Monday, 27 September 2021

Zee-Sony TV merger; The battle for supremacy in the world of entertainment......!

ઝી-સોની ટીવી વિલય ;મનોરંજન જગતમાં વર્ચસ્વનો જંગ 


વ્યાપારમાં હરીફાઈ વધે તો,  યા તો સસ્તું કરીને બજાર પર કબજો વધારવો પડે, ને એ માટે મોટી મૂડી જોઈએ.  મૂડી ન  હોય તો દેવું કરવું પડે અને છતાંય બજાર ન મળે અને નફો ઘટે કે ખોટ થાય તો છેવટે કંપનીઓને વિલીનીકરણનો માર્ગ લેવો પડે. ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં આવી ઘટનાઓ બની. મૂડીદાર ઉદ્યોગે મફત અને સસ્તુ આપી બજાર સર કર્યું અને પછી ભાવ વધારી દીધા. જૂની કંપનીઓને સંયોજનનો વારો આવ્યો. હવે મનોરંજન જગતમાં વર્ચસ્વની આવી લડાઈ બહાર આવી છે. 
બુધવારે સમાચાર આવ્યા કે ભારતમાં મનોરંજન જગતના પાયાના ખાનગી જૂથની બજારમાં લિસ્ટેડ થયેલી કંપની 'ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ' અને જાપાનના સોની ગ્રુપની મનોરંજન ક્ષેત્રની ભારતીય કંપની 'સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા લિમિટેડ' વચ્ચે વિલય થવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર સ્તર પર બંને કંપનીઓ ભેળવી દેવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિલય સાથે સોની પિક્ચર્સના અંકુશ સાથેની કંપની ભારતમાં મનોરંજન ક્ષેત્રમાં મોટી એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક કંપની બનવા સાથે એક મજબૂત દાવેદાર બનીને ઉભરાશે. આ કરાર એ ભારતીય મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ જગતનો રકમની દ્રષ્ટિએ સૌથી મોટો સોદો હશે.  આમ હવે, તમારી 'ઝી' ચેનલની ટીવી શ્રેણીનું નવું સરનામું આગામી દિવસમાં બદલી જાય તો નવાઈ નહી.  જોકે આ હજુ પ્રાથમિક જાહેરાત છે,  બંને કંપનીઓના સંયોજનની પ્રક્રિયા લાંબી છે, તેમાં અડચણો પણ છે.  બોર્ડની મંજૂરી પછી શેર હોલ્ડરોની મંજૂરી, કેસ હોવાથી કોર્ટની મંજૂરી અને સીસીઆઇ સહીતના નિયંત્રકોની મંજૂરી લેવાની રહેશે. એ પછી અંતિમ રૂપ અપાશે અને નવી સંયોજિત લિસ્ટેડ કંપની બનશે.
પણ, રસપ્રદ વાત એ છે કે ભારતના રૂપર્ટ મર્ડોક ગણાતા સુભાષ ચંદ્રાના ઝી ગ્રુપ કે જેનું હજુ ભારતના મનોરંજન જગતમાં વર્ચસ્વ ખતમ નથી થયું એ અને સોની ટીવી વચ્ચે સંયુક્ત સાહસની વાત કેમ આવી ? કે જે બંને વચ્ચે દર્શકો ખેંચવાની લડાઈ જામી હતી.  જેમ વોડાફોન આઇડીયા ટેલિકોમ હરીફ હતા અને બંને એક થઈ ગયા. ટેલિકોમ ક્ષેત્રમાં ગ્રાહકો છે, તો મનોરંજન ક્ષેત્રમાં દર્શકો છે. અહીં ટીઆરપીની લડાઈ છે. બીજું હવે લડાઈ માત્ર ટીવી દર્શકો પૂરતી નથી, ટેકનોલોજી બદલી છે, ટીવીના દર્શકો ઓછા થયા. સ્ટુડિયો, ટીવી શ્રેણીઓનાં કન્ટેન્ટનો કોની પાસે કેટલો જથ્થો  છે, ફિલ્મના હકકો કોની પાસે કેટલા છે, ડિજિટલ મંચમાં કોણ કેટલુ આગળ વધ્યું છે, એ બધા ક્ષેત્રે પણ હવે હરીફાઈ છે. ઘરમાં એન્ડ્રોઇડ ટીવી આવ્યા પછી કેબલ નહીં, ડિજિટલ મનોરંજન એટલે કે મોબાઈલ ટીવી- ઓટીટીમાં હરીફાઇ જામી રહી છે. મનોરંજન જગતનું ભવિષ્ય ઓટીટી છે. આ વાત બને ગ્રુપ સમજે છે. ઓટીટી ક્ષેત્રમાં વર્ચસ્વ માટે નવી મૂડીની જરૂર છે.  ઓટીટી ક્ષેત્રમાં બંનેની ચેનલો છે જ, ઝી ફાઇવ અને સોની લાઈવ,  પણ હજુ ચોથા-પાંચમા ક્રમની આસપાસ રહે છે. ડિજિટલ મંચમાં ડિઝની હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સનું વર્ચસ્વ છે. આ તો દૂરની વાત છે, પરંતુ ભારતીય ટીવી દર્શકોમાં પણ ડિઝની સ્ટાર ઇન્ડિયાનું વર્ચસ્વ છે. અહી પણ હરીફાઈનો સામનો કરવો પડે છે. જો ઝી અને સોની ભળી જાય તો સ્ટારને પણ ટક્કર આપી શકે. કારણ કે ઝી  દસ ભાષામાં ૧૦૦થી વધુ ચેનલ ચલાવી ૧૮ ટકા વ્યુઅરશીપ ધરાવે છે. પણ, રમતની ચેનલ નથી. સોની ટીવીનું રમતજગતમાં પણ વર્ચસ્વ છે. તેની સ્પોર્ટસ ચેનલ છે.  પણ મનોરંજન ક્ષેત્રની વ્યુઅરશીપ ઓછી છે. અત્યારે ભલે આઇપીએલના હકકો સ્ટાર પાસે હોય, પણ અગાઉ તે અનેક સ્પર્ધામાં બીડ જીતી ચૂકયા છે. ટીવી સીરીયલો કરતાં ભારતમાં ક્રિકેટ પ્રેમને કારણે રમતના દર્શકોના માધ્યમથી દર્શકો વધુ મળે છે, અને તે વ્યૂઅરશીપમાં રોકેટની જેમ વધારો કરે છે.  હવે જો બંને ગ્રુપ ભળી જાય તો ટીવી જગતનું એક ' પાવરહાઉસ'  બની જશે.  અત્યાર સુધી ડિઝનીના  સ્ટારને ભારતમાં આવો કોઈ મોટો પડકાર નહોતો. 
