આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રૂપિયો :
"ડોલર રાજા" નું પ્રભુત્વ ઘટતાં સમય
લાગશે પણ લાંબા ગાળે ફાયદો
"ડોલર રાજા" નું પ્રભુત્વ ઘટતાં સમય
લાગશે પણ લાંબા ગાળે ફાયદો
યુદ્ધ પછીના સમયમાં રશિયા સાથેના ક્રૂડ સહિતની ચીજોમાં વધેલા વ્યાપાર વચ્ચે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વ્યવહારનો રસ્તો ખુલશે : જેની પાસે બિલકુલ ફોરેક્સ રિઝર્વ નથી એવા શ્રીલંકાને પણ આરબીઆઈના પગલાંથી મોટો લાભ મળશે
જગત જમાદાર અમેરિકામાં મંદી મંદી આવશે તેવી વાતો થાય છે અને શેરબજારોમાં ડર ઉભો થાય છે પણ તેનું ચલણ ડોલર ગમે તેવી સ્થિતિમાં જગત જમાદાર જ છે. ડોલર રાજા છે . દુનિયાનો મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ડોલરમાં થાય છે અને અત્યારે તો યુએસ ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની સૌથી વધુ મજબૂતાઈએ ઊંચો છે. ભારતીય અર્થતંત્ર માળખાગત રીતે મજબૂત ગણાય છે પણ રૂપિયાની નબળાઈએ ભારતીય રિઝર્વ બેંકને ચિંતામાં મૂકી દીધું છે, એક પછી એક પગલાં લઈ રહ્યું છે. જેમાં ગત અઠવાડિયે ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટની મહત્વની જાહેરાત થઈ . આરબીઆઈ એ કહ્યું કે આયાત નિકાસમાં ઇન્વોઇસિંગ અને પેમેન્ટ ( ચુકવણું) રૂપિયામાં કરવાની મંજૂરી છે. જે માટે ભારતીય બેંકે મંજૂર લેવી પડશે અને તેમની નિશ્ચિત પદ્ધતિ અપનાવી પડશે. આ નિર્ણય પછી પ્રાથમિક તબક્કે એવી આશા ઊભી થઈ કે રૂપિયો તો નબળો નહીં , હવે મજબૂત બનશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની માંગ વધશે. પરંતુ આ નવી પદ્ધતિ કેટલા દેશો સ્વીકારે છે એ પણ પ્રશ્ન છે. કારણ કે વિશ્વનો મોટાભાગનો કારોબાર ડોલરમાં છે અને બીજા આંતરરાષ્ટ્રીય ચલણ પણ નબળા પડી રહ્યા છે. હા, યુદ્ધ પછી બદલાયેલા સંજોગોમાં રશિયા સાથે વધેલા વ્યાપારમાં આ નિર્ણયથી ફાયદો થશે અને શ્રીલંકા જેવા દેશ કે જેની પાસે ફોરેકસ રિઝર્વ નથી બચ્યું , એ પણ આ નિર્ણયથી લાભ મેળવશે.
