બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય
આજે કોઇ ઇન્જિનીયરિંગ કરે તો સારા પેકેજમાં કોઇ કંપનીમાં જોડાય અને આગળ વધે, પરંતુ ઇજનેરી વિષય જ કંઇક નવું-નવું આપવાનો છે. શું ખામી છે, શું બજારની માગણી છે, તેની સમજ સાથે કંઇ નવતર સાહસ કરી નવી દિશા ચીંધવાનો આ વિષય છે. એને આવું કામ, ભુજની વી.ડી. હાઇસ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કરીને એ સમયમાં નવતર ગણાતા અને ગુજરાતમાં પહેલીવાર શરૂ થયેલા બીઇ ઓટોમોબાઇલ ઇન્જિનીયરિંગનો 2007માં વલ્લભવિદ્યાનગરની એડીઆઇટી કોલેજમાંથી પાસ થનારા યુવાન જીત હિતેશભાઇ ગોસ્વામીએ કર્યું છે. એકબાજુ, સરકારે સ્ટાર્ટઅપ પોલિસીની લાંબા સમય પહેલાં જાહેરાત કરીને નવતર સાહસને આર્થિક, ટેકનિકલ સહાય, માર્ગદર્શન આપી રહી છે. બીજીતરફ, નવી ક્રેપ પોલિસીની બે-ત્રણ વર્ષથી ચાલતી વાતો પછી હવે તેની લોકસભામાં જાહેરાત પણ થઇ ગઇ. ટૂંકમાં અમલની જાહેરાત પણ થઇ શકે છે. આ સંજોગોમાં જીત ગોસ્વામીએ એવું ઓનલાઇન પોર્ટલ ચાલુ કર્યું જે ભારતમાં એક શોધ છે-નવતર છે. આજે ઓનલાઇન જમાનામાં જૂની કાર વેચતી વેબસાઇટો છે, પણ ગાડીની મરંમત કરવા વખતે જ્યારે પાર્ટસની જરૂર પડે તો નવા જોઇએ તો ઓનલાઇન કે તેના ઓથોરાઇઝ ડીલર પાસે જાય, કે ગાડી ક્રેપિંગનો વ્યાપાર કરતા કબાડીવાળા પાસે મળે. પણ હવે ગાડીઓના જૂના અને સારા પાર્ટસને રિફર્બિશ કરી ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં લાવી અને ગુણવત્તાની ખાતરી સાથે ઓનલાઇન મંચ આપવાનું સાહસ કર્યું ભુજના ઇજનેરે. જેને ઇન્ટરપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ) અને પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના એક વિભાગ સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિનિયોરશિપ (સીઆઇઆઇઇ) દ્વારા માન્યતા મળી. દેશના નવતર સાહસો-વ્યાપાર પર નજર રાખતી સંસ્થાએ તેને સહાય કરી એટલું જ નહીં, આઇઆઇએમના વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડી તરીકે મૂકી છે. `કચ્છમિત્ર' સાથે કરેલી ખાસ વાતચીતમાં આ યુવાને કહ્યું કે, ઇજનેર બન્યા બાદ ઇન્સ્યોરન્સ સર્વેયર બની, સરકારી લાયસન્સ મેળવ્યા બાદ એક દાયકો કામ કર્યું તેમાંથી ક્રેપના આ વિશાળ વ્યાપારને કેમ વ્યવસ્થિત સ્વરૂપ આપવું તેનો વિચાર આવ્યો. આ પાર્ટસની બજારમાં ગુણવત્તા અને ઉપલબ્ધતાના પ્રશ્નો જોયા. સામાન્ય ક્રેપિંગ ધંધાર્થી પાસે પાર્ટસ હોય તોય તેને ખબર ન હોય, માત્ર ભંગારના ભાવે ગાડી લઈ લે, તેમાંથી શું-શું નીકળ્યું અને કેટલો કમાણો તેનોય કોઈ હિસાબ ન હોય. અમે એક કંપની સ્થાપી ક્રેપિંગ બિઝનેસને ઓનલાઈન મંચ આપ્યો, `પાર્ટકાર્ટ' વેબસાઈટ પરથી માત્ર ભુજ કે કચ્છ નહીં સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી માગણી આવે છે. આ પોર્ટલ પર તમામ બ્રાન્ડેડ ગાડીઓના કયા પાર્ટ, કઈ કિંમતે મળે છે તેની જાણકારી છે. ઓનલાઈન પેમેન્ટ આવે એટલે આપોઆપ તે પાર્ટ વેચાઈ ગયો દેખાડે. બીજા શહેરોની માગણી અમે કુરિયર દ્વારા પૂરી કરીએ છીએ. આ ઓનલાઈન પોર્ટલ બિઝનેસ મોડલ અન્ય ક્રેપ ધંધાર્થી કરતા કઈ રીતે અલગ પડે છે, તેવા એક સવાલમાં જીતુભાઈનું કહ્યું છે કે, પૂર જેવી કોઈ આપત્તિ, અકસ્માત કે અન્ય રીતે રસ્તા પર ન ચાલી શકનારી ગાડીઓ અમારી પાસે આવે. જે વીમાની રકમથી પણ ન ચાલી શકે એમ હોય. સામાન્ય કબાડી પાર્ટ સીધા વેચે પણ અમે તેને પદ્ધતિસર અલગ કરી ક્લીન, રિફર્બિશ અને ટેસ્ટિંગ કરીને ઓનલાઈન ભાવ સાથે મૂકીએ. કઈ ગાડીનો કયો પાર્ટસ છે તેની અમારી પાસે નોંધ હોય અને કઈ ગાડીમાં કેટલો નફો થયો તેની પણ નોંધ હોય. 15 જણની ટીમ છે. ફોટોગ્રાફી સ્ટુડિયો છે. અત્યારે દશ હજાર જેટલા પાર્ટસ મુકાયેલા છે. 2018માં રજિસ્ટર્ડ કપંનીથી શરૂઆત કરી પણ 2019માં સરકારની સ્ટાર્ટઅપ યોજનાના સહકારથી 2019થી વ્યાપાર જામ્યો અને છેલ્લા એક વર્ષમાં આવકમાં 70 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સિવાય સુખપર નજીક કાર વે મોટર્સ એલએલપી યાર્ડ તો છે જ. યુવાનોને તક અને ભવિષ્યની યોજના અંગેના સવાલ પર યુવા સાહસિકનું કહેવું છે કે, આ વ્યાપારનો વિસ્તાર સુરત, અમદાવાદ, રાજકોટ સહિત મોટા વિસ્તારમાં કરાશે. મોટા શહેરોમાં વર્કશોપ માટે વાતચીત ચાલુ છે. જેનાથી પાર્ટસ લેવડ-દેવડ સારી રીતે થશે. દુબઈમાં વાત ચાલુ છે. વૈશ્વિક બજાર સુધી પહોંચવાનો ઈરાદો છે. વિકસતું ફિલ્ડ છે. નવી નીતિથી યુવાનોને મોટી તક છે. - દેશનું ક્રેપિંગ બજાર 42,000 કરોડનું પણ, બિનસંગઠિત : નવી નીતિથી વધશે તકો : ફોર વ્હીલર ક્રેપિંગનો ભારતમાં રૂા. 42,000 કરોડનો વ્યાપાર છે, પણ એ બિનસંગઠિત છે. જેને પદ્ધતિસરનો કરવાના સરકારના પ્રયાસો છે. બહુ ઓછા દેશમાંથી ભારત એવો દેશ છે જેમાં હજુ ક્રેપિંગ પોલિસી અમલી નથી, જે હવે થાશે. આનાથી ક્રેપિંગ ધંધામાં ધરમૂળથી પરિવર્તન દેખાશે. અમારો નવતર પ્રયાસ ઘણી કંપનીઓને ગમ્યો છે. ભવિષ્યમાં ઘણી નવી તકો ઊભી થશે એમ `પાર્ટકાર્ટ'ના
સ્થાપકનું કહેવું છે. ક્રેપિંગ પોલિસી પરની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેનાથી ધંધો વધશે. પર્યાવરણને પણ ફાયદો થશે. ખાસ કરીને ઓટો
કંપનીઓને મેટલ
વિદેશથી આયાત કરવી પડે છે એ નહીં કરવી પડે. રિસાઇકલિંગ વધશે. પર્યાવરણ બચાવવા માટે સરકાર આમ જ ઇચ્છે છે. વળી, અત્યારે મહામારીના સમયમાં લોકોનું બજેટ બગડતાં બધા નવા પાર્ટને બદલે સસ્તા અને સારા પાર્ટસ શોધે છે, ત્યારે આ સેક્ટરમાં તેજી નોંધાઇ છે.
No comments:
Post a Comment