બંને કંપનીઓ વચ્ચે સંયોજનની પ્રક્રિયા ૯૦ દિવસમાં પૂરું કરવાનું નક્કી થયું છે અને જો બધું સમુંસૂતરું પાર પડયું તો આ નવું સંયોજન બેવડી તાકાત સાથે ભારતમાં દર્શકોની રીતે જોવામાં આવે તો પહેલા ક્રમે આવી જશે. એક અંદાજ મુજબ ૨૭ ટકા દર્શકો આ નવા સોની ગ્રુપના હશે.  કારણ કે સ્ટાર ઇન્ડિયા અત્યારે ૨૪ ટકા દર્શકો સાથે પ્રથમ ક્રમે છે. આઇપીએલના હક્કો પણ ૨૦૨૩  સુધીના તેમની સ્પોર્ટસ ચેનલ પાસે છે. વિશ્વના કોર્પોરેટ દીગજજો જાહેરાતોની લહાણી વ્યૂઅરશીપ  પરથી કરે છે અને નવા સંયોજિત સોની ગ્રુપને જાહેરાતોની આવકમાં ટંકશાળા પડી જશે એવી ધારણા છે. વ્યાપાર જગતના અનુમાન મુજબ, આવકની દ્રષ્ટિએ મનોરંજન ક્ષેત્રમાં આ ગ્રુપ બીજા ક્રમે પહોંચી જશે. છેલ્લી નાણાકીય સ્થિતિ મુજબ બંને કંપનીઓની કુલ આવક ગણીએ તો રૂ. ૧૩૬૦૦ કરોડ થાય છે,  જે વધી શકે છે.  મુખ્ય પ્રતિસ્પર્ધી સ્ટાર ઇન્ડિયા માટે આ મોટો પડકાર બનશે. 
શું અને શા માટે ડીલ ? 
ઝી ગ્રુપ અને સોની વચ્ચે બે વર્ષ પહેલાં પણ સંયોજનના પ્રયાસ થયા હતા. એ વખતે 'ઝી'એ શરતો ન માની.  આ વખતે માની લીધી.  સામે સામે કોર્પોરેટ ગવર્નન્સ ના લોકો છે તેની તેની પાછળ સમયે કારણભૂત છે 'ઝી' ની સામે કોર્પોરેટ ગવર્નન્સના આરોપો છે.  તેની મુખ્ય રોકાણકાર વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપની ' ઈન્વેસ્કો' એ વર્તમાન સીઈઓ અને એમડી પુનીત ગોયેંકાનું રાજીનામું માગ્યું હતું.  'ઝી' માં ઈન્વેસ્કોનો ૧૮ ટકા હિસ્સો છે અને વિદેશી રોકાણકારોનો કુલ હિસ્સો ૬૭.૭૨ ટકા છે. ગોયેન્કા પર પદ છોડવાના દબાણ વચ્ચે અચાનક આ ડીલની જાહેરાત થઈ ગઈ.  જેમાં મહત્ત્વની જોગવાઈ છે કે ગોયેંકા પાંચ વર્ષ સુધી સીઈઓ અને એમડી પદે જળવાઈ રહેશે.  જોકે, બાકીના ડાયરેક્ટરની નિમણૂકના અધિકાર સોની પાસે રહેશે. સમજૂતીની જાહેરાત સાથે જ ઈન્વેસ્કોએ અદાલતમાં જવાની તૈયારી કરી લીધી છે, એટલે આ ડીલ સામે અડચણો તો છે જ, અંતિમ રૂપ ક્યારે આવશે તે નક્કી નથી. પરંતુ એટલું નક્કી છે કે મનોરંજન ક્ષેત્રમાં વર્ચસ્વના આ જંગમાં સ્ટાર ઇન્ડિયા સામે કદાવર હરીફ ઊભો થઈ જશે, દર્શકોને નવા પ્રોગ્રામોના રૂપમાં આ હરીફાઈનો લાભ મળશે. 
આ ડીલમાં સુભાષ ચંદ્રા પરિવારનો અનેક રીતે હાથ ઉપર રહ્યો છે એમ કહી શકાય.  કારણ કે સમજૂતીની શરતો મુજબ સીઈઓનું પદ જળવાઈ રહ્યું, ઉપરાંત વર્તમાનમાં પ્રમોટર પરિવારના ૪ ટકા શેર ઉપરાંત 'નોન કોમ્પીટ પેક્ટ ' -આ ક્ષેત્રમાં નવું સાહસ નહીં કરવાની સંમતિ ના બદલામાં બે ટકા વધુ શેર ફાળવાશે.  ગોયેંકા પરિવાર તેનો હિસ્સો ૨૦ ટકા સુધી વધારી શકશે. જોકે, સોનીના શેરહોલ્ડરોની ટકાવારી ૫૨.૯૩ ટકા અને 'ઝી'ના શેરધારકોની હિસ્સેદારી ૪૭.૦૭ ટકા રહેશે. સમગ્રતયા અંકુશ સોની ટીવીની પાસે રહેશે પરંતુ મુશ્કેલીમાં ફસડાતી ઝી કંપનીને એક તારણહાર મળ્યો એમ કહી શકાય. જોકે, સમાચાર જગતને સંબંધ છે ત્યાં સુધી ઝી જૂથની અલગ કંપની છે અને એ સંયોજનમાં નથી એટલે 'મીડિયા' જગતમાં ઝી ન્યૂઝ, ઝી બિઝનેસ વગેરે ચેનલનો દબદબો યથાવત રહેશે. સંયોજન પામેલી નવી કંપની બજારમાં લિસ્ટેડ થઇ જશે.  ઝી ને મૂડીની જરૂર હતી, જે મળી જશે તો સોની ટીવીને દસ ભાષાઓમાં મનોરંજન આપતી દેશ-વિદેશની ૧૦૦થી વધુ ચેનલોના ૧૩૦ કરોડથી વધુ દર્શકો મળી જશે. 



