રસી ખૂટયાની રાડ : રસી ઉત્સવનું એ લાન : ભારત કેટલું સજ્જ ?
આવશ્યકતા પ્રમાણે ઉત્પાદન વધારો ન થઈ શકે તો રસીઓની આયાતને મંજૂરી આપવી જ પડશે: કમસેકમ ભારતમાં ઉચ્ચ મધ્યમ અને અમીર વર્ગ નાણાં ખર્ચી આયાતી રસી લેવાનું શરૂ કરે તો સરકારનું જુલાઈ સુધી 30થી 40 કરોડને રસી આપવાનું લક્ષ્ય હાંસિલ થઈ શકે
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, જે ગયા વર્ષ કરતાં વધુ ઘાતક છે, વધુ ઝડપે પ્રસરે છે. આ વખતે કેસો અગાઉની ટોચને પણ ઝડપથી વટાવી ગયા છે. અત્યારે એ અંકુશમાં આવે એવા કોઈ સંકેત નથી દેખાતા. સરકાર આંશિક લોકડાઉનના ઉપાય, રાત્રી કર્ફ્યૂ લાદે છે. ગુરુવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણ પર ભાર મૂક્યો. જે એક માત્ર ઉપાય દેખાય છે. 11મીથી 14મી એપ્રિલ સુધી વડાપ્રધાને `રસી ઉત્સવ' જાહેર કર્યો છે. પણ, એય સાચું છે કે રસીકરણના ત્રણ મહિનામાં જ જથ્થો ખૂટયો. થોડા સમયથી ચારથી પાંચ રાજયોએ કેન્દ્રને પત્ર લખીને રસીના ડોઝની કમીનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે સરકારે એ વાતને ઘસીને નકારી કાઢી રાજ્યો દ્વારા જ અયોગ્ય સંચાલન અને મનમાની પદ્ધતિનો સામો આરોપ મૂક્યો છે, પણ ગંભીર મુદ્દો એ છે કે ભારતમાં શું રસીના જથ્થાની કમી છે ? જો હોય તો સરકારની નીતિ કેટલી યોગ્ય છે, ઉત્પાદક કંપની શું કહે છે ? આ મુદ્દાઓની અહીં ચર્ચા છે. જોકે એટલું નક્કી છે કે કટોકટીના આ કાળમાં કોઈપણ ભોગે રસીનું ઉત્પાદન વધારવું પડશે. માત્ર લક્ષ્યાંક નક્કી કરવાથી નહીં ચાલે. વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની ભારતમાં છે, એ ગૌરવની વાત છે અને જો ક્ષમતા વધારવા ભંડોળનો પ્રશ્ન હોય તો એ ઉકેલીને પણ હવે જથ્થો ખૂટે નહીં એ મહત્વનું છે. બીજું `આત્મનિર્ભરતા' સારી વાત છે પરંતુ જ્યારે ભારતમાં કોરોના કાબૂ બહાર નીકળી ગયો છે અને યુરોપનો દાખલો આપણી સામે છે, જે દેશે રસીકરણ ઝુંબેશથી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, ત્યારે આપણા દેશે વિદેશી રસીઓની આયાતને મંજૂરી આપવી પડશે. કમસેકમ ભારતમાં ઉચ્ચ મધ્યમ અને અમીર વર્ગ નાણાં ખર્ચી આવી રસ લેવાનું શરૂ કરે તો સરકારનું જુલાઈ સુધી 30થી 40 કરોડને રસી આપવાનું લક્ષ્ય હાંસિલ થઈ શકે. દેશની મોટી વસ્તી અને મર્યાદિત આરોગ્ય માળખાં પરનો કામગીરીનો બોજ હળવો બને. બીજીબાજુ, રાજ્યોએ પણ સ્થિતિનો સ્વીકાર કરી રસીના નામે રાજકારણ ન રમવું જોઈએ.
અત્યારે દેશમાં નવા સ્ટેનના કેસ દેખાયા છે અને એવા કેસમાં રસીની અસરકારકતા સામેય સવાલ છે પરંતુ એ વાતને બાજુએ મૂકીએ તો જેની એક વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે રસી આપવાનો ચાલુ વર્ષે 16મી જાન્યુઆરીથી આરંભ થયો અને તબક્કાવાર દરેક વર્ગને અપાય છે. શુક્રવારે બપોર સુધીમાં દેશમાં 9.43 કરોડ લોકોને રસી અપાઇ ચૂકી છે. ભારત એ દુનિયાના કુલ વેક્સિન ઉત્પાદનનો 60 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ વધુ વસ્તી અને આ બીજી લહેર વચ્ચે પડકાર મોટો છે.
કેટલા ડોઝનું થાય છે ઉત્પાદન ?
પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી નિર્માતા કંપની છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાજેનેકાની સાથે મળીને `કોવિશિલ્ડ' રસીના મહિને લગભગ 6.5 કરોડ ડોઝનું ઉત્પાદન કરે છે અને જૂન સુધીમાં મહિને 10થી 11 કરોડનું લક્ષ્ય છે. અત્યાર સુધી આ કંપનીએ તેના ઉત્પાદનમાંથી 6 કરોડ ડોઝની ઓછી આવકવાળા દેશોને નિકાસ કરી છે. ભાગીદારીને કારણે એસ્ટ્રાજેનેકા કંપનીએ પણ પૂરતા ડોઝ નહીં પહોંચાડવા બદલ સિરમને નોટિસ આપી છે. કંપની દબાણમાં હોય, ઉત્પાદન વધારવાની જરૂર છે તો બીજીબાજુ ભારત સરકારે રસીની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
રસી ઉત્પાદનની મંજૂરી મેળવનાર બીજી કંપની છે ભારત બાયોટેક. આ કંપની પૂર્ણ સ્વદેશી ધોરણે એક વર્ષમાં 15 કરોડ ડોઝના ઉત્પાદનનું લક્ષ્ય રાખે છે. અત્યારે લગભગ પાંચ કરોડ ડોઝનું ઉત્પાદન કરી ચુકી છે. જોકે ભારતમાં કુલ રસીકરણમાં તેનો હિસ્સો માત્ર 10 થી 12 ટકાનો જ છે. કારણ કે ભારતે માર્ચમાં તેને માત્ર બે કરોડ ડોઝનો જ ઓર્ડર આપ્યો હતો. જોકે પછી નવા ઓર્ડર અપાયા પણ છે.
