Sunday, 23 January 2022

Credit card: Be Cautious....

ક્રેડિટ કાર્ડનો તાલ
`સાવધાની હટી 
તો દુર્ઘટના ઘટી'

 

પાંચથી 50 દિવસની વ્યાજમુક્ત ખરીદીની ઓફર આપીને બેન્કો ચાલાકીથી  તગડી કમાણી કરી લે છે, પરંતુ સામે ગ્રાહકે  તેનાથી વધુ `સ્માર્ટબનવું પડે, નહીં તો `ફાયદા' કરતાં નુકસાન વધુ

 


છેલ્લા થોડા સમયમાં જોયું હશે કે, ખાનગી બેન્કોમાં નફો વધી રહ્યો છે. આ સમયે પ્રશ્ન થાય કે, જાહેર ક્ષેત્રની બેન્કોનું વિલિનીકરણ થાય છે, એનપીએ વધે છે, ક્યાંક ઓછો?નફો કે ખોટ છે. આમ કેમ ? આ બધું ગ્રાહકો પાસેથી લેવાતા છૂપા ખર્ચા અને  લોનનો હપ્તો ચુકાય ત્યારે લેવાતી મોટા દંડની રકમ કે ક્રેડિટ કાર્ડ જેવી વિનામૂલ્યે `કહેવાતી' સવલતો પણ?તેમાંથી થતી પરોક્ષ કમાઇને આભારી છે. આજે ક્રેડિટ કાર્ડનો મુદ્દો ચર્ચવામાં આવ્યો છે. બહુ સાવધાની રાખવા જેવી છે આ સુવિધામાં, એમાં પણ?ખાનગી બેન્કોમાં તો ખાસ. હા, 5 દિવસથી 50 દિવસ સુધીનો વ્યાજમુક્ત ખરીદી કે અન્ય ખર્ચનો સમયગાળો મળે છે એ સાચું પણ, જો નિર્દિષ્ટ નિયમોમાં ચૂક્યા તો ગયા. `લેને કે દેને' જેવા તાલ થઇ જાય એમ છે. સાવધાની હટી તો...!

કાર્ડથી ખરીદીનું પ્રમાણ, ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધતું જાય છે. કાર્ડ જીવનનો હિસ્સો બની ગયા છે. પાકીટમાં  એક નહીં, લોકો બે-ચાર કાર્ડ રાખે?છે. તમારા ખિસ્સામાં નાણાં હોય કે ન હોય, કાર્ડ હોવા જોઇએ બસ ! પહેલાં મોટા શહેરોમાં કાર્ડનું ચલણ હતું. હવે ગામડે ગામડે કાર્ડનો વપરાશ વધ્યો છે. પાછા મોટા શોરૂમમાં `નો કોસ્ટ ઇએમઆઇ' કે શૂન્ય ટકા કે વ્યાજ મુક્ત ઇએમઆઇથી ખરીદી એવા બોર્ડ લાગેલા દેખાશે, પણ બેન્કો ક્યારેય બધી સાચી વાત નહીં કરે, અડધું કહેશે, જેમાં તેને લાભ હોય. તમે રિચાર્જ નહીં કરો તો મોબાઇલ કંપનીમાંથી ફોન આવશે, નવા કાર્ડની ઓફર હશે કે લોન માટે ફોન આવશે, પણ તમારું ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર નહીં ભરાય તો એક એસએમએસથી વધુ નહીં આવે. કારણ કે, તેમાં બેન્કને તગડી કમાણી છે. આમ, `અત્યારે ખરીદો ચૂકવણી પછી'ના સિદ્ધાંતવાળી આ ક્રેડિટ કાર્ડની ચીજ મર્યાદિત ઉપયોગમાં જેટલી સારી છે તેટલી બેજવાબદાર ઉપયોગમાં  ખરાબ પણ છે. બેન્કોના નિયમોની જાણકારી વિના ઉપયોગ કરાય તો ગ્રાહક લોનના ચક્કરમાં દબાઇ પણ જાય એમ છે. બેન્કોથી વધુ ચાલાક તમારે બનવું પડે. કેટલીક ખાસ વાતો અહીં નોંધી છે.

એટીએમમાં રોકડ મળે, પણ

એ દિવસથી જ તગડું વ્યાજ !

ક્રેડિટ કાર્ડનો  સામાન્ય રીતે ઓનલાઇન કે ઓફલાઇન ખરીદી, પેટ્રોલ ભરાવવા વિગેરેમાં ઉપયોગ થાય છે. એમાં એટીએમ દ્વારા રોકડ પણ મળે છે, પરંતુ એનાથી બચવું. એ જ દિવસથી વ્યાજ શરૂ થઇ જાય છે ને કેટલીક બેન્કો તો 40થી 50 ટકા વાર્ષિક ધોરણે વસૂલી લે છે. આમાં ખરીદીની જેમ કોઇ `ક્રેડિટ સમયગાળો' નથી હોતો, પણ ક્યારેય આ વાત નથી કરાતી કે માત્ર ખરીદીમાં જ વ્યાજમુક્તિ છે.