'ઝી'  સાથે સંયોજન પછી
'સોની'નો વ્યાપ કેવો હશે ? 

-અલગ-અલગ ભાષાની ૭૫થી વધુ મનોરંજન ચેનલો.  
-ઓટીટી વિડીયો સ્ટ્રીમિંગ'; 'ઝીફાઇવ' અને 'સોનીલાઈવ'.  
-બે ફિલ્મી સ્ટુડિયો - ઝી અને સોની ફિલ્મ ઇન્ડિયા. 
-એકબીજાની ટીવી શ્રેણી, ફિલ્મના હક્કો ભળી જશે.
-૧૯૦ દેશોના ટીવી દર્શકો સુધી વ્યાપ. 
-એક ડીઝીટલ કન્ટેન્ટ 'એનએક્સટી'. 





Tuesday, 21 September 2021

Award Winning Start up of Kutchi Enterpreneur "KEVAT"

કચ્છી સાહસિકનું એવોર્ડ વિજેતા સ્ટાર્ટ અપ ' કેવટ ' 

સંત ઓધવરામ મહારાજની જીવની પરની ફિલ્મ બનાવતાં બનાવતાં પાણીનાં પ્રાણ પ્રશ્ન અને પર્યાવરણ બચાવવાની પ્રેરણા જાગી અને સંશોધન પછી શરૂ કર્યું ક્લીન ટેક્નોલૉજીનું સાહસ: સ્વચ્છ પાણી-ઉર્જા અને હવાની વિવિધ એડવાન્સ વિકસાવ્યા પછી વતનમાં કામ કરવાની તમન્ના 



માગી નાવ ન કેવટુ આના ! કહઇ તુમ્હાર મરમુ મૈં જાના !!
ચરન કમલ રજ કહું સબુ કહઈ ! માનુષ કરનિ મૂરિ કછુ અહઇ !!

