Tuesday, 26 July 2022

Wind power is not entirely green, As claimed... Kutch's unique ecosystems suffer.

પવન-સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન પૂરું કુદરતી તો નથી જ :
કચ્છની આગવી 'ઓપન ઇકોસિસ્ટમ'ને પહોચે છે નુકસાન

 

વિશ્વમાં પર્યાવરણની અત્યંત વિકટ સ્થિતિ વચ્ચે ભારત બધા દેશોની સાથે આક્રમક રીતે આગળ વધે છે. તેમાં પણ ગુજરાત અને કચ્છની અગ્રિમ ભૂમિકા છે. કારણકે પવન અને સુર્ય ઉર્જા ઉત્પાદન માટે કચ્છ હવામાનની રીતે તો અનુકૂળ છે જ સાથે વિશાળ જમીન ઉપલબ્ધ છે. બે દાયકાથી કચ્છમાં પવન અને સૂર્ય ઊર્જા ઉત્પાદન તેમજ તેના સાધનોના ઉત્પાદનના પ્રોજેક્ટ સ્થપાયા છે અને નવા પ્રોજેકટની જાહેરાતો પણ થઈ રહી છે. પણ એ મહત્વનું છે કે પરંપરાગત કે વૈકલ્પિક ઉર્જાના નામે ઓળખાતી આ વીજ ઉત્પાદન પદ્ધતિ ગ્રીન ઉર્જા કહેવાય છે, પણ એ પૂર્ણપણે ગ્રીન કે કુદરતી તો નથી જ. હવે આ પદ્ધતિના ઘણા નુકસાન બહાર આવી રહ્યા છે. પ્રારંભમાં આ પવનચક્કીઓના નવા પ્રોજેક્ટને આવકાર મળતો હતો પરંતુ તેના અસલી વાસ્તવિક પરિણામો દેખાવા લાગ્યા છે. કચ્છને ઘણું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે કચ્છની પોતાની આગવી 'ઓપન નેચરલ ઇકો સિસ્ટમ' છે. ભલે, વરસાદ ઓછો અને ' બિનઉપજાઉ જમીન' કે 'વેસ્ટલેન્ડ' ગણાવીને નવા નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કૃષિ અને પશુપાલન આધારિત આ ક્ષેત્રની આ 'વેસ્ટલેન્ડ' ગણાવતી જમીનમાં દેશી સૂકું ઘાસ છે. દેશનું સૌથી મોટું 'કાંટાળુ વન' છે. જે પશુ-પક્ષીઓ માટે અનુકૂળ આરોગ્ય પર્યાવરણ ઊભું કરે છે. અહી માનવી કરતાં પશુઓની વસ્તી વધુ છે.  પણ,  કચ્છના ઘણા માલધારીઓને અત્યારે ચરિયાણ પ્રદેશ છોડવો પડી રહ્યો છે. કચ્છ 'મધ્ય એશિયાઈ ફ્લાય વે'નો પણ ભાગ છે અને લાખો પક્ષીઓનો વસવાટ છે.  જેમાં સેંકડો પ્રજાતિ તો લુપ્તતાના આરે પહોંચી ગઈ છે.

કુદરતી ઊર્જામાં મુખ્યત્વે પવનચક્કી અને સોલાર પેનલો પાથરીને વીજળી ઉત્પાદન કરાય છે. ભલે કોલસાનું બળતણ કે ધુમાડો કાર્બન ઉત્સર્જન નથી થતો, પરંતુ પવનચક્કીના ગેરફાયદા માત્ર ઇકોલોજીકલ જ નહીં પણ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે પણ ઘણા છે. જે વાસ્તવિક અમલીકરણ પછી હવે દેખાઈ રહ્યા છે.  છેલ્લા એક દાયકામાં જ્યાં જ્યાં પવનચક્કીની અમર્યાદિત સંખ્યા થઈ, તેની આસપાસના ગામોમાંથી આક્રમક વિરોધ બહાર આવતો આપણે જોયો છે. પવનચક્કીમાં ખાસ કરીને પક્ષી જગત, ગૌચર જમીનને સૌથી વધુ જફા પહોંચી છે. પવનચક્કીમાંથી ઉત્પાદિત વીજળીના પરિવહન માટે કચ્છભરમાં ખાસ કરીને માંડવી,  ભચાઉ,  અબડાસા, નખત્રાણા તાલુકાઑ અને કાંઠાળ ક્ષેત્રમાં ટ્રાન્સફોર્મરોનો ખડકલો વધી ગયો છે, જે પક્ષી સૃષ્ટિનો શોથ વાળે છે. રાષ્ટ્રીય પક્ષી મોર કે કોઈ અલભ્ય જાતિનું પક્ષી મૃત્યુ પામે ત્યારે અખબારનું મથાળું બને છે.  પરંતુ કચ્છમાં દર વર્ષે હજારો નાના મોટા પક્ષીઓનો જીવ આ ટ્રાન્સમિશન લાઈનો અને પવનચક્કીના પાંખડા લઈ રહ્યા છે. દરેક કંપનીને સ્થાપના પહેલાં એન્વાયર્નમેંટ એસેસમેંટ પ્રક્રિયામાથી પસાર થવું પડે છે, પરંતુ આ ગ્રીન ઉર્જા પ્રોજેકટોને ઘણી છૂટછાટ છે. પણ નકારાત્મક અસરો દેખાયા બાદ હવે તેની સામે સવાલો ખડા થઈ રહ્યા છે. જેમ કે, બે વાયર વચ્ચે અઢી મીટરનું અંતર રાખવાના નિયમનું કેટલીક કંપનીઓ પાલન નથી કરતી, તેમાં પક્ષી મૃત્યુ દર વધે છે.  