ચૂકવણી સમયે બે રકમ;

પણ એક વ્યાજવાળી હોય છે !

દરેક કાર્ડ મુજબ ક્રેડિટ સાઇકલ હોય છે અને દર મહિનાની ચૂકવણીની નિશ્ચિત તારીખ નક્કી કરેલી હોય છે. આમ તો, જે બચત ખાતા સાથે ક્રેડિટ કાર્ડ લિન્ક કરેલું હોય તેમાંથી નિયમિત રીતે ઓટોમેટિક ચૂકવણી થઇ જાય એ જ વિકલ્પ સારો, પરંતુ કેટલાક લોકો જાતે ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ સમયે બે રકમ દેખાડવામાં આવે છે. મિનિમમ એમાઉન્ટ ડયુ અને ટોટલ એમાઉન્ટ ડયુ. આમાં લોકો મિનિમમ એટલે કે, લઘુતમ ભરવાની રકમ ભરીને નિશ્ચિંત થઇ જાય છે, પરંતુ એ પછી બાકી રહેતી રકમ વ્યાજપાત્ર બની જાય છે અને એ બેન્ક વસૂલ કરી જ લે છે. બિલ વધતું હોય છે, પરંતુ  બધા ગ્રાહકો આ સ્ટેટમેન્ટ-લેવડ-દેવડ વ્યવહારો ચકાસવાની તસ્દી લેતા હોતા નથી. લેટ પેમેન્ટ ચાર્જ શબ્દ સાથે આ `વસૂલાત' કરી દેવામાં આવે છે.

ફોન કોલ-ઓફરની જાળ ! કાર્ડ `મફત' નથી હોતું

બેન્કો વચ્ચે હરીફાઇ જામેલી છે, હવે ફોનકોલનો મારો વધતો જાય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓને  તેમની ક્રેડિટ કાર્ડની રકમ વપરાશની મર્યાદા વધારવા માટે ફોન કોલ આવતા હોય છે. દા.ત. બે લાખ હોય તો 3 લાખ, સિલ્વરમાંથી ગોલ્ડ અને ગોલ્ડમાંથી પ્લેટીનમ કાર્ડ આપવાની વાત કરે છે. એમાં  સેલ્સના કર્મચારીઓ કાર્ડ વિનામૂલ્યે નવો અપાશે અને વપરાશ મર્યાદા વધશે એવો દાવો કરે છે, પરંતુ આમાં વિનામૂલ્યે મર્યાદા જ વધે છે, નવા કાર્ડના રૂા. 500થી 700 કાપી લે છે. એ ધ્યાન બહાર રહી જાય છે.

ક્રેડિટ કાર્ડની સંખ્યા વધે નહીં !

ક્રેડિટ કાર્ડ પહેલાં એકમાત્ર હતા અને તમામ ખરીદીમાં ઉપયોગ થતો અને હજુ  આમ જ છે, પરંતુ બેન્કોનું આ કમાણીનું સાધન વધુમાં વધુ ફેલાય એ માટે હવે પેટ્રોલ કાર્ડ, ટ્રાવેલ કાર્ડ, શોપિંગ કાર્ડ એમ અલગ નવા નામ સાથે નવા કાર્ડ બજારમાં મૂકવામાં આવ્યા છે. લોકોને રિવોર્ડ પોઇન્ટ વધુ મળશે તેવી ઓફર અપાય છે, પરંતુ આ રિવોર્ડ પોઇન્ટનો કેટલા લોકો સમય પર ઉપયોગ કરી શકે છે ? એ નિશ્ચિત મુદ્દતમાં સમાપ્ત પણ થઇ જાય છે. વળી આવા રિડીમ પોઇન્ટનો કેમ ઉપયોગ કરવો એ પણ બધાને ખબર નથી. આવી ઓફરના ચક્કરમાં પડવું ખતરનાક બની શકે, એટલા જ કાર્ડ રાખવા જેટલાની સમયસર ચૂકવણી ધ્યાનમાં રહે.

કાર્ડમાં રકમની વપરાશની મર્યાદાનો 

ઉપયોગ કેટલે સુધી ?

ક્રેડિટ કાર્ડની મર્યાદા દા.ત. 3 લાખ સુધીની હોય તો તેનો 1 લાખથી વધુ રકમનો ઉપયોગ કટોકટી સિવાય કરવો યોગ્ય નથી. વધુ રકમનો ઉપયોગ એક પ્રકારનું ઋણ માનવામાં આવે છે અને એ સીયુઆર (ક્રેડિટ યુટીલાઇઝેશન રેશિયો) પર ખરાબ અસર કરી સિબિલ સ્કોરને બગાડે છે.

..............




 

No comments:

Post a Comment