સિરમ કહે છે 3000 કરોડની જરૂર
કરાર હેઠળ સિરમ ઇન્સ્ટિટ્યૂટે બ્રિટનમાં ડોઝ મોકલવાના છે. બીજીબાજુ `વેક્સિન મૈત્રી' પહેલ હેઠળ ઓછી આવકવાળા દેશોને ભારતે રસી આપવાની થાય છે. સીઇઓ પુનાવાલાએ તાજેતરમાં એક મુલાકાતમાં કહ્યું કે, કેન્દ્ર સરકારના અનુરોધનો અમે સ્વીકાર કર્યો છે. ભારતીયોને જ પ્રાથમિકતા આપવાની છે અને નહીં નફોના ધોરણે બે-ત્રણ મહિના સુધી કિંમત જાળવી રાખવા સહમત થયા છીએ. ઘરેલુ જરૂરિયાત પર ધ્યાન આપવાના લીધે પ્રશ્નો પણ સર્જાયા છે. એસ્ટ્રાજેનેકાની લીગલ નોટિસ મળી છે. યુરોપ અને અમેરિકાથી કાચો માલ પણ રોકી દેવાયો છે. ગુણવત્તાનો પ્રશ્ન છે એટલે બીજી જગ્યાએથી કાચો માલ પણ નથી મંગાવતા. ચીનથી પણ નહીં. કિંમતને સંબંધ છે ત્યાં સુધી 1500 રૂપિયાની રસી માત્ર 160 રૂપિયામાં સરકારને આપીએ છીએ. ખાનગી હોસ્પિટલોમાં વધુમાં વધુ 250 રૂપિયામાં વેચવાની સરકારની મર્યાદા છે. ઉત્પાદન વધારવું સમયની માગણી છે અને અત્યારે તે વધારવા 3000 કરોડની પણ પુર્તતા થવી જોઈએ.
અન્ય દેશોને પુરવઠો; `વેક્સિન મૈત્રી'
વડાપ્રધાને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે `દવા ઉદ્યોગમાં આપણે આત્મનિર્ભર છીએ. દુનિયાના કલ્યાણ માટે કામ આવીયે' થોડા સમય પહેલા બાંગ્લાદેશના પ્રવાસ વખતે પણ 90 લાખ ડોઝ અપાયા, પણ આજે આપણા રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાંથી રસીની ઘટની રાડ ઉઠી છે. આંકડા પર નજર નાખીએ તો, રાજ્યસભામાં માહિતી અપાઈ હતી કે સરકારે 70 દેશોને 5.8 કરોડ ડોઝ મોકલ્યા છે. `વેકસીન મૈત્રી' યોજના અંતર્ગત આ નિકાસમાં 1.04 કરોડ ડોઝ અનુદાન રીતે, 3.57 કરોડ ડોઝ વ્યાપારિક રીતે અને સંયુક્ત રાષ્ટ્રની કોવેક્સ પહેલ અંતર્ગત 1.82 કરોડ અપાયા છે. જોકે, ભારતમાં ડોઝની કમીની રાડ બાદ હવે નિકાસ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ મુકાઇ ગયો છે.
વિદેશી રસીઓને છૂટ સબળ વિકલ્પ
ખાસ કરીને અમીર દેશોએ સૌથી પહેલા, સૌથી વધુ રસી ઉત્પાદનની રીતસર હોડ મચાવી હતી. ઓગસ્ટ-20માં તો અમેરિકાએ બે કંપનીઓ સાથે પુરવઠો પહોંચાડવાના કરાર પણ કરી લીધા. અમેરિકાએ સનોફી અને ગલેકસોસ્મિથ તથા જાપાને ફાઈઝર સાથે કરાર કર્યા. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી હતી કે, `આત્મનિર્ભરતાના બહાને વિદેશી રસીઓના આગમનને ટાળી ન શકાય, કમી હોય તો પૂરી કરવી જ પડે.' ફાઇઝરે તો ભારતમાં આવવા અરજી પણ કરી છે. મોર્ડના અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન પણ અરજી કરી શકે છે. જોકે રશિયાની `સ્પુટનિક-વી' રસીનું ભારતમાં જ ઉત્પાદન કરવા રશિયન કંપનીએ હા પાડી દીધી છે. પેનેસિયા બાયોટેક વર્ષે 10 કરોડ ડોઝ બનાવશે. ભારતનું બજાર અને અર્થતંત્ર મુક્ત છે, તો શા માટે વાંધો હોવો જોઈએ ? વિદેશી રસીના આગમનથી પુરવઠાનો પ્રશ્ન ઉકેલાશે અને કમસેકમ અમીરો ઝડપી રસી લેવાનું શરૂ કરશે, તો સરકારનો બોજોય ઘટશે.
No comments:
Post a Comment