ઉચ્ચ શિક્ષણમાં આમૂલ બદલાવના બે દાયકા
દસ કોલેજો અને પરંપરાગત કોર્સથી બે દાયકામાં 46 કોલેજો સુધીની સફર : ભૂકંપ પછીનાં ઝડપી નવસર્જન વચ્ચે
કચ્છમાં અલાયદી યુનિવર્સિટીની સ્થાપનાથી હરણફાળ
2001ના ગોઝારા ભૂકંપે જેમ ઇમારતો ધ્વસ્ત કરી લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું, દસ હજારથી વધુ લોકોના જીવ લીધા, અબજોનું નુકસાન કર્યું, અનેક ક્ષેત્રોને જફા પહોંચાડી, તેમાં કચ્છનું તે સમયે મર્યાદિત રહેલું ઉચ્ચ શિક્ષણ પણ બાકાત ન રહ્યું. 26મીના રજા હતી એટલે કે મોટી જાનહાનિ ટળી, નહીં તો આ ક્ષેત્રે જાન-માલની હાનિ વધુ હોત. પણ સુખદ વાત એ છે કે આજે બે દાયકે ઉચ્ચ અને ટેકનિકલ ક્ષેત્રે કચ્છે હરણફાળ પ્રગતિ કરી છે ને તેમાં 2003ની કચ્છ યુનિવર્સિટીની સ્થાપનાનો પડાવ બહુ મહત્ત્વનો છે. યુનિવર્સિટીની સ્થાપનાનેય આમ તો ભૂકંપ સાથે સીધો સંબંધ નથી. કારણ કે 1998માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરાસિંહ વાઘેલાની સરકારના `સરકાર લોકોને દ્વાર' કાર્યક્રમમાં જ સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી હતી, પણ મહત્ત્વનું એ છે કે, ભૂકંપે કચ્છ પ્રત્યે સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું અને નવસર્જનના આ ધસમસતા પ્રવાહમાં યુનિવર્સિટી અને તમામ ઉચ્ચ શિક્ષણને મોટો લાભ મળ્યો. બીજું કચ્છનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો, એમાં અનેક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ નવા નવા વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવા પ્રેરિત થઈ. સમગ્રતયા બે દાયકામાં કચ્છે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે પ્રગતિ કરી છે. એવી જ રીતે ટેકનિકલ અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રે પણ છલાંગ લગાવી કચ્છના છાત્રોને ભણવા માટે તો બહાર જવું જ પડે એવું મહેણું ભાંગ્યું છે. તબીબી હોય કે ઇજનેરી-ફાર્મસી હોય કે અન્ય કોઈ.. આજે કચ્છમાં અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. હા, તમને ગુણવત્તા માટે બહાર જવું પડે એ અલગ વાત છે અને ભૂકંપના 20 વર્ષ પછી હવે આ મહેણું ભાંગવા પર ધ્યાન આપવાની જરૂર છે. પણ સફળતા એ છે કે હવે તમારે બહાર ભણવા જવું હોય તો એ તમારી 'મરજી' છે, 'નાછૂટકે' બહાર જવું પડે જ પડે એ સ્થિતિમાં બદલાવ આવ્યો છે.
સ્વતંત્ર કચ્છ યુનિવર્સિટીથી ઉચ્ચ શિક્ષણમાં હરણફાળ
આમ તો ભૂકંપ પહેલાં જ કચ્છ યુનિવર્સિટીને સૈદ્ધાંતિક મંજૂરીથી ઉચ્ચ શિક્ષણના વિકાસનો માર્ગ મોકળો થઈ ગયો હતો. પરંતુ ભૂકંપ પછીનાં નવસર્જન સાથે શિક્ષણ વિકાસે પણ વેગ પકડયો. 2003ના માર્ચમાં ગેઝેટમાં યુનિવર્સિટીની સ્થાપનાનો મુદ્દો મુકાઇ ગયો. જે સરકારી કચેરીઓ પડી ગઈ હતી એમાંની ઘણી જ્યુબિલી ગ્રાઉન્ડમાં કાર્યરત હતી, તેમાં એક પ્રી-ફેબ કાર્યાલય કચ્છ યુનિવર્સિટીનું પણ ઊભું થયું. અહીંથી ગુજરાત પ્રવાસન ખાતા હસ્તકની હોસ્ટેલમાં રૂમ ફાળવાયા. આ પછીના સીમાચિહ્નરૂપ તબક્કામાં યુનિવર્સિટીના સ્વતંત્ર ભવનનું નિર્માણ પણ થયું, જે કચ્છનાં ધમધોકાર નવસર્જનની કડીમાં સાથે જોડાઈ ગયું. 2004માં સત્તાવાર જાહેરનામું બહાર પડ્યાના ટૂંકા ગાળામાં તા. 20-09-07ના તો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 205 એકરમાં સંપાદિત જમીન વચ્ચે વહીવટી ભવન સહિત વિવિધ ઇમારતોનું લોકાર્પણ પણ થઈ ગયું.
