નીતિના દાયરામાં દેશમાં અત્યારે દોડી રહેલા 20 વર્ષથી જુના અંદાજે 51 લાખ એલ એમ વી વાહનો અને 15 વર્ષથી જુના 34 લાખ અન્ય એલ એમ વી વાહનો આવી જશે. જે અંતર્ગત 15 લાખ મધ્યમ અને ભારે મોટર વાહન પણ આવી જશે. બધા ખાનગી વાહનોનું 15 વર્ષ માટે રજીસ્ટ્રેશન હોય છે, નવી નીતિમાં ડીઝલ અને પેટ્રોલના ખાનગી વાહનોને હવે 20 વર્ષ સુધી ચલાવવાની મંજુરી મળશે, પણ શરતો આકરી કરી દેવાઈ છે. ખાસ તો ટેસ્ટ અને ફી. ફી તો કેટલાક પ્રકારના વાહનોમાં આઠ ગણી વધારવામાં આવી છે. યક્ષ પ્રશ્ન એ છે કે પ્રદૂષણ સહિતના માપદંડની પરીક્ષા કેટલી પારદર્શક રીતે લેવામાં આવે છે ? જો એજન્ટોના માધ્યમથી ઘરબેઠે ખોટા સર્ટીફિકેટો આપવાનું ચલણ રહેશે તો આયુષ્ય વટાવી ચુકેલી ગાડીઓ માર્ગ પર વધુ દોડશે, નહીં તો પરીક્ષણ એટલું આકરું છે અને ફી પણ વધુ છે એટલે એ ક્રેપમાં જશે. જેની સરકારને અપેક્ષા છે. જોગવાઈ એવી છે કે, 20 વર્ષથી વધુ જુના ખાનગી વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યા કે પાસ થયા પછી પણ રજીસ્ટ્રેશન રિન્યૂ ન કરાવે તો 1લી જુન, 2024થી આપોઆપ રજીસ્ટ્રેશન રદ થઇ જશે, અને ફિટનેસમાં નિષ્ફળ રહેનાર ગાડી ક્રેપ થશે. જોકે, ખાનગી વાહનોને ટેસ્ટમાં બીજી તક આપવામાં આવશે. એ પછી પણ નિષ્ફળ જશે તો ગાડી ક્રેપ કરાશે.
મહત્વની તારીખો
-1લી ઓક્ટોબર,2021થી નવી નીતિ નિયમ લાગુ, બધી શ્રેણીનાં વાહનોને તબક્કાવાર ફિટનેસ ટેસ્ટ ફરજીયાત -ફિટનેસ નિષ્ફળ કે પાસ થયા પછી પણ રિન્યૂ ન કરાવનારા વાહનોની નોંધણી પહેલી જૂન, 2024થી આપોઆપ રદ. -પહેલી એપ્રિલ,2023થી 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ જરૂરી અથવા નોંધણી રદ. સરકારી વાહનો 15 વર્ષ જુના થાય એટલે ક્રેપીંગ થશે. એ માટે પહેલી એપ્રિલ,2022ની સમયમર્યાદા છે.
70 ટકા સુધી પ્રદૂષણ ઘટવાની આશા
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં હેવાલ મુજબ 2025 સુધીમાં સવા બે કરોડ વાહનો ક્રેપ થઇ જશે. જ્યારે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નિષ્ણાતોએ કહ્યું હતું કે, આનાથી પ્રદૂષણ બહુ ઓછું થઇ જશે. જુના વાહનો જ વધુ પ્રદૂષણ કરે છે અને હવે નવા બનતા વાહનો ઓછા પ્રદૂષણવાળા અપગ્રેડ ટેકનોલોજીવાળાં છે, જેથી આ વાહનો ભંગાર થઇ જશે એટલે પ્રદૂષણ ઘણું ઘટી જશે.આઇઆઇટી, મુંબઈ અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટનાં નવા સર્વે મુજબ વાહનોથી થનાર પ્રદૂષણમાં 70 ટકા પ્રદૂષણ 15થી 20 વર્ષ જૂની ગાડીઓના કારણે થાય છે. આવામાં નવી નીતિથી બહુ બદલાવ દેખાશે તેવી અપેક્ષા છે.
