કચ્છ કુદરતી ઉર્જા 2.0 ;
હરણફાળ ભરવા કીક સ્ટાર્ટ
કચ્છમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રની બીજી ઇનિંગ 'વિઘ્ન દોડ' પછી જાણે 'લાંબી કુદ' બનશે : પર્યાવરણીય અનિવાર્યતાથી ભારત અને ગુજરાત સરકારે ઊચું લક્ષ્ય અંકિત કર્યું છે અને અનુકૂળ પરિબળોથી કચ્છનો તેમાં સિંહફાળો રહેશે નિશ્ચિત છે : લક્ષ્ય સિધ્ધ કરવું હશે તો છેલ્લા બે દાયકામાં કચ્છમાં જેટલી ઉત્પાદન ક્ષમતા સ્થાપિત થઈ તેનાથી પાંચ ગણી ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ઊભી કરવી પડે એમ છે અને એ રણમાં મેગા એનર્જી પાર્કના શિલાન્યાસ પછી રીલાયન્સ, અદાણી અને એનટીપીસી જેવી કંપનીઓની અબજોના મૂડીરોકાણોણી જાહેરાતો થકી ઉજળું ચિત્ર ઊભું કરે જ છે
રણ, ડુંગર, દરિયાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને તેમાં પણ
ઓછો વરસાદ અને સૂસવાટા મારતા પવનો ને સાથે સાથે ઊંચું તાપમાન. આ બધું કુદરતી ઊર્જા દ્વારા વીજળી ઉત્પાદન માટે અનુકૂળ છે. જેનું ધ્યાન આમ તો માંડવીમાં પ્રાયોગિક
ધોરણે પવનચક્કી સ્થપાઇ ત્યારથી ગયું છે, પરંતુ ૨૦૦૧ પછી ખાનગી કંપનીઓનું ઝડપભેર કચ્છમાં આગમન થયું અને રીન્યુએબલ ઉર્જા ક્ષેત્ર
ભારતનું હબ ગુજરાત બનવા જઈ રહ્યું છે અને કચ્છનો તેમાં સિંહફાળો છે. મોટેભાગે પવન ઉર્જા તેમજ સૂર્ય આધારિત ઉર્જાના એકમોના આગમનને આમ તો કચ્છમાં
બે દાયકા થયા અને છેલ્લા પાંચ-છ વર્ષમાં પવનચક્કી
સામે ઉગ્ર બનેલા સ્થાનિક વિરોધ વચ્ચે નવી ક્ષમતા સ્થાપવાની ગતિ મંદ પડી. પણ, બે વર્ષ પહેલાં વડાપ્રધાનના હસ્તે થયેલા પાકિસ્તાનને જોડતા સરહદી વિસ્તારમાં ખાવડા નજીક ૩૦ ગીગાવોટના વિશ્વના
સૌથી મોટા હાઇબ્રીડ (પવન અને સોલાર ઉર્જા બંને) પાર્કના શીલાન્યાસ
અને ટોચના ખાનગી જૂથોના રોકાણની જાહેરાતે આ ક્ષેત્રે ફરી નવું પરિમાણ ઉમેર્યું છે અને
હવે રિન્યુએબલ એનર્જી 0.2, એટલે કે આ બીજી ઇનિંગમાં કચ્છ એક મોટી
છલાંગ લગાવવા સજ્જ છે.
વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જ એક મોટી સમસ્યા છે અને પૃથ્વીના પર્યાવરણને બચાવવા
કાર્બન ઉત્સર્જન કરતાં વીજ મથકો પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં કામ ચાલી રહ્યું છે
ત્યારે ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં 500 ગીગાવોટનું
ઊંચું લક્ષ્ય નિર્ધારિત કરી નાખ્યું છે. જેમાં ગુજરાતે પણ
તેની ખાસ બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓથી ૨૦૩૦ સુધીમાં ૬૧ ગીગાવટનું
લક્ષ્ય મૂકી દીધું છે. ગુજરાતના આ લક્ષ્યમાં
અદાણી અને રિલાયન્સ જૂથે અબજોનું રોકાણ કરવાની જાહેરાત કરીને મહત્વનું યોગદાન આપવા
તૈયારી બતાવી છે. બીજીબાજુ, કચ્છ હવામાનની સાથે સાથે વિશાળ
જમીન ઉપલબ્ધિનું પણ મહત્વનું હકારાત્મક પરિબળ ધરાવે છે. આમ, કચ્છ કુદરતી ઊર્જા ક્ષેત્રે જાણે વિઘ્ન દોટ પછી હવે લાંબી દોટ માટે 'કીક સ્ટાર્ટ'ના તબક્કે ઉભું છે. દેશના કુલ કુદરતી ઉર્જાથી વીજળી ઉત્પાદનમાં ગુજરાતનો હીસ્સો લગભગ ૧૩ ટકા છે
અને ગુજરાત સૌથી વધુ ગ્રીન ઉર્જાથી વીજળી ઉત્પાદન કરનારા રાજ્યોમાં દેશમાં ૨૦૧૭ના ગાળામાં
છઠ્ઠા ક્રમે હતું તે હવે ઝડપથી આગળ વધીને હવે બીજા ક્રમે આવી ગયું છે, જ્યારે ગુજરાતના કુલ રીન્યુએબ ઉર્જાથી ઉત્પાદનના લગભગ ત્રીજા ભાગનો ફાળો કચ્છ
આપે છે.