રામાયણના અયોધ્યા કાંડનો આ ભાવુક પ્રસંગ છે, જેમાં વનવાસ માટે જઇ રહેલા પ્રભુ શ્રીરામ કેવટ નિષાદરાજને નાવથી ગંગા નદી પાર કરવાનું કહે છે ત્યારે કેવટ શરત રાખે છે, 'પગ મને ધોવા દ્યો રઘુરાયજી...' તમારા ચરણોની ધૂળ કિંમતી છે, મને પહેલાં સાફ કરવા દ્યો. 
અત્યારે પર્યાવરણને બચાવવું કઈ રીતે તે માટે ક્લીન ટેકનોલોજી-ગ્રીન ટેકનોલોજીની વૈશ્વિક બોલબાલા છે. કચ્છનો સૌથી મોટો પ્રશ્ન પાણી છે અને સ્વચ્છ જળ સંચય આ સમસ્યા સામે વરદાન સાબિત થઇ શકે છે, ત્યારે મૂળ કચ્છના પણ મુંબઇ સ્થિત સાહસિક દિલીપ વસંતલાલ ભાનુશાલીએ તેમના જળ સમસ્યા વિષયે ઊંડા સંશોધન પછી પોતાની ટીમની મદદથી સ્વચ્છ પાણી, સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા માટે વિવિધ નવીનતમ ટેકનોલોજીની શોધ કરી છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય ઇનોવેશન સોસાયટી દ્વારા તેમના એક સ્ટાર્ટ અપ ઇનોવેશન-સ્માર્ટ બોટ 'કેવટ'ને પ્રથમ ક્રમાંક સાથે એવોર્ડ મળ્યો છે. આ બોટ એક પ્રકારનું 'મલ્ટી યુટિલિટી વ્હિકલ', પાણીમાં ચાલતું બહુ ઉપયોગી મશીન છે. જે જળાશયોને પ્રદૂષણ મુક્ત કરે છે. જેને રામાયણના આ પ્રસંગની પ્રેરણાથી 'કેવટ' નામ અપાયું છે. જે સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપે છે. 
મૂળ ૨૦ વર્ષથી એડવર્ટાઇઝીંગની દુનિયાના વ્યવસાયી અને 'દીપોત્સવી ફિલ્મસ' ના માલિક પરંતુ ૨૦૦૭થી ક્લીન ટેક્નોલોજી પર કામ કરીને ૨૦૧૬માં 'OMiOM ક્લીનટેક એલએલપી'ની સ્થાપના કરનારા દિલીપભાઈને અત્યારે આ નવી ટેકનિકથી ડેમ સફાઈનો મધ્યપ્રદેશની સરકારે એક પ્રોજેક્ટ પણ  સોંપ્યો છે અને એવોર્ડ જીત્યા પછી તેમના સ્ટાર્ટ અપને મહારાષ્ટ્ર સરકાર પણ કામ આપી રહ્યું છે પરંતુ હૈયામાં વતન કચ્છમાં કામ કરવાની લગની છે, જ્યાં જળસંચયથી લોકો અને ખેડૂતોની મોટી સમસ્યા હલ થઈ શકે છે.
આ 'ઓમઇઓમ ક્લીનટેક' ના સ્થાપક અને સીઇઓ દિલીપભાઈ અત્યારે કચ્છમાં આવીને વિવિધ સરકારી તંત્રનો સંપર્ક કરે છે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ મળવાના છે. દરમિયાન, તેમણે કચ્છમિત્ર સાથે વિગતે વાતો કરી. તેમને જ્યારે મુલાકાતમાં પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે શૂટિંગની દુનિયાથી ટેકનોલોજીમાં કેમ?  તો તેમનું કહેવું હતું કે, ૨૦૦૪થી સંત ઓધવરામજી મહારાજ પર ફિલ્મ બનાવવા માટે ઊંડું સંશોધન કરી રહ્યા હતા.  જેમાં કચ્છમાં તળાવ-કૂવા અને પાણીનું મહત્વ સમજાયું, તેમના જીવનમાંથી પ્રેરણા મળી કે સુવિધાઓ માત્ર એવી ન હોવી જોઈએ જે તમારું જ ભલું કરે, પર્યાવરણને પણ સુધારવાનું છે, અને 'ક્લીન વોટર, ક્લીન એર, ક્લિન એનર્જી'ના વિચાર સાથે સંશોધન ચાલુ કર્યું. અનેક ટેકનોલોજી શોધી છે, મુંબઈ આઈઆઈટીએ પણ અમારી કેટલીક શોધને માન્યતા આપી છે. ૨૦૧૯માં અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા યોજાતા સ્ટાર્ટઅપ વીકમાં ભાગ લીધો. સમગ્ર ભારતમાંથી આવેલી ભારતમાંથી આવેલી પંદરસો અરજીમાંથી ૨૪  એવોર્ડ જાહેર થયા અને વિવિધ છ શ્રેણીઓમાંથી પાણીની શ્રેણીમાં અમારી શોધને પહેલો એવોર્ડ મળ્યો. 'કેવટ' એ વિશ્વની પહેલી એવી બોટ છે જે માત્ર નદી-તળાવ-ડેમોમાં ખેંચાઈ આવતી ધૂળ, રેતી, કચરાને જ સાફ નથી કરતી બલકે, એ પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ પુનઃસ્થાપિત કરે છે અને આ રીતે તેમાં રહેલા જીવોને બચાવવા સહિત નવ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરે છે, પર્યાવરણનું સંવર્ધન કરે છે.