બીજું, કચ્છમાં એક તો ગૌચર જમીન ઓછી છે અને તેમાં આ પવનચક્કીઓના કારણે ઘટાડો થઈ રહ્યો છે.  ગામલોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે પવનચક્કીની કંપનીઓ વેસ્ટલેન્ડ તરીકે જે જમીન મંજૂર કરાવે છે, તે હકીકતમાં ગૌચર છે. સરકારને રજૂઆત કરી તો કહે છે કે નવા પ્રમોલગેશન મુજબ હવે આ જમીન વેસ્ટલેન્ડ છે. પવનચક્કીઓથી અવાજનું પણ પ્રદૂષણ ઉભું થાય છે. કેટલીક પવનચક્કી ઘર કે શાળાઓની નજીક હોવાની પણ એક ફરિયાદ બહાર આવી હતી. જેનાથી એ ઘરના ભાવ ઘટી ગયા છે. મકાનમાલિક વેચી શકતા નથી, અવાજમાં શાળાઓના બાળકો ભણી શકતા નથી. વળી, પવનચક્કીને પસાર કરવી હોય તો રસ્તા મોટા જોઈએ. રસ્તા નાના હોય તો પહોળા કરવા ગાંડા બાવળના નામે મીઠા ઝાડનો પણ સોથ વાળી નખાતો હોવાનીય ફરિયાદો ઉઠી ચૂકી છે.

કચ્છમાં વરસાદ ઓછો, તાપમાન ઊંચું અને જમીન વિશાળ છે, જે સોલાર ઉર્જા માટે અનુકૂળ પરિબળ છે. આથી સંખ્યાબંધ પ્રોજેક્ટ આવી રહ્યા છે. જોકે, સોલાર એનર્જીમાં પણ પૂર્ણ 'ગ્રીન એનર્જી'ના દાવા સામે ઘણા મુદ્દે સવાલ ઉભા થાય છે. કચ્છમાં હજુ પવનચક્કીની જેમ મોટું માળખું ઊભું નથી થયું. પરંતુ સોલારના રાષ્ટ્રીય અને વિશ્વસ્તરીય પ્રોજેક્ટ આવી રહ્યા છે. જેની અસરો ચકાસવી હોય તો બનાસકાંઠાના ચારણકાના દેશના સૌથી મોટા અને દસ વર્ષ પહેલાં ઉભા થઈ ચૂકેલા સોલાર પ્રોજેક્ટનો દાખલો ઉત્તમ છે. એ સાચું છે કે અહીં સૂર્યથી ઉર્જા ઉત્પાદન વધ્યું છે, પરંતુ જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે રોજગારીનોં દાવો કરાયો હતો એવું કાંઈ ન થયું. એક અહેવાલમાં ગામલોકોને ટાંકીને ઉલ્લેખ કરેલો છે કે ૧૦૦૦ જણને રોજગારી મળશે તેઓ દાવો કરાયો હતો. જેની સામે વાસ્તવિક પ્રોજેક્ટ આવ્યા પછી ગામના ૬૦ લોકોને સિક્યુરિટીના કામમાં નોકરી મળી. ટ્રાન્સમિશન લાઈનોથી તો પવનચક્કી જેવું જ નુકસાન છે એ અલગ.

