આરબીઆઇ દ્વારા ' બ્લેક સ્વાન'
શબ્દ પ્રયોગ ; આર્થિક મંદી આવે છે ?
લગભગ
બે સપ્તાહ પહેલા વિશ્વ બેંકનો અહેવાલ આવ્યો હતો, કે જેમાં વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં નોંધપાત્ર
ઘટાડાની વાત કરવામાં આવી અને ગત સોમવારે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના રિપોર્ટમાં
'બ્લેક સ્વાન' શબ્દપ્રયોગ કર્યો.
આ શબ્દ ૨૦૦૮ની વૈશ્વિક મંદી
સમયે વપરાયો હતો. આ બે ઘટના સાથે સાથે અમેરિકાની કેન્દ્રીય બેંક
ફેડરલ રિઝર્વએ ૦.૭૫ ટકા જેવો તોતિંગ વ્યાજ વધારો કર્યો, જે છેલા
૨૮ વર્ષમાં અમેરિકનો સૌથી વધુ વ્યાજ દર વધારો હતો. તો, આરબીઆઇએ તેની છેલ્લી બે નાણાનીતિની સમીક્ષામાં બંને વખત મુખ્ય વ્યાજ દર (રેપોરેટ)માં વધારો કર્યો. કેન્દ્રીય
બેંકના આ રિપોર્ટ તેમજ વ્યાજ દર વધારાના ઉપરછાપરી પગલાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા
છે. આ સમીક્ષાઑ અને નિર્ણયો ભાવિ શક્યતાઓ સાથે જોડાયેલી છે અને
તેથી હવે થોડાક દિવસોથી આર્થિક મંદી આવશે કે નહીં અને આવશે તો કેવી હશે ?, કેટલો સમય રહેશે એની ચર્ચા છેડાઈ
છે.
વિશ્વ
બેન્કના અહેવાલમાં ચેતવણી
વર્ષના
આરંભે જાન્યુઆરીમાં વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક વિકાસ દર ચાર ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું
હતું, જે હવે બે અઠવાડિયા પહેલાંના તાજા અહેવાલમાં ૨.૯
ટકા કરી નાખ્યું હતું. જોકે સાથે એવી આશા વ્યક્ત કરવામાં આવી
છે કે ૨૦૨૩-૨૪ સુધીમાં દુનિયાની આર્થિક સ્થિતિ સુધરશે.
વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિસ
મેલ્પસે તો 'સ્ટેગફ્લેશન'ની સંભાવના દર્શાવી
છે. 'સ્ટેગફ્લેસન' એ એવી સ્થિતિ છે કે, જીડીપી વિકાસદર સ્થિર હોય અને ફુગાવો તથા બેરોજગારી વધતા હોય. હકીકતમાં કોરોના મહામારીમાંથી માંડ દુનિયા બહાર આવી રહી જ હતી ત્યાં રશિયાએ
યૂક્રેન પર હુમલો કરી દીધો, જેના પરિણામે અમેરિકા અને બ્રિટન
સહિતના દેશોએ રશિયા પર આકરા વ્યાપાર પ્રતિબંધો લગાડી દીધા. આનાથી
ક્રૂડના ભાવો આસમાને પહોંચ્યા અને વૈશ્વિક વ્યાપાર ડામાડોળ થયો. રિપોર્ટમાં તો એટલે સુધી કહ્યું કે ૧૯૭૦ જેવી 'ધ ગ્રેટ
ઇંફ્લેશન 'ની સ્થિતિ ઊભી થઈ છે. જે અનેક
દેશો મંદીમાં નાખશે. આપણી આજુબાજુ જોઈએ પણ છીએ કે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશની સ્થિતિ બદતર છે અને હવે તો
યુકેમાં પણ યુદ્ધની પ્રતિકૂળ અસરમાં મંદીની શક્યતાઓએ જોર પકડ્યું છે. ત્યાં અત્યારથી જ કહી દેવાયું છે કે શિયાળામાં ગેસનો ઉપયોગ ઓછો કરશો.
યુકેમાં અતિ ઠંડીના કારણે શિયાળામાં ઘરોમાં ગેસનો ઉપયોગ થાય છે અને આયાતી
ગેસ પર નિર્ભર રહેવું પડે છે. જે રશિયાથી આવે છે.
આરબીઆઇના
પગલા અને સંકેત
રિઝર્વ
બેંકે ' જોખમમાં
મૂડીપ્રવાહ, ભારતનો અનુભવ' એવા શીર્ષક તળે સોમવારે રિપોર્ટ જારી કર્યો હતો.
એમાં એવું જણાવાયું હતું કે, ભારતીય બજારમાંથી ૧૦૦ અબજ ડોલર એટલે કે લગભગ ૭.૮ લાખ કરોડની એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ) દેશમાંથી પાછું જશે.