પાણીની અન્ય ટેકનોલોજી અને કચ્છના સંદર્ભમાં શું થઈ શકે ? તેવા સવાલ પર દિલીપભાઈ અને તેમની સાથે જોડાયેલા નરેશભાઈ શાંતિલાલ કટારિયાએ કહ્યું કે, જીલ્લામાં અનિશ્ચિત મોસમી વરસાદ, નર્મદા અને ભૂતળ જળ એ મુખ્ય સ્ત્રોત છે.  સંગ્રહ શક્તિ ઓછી છે અને જળાશયો પૂરાતાં જાય છે એટલે મોસમી વરસાદના પાણીનો પૂરો ઉપયોગ નથી થતો. બીજીબાજુ, નર્મદાના સિંચાઈ માટેના પાણી બધે નથી  પહોચ્યા, પહોંચશે તોય સંગ્રહ શક્તિની આવશ્યકતા પડશે. ભૂતળ જળમાં ૩૦૦૦થી ૫૦૦૦ ટીડીએસ એ જમીન અને માનવીના આરોગ્યને બગાડે છે. હવે ડેમોમાં ગટરના પાણી પણ ભળી રહ્યાની ફરિયાદ છે. જાણકારી મુજબ, રુદ્રમાતા ડેમનો દાખલો લેવામાં આવે તો ૧૯૬૮ પછી યોગ્ય રીતે ઊંડાઈથી રેતીના થર નથી કઢાયા.  સંગ્રહ ઘટતો જાય છે.  પ્રશ્ન કેમ ઉકેલાય ? અમે જે ટેકનોલોજી વિકસાવી છે એ જૂની-ખર્ચાળ અને માનવીથી ચાલતી નથી. એ રોબોટિક છે.  ૨૪ કલાક કામ કરી શકે છે. બંદર ઉપરના ડ્રેઝર મશીનો જેમ માત્ર રેતી નથી ઉલચતું. તમામ કચરો અને કચ્છમાં જે સમસ્યા છે એ બાવળ પણ કાઢી નાખે છે.  મુંબઈમાં પ્રયોગો થઈ ચુક્યા છે.  એડવાન્સ ટેકનોલોજી છે. જેમાં જળાશયમાં કેટલું પ્રદૂષણ છે અને નીચે સુધી કેટલો ઓક્સિજન જોઈશે તેનો આગોતરો અંદાજ બાંધી કામ શરૂ કરે છે. જળાશયમાં ત્રણ સ્તરનું અલગ-અલગ પ્રદૂષણ હોય છે, તેને રોબોટિક પદ્ધતિથી સીધું પાંચ કિલોમીટર સુધી દૂર ફેંકી આવે છે અને નીચેના પાણી સુધી ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત કરે છે. જળાશયમાં વાળના દસમા ભાગનું પણ પ્લાસ્ટિક ખતમ કરી નાખતી આ ટેકનોલોજીની ઝડપ એક કલાકમાં ૯૦ હજાર લીટર પાણીને સ્વચ્છ કરવાની છે અને માછલીનેય  નુકસાન નથી કરતું. 
આ સિવાય સૂર્ય ઊર્જા ઉત્પાદન, પવન ઉર્જા, સ્વચ્છ હવા અને ટીડીએસની ટેકનોલોજી છે ? અને એ કઈ રીતે જૂની પદ્ધતિથી આગળ છે એવા એક પ્રશ્ન પર તેમનું કહેવું હતું કે, સોલાર પેનલ વિકસિત કરી છે જે અત્યારની ક્ષમતા કરતાં બેવડી ક્ષમતામાં સૂર્યમાંથી મળતી ઉર્જાનું વીજપ્રવાહમાં રૂપાંતર કરે છે. દરિયાકિનારે લગાવાય તો વીજ ઉત્પાદન સાથે ખારા પાણીને મીઠા પાણીમાં પણ ફેરવે છે, જે કચ્છ માટે અગત્યની કહી શકાય. વધુમાં એવા વિન્ડ ટર્બાઇન શોધ્યા છે, જેનો થાંભલો નથી ! અત્યારે ખેતરમાં પવનચક્કી ખોડવામાં આવે છે અને ઘર્ષણ થાય છે. ખાસ તો વિશેષતા એ છે કે હવા ન હોય તો પણ ઉર્જા ઉત્પાદન થાય અને હાલની પવનચક્કી કરતાં વધુ ઉત્પાદન થાય છે. જેની ટ્રાયલ્સ તુરતમાં કરશે. બીજું, સ્માર્ટ કેવટનો બીજો એક હિસ્સો છે, જેને 'સુદર્શન'  નામ અપાયું છે. જે ટુ સ્ટેજ એરિએટર છે અને પાણીની સ્વચ્છતાની સાથે ઊર્જા ઉત્પાદન કરે છે, અને એ પછી આ ઉર્જાનું ઓક્સિજનમાં પણ રૂપાંતર કરી શકે છે. શુદ્ધ હવા માટે કામ કરવા વાહનો ધુમાડા છોડે છે એ સ્થાન માટેના એક્ઝોસ્ટની શોધ વિકસાવી છે. જે ન માત્ર કાર્બનને નીકળતા રોકશે.  બલ્કે, વાહનની એવરેજ પણ વધારશે. આ સિવાય પાણીમાં ક્ષારને નાબુદ કરતી ટેક્નોલોજી છે, જે પણ કચ્છ માટે મહત્વની છે, જોકે, અમે દરેકમાં પર્યાવરણને બચાવવાને ધ્યાને રાખ્યું છે.