ગુજરાત એનર્જી એન્ડ પેટ્રોલકેમિકલ્સ વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં
માર્ચ-૨૦૨૨ના પૂરા થતા નાણાકીય વર્ષમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા
૯૨૦૯ મેગાવોટ હતી, સોલારની ૭૧૮૦ મેગાવટ અને અન્ય લગભગ ૨૦૦ મેગાવોટ
મળીને ગુજરાતની રીન્યુએબલ માધ્યમથી અંદાજે કુલ ૧૬,૫૦૦ મેગાવોટ
વીજળી ઉત્પાદનની છે. જ્યારે ભારતમાં રિન્યુએબલ એનર્જીના માધ્યમથી
લગભગ ૧.૫૦ લાખ મેગાવોટથી વધુ પરંપરાગત કે રીન્યુએબલ ઊર્જાના માધ્યમથી
વીજળી પેદા થાય છે. કચ્છમાં અત્યારે લગભગ ૭૦૦૦ મેગાવોટથી વધુની
સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ગોઠવાઈ ચૂકી છે. જેમાં સૂર્ય ઉર્જા ઉત્પાદન
૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. બાકી મહદંશે પવનચક્કી દ્વારા વીજળી
પેદા થાય છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે ૨૦૩૦ સુધીમાં રિન્યૂએબલના
માધ્યમથી જે ૬૧,૪૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત
કર્યું છે, તેમાં ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ મેગાવોટનો હિસ્સો કચ્છ પાસેથી અપેક્ષાનો છે. આમ, આ લક્ષ્ય હાંસિલ કરવું હશે તો કચ્છમાં અત્યારે છે તેનાથી આગામી આઠ વર્ષમાં
લગભગ પાંચ ગણી ક્ષમતા વધારવી પડશે. જે છેલ્લા બે-ત્રણ વર્ષોમાં થયેલી જાહેરાતો, જેમ કે, કચ્છમાં વિશ્વનો સૌથી મોટા ઉર્જા પાર્ક અને અદાણી, એનટીપીસી, રિલાયન્સ જેવી કંપનીઓના અબજોના આવી રહેલા રોકાણ પરથી સ્પષ્ટ દેખાય છે.
કચ્છમાં એનર્જી ક્ષેત્રે પાંચ ગણી ક્ષમતા વધશે એમ નવા રોકાણોની જાહેરાત પરથી
પણ માની શકાય છે. દેશના ઉપલબ્ધ આંકડા મુજબ ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોકાણમાં વર્ષ
૨૦૨૧ દરમિયાન ૧૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને વધીને તે ૧૪.૫
ડોલર સુધી પહોંચ્યું છે. આ રોકાણોમાં મુખ્ય હિસ્સો અદાણી અને
રિલાયન્સનો છે. ભારતમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધવામાં પણ
ઝડપ ઘણી છે. વિશ્વમાં ૧૧ ટકાના દરે ગ્રીન એનર્જી ઉત્પાદન વધે
છે, જ્યારે ભારતમાં ૧૫.૪ ટકાના દરે વધ્યું
છે. રોકાણોની વાત કરવામાં આવે તો રિલાયન્સે જાહેરાત કરી છે કે
ભારતમાં ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદન કરશે.