શિક્ષણની વાત કરીએ તો આઠ કોલેજો અને સરકારી ઇજનેરી અને પોલીટેકનિક કોલેજ સહિત દસ કોલેજ કચ્છ યુનિવર્સિટીમાં જોડાઈ. જો કે, ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુ શરૂ થતાં ઇજનેરી અને ફાર્મસી અભ્યાસની કોલેજો તેમાં ભળી ગઈ. પ્રારંભમાં પાંચ ભવનમાંથી તરત વધતાં 2008 સુધીમાં વધુ ત્રણ ઉમેરાઈને સંખ્યા કુલ 8 ભવનોની થઈ. એ પછી સેલ્ફ ફાયનાન્સનો યુગ શરૂ થયો. ગાંધીધામમાં ડો. ગજવાણી બી.એડ. કોલેજ એ સૌથી પહેલાં સ્વનિર્ભર કોલેજ તરીકે જોડાઈ. ખાનગી કોલેજોમાં જોડાણનો આ દોર ઝડપથી આગળ વધ્યો અને આજે 46 કોલેજો કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. બીજી બાજુ યુનિવર્સિટી ભવનોમાં પણ એમ.એસસી., એમબીએ, એમ.એસ.ડબલ્યુ., પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સ્વનિર્ભર અભ્યાસક્રમો શરૂ થયા. આજે કચ્છના ઉચ્ચ શિક્ષણના ફેલાવાની વાત કરીએ તો એકેય તાલુકો એવો નથી કે જેમાં કોઈ કોલેજ ન હોય. અંતરિયાળ દયાપર (લખપત તાલુકો), રાપર, અબડાસા સહિત દરેક તાલુકામાં કમસે કમ એક કોલેજ છે. સ્વનિર્ભર કોલેજો સિવાય બીજી મોટી સિદ્ધિ એ મળી કે નખત્રાણાની જીએમડીસી સંચાલિત કોલેજને થોડા સમય પહેલાં જ ગ્રાન્ટેડનો દરજ્જો મળી ગયો. આ પહેલાં માંડવીમાં સરકારી મરીન સાયન્સ કોલેજ મળી.
શૈક્ષણિક ક્ષેત્રની કચ્છને અન્ય મોટી સફળતા યુનિવર્સિટીને 12-બીની માન્યતાના રૂપમાં મળી. કારણ કે સ્થાપના સમયે યુજીસીનું 2-એફનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હતું. છેલ્લા બે દાયકામાં ધરતીકંપના કારણે ઉચ્ચ શિક્ષણના લાભની વાત આવે ત્યારે વીરાયતન સંસ્થાનો મુદ્દો મહત્ત્વનો બને છે. બિહારની સેવા, શિક્ષણ અને સાધનાને સાધનાના સૂત્ર સાથે કામ કરતી આ સંસ્થાએ ભૂકંપ પછી સેવાકાર્યથી આરંભ કર્યા બાદ કચ્છમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
આજે ઇજનેરી, મેનેજમેન્ટ અને ફાર્મસી કોલેજો સાથેના વિશાળ વિદ્યા સંકુલનું નિર્માણ કરી દીધું છે. માંડવી નજીકના જખણિયા નજીક ઊભા કરાયેલા આ વિદ્યાધામથી આસપાસના છાત્રોને લાભ મળે છે. આ સિવાય ભૂકંપ પછી આવેલી રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ ઇન્દ્રપ્રસ્થમાં કોલેજ શરૂ કરીને ઉચ્ચ શિક્ષણમાં યોગદાન આપ્યું છે. (ક્રમશ)
કચ્છ યુનિ.ના આરંભે ઉચ્ચ શિક્ષણ-પ્રગતિ
- દસ કોલેજો (સરકારી ઇજનેરી-પોલીટેકનિક સહિત)
- વિદ્યાર્થી સંખ્યા : 2005માં 4328
- ભવનની સંખ્યા : પાંચ; 2008માં વધુ 3 વિભાગ ખુલ્યા
- 2006-07માં પ્રથમ પીએચ.ડી. ડિગ્રી અપાઇ
- તા. 1/8/06ના મળ્યા પ્રથમ કુલપતિ
- 2010-11માં વિદ્યાર્થી સંખ્યા : 19,108
2021ની સ્થિતિએ કચ્છ યુનિ. હેઠળ ઉચ્ચ શિક્ષણ
- કુલ સંલગ્ન કોલેજો : 46, કુલ સંલગ્ન ભવનો : 14
અભ્યાસક્રમો :
- સ્નાતક-10, અનુસ્તાનક-18, પીજી ડિપ્લોમા-4, સર્ટિફિકેટ કોર્સ-8
પીએચ.ડી. :
- કુલ ગાઇડ-61, વર્તમાન વિદ્યાર્થી-131
- સ્થાપનાથી અત્યાર સુધી 192 ડોક્ટરેટ થયા
- હજુ 25 વિદ્યાર્થી નોંધણી પ્રક્રિયામાં
વર્તમાન વિદ્યાર્થી સંખ્યા :
સ્નાતક (સેમ. 1/3/5) 14,800
અનુસ્નાતક (સેમ. 1/3) 5,300
અનુસ્નાતક કોર્સ 2020-21થી બંધ થતાં લગભગ 4000 વિદ્યાર્થીઓનો ઘટાડો, બાકી દર વર્ષે વિદ્યાર્થી સંખ્યા વધતી હતી.
12 (બી)ની માન્યતા :
તા. 16/2/18ના યુજીસીની મહત્ત્વની માન્યતા મળી
- દીક્ષાંત સમારોહ :
જુલાઇ-2010માં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની હાજરી. અત્યાર સુધીમાં 9 પદવીદાન સંપન્ન.
No comments:
Post a Comment