પક્ષીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી ૨૦૧૮માં 'પાવર લાઈન મિટીગેશન રિપોર્ટ' જાહેર થયો હતો અને તેમાં પક્ષીની સાઈડવેવ દૃષ્ટિના લીધે પક્ષી વીજલાઈન સાથે અથડાઈને મૃત્યુ પામે છે તેવું તારણ બહાર આવ્યું હતું. જેમાં અલભ્ય 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ'ના પણ જીવ જતા હોવાની આંકડા સાથે નોંધ છે. ૨૦૧૯માં રાજસ્થાનથી કેસ દાખલ થયો હતો કે, રાજસ્થાન અને ગુજરાતમાં વધુ પવનચક્કીઓને મંજૂરી ન મળે. આ પછી એપ્રિલ-૨૦૨૧માં એક કેસમાં સુપ્રીમે હુકમ આપ્યો હતો કે વર્તમાનની લો વોલ્ટેજની લાઈનો જમીનમાં (અંડરગ્રાઉન્ડ) નાખવામાં આવે. આ ચુકાદાને સોલાર-વિન્ડ કંપનીઓના એસોસિએશને પડકાર્યો હતો. ૨૦૧૩માં કચ્છના ખડીર વિસ્તારમાં સુરખાબના રક્ષણ માટે ગેટકોએ આ કામ કરેલું છે. બીજીબાજુ, ખાનગી કંપનીના સૂત્રો આ મામલે નામ ન આપવાની શરતે કહે છે કે વીજલાઈન જમીનમાં લઈ જવી એ ખૂબ જ ખર્ચાળ છે. વળી વરસાદમાં તેનું જોખમ વધી જાય છે. સુપ્રીમે વાયરોને 'ઇન્સ્યુલેટેડ' કરવા એટલે કે વાયરની ફરતે શોક ન લાગે તેવું આવરણ ચડાવવાનો પણ હુકમ કર્યો છે, પરંતુ તેમાં તેમાંય ઘણો ખર્ચ છે. જોકે, જે ગામમાં રોષ વધતો જાય છે તે ગામોમાં કંપનીએ મર્યાદિત પ્રમાણમાં વાયરોને આ રીતે રક્ષિત કર્યા છે. પર્યાવરણવાદીઓ કહે છે કે, વનખાતાની બર્ડગાડ,  રિફ્લેક્ટર્સ લગાડવાની સૂચનાઓનું પણ કમસેકમ પાલન થવું જોઈએ. નહીં તો કચ્છના પક્ષીજગતને ન સુધારી શકાય તેવું નુકસાન પહોંચશે.

ખાસ કરીને જિલ્લાના કાંઠળ વિસ્તારમાં પવનચક્કીઓય ઘણી છે. કેન્દ્ર સરકાર છેલ્લા અંદાજ મુજબ સમગ્ર જિલ્લામાં લગભગ ૨૧૦૦ જેટલી પવનચક્કી લાગી ચૂકી છે અને હજુ વધી રહી છે. પણ, કેન્દ્ર સરકાર કચ્છમાં પરંપરાગત ઉર્જા માળખાને આગળ વધારતાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ ( વિન્ડ-સોલાર) એનર્જી પાર્કને ખાવડા નજીક રણમાં ઉભો કરવાની યોજનામાં આગળ વધી રહી છે. જેની પાછળનો એવો તર્ક સમજાય છે કે ગામલોકોની વસ્તી અને ગૌચર નજીક પવનચક્કીના કારણે ઊભો થયેલો રોષ પણ હળવો થાય અને વિશાળ જમીનનો ઉપયોગ પણ થાય. ભલે, રણમાં માનવ વસ્તી નથી પણ તેની ખુલ્લી કુદરતી-  'ઓપન નેચરલ ઈકોસિસ્ટમ' છે જ. જેને જફા પહોંચવાનું તો જોખમ છે. આ પાર્કની બાજુમાં એશિયાનું સૌથી મોટું સુરખાબ પક્ષીનું પ્રજનન સ્થળ છે, જે ખોરવાશે. વિદેશી મહેમાન સમાન આ પક્ષીઓની હજારો વર્ષ જૂની આ પર્યાવરણીય પરંપરા તૂટી ન પડે એ હવે સરકાર અને ખાનગી કંપનીએ જોવું પડશે અને પર્યાવરણવાદીઓએ વધુ જાગૃતિથી અવાજ ઉઠાવવાનો સમય આવ્યો છે.

No comments:

Post a Comment