સંયુક્ત સાહસની અને દેશલસર તળાવને નફા વિના શુદ્ધ કરવાની તૈયારી  

કચ્છ સાથેના જન્મભૂમીના સંબધે આ સ્ટાર્ટઅપના સીઇઓએ વાતચીત દરમ્યાન સેવાભાવી સંગઠન સાથે જોડાવાની અને ભુજના એક તળાવ માટે નફાના હેતુ વિના કામ કરવાની પણ તૈયારી બતાવી હતી. 
તમે વ્યવસાયીક કંપની તરીકે રજિસ્ટર્ડ છો અને કચ્છ માટે કામ કરવા માંગો છો તો કોઈ સ્વયંસેવી સંસ્થા કે ઔદ્યોગિક સંગઠન, ખાનગી કંપની કે સરકાર સાથે જોડાવા તૈયાર છો ? એવા સવાલ પર તેમનું કહેવું હતું કે અમારી ટેકનોલોજીઓમાં કચ્છની સમસ્યાઓનો ઉકેલ છુપાયો છે. કેટલીક એવી છે જે મોટા ખેડૂતો સીધી ઉપયોગ કરી શકે. કચ્છમાં કોઈપણ સાથે સંયુક્ત સાહસ કરવા માટે તૈયાર છીએ. કચ્છના ખેડૂતો બારેય મહિના ખેતી કરી શકે એ આ ટેક્નોલોજીની મદદથી શક્ય છે. 
છેલ્લે જ્યારે તેમને વાત કરી કે ભુજનું દેશલસર તળાવ પ્રદૂષણની સમસ્યાથી પીડિત છે અને વારંવાર વનસ્પતિ ઊગે છે તો શ્રી ભાનુશાલીએ ખુલ્લી તૈયારી બતાવી કે કાયમી ઉકેલ શક્ય છે જ. તળાવ સ્વચ્છતા સાથે નવો કચરો કે ગંદુ પાણી આવતું બંધ થવું જોઈએ. અમે દેશલસર તળાવ માટે ખાસ ' નહિ નફો, નહિ નુકસાન'ના ધોરણે કામ કરવા તૈયાર છીએ. તળાવ એવું સ્વચ્છ બનાવી શકીએ કે તળિયાની માછલી પણ તરતી દેખાય....

Monday, 6 September 2021

More than three fold jump in demate account, Big role of small investor by use of app technology.

ડીમેટ ખાતામાં ત્રણ ગણાથી વધુનો ઉછાળો

એપ ટેકનોલોજીનો ઉપયોગ; નાના રોકાણકારોની મોટી ભૂમિકા


શેરબજારમાં લગભગ છેલ્લા છ મહિનાથી નાના-મોટા ઝટકા સિવાય તેજીનો પવન ફૂંકાયેલો છે, એક પછી એક નવા લક્ષ્ય આવે છે અને તે પાર પણ થાય છે.  શુક્રવારે મુંબઈ એક્સચેન્જનો ૩૦ શેરોનો આંક ૮૦૦૦ની સપાટી પાર કરીને ૫૮,૧૨૯ પર બંધ રહ્યો.  વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાણાં ફાળવે તો તેજી આવે, અને અચાનક ભારે વેચવાલી કરે તો બજાર ગડે એ મહત્વનું પરિબળ મનાય છે પરંતુ કોરોના કા પછીની છેલ્લા એકાદ વર્ષથી તેજીમાં માત્ર સ્થાનિક જ નહીં છૂટક-વ્યક્તિગત રોકાણકારોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.  વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી છે તો પણ બજાર ટકો નથી ખાતું, સ્થાનિક છૂટક (રિટેલ) રોકાણકારો જંપર બનીને ઝટકો તો ખમી જ જાય છે, વધુમાં બજારને ઊંચે પણ લઈ જાય છે.  આ બધું શક્ય બન્યું છે બજારમાં નવા પ્રવેશેલા યુવાન રોકાણકારોને કારણે.  કોરોના પછી એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં નવા ડિમેટ એકાઉન્ટ ખોલવાનું પ્રમાણ સતત અને વિક્રમી રીતે વધી રહ્યું છે.  આ યુવા રોકાણકારો તેજીના ઘોડા બન્યા છે.