ગ્રાહકોને શું ફાયદો ?
-સરકારે વાહન નિર્માતા કંપનીઓને એવી ભલામણ કરી છે કે, જે ક્રેપીંગ સર્ટીફીકેટ દેખાડે તેને નવી ગાડી પર પાંચ ટકા છૂટ આપવામાં આવે. -નવી ગાડી લેવા સમયે રોડ ટેક્સમાં 3 વર્ષ માટે 25 ટકા સુધીની છૂટનો આ નીતિમાં ઉલ્લેખ છે. રાજ્ય સરકારો ખાનગી ગાડીમાં 25 ટકા અને કોમર્શિયલમાં 15 ટકા સુધીની છૂટ આપી શકે છે. -ગાડી ક્રેપ કરવા સમયે પણ નવી ગાડીની શો રૂમ કિંમતનાં 4 થી 6 ટકા સુધી માલિકને વળતર અપાશે. -નવી ગાડીની ખરીદીમાં રજીસ્ટ્રેશન ફી માફ કરી દેવાશે. આમ, કુલ મળીને ક્રેપ કરાતા વાહનોનાં બદલામાં 10 થી 15 ટકા રાહત મળી શકે છે.
સરકારને શું ફાયદો ?
- જ્યારે લોકો જૂની ગાડી ક્રેપ કરશે અને નવી ગાડી ખરીદવાનું શરૂ કરશે એનાથી સરકારને વાર્ષિક લગભગ 40,000 કરોડની જીએસટીની આવક થવાની ધારણા છે. આ સિવાય વધેલી ફીની આવક તો અલગ. - હવે રજીસ્ટ્રેશનનો સમય વધવા સાથે બીજીવાર રજીસ્ટ્રેશનની ફી પણ મસમોટી કરી નાખવામાં આવી છે. જેમ કે જૂની મોટર સાઈકલ માટે પુન:નોંધણીની વર્તમાન ફી 300 છે, જે વધીને 1000 રૂા. થશે. કાર અને જીપમાં આ ફી 500 રૂા. હતી જે વધીને 5000 રૂા. થશે. વ્યાવસાયિક વાહનો માટે 1500 રૂા.થી વધીને 12,500 થઇ જશે. - અત્યારે કોમર્શીયલ વાહનોને આઠ વર્ષ પછી પ્રતિ વર્ષ ફિટનેસ કરાવવાનું હોય છે, હાલની ફી 800 રૂા. છે, જે વધીને 7500 થઇ જશે. આમ, આવા વાહનોને 15 વર્ષમાં ફિટનેસ ફી પેટે 15 વર્ષમાં 52,500 રૂા. ચૂકવવા પડશે.
718 ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખૂલશે
સરકારની નવી નીતિમાં ગાડીને ક્રેપ કરવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર ગોઠવવાની યોજના છે. દેશના દરેક જિલ્લામાં પબ્લિક પ્રાઈવેટ ભાગીદારી (પીપીપી મોડેલ) મુજબ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ સેન્ટર ખોલાશે. આ સેન્ટરમાં ગાડી ક્રેપ કરાવ્યા બાદ એક ત્યાંથી એક પ્રમાણપત્ર મળશે, જે આધારકાર્ડ સાથે નવી ગાડી ખરીદવા સમયે ડીલર પાસે રજૂ કરાતાં ગાડીની કિંમતના 4થી 6 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ટેસ્ટમાં કાર્બન ઉત્સર્જન, બ્રેકીંગ, અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ,1889 અંતર્ગત સુરક્ષા તપાસ થશે.
No comments:
Post a Comment