41 વર્ષનો ટોચનો મોંઘવારી દર અને મંદરના ભયે અમેરિકા હવે વ્યાજદર વધારી રહ્યુ છે અને વિશ્વભરમાંથી ડોલર પાછા ખેંચાઈ રહ્યા છે. એ સંજોગોમાં ડોલરની માંગ વધતા એ વધુને વધુ મજબૂત બની રહ્યો છે. આ ડોલરની મજબૂતાઈની ભારતમાં વિપરીત અસર પડી રહી છે. કારણ કે આપણી જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ આયાત કરી રહ્યા છીએ, 61% ખાદ્યતેલો આયાત કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક ચીજો- મોબાઇલ આયાત કરીએ છીએ... અને પેટ્રોલ- ડિઝલ મોંઘા થાય એટલે લોકો પર મોંઘવારીની વિપરીત અસર પડે. ડોલર સામે રૂપિયો ગુરુવારે એકસાથે 24 પૈસા નબળો પડીને 79.92 ના સ્તરે પહોંચ્યો હતો. જોકે શુક્રવારે આંશિક સુધારો થઈને 79.88 પર બંધ રહ્યો. આ ચિંતામાં આરબીઆઇએ વધુ એક ઐતિહાસિક પગલું ભરતા વૈશ્વિક કારોબારમાં રૂપિયાથી લેવડદેવડ કરવાનો માર્ગ ખોલી નાખ્યો હતો. જોકે આવું પહેલી વાર નથી થયું . અગાઉ ઈરાન પર પ્રતિબંધો હતા ત્યારે ઈરાન સાથે આવી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે જે કોઈપણ કોઈપણ દેશના આયાતકાર નિકાસકાર તૈયારી બતાવે એ તમામ માટે આ વ્યવસ્થા છે. પરંતુ, હાલના સંજોગોમાં સૌથી વધુ લાભ રશિયા અને શ્રીલંકા અને તાત્કાલિક અસરથી થશે અને આ પગલું આ દેશોના સાથેના વ્યાપારને ધ્યાનમાં રાખીને જ લેવાયું હોય એમ લાગે છે.
વિશ્વમાં ડોલર સામે માત્ર રૂપિયો જ નહીં તમામ ચલણ નબળા પડ્યા છે. વિશ્વમાં ડોલર સિવાય યુરો, પાઉન્ડ, યેન વગેરે માન્ય આંતરરાષ્ટ્રીય ચલણમાં વ્યાપાર થાય છે. આ બધા ' ફેમા' કાયદા હેઠળ ફૂલ્લી કન્વર્ટિબલ (રૂપિયામાં રૂપાંતર કરી શકાય તેવા) છે . જે યાદીમાં હવે ભારતીય રૂપિયો આવી ગયો . પણ, વૈશ્વિક મંદિની આશંકાએ યુરો ચલણ પણ વેચાઈ રહ્યુ છે અને ડોલર ખરીદાય રહ્યો છે.
કોરોના કાળમાં અમેરિકામાં નોટો છપાઈ અને હવે તેણે આ બધું બંધ કર્યું એટલું જ નહીં , ફુગાવો વધતાં ફેડરલ બેંક હવે વ્યાજદર પણ વધારી રહી છે, અને હજુ વધારશે. આ સ્થિતિને કારણે વિશ્વભરમાંથી ડોલર પાછા ખેંચાઈ રહ્યા છે. શેરબજારમાં ઘટાડો થયો છે એ બીજું કાંઈ નહિ. અમેરિકી ડોલર પાછા ખેંચાય છે. આ સ્થિતિમાં ભારત સહિતના દેશો તેના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની બગડતી સ્થિતિ માટે ચિંતિત છે. ભારતીય રૂપિયો તો હજુ મધ્યમ તૂટ્યો છે . ઇન્ડોનેશિયા, ચીન, મલેશિયાના ચલણ પણ ડોલર સામે તૂટ્યા છે. જોકે ભારત કરતાં ટકાવારી ઓછી છે. જ્યારે થાઈલેન્ડ, બ્રિટન, યુરોપિયન દેશો, રશિયા, શ્રીલંકાના ચલણની સ્થિતિ તો ભારત કરતાં બદતર છે. શ્રીલંકાનું ચલણ ડોલર સામે 83 ટકા તૂટી ચૂક્યું છે. બધા દેશો કહીને કંઈ ઉપાયો કરી રહ્યા છે , તેમાં ભારતીય મધ્યસ્થ બેંકે રૂપિયાનું આંતરરાષ્ટ્રીય વેપારમાં મૂકવાનું આ સીમાચિહ્નરૂપ પગલું ભર્યું છે.