પહેલા એવું હતું કે બજારમાં લે-વેચ કરવી હોય તો બ્રોકરને ફોન કરવો પડે, તેની સલાહ લેવાની, પછી નિર્ણય આવે. આ પછી ઇન્ટરનેટ બેન્કિંગ આવ્યું અને જાતે ટ્રેડિંગ શરૂ થયું.  જોકે બધાને તે ફાવ્યું નહીં.  પરંતુ, હવે સરળ એપ્લિકેશનો આવી ગઈ છે. એમાં પણ ડીમેટ ખાતું ખોલવા એકવાર ફીઝીલ પ્રક્રિયા કરવી પડતી હતી એય હવે નથી. માત્ર ડિજિટલ એપ્લિકેશન, આધારકાર્ડ ને ઇ – સાઇન. મોબાઈલ એપ હવે બ્રોકર છે.  આ ટેક્નોલોજીના બદલાવે શેરબજારમાં છૂટક રોકાણકારોની સંખ્યા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી.  ઉપરાંત સતત તેજી, કોરોનાનાં સમયમાં ઘરમાં બેસી રહેવું,  બેરોજગારી જેવા પરિબળો ઉમેરાતાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ટેકનોલોજીએ દેશમાં છૂટક રોકાણકારોનો ચહેરો બદલી નાખ્યો છે સંખ્યા વધારી દીધી છે.

લગભગ બે વર્ષ પહેલાની જ વાત કરવામાં આવે તો ભારતમાં વસ્તીની સરખામણીએ બે ટકાથી પણ ઓછા લોકો પાસે ડિમેટ એકાઉન્ટ હતું.  કોરોના કાળ પછી સંખ્યા સતત વધી રહી છે અને આ આંકડો અઢી કરોડમાથી ચાલુ વર્ષના આરંભે જાન્યુઆરી-૨૦૨૦માં પાંચ કરોડનો થયો અને અત્યારે લગભગ  કરોડ નજીક પહોંચ્યો છે. આ પ્રવાહ હજુ ચાલુ છે.  હવે એવું નથી કે સમૃદ્ધ વર્ગ રોકાણ માટે શેરબજારમાં આવે, યુવાન, અભ્યાસ ચાલુ હોય તેવા છોકરાઓ અને નવા-નવા નોકરિયાતો પણ તેમના હાથમાં રહેલા મોબાઈલ દ્વારા સરળતાથી અને ઝડપી જોડાઈ રહ્યા છે.  આ પરિબળ તેજીના ઘોડામાં સૌથી વધુ મહત્ત્વનું મનાય છે.  ભલે, કોરોનાની બંને હેરનો ગંભીર સમયગાળો વીતી ગયો અને મોદી સરકારની વ્યાપારિક નીતિ તેજીમાં ભાગ ભજવે છે, પરંતુ વિદેશી રોકાણકારોનો ભારે પ્રવાહથી નથી આવતો ત્યારે તેજી એ આ નવા છૂટક રોકાણકારોને આભારી છે અને આંકડા તેની ગવાહી આપે છે.

કોવિડ–૧૯ વાયરસ ફેલાયો અને દેશવ્યાપી લોક ડાઉન  આવ્યું, પછી પહેલા વેવ દરમ્યાન બજાર લગભગ ૩૫ ટકા ઘટી ગયું હતું, એ સપાટીથી અત્યાર સુધીમાં લગભગ બજારમાં ૧૦૦ ટકાનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. શેરબજારમાં સીધું શેર ખરીદીને અથવા તો બોન્ડમાં રોકાણ કરવું હોય તો ડિમેટ એકાઉન્ટ જોઈએ અને એ ' ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ'  દ્વારા ખુલે છે. અલગ-અલગ સિક્યુરિટી બ્રોકર કંપનીઓ આ પાર્ટિસિપન્ટ સાથે ડીમેટ ખોલી આપે છે. જેમાં શેર ડિજિટલ સ્વરૂપમાં તમારી પાસે રહે છે. દેશમાં બે ડિપોઝિટરી છે, જેમાં સૌથી મોટી છે ' સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસી લિમિટેડ' (સીડીએસએલ ) અને બીજી છે, ' નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ' ( એનએસડીએલ ). ચાલુ વર્ષના જાન્યુઆરીમાં જ સીડીએસએલમાં ખાતાધારકોની સંખ્યા ત્રણ કરોડને પાર થઈ તો એનએસડીએલમાં ૨.૨ કરોડ થઇ. આમ, આંક આઠ કરોડને પાર થયો.  જેમાં લગભગ ૯૭ ટકા નાના-છૂટક રોકાણકારોનો હિસ્સો છે.

એપ્રિલ ૨૦૨૦ એટલે કે લોકડાઉન  પછી ડિમેટ ખાતામાં ઉછાળો વધવા માંડ્યો, કામ ધંધા બંધ થવા અને ઘરમાં બેસી રહેવું, વ્યાજ દર ઓછા અને અન્ય વિકલ્પના અભાવ વચ્ચે બધાને શેરબજાર ગમવા લાગ્યું હતું. બીજું, મહિલાઓની સંખ્યા પણ વધે છે.  આમ કોરોના પણ ડિમેટ સંખ્યા વધારવા મહત્વનું કારણ બન્યું.