જામનગરમાં કંપનીએ કોમ્પલેક્ષનું કામ ચાલુ કરી દીધું, સાથે સાથે
સરકાર પાસે કચ્છ, બનાસકાંઠા કે ધોલેરામાં મળીને ૪.૫ લાખ એકર જમીન માગી છે. અદાણી ગ્રૂપ ભારતનું સૌથી મોટું
સોલાર સેલ મોડ્યુલર ઉત્પાદક બનીને તેની ક્ષમતા ૧.૫ ગીગાવોટથી
વધારીને ૩.૫ ગીગાવટ કરવા માંગે છે. અત્યારે
પણ તે મુન્દ્રામાં સોલાર સાધનોનું ઉત્પાદન કરતું વિશાળ કોમ્પ્લેક્સ ધરાવે છે. કચ્છના રણમાં દોઢ લાખ કરોડના રોકાણ સાથે વીઘાકોટ ખાતે હાઈબ્રીડ પાર્કનું કામ
માર્ગોના નિર્માણ અને માળખાકીય સુવિધા ઊભી કરવા સાથે ગતિમાં જ છે. જેનો તાજેતરમાં ગુજરાત પાવર કોર્પોરેશને અહેવાલ પણ જારી કર્યો હતો.
એનટીપીસી ભારતનો સૌથી મોટો ૪૭૫૦ મેગાવટનો કચ્છમાં ખાવડા નજીક પાર્ક સ્થાપી
રહ્યું છે. જેમાં ૨૫૦૦૦ કરોડ રોકશે અને પ્રથમ તબક્કામાં ૧૨૫૫ના
સોલાર પીવી પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ બહાર પાડી નાખ્યા છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીકસીટી કોર્પોરેશન લિમિટેડ પાનધ્રોમાં ૧૫ મેગાવોટનો
વિન્ડ પાવર પ્રોજેક્ટ ઊભો કરી રહ્યું છે અને એ માટે બીડ પણ મંગાવી છે. આ પ્રોજેક્ટ
માટે ટેન્ડર પણ બહાર પડી ચૂક્યું છે. અદાણી જૂથે કચ્છ કોપર લિમિટેડની
સ્થાપના કરીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાયક સાધનોના ઉત્પાદનમાં ૬૦૭૧ કરોડના રોકાણની
જાહેરાત કરી છે. વધુમાં, આ ગ્રુપે મુન્દ્રામાં
ફ્રાન્સની ટોટલ એનર્જી લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે અને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન
(સ્વચ્છ પાણીમાં પ્રક્રિયાથી વીજળી ઉત્પાદન) સિસ્ટમ ઊભી કરવાની જાહેરાત કરી છે. અત્યારે અદાણી જૂથ
બિટ્ટા અને ખીરસરા ખાતે ૨૯૦ મેગાવટની સોલાર અને ૬૩૫ મેગાવોટની મુન્દ્રા, દયાપર, માંડવી ખાતે વિન્ડ ફાર્મથી ઊર્જા ઉત્પાદન ક્ષમતા
ધરાવે છે. જ્યારે સુઝલોન ગ્રુપ તો ખાનગી ક્ષેત્રમાં કચ્છમાં સૌથી
પ્રથમ પગરણ કરનારું જૂથ છે અને કચ્છમાં અલગ અલગ સ્થાનો સહિત મુખ્યત્વે નાની સિંધોડી, જખૌ, માંડવીનો કાંઠાળ વિસ્તાર મળીને લગભગ ૧૫૦૦ મેગાવટથી વધુની ઉર્જા ઉત્પાદન
ક્ષમતા ધરાવે છે. આ સિવાય આઈનોક્સ, રીન્યુ
પાવર, ગામેશા સહિતની કંપનીઓનું પણ અહીં રોકાણ છે અને એ બધી ક્ષમતા
વધારવાના તબક્કે છે. આમ, કચ્છમાં છેલ્લા
બે દાયકામાં જેટલી વૈકલ્પિક ઉર્જા ક્ષમતા સ્થાપિત થઈ તેનાથી પાંચ ગણી વીજળી ઉત્પાદનની
ક્ષમતાનું સરકારનું લક્ષ્ય છે અને તેમાં કંપનીઓ એક પછી એક તબક્કે આગળ વધી રહી છે. આમ, કચ્છની રિન્યુએબલ ક્ષેત્રની બીજી ઇનિંગ 'પાર્ટ-ટુ'ની શરૂઆત થઈ ચૂકી છે અને
એક મોટી મોટી હરણફાળ ભરવા માટે કચ્છ સજ્જ છે.
No comments:
Post a Comment