આ સંભાવના એ એક મોટો ધક્કો છે. આ સાથે 'બ્લેક સ્વાન' શબ્દપ્રયોગ કર્યો. જે ગંભીર છે. વ્યાજ દર બે વખત તો વધારી જ નાખવામાં આવ્યા અને હજુ
વધશે એ નક્કી છે. કારણ
કે ફુગાવો પણ અંકુશમાં નથી. ૨૦૨૨ના આરંભથી શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ તેમની
૧.૯૮ લાખ કરોડની મૂડી બહાર કાઢી લીધી છે. જે છેલ્લા બે-ત્રણ મહિનાની સ્થિતિ પરથી દેખાય છે.
માત્ર જૂન મહિનામાં જ એફપીઆઈના
માધ્યમથી રૂપિયા ૩૧,૪૦૦ કરોડનું મૂડીરોકાણ વિદેશ પાછું ચાલુ ગયું.
રિઝર્વ
બેન્કે આવું કર્યું તેની પાછળનું મહત્વનું કારણ કોરોના મહામારી પછીની નોટો છાપવાની
નીતિ, તેને
લીધે ફુગાવો અને હવે આડઅસર છે. કોરોના પછી અમેરિકાએ અબજો ડોલર
છાપીને અર્થતંત્રમાં મૂક્યા કે જેથી કોરોનાકાળ પછી અર્થતંત્ર ફરી ઝડપથી ગતિવિધિ પકડી
શકે. પરંતુ હવે અમેરિકા
સહિતના દેશોમાં મોંઘવારી વિક્રમની સ્તરે છે એટલે વ્યાજદર પણ વધાર્યા અને ફેડરલ બેંકે
તો હવે આ વધારાને તબક્કાવાર ચાર ટકા સુધી લઈ
જવાના સંકેત આપ્યા. આ
બધાના કારણે સસ્તા વ્યાજ દરે મળેલા અને ભારતમાં રોકવામાં આવેલા નાણા પાછા જશે અને જઈ
રહ્યા છે. અમેરિકા જ
નહી, ભારતે પણ સસ્તા વ્યાજની લોન અને રાહતોથી અર્થતંત્રમાં નાણાં
પ્રવાહ વધાર્યો હતો, અને ફુગાવો થયો અને હવે વળતાં પગલાં લેવાય
છે, આ પ્રવાહ પાછો ખેચવાના પ્રયાસ થાય છે. આ સ્થિતિ આરબીઆઈને ધારણા બહારની અને
ગંભીર લાગે છે તેથી ' બ્લેક સ્વાન' શબ્દપ્રયોગ સાથે જાણે મંદી માટે તૈયાર રહેવાની ચેતવણી
આપી દીધી છે. જોકે, રિઝર્વ બેન્કનું કામ લોકોને સચેત કરવાનું છે અને એ કરે સ્વાભાવિક છે, પરંતુ ભારતની સ્થિતિ બીજા દેશો કરતા ઘણી સારી છે અને ભારતમાં મંદી બાબતે પણ
મતમતાંતર છે. કેટલાક નિષ્ણાતો માત્ર 'સ્લોડાઉન' (વિકાસદરમાં સતત બે-ચાર મહિના ઘટાડો) જ આવે એવું માને છે. આશા રાખીયે કે મહામંદી ન આવે અને
આવે તો આ અર્થતંત્રની એક 'સાયકલ' જ છે અને
જેમ બને તેમ ટૂંકા સમયમાં મંદી પસાર થઈ જાય એમ ઈચ્છીએ, કારણકે
આવી મંદીમાં બેરોજગારી વધે છે અને ભોગવવાનું ગરીબ-નાના વર્ગને
આવે છે.
'બ્લેક સ્વાન' (કાળું હંસ)શબ્દ ક્યાંથી
આવ્યો
અને શા માટે વપરાયો ?
૧૭મી
સદીના આરંભ સુધી એમ માનવામાં આવતું હતું કે હંસ માત્ર સફેદ હોય એક ડચ સંશોધકે જ્યારે
ઓસ્ટ્રેલિયામાં ૧૬૯૮માં પહેલું કાળું હંસ જોયું ત્યારે ન માની શકાય તેવી ઘટના તરીકે
જોવાઈ અને 'અતિ દુર્લભ ઘટના' સમયે આ શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો.
જે આર્થિક બાબતોમાં પણ 'આશ્ચર્યકારક અને જોખમી ઘટનાઑ' સમયે વાપરવાની શરૂઆત
થઈ. ૨૦૦૧માં લેખક અને
ટોચના રોકાણકાર નસીમ નિકોલસ તાલેબે તેમના સંશોધનમાં 'બ્લેક સ્વાન
' થિયરી આપી. ૨૦૦૮માં અમેરિકની ટોચની બઁક લેહમેન બ્રધર્સની નાદારી
પછી જે વૈશ્વિક મંદી ઊભી થઈ, ત્યારેય પણ આ ઘટનાને 'બ્લેક સ્વાન' કહેવાઇ હતી. આરબીઆઇ
દ્વારા તેમના અહેવાલમાં આટલા ગંભીર શબ્દનો ઉપયોગ ઘણો સૂચક છે.