આ પધ્ધતિમા ભારતની મંજૂરી મેળવેલી બેંક કસ્ટોડિયન તરીકે કામ કરશે . આરબીઆઈનું લક્ષ ઊંચું છે. ડોલરને બદલે તે રૂપિયાને વૈશ્વિક સ્વીકાર્ય બનાવવા માંગે છે. ભારતમાંથી ડોલરનો પ્રવાહ બહાર જતો અટકે અને ફોરેક્સ રિઝર્વ વધે. જે હવે ૧૫ વર્ષના તળિયે પહોંચી ગયો છે . આ માટે આરબીઆઈએ થોડા સમય પહેલાં વિદેશી ભારતીયો માટે વ્યાજદર છૂટ સહિતના પણ પગલાં લીધા હતા. પણ આ પગલું રશિયાને વધુ મદદ કરશે , બલ્કે, એના માટે જ લેવામાં આવ્યું એમ સ્પષ્ટ છે. કારણ કે રશિયાએ યુક્રેન પર હુમલાઓ કર્યા બાદ તેના ચલણ રુબલ તૂટી પડ્યું છે. યુરોપિયન દેશોએ તેના ચલણ રુબલથી વ્યવહાર કરવા પણ પ્રતિબંધ મૂકી દીધો છે. બીજીબાજુ, ભારત કે જેની ક્રૂડ આયાતમાં માત્ર બે ટકા હિસ્સો રશિયા પાસે મંગાવતું હતું. એ હવે ડિસ્કાઉન્ટ દરે મળતા તેલની ૧.૩ અબજ ડોલરની આયાત કરે છે. જેની રૂપિયામાં ચૂકવણી હવે થઈ શકશે. આમ જોઈએ તો પશ્ચિમી દેશોના રૂબલ પર પ્રતિબંધની જાણે હવા નીકળી ગઈ છે. ડોલરના પ્રભુત્વને થોડી હાનિ થશે. બીજું શ્રીલંકા દેવાળુ ફૂંકી ચૂક્યું છે, તેની પાસે ડોલરના નામે મિંડુ છે, તેની મદદ થશે. ભૂતાન, નેપાળ સાથે તો રૂપિયાથી વ્યવહાર અગાઉથી ચાલુ જ છે . પણ હવે નવા નિર્ણયથી અન્ય દેશો સાથેના વ્યવહારમાં પણ ફાયદો પહોંચશે. આરબીઆઈના અંદાજ મુજબ રૂપિયાથી લેવડદેવડ શરૂ થતા લગભગ 26 અબજ ડોલર દેશ બહાર નીકળતા બચી શકશે .
આમ, આ સારું પગલું છે. વિશ્વમાં રૂપિયાથી વ્યવહાર વધશે પરંતુ વધુ ફળ તોશલાંબા ગાળે મળશે. અત્યારે તો ડોલર રાજા છે. વિશ્વ વ્યાપારમાં રૂપાંતર થતાં સમય લાગશે.
આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેટલમેન્ટ પદ્ધતિનો કઈ રીતે થશે અમલ
ભારતને કંઈ આયાત કરવું હોય તો પહેલાં રૂપિયાને ડોલરમાં રૂપાંતરિત કરવું પડે , એ પછી અમેરિકા હોય તો ઠીક નહીં તો એ ડોલર પછી યુરો કે અન્ય વેચનાર દેશના ચલણમાં રૂપાંતરિત થાય. આમ, બંને પક્ષો વચ્ચે ડોલર આવે છે. વળી , સોદા દરમિયાન ભાવ વધઘટનું જોખમ તો ખરું જ.
હવે બિલિંગ રૂપિયામાં થશે અને એ માટે સામેના પક્ષે વોસ્ત્રો એકાઉન્ટ ખોલવું પડશે . જેની સાથે વ્યવહાર થવાનો છે એ દેશની બેંક ભારતની ઓથોરાઇઝર ડીલર બેંકમાં ખાતું ખોલશે. ( દા. ત. એસબીઆઈમાં એચએસબીસીનું બેંકનું વસ્ત્રો એકાઉન્ટ હશે). ભારતીય બેંકમાં વિદેશી કંપનીના નાણાં હશે. જ્યારે ભારતીય આયાતકાળ ચુકવણી કરવા માંગે ત્યારે એટલા નાણા તેમાં જમા થશે અને ભારતનો નિકાસકાર એ જ રીતે વોસ્ત્રો એકાઉન્ટમાંથી ભારતીય રૂપિયામાં જ નાણા મેળવશે.
No comments:
Post a Comment