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી )ના આંક મુજબ,  જૂન-૨૦૨૦માં દસ લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા હતા, તેની સામે ચાલુ વર્ષે એપ્રિલથી જૂનના અંત સુધીના ત્રિમાસિક ગાળામાં જ ૭૨ લાખ નવા ખાતા ખુલ્યા છે.  જ્યારે ગત વર્ષે માત્ર મે મહિનામાં જ ૭૦,૦૦૦૦ નવા ખાતાની સરખામણીએ જબરજસ્ત ઉછાળો નોંધાવતાં માત્ર મે-જૂનમાં જ ૨૬  લાખ નવા ખાતા ખુલ્યા છે.

બીજું, નેશનલ સ્ટોક એક્સચેન્જનો દાખલો લેવામાં આવે તો નાના-છૂટક રોકાણકારોનો હિસ્સો અત્યારે સૌથી વધુ છે. એનએસ લિસ્ટેડ કંપનીઓમાં વર્તમાનમાં છૂટક રોકાણકારોની ટકાવારી ૭.૧૮ ટકા (જૂન તા. 30) છે. આગલા વર્ષે જૂન–૨૦માં તે ૬.૭૪  ટકા હતી, જ્યારે માર્ચ-૨૦૧૯માં તે ૬. ટકા હતી.  કોરોનાનો સેકન્ડ વેવ વધુ પૂર્ણ ખતમ નથી થયો તાં છૂટક રોકાણકારોની ભાગીદારી વધી છે અને બજારને ઊંચે લઈ જાય છે.  

આ નવા રોકાણકારોમાં યુવાનો વધુ છે, જે બહુ સમૃદ્ધ નથી પણ એમની પાસે ટેકનોલોજીના ઉપયોગનું ગ્નાન છે એટલું શેરબજારનું નથી. માત્ર બે દિવસમાં ડિમેટ ખુલી જાય છે અને પછી નવી નવી બિઝનેસ ટીવી ચેનલો, મોબાઇલમાં પણ એસએમએસ દ્વારા મળતી ટિપ્સ અને સોશિયલ મીડિયા થકી મળતી માહિતીને આધારે રોકાણ વધારતા જાય છે, જે ચિંતાજનક પાસુ છે.

આંકડા પરથી છેલ્લા એક વર્ષથી દેખાય છે કે જેમ બજાર વધે છે, તેમ નવા રોકાણકારોના પ્રવેશનું પ્રમાણ પણ સાથે સાથે વધે છે. આ નવા રોકાણકાર માત્ર શેર જ નહી, મ્યુચ્યુઅલ ફંડ, આઇપીઓ, ગોલ્ડમાં પણ આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રોકાણ કરે છે. ફ્યુચર-ઓપ્શનનું પણ જોખમ લે છે. હાલમાં ઝોમેટોનો આઇપીઓ ૫૦ ગણો ભરાયો, તેમાં નવા યુવાન રોકાણકારોનો હિસ્સો હતો, પછી તે ૬૦ ટકાના ઉછાળા સાથે લિસ્ટેડ થયો. આવી ઘટનાથી બજારનું આકર્ષણ વધતું જાય છે. પરંતુ રોકાણ અને જુગાર વચ્ચેની રેખા બહુ પાતળી છે. અમેરિકાએ થોડા સમય પહેલાં જ ચિંતા દર્શાવી હતી કે, માત્ર એપ્લિકેશન આધારરીત ટ્રેડિંગ જોખમી છે અને નિયંત્રિત કરવું જોઈએ. નવો રોકાણકાર ક્યારેક ટૂંકા સમયમાં ઘણું કમાય, અને વધુ જોખમ લઈ લે છે. બીજીબાજુ, શરૂઆતમાં જેના હાથ દાઝ્યા હોય એ બીજીવાર બજારનું નામ નથી લેતો.  આ બંને ખોટું છે.

ભલે, એ વાત સાચી છે કે જેમ વધુને વધુ ભારતીય શેરબજારમાં ધૈર્યથી  રોકાણ કરશે તો અંતે એ કંપનીઓના માધ્યમથી દેશની અને પોતાની સમૃદ્ધિમાં વધારો કરશે. પરંતુ જોખમી પરિબળ ' ટિપ્સ'  છે.  જેના ઝાસામાં નવા રોકાણકાર જલ્દી આવી જાય છે.  બીજુ, મોબાઈલને લીધે માત્ર હવે શહેરોમાં અને સાક્ષર લોકો જ બજારમાં નથી આવ્યા, પણ ગામડાના લોકો અને મહિલાઓ પણ ઘરેથી ટ્રેડીંગ કરે છે. આ બધું ભલે બજારનો વ્યાપ વધારે પણ સાવચેતી